જમૈકાનાંમહામહિમ પ્રધાનમંત્રી એન્ડ્રૂ માઇકલ હૉલનેસ ઓ.એન., એમ.પી.એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને લોકસભાની ચૂંટણીમાં તેમનાં પક્ષનાં ઐતિહાસિક વિજય પર અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ અભિનંદન બદલ શ્રી હૉલનેસ અને એમનાં અગાઉ પ્રાપ્ત થયેલા અભિનંદન પત્ર પર આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત જમૈકા અને સંપૂર્ણ કેરિબિયન ક્ષેત્ર સાથેનાં સંબંધોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, ચાલુ વર્ષની શરૂઆતમાં કેરિકોમ (CARICOM) ડેવલપમેન્ટ ફંડનાં ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ પાર્ટનર બનવાનો ભારતનો નિર્ણય એ ક્ષેત્ર સાથે ગાઢ આર્થિક સંબંધો સ્થાપિત કરવાનાં ઉદ્દેશથી પ્રેરિત છે.
પ્રધાનમંત્રી હોલનેસે ભારતનાં જમૈકા અને કેરેબિયન સાથેનાં સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવાનાં પ્રધાનમંત્રી મોદીનાં અભિગમને આવકાર આપ્યો હતો. તેમણે પણ ભારપૂર્વક પારસ્પરિક હિતોનાં તમામ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેનાં સંબંધોને વધારે મજબૂત કરવા પ્રધાનમંત્રી મોદી સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેમાં જળવાયુ પરિવર્તનથી ઊભા થયેલા પડકારોનું અસરકારક સમાધાન સામેલ છે.