કેન્યાના વડાપ્રધાન શ્રીયુત રાયલા ઓડિન્ગા અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વચ્ચે ફળદાયી પરામર્શ બેઠક
ગુજરાત અને કેન્યા વચ્ચે સહભાગીતાનું વ્યાપક ફલક વિસ્તરશે
કેન્યા અને ગુજરાત વિકાસના સહયોગી
આફ્રિકન દેશ કેન્યાના વડાપ્રધાન શ્રીયુત રાયલા અમોલો ઓડિન્ગા (Mr. RAILA AMOLO ODINGA) એ આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નેરન્દ્રભાઇ મોદી સાથે સૌજ્ન્ય મૂલાકાત કરીને કેન્યા અને ગુજરાત વચ્ચે આર્થિકઔદ્યોગિક અને શૈક્ષણિક સંબંધો વધુ વ્યાપક ફલક ઉપર વિકસાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.
શ્રીયુત રાયલા ઓડિન્ગા આજે સવારે મુંબઇથી ગાંધીનગર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને લગભગ એક કલાક સુધી સૌજ્ન્ય બેઠકમાં ગુજરાત અને કેન્યા વચ્ચેના પારસ્પરિક સહભાગીતાના ક્ષેત્રો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ બેઠકમાં મોમ્બાસાના ઉદ્યોગપતિ મોહમદ જફર, જે.આર.કોફ અને વડાપ્રધાનના સ્પેશિયલ એડવાઇઝર અહેમદ કાસીમ પણ ઉપસ્થિત હતા.
મુખ્યમંત્રીશ્રીએ તેમની ર૦૦૮ની કેન્યાની ઉચ્ચ સ્તરીય ગુજરાત ડેલીગેશનની મૂલાકાત અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટર૦૦૯માં કેન્યાના વડાપ્રધાનના નેતૃત્વમાં આવેલા કેન્યા ડેલીગેશનના પ્રવાસની ફલશ્રુતિરૂપે ગુજરાત અને કેન્યા વચ્ચે સહયોગના ક્ષેત્રો વિકસાવવાની નવી ક્ષિતિજોએ આકાર લીધો છે, એમ જણાવી આગામી જાન્યુઆરીર૦૧૩ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવાનું નિમંત્રણ આપ્યું હતું. કેન્યામાં આગામી માર્ચ મહિનમાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી યોજાવાની છે તેમાં શ્રીયુત રાયલા ઓડિન્ગા પણ ઉમેદવાર છે.
શ્રીયુત ઓડિન્ગાએ ગુજરાતના વિકાસની ભૂમિકા અને વિશેષ કરીને ગેસપેટ્રોલિયમ, સોલાર એન્ડ વિન્ડ એનર્જી, ડાયમંડ સહિત ખાણખનીજ, એગ્રો પ્રોસેસિંગ એન્ડ ફર્ટિલાઇઝર્સના ક્ષેત્રોમાં કેન્યા અને ગુજરાત વચ્ચે સહભાગીતાનું ફલક વિકસાવવામાં રસ દાખવ્યો હતો. આ ઉપરાંત યુવાનોના કૌશલ્ય નિર્માણ, એલ.એન.જી. ટર્મિનલ, પાવરએનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચરના વિષયો અંગે પરામર્શ કર્યો.
કેન્યા પણ ઇન્ફરમેશન ટેકનોલોજીના નેટવર્કમાં ગુજરાત સાથે ટેલીમેડિસીનનો સુપર સ્પેશિયાલીટી પ્રોજેકટ કરી શકે છે અને ગુજરાત જે રીતે સ્પેશિયલ યુનિવર્સિટી એજ્યુકેશન દ્વારા માનવશકિત વિકાસના ક્ષેત્રોમાં વિશ્વભરની યુનિવર્સિટીઓ સાથે સહયોગનું ફલક વિકસાવી રહયું છે તેમાં કેન્યા અને ગુજરાત વચ્ચે યુનિવર્સિટી એજ્યુકેશનનો ઘણો વિશાળ અવકાશ છે એમ કેન્યાના પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગુજરાત અને કેન્યામાં કપાસ ઉત્પાદન અને ટેક્ષ્ટાઇલ ગારમેન્ટના ઔદ્યોગિક વિકાસ માટેના સહયોગ સંદર્ભમાં સેન્ટર ઓફ એકસેલન્સ ફોર કોટન રિસર્ચ એન્ડ ટેક્ષ્ટાઇલ સ્થાપવા માટે મુખ્યમંત્રીશ્રીએ કરેલા સૂચનને પણ શ્રીયુત ઓડિન્ગાએ આવકાર્યું હતું. ગુજરાતમાં ધોલેરા SIR અને GIFT સિટી જેવા વિશ્વસ્તરના ન્યુ સિટીનું નિર્માણ થઇ રહર્યું છે તેની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
આ પ્રસંગે ઉદ્યોગના અગ્રસચિવશ્રી મહેશ્વર શાહુ, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી કે. કૈલાસનાથન, અધિક અગ્રસચિવશ્રી જી. સી. મુર્મુ, સચિવશ્રી એ. કે. શર્મા, સામાન્ય વહીવટના અગ્ર સચિવશ્રી કે. શ્રીનિવાસન અને ઇન્ટેક્ષ્ટબી ના શ્રી મૂકેશ કુમારે ભાગ લીધો હતો.