ઈ-રૂપિ વાઉચરથી લક્ષિત, પારદર્શી અને લીકેજ મુક્ત વિતરણમાં સૌને મદદ મળશે: પ્રધાનમંત્રી
ઈ-રૂપિ વાઉચર ડીબીટીને વધારે અસરકારક બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે અને ડિજિટલ ગવર્નન્સને એક નવું પરિમાણ આપશે: પ્રધાનમંત્રી
ગરીબોને મદદ કરવા અમે ટેકનોલોજીને એક સાધન, એમની પ્રગતિ માટેના એક સાધન તરીકે જોઇએ છીએ: પ્રધાનમંત્રી

નમસ્કાર,

આજે આ મહત્વના કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી જોડાયેલા તમામ રાજ્યપાલ મહોદયો, લેફ્ટેનન્ટ ગવર્નરો, કેન્દ્રના મંત્રી મંડળના મારા સાથીદારો, રિઝર્વ બેંકના ગવર્નર, રાજયોના મુખ્ય સચિવો, અલગ-અલગ ઔદ્યોગિક સંગઠનો સાથે જોડાયેલા સાથીઓ, સ્ટાર્ટઅપ, ફીનટેકની દુનિયા સાથે જોડાયેલ મારા યુવા સાથીદારો, બેંકોના વરિષ્ઠ અધિકારીઓ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

આજે દેશ ડિજીટલ વ્યવસ્થાને એક નવું પાસું આપી રહ્યો છે. e-RUPI વાઉચર ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફરને વધુ પ્રભાવશાળી બનાવવામાં ખૂબ મોટી ભૂમિકા નિભાવવાનું છે. તેનાથી લક્ષિત, પારદર્શક અને લીકેજ ફ્રી ડિલીવરીમાં તમામને મોટી મદદ મળશે. 21મી સદીનું ભારત આજે કેવી રીતે આધુનિક ટેકનોલોજીની મદદથી આગળ ધપી રહ્યું છે, ટેકનોલોજીને લોકોના જીવન સાથે જોડી રહ્યું છે તેનું e-RUPI એક પ્રતિક છે અને મને એ વાતનો આનંદ છે કે આ શરૂઆત એવા સમયે થઈ રહી છે કે જ્યારે દેશ આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. અને એવા સમયે કે દેશ ભવિષ્યલક્ષી સુધારા બાબતે વધુ એક કદમ આગળ વધી રહ્યો છે.

સાથીઓ,

માની લો કે માત્ર સરકાર જ નહીં, જો કોઈ સામાન્ય સંસ્થા કે સંગઠન કોઈની સારવારમાં, કોઈના ભણતરમાં અથવા તો અન્ય કામ માટે કોઈ મદદ કરવા ઈચ્છે તો તે રોકડના બદલે e-RUPI આપી શકશે. તેના કારણે એ બાબત નિશ્ચિત થશે કે તેમના તરફથી આપવામાં આવેલ ધન એ જ કામમાં વપરાયું છે કે જેના માટે તેણે રકમ આપી છે. શરૂઆતના તબક્કામાં હાલમાં આ યોજના દેશના આરોગ્ય  ક્ષેત્ર સાથે જોડાયેલા લાભ બાબતે લાગુ કરવામાં આવી રહી છે.

માની લો કે કોઈ સંસ્થા, સેવાભાવથી સરકાર, ભારત સરકાર તરફથી જે મફત રસી આપવામાં આવી રહી છે તેનો લાભ લેવા માગતા નથી, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં જ્યાં થોડી કિંમત ચૂકવીને રસી અપાઈ રહી છે ત્યાં મોકલવા માગે છે. જો તે 100 ગરીબોને રસી અપાવવાની ઈચ્છા ધરાવતા હોય તો તે 100 ગરીબોને e-RUPI વાઉચર આપી શકે છે. e-RUPI વાઉચરથી એ બાબત નિશ્ચિત થશે કે તેનો ઉપયોગ રસી લેવા માટે જ કરવામાં આવ્યો છે, કોઈ અન્ય કામ માટે નહીં. સમય જતાં તેમાં અન્ય બાબતો પણ જોડવામાં આવશે. જેમકે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની સારવાર માટે ખર્ચ કરવા માગતો હોય, કોઈ ટીબીના દર્દીને યોગ્ય દવાઓ અને ભોજન માટે આર્થિક મદદ કરવા માગતો  હોય કે પછી બાળકોને અથવા ગર્ભવતી મહિલાઓને ભોજન અને પોષણ સાથે જોડાયેલી અન્ય સુવિધાઓ આપવા માગતો  હોય તો એ કામ માટે તેને  e-RUPI ખૂબ જ સહાયક થશે. આનો અર્થ એ થયો કે વ્યક્તિની સાથે સાથે e-RUPI ચોક્કસ હેતુલક્ષી પણ છે.

