પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 16મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લીધો. 16મા પૂર્વ એશિયન શિખર સંમેલનના યજમાન તરીકે બ્રૂનેઈ ઈએએસ અને આસિયાન અધ્યક્ષ સ્વરૂપે રહ્યું હતું. તેમાં આસિયાન દેશો અને ઓસ્ટ્રેલિયા. ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, રશિયા, અમેરિકા અને ભારત સહિત અન્ય ઈએએસમાં સામેલ દેશોના નેતાઓની સહભાગિતા જોવા મળી. ભારત ઈએએસનું સક્રિય સહભાગી રહ્યું છે. આ પ્રધાનમંત્રીનું સાતમુ પૂર્વ એશિયા શિખર સંમેલન હતું.
શિખર સંમેલનમાં પોતાની ટિપ્પણીમાં, પ્રધાનમંત્રીએ ભારત-પ્રશાંતમાં મુખ્ય નેતાઓના નેતૃત્વવાળા મંચ તરીકે ઈએએસના મહત્વની પુષ્ટિ આપી હતી કે જેથી મહત્વની વ્યૂહાત્મક મુદ્દાઓ પરની ચર્ચા કરવા માટે રાષ્ટ્રોને એક સાથે લાવી શકાય. પ્રધાનમંત્રીએ રસી અને મેડિકલ સપ્લાઈઝના માધ્યમથી કોવિડ-19 મહામારી સામે લડવા ભારતના પ્રયાસો પર પ્રકાશ ફેંક્યો હતો. પ્રધાનમંત્રીએ મહામારી પછીની રિકવરી માટે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન વિશે પણ જાણકારી આપી. તેમણે અર્થવ્યવસ્થા અને ઈકોલોજી તથા સ્થાયી હવામાન સંલગ્ન જીવનશૈલી વચ્ચેના સંતુલનની સ્થાપના પર ભાર મૂક્યો હતો.
16મા ઈએએસમાં ભારત-પ્રશાંત, દક્ષિણ ચીન સાગર, યુએનસીએએલઓએસ, આતંકવાદ અને કોરિયન દ્વિપકલ્પ અને મ્યાંમારની સ્થિતિ સહિત મહત્વપૂર્ણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રીએ ઈન્ડો-પેસિફિકમાં ‘આસિયાન કેન્દ્રીયતા’ અંગે સમર્થન આપ્યું અને આસિયાન આઉટલૂક ઓન ઈન્ડો-પેસિફિક (એઓઆઈપી) તથા ભારતના ઈન્ડો-પેસિફિક ઓશન્સ ઈનિશિયેટિવ (આઈપીઓઆઈ) વચ્ચે તાલમેલ પર પ્રકાશ ફેંક્યો.
ઈએએસ નેતાઓએ માનસિક આરોગ્ય, પ્રવાસનના માધ્યમથી આર્થિક સુધારા અને સાતત્યપૂર્ણ રિકવરી પરના ત્રણ નિવેદનોને સ્વીકાર્યા, જે ભારત દ્વારા સહ-પ્રાયોજિત કરવામાં આવ્યા છે. બધુ મળીને, શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી અને અન્ય ઈએએસ નેતાઓ વચ્ચે વિચારોનું ફળદાયી આદાનપ્રદાન થયું.