જે ઈરાદાથી કોઈ મદદ અથવા તો કોઈ લાભ આપવામાં આવી રહ્યો હોય ત્યારે તેનો એ જ હેતુ માટે ઉપયોગ થશે અને તે e-RUPI મારફતે સુનિશ્ચિત થશે. હવે કોઈ વૃધ્ધાશ્રમ માટે 20 નવી પથારીઓ લગાવવા માગતો  હોય તો e-RUPI વાઉચર તે કામ માટે પણ સહાયરૂપ થશે.

જો કોઈ વ્યક્તિ તેના વિસ્તારમાં 50 ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરવા માગતો હોય તો e-RUPI વાઉચર તેને સહાયરૂપ થશે. જો કોઈ વ્યક્તિ ગૌશાળા માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માગતો હોય તો તેને પણ e-RUPI વાઉચર મદદરૂપ થશે.

આ બાબતને રાષ્ટ્રિય સંદર્ભમાં જોવામાં આવે તો, જો સરકાર તરફથી પુસ્તકો માટે પૈસા મોકલવામાં આવ્યા હોય તો e-RUPI થી એ નિશ્ચિત થશે કે પુસ્તકો જ ખરીદી શકાશે. યુનિફોર્મ માટે પૈસા મોકલવામાં આવ્યા હશે તો તેનાથી યુનિફોર્મની જ ખરીદી કરી શકાશે.

જો સબસીડી ધરાવતા ખાતર માટે મદદ કરવામાં આવી હશે તો તે ખાતર ખરીદવાના જ કામમાં આવશે. ગર્ભવતી મહિલાઓ માટે આપવામાં આવેલી રોકડ રકમથી માત્ર પોષક આહારની જ ખરીદી થઈ શકશે, એટલે કે પૈસા આપ્યા પછી આપણે તેનો જે ઉપયોગ કરવા માંગીએ છીએ તે e-RUPI વાઉચર સિધ્ધ કરશે.

સાથીઓ,

અગાઉ આપણાં દેશમાં કેટલાક લોકો ઈચ્છતા હતા અને તે કહેતા પણ હતા કે ટેકનોલોજી તો માત્ર અમીર લોકો માટેની જ ચીજ છે, ભારત તો ગરીબ દેશ છે, એટલા માટે ભારત માટે ટેકનોલોજીનું શું કામ છે? અમારી સરકાર ટેકનોલોજીને મિશન બનાવવાની વાત કરતી હતી ત્યારે ઘણાં રાજનેતાઓ, કોઈ ખાસ પ્રકારના નિષ્ણાંત આ બાબત અંગે સવાલો ઉભા કરતા હતા, પરંતુ આજે ભારતે તે લોકોના વિચારને નકારી કાઢ્યો છે અને ખોટો પણ સાબિત કર્યો છે.

આજે દેશની વિચારધારા અલગ છે, નવી છે. આજે આપણે ટેકનોલોજીને ગરીબોની મદદ માટે તેમની પ્રગતિના એક સાધન તરીકે જોઈ રહ્યા છીએ. આજે દુનિયા જોઈ રહી છે કે ટેકનોલોજી ભારતમાં કેવી રીતે પારદર્શકતા અને ઈમાનદારી લાવી રહી છે. ટેકનોલોજી કેવી રીતે નવી તકો ઉભી કરવામાં તેને ગરીબો માટે ઉપલબ્ધ કરવામાં કામ કરી રહી છે અને કેવી રીતે ટેકનોલોજી સરકાર અને વહિવટી આંટીઘૂંટીઓ ઉપર સામાન્ય માનવીનો આધાર ઓછો કરી રહી છે.

આજે તમે આ અનોખી પ્રોડક્ટસ જોશો તો આજે આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ તેનો ખ્યાલ આવશે. કારણ કે દેશમાં જનધન ખાતા ખોલવામાં અને તેને મોબાઈલ અને આધાર સાથે જોડીને JAM જેવી વ્યવસ્થા સાથે જોડવા વર્ષોથી મહેનત કરી છે. જ્યારે JAM શરૂ કરવામાં આવ્યું ત્યારે લોકો તેનું મહત્વ સમજી શક્યા ન હતા, પરંતુ આપણે તેનું મહત્વ લૉકડાઉનના સમયમાં જોયું છે. દુનિયાના મોટા મોટા દેશ જ્યારે પરેશાન હતા કે લૉકડાઉનના સમયમાં ગરીબોને મદદ કેવી રીત કરી શકાશે, ત્યારે ભારત પાસે એક સમગ્ર વ્યવસ્થા તૈયાર હતી. અન્ય દેશો પોતાના ત્યાં પોસ્ટઓફિસ અને બેંકો ખોલાવી રહ્યા હતા ત્યારે ભારત મહિલાઓના બેંકના ખાતાઓમાં સીધી આર્થિક મદદ મોકલી રહ્યું હતું.

ભારતમાં અત્યાર સુધીમાં ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર મારફતે રૂ. સાડા ત્રણ લાખ કરોડ લાભાર્થીઓના ખાતામાં સીધા મોકલાઈ ચૂક્યા છે. આજે કેન્દ્ર સરકારની 300થી વધુ યોજનાઓનો લાભ  ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફરના માધ્યમથી લોકો સુધી પહોંચાડી રહી છે. આશરે 90 કરોડ દેશવાસીઓને કોઈને કોઈ રીતે તેની મારફતે કોઈપણ રીતે લાભ થઈ રહ્યો છે. રાશન હોય, એલપીજી ગેસ હોય, સારવાર હોય, સ્કોલરશીપ હોય, પેન્શન હોય, મજૂરી હોય, ઘર બનાવવા માટે મદદ કરવાની હોય એવા અનેક લાભ ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર મારફતે આપવામાં આવી રહ્યા છે. પીએમ કિસાન સન્માન નીધિ હેઠળ રૂ.1 લાખ 35 હજાર કરોડ સીધા ખેડૂતોના બેંકના ખાતામાં પહોંચાડવામાં આવ્યા છે. આ વખતે તો ખેડૂતો પાસેથી ઘઉંની જે સરકારી ખરીદી કરવામાં આવી છે તેના આશરે 85 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ તમામ પ્રયોગોનો ખૂબ મોટો લાભ એ થયો છે કે દેશના આશરે પોણા બે લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ ખોટા હાથમાં જતી રોકી શકાઈ છે.

સાથીઓ,

ભારત આજે દુનિયાને બતાવી રહ્યો છે કે ટેકનોલોજી અપનાવવામાં, તેની સાથે જોડાવામાં તે કોઈથી પાછળ નથી. ઈનોવેશનની વાત હોય કે સર્વિસ ડિલીવરીમાં ટેકનોલોજીના ઉપયોગની વાત હોય, ભારત દુનિયાના મોટા દેશોની સાથે મળીને વૈશ્વિક નેતાગીરી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. વિતેલા 7 વર્ષમાં ભારતે પોતાની પ્રગતિને જે ગતિ આપી છે તેમાં ટેકનોલોજીના સાચા ઉપયોગની મોટી ભૂમિકા રહી છે. તમે વિચાર કરો કે શું 8-10 વર્ષ પહેલાં કોઈએ પણ કલ્પના કરી હતી કે ટોલ બુથ ઉપર કરોડો ગાડીઓ કોઈ ભૌતિક લેવડ-દેવડ કર્યા વગર નિકળી શકશે? આજે ફાસ્ટટેગના કારણે આ શક્ય બન્યું છે.

શું 8-10 વર્ષ પહેલાં કોઈએ પણ વિચાર્યું હતું કે દૂર દૂરના ગામમાં બેઠેલો હસ્તકલાનો કોઈ કારીગર પોતાની પ્રોડક્ટ દિલ્હીની કોઈ સરકારી ઓફિસમાં સીધી વેચી શકશે? આજે GeM એટલે કે સરકારી ઈ-માર્કેટ પ્લેસ પોર્ટલથી આ શક્ય બન્યું છે.

શું 8-10 વર્ષ પહેલાં કોઈએ પણ વિચાર્યું હતું કે આપણાં પ્રમાણપત્રો, દસ્તાવેજો, દરેક સમયે ડિજીટલ પધ્ધતિથી તમારા ખિસ્સામાં રહેશે અને દરેક જગ્યાએ ક્લીક કર્યા પછી તેનો ઉપયોગ થઈ શકશે? આજે ડિજી-લોકરથી આ શક્ય બન્યુ છે.

શું 8-10 વર્ષ પહેલાં કોઈએ વિચાર્યું પણ હતું કે ભારતમાં એમએસએમઈ ક્ષેત્રના ઉદ્યોગસાહસિકો માત્ર 59 મિનિટમાં ધિરાણ મંજૂર કરાવી શકશે? આજે ભારતમાં આ શક્ય બન્યું છે. અને એવી જ રીતે 8-10 વર્ષ પહેલાં શું કોઈએ પણ વિચાર્યું હતું કે તમે કોઈ કામ માટે એક ડિજીટલ વાઉચર મોકલશો તો કામ થઈ જશે? આજે આ પણ e-RUPI મારફતે શક્ય બન્યું છે.

હું આવા અનેક ઉદાહરણ તમને ગણાવી આપી શકું તેમ છું. આ મહામારી દરમ્યાન પણ દેશે ટેકનોલોજીની તાકાતનો અનુભવ કર્યો છે. આરોગ્ય સેતુ એપ્પનું ઉદાહરણ પણ આપણી સામે છે. આ એપ્પ સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી એપ્પમાંની એક છે. આવી જ રીતે કોવિન પોર્ટલ પણ આજે આપણાં રસીકરણ કાર્યક્રમમાં, રસીકરણ કેન્દ્રની પસંદગી કરવામાં, રજીસ્ટ્રેશન કરવામાં, વેક્સીનનું પ્રમાણપત્ર મેળવવામાં દેશવાસીઓને મોટી મદદ કરી રહ્યું છે.

જૂની વ્યવસ્થા ચાલુ રહી હોત તો રસી લગાવ્યા પછી સર્ટિફિકેટ મેળવવા માટે દોડવું પડતું હોત. દુનિયાના અનેક મોટા દેશોમાં પણ આજે કાગળ ઉપર હાથથી લખીને પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે, પરંતુ ભારતના લોકો એક ક્લીકમાં ડિજીટલ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી રહ્યા છે. એટલા માટે આજે ભારતની કોવિન સિસ્ટમ દુનિયાના અનેક દેશોને આકર્ષિત કરી રહી છે. ભારત તેને દુનિયાના દેશો માટે ઉપલબ્ધ પણ બનાવી રહ્યું છે.

 

સાથીઓ,

મને યાદ છે કે ચાર વર્ષ પહેલાં ભીમ એપ્પ રજૂ કરવામાં આવી હતી ત્યારે મેં કહ્યું હતું કે એ દિવસ દૂર નથી કે જ્યારે મોટાભાગના બિઝનેસના વ્યવહારો નોટ અને સિક્કાઓને બદલે ડિજીટલ સ્વરૂપે થશે. એ સમયે મેં એવું પણ કહ્યું હતું કે આ પરિવર્તનને કારણે સૌથી વધુ લાભ ગરીબો, વંચિતો, નાના વેપારીઓ, ખેડૂતો અને આદિવાસીઓના સશક્તીકરણ દ્વારા થશે. આજે આપણે જાતે અનુભવ કરી રહયા છીએ કે દર મહિને યુપીઆઈ વ્યવહારોના નવા વિક્રમો સર્જાઈ રહ્યા છે. જુલાઈ માસમાં 300 કરોડથી વધુ વ્યવહારો યુપીઆઈથી થયા છે. તેનાથી રૂ.6 લાખ કરોડની લેવડ-દેવડ થઈ છે. આજે ચા, જ્યુસ અને ફળ- શાકભાજીની ફેરી કરનારા લોકો પણ તેનો ઉપયોગ કરી રહયા છે.

એ રીતે ભારતની રૂપે કાર્ડ પણ દેશના ગૌરવમાં વધારો કરી રહ્યું છે. સિંગાપુર- ભૂતાનથી પણ તેની શરૂઆત કરવામાં આવી ચૂકી છે. આજે દેશમાં 66 કરોડ રૂપે કાર્ડ છે અને દેશના હજારો કરોડ રૂપિયાના વ્યવહારો રૂપે કાર્ડથી થઈ રહ્યા છે. આ કાર્ડને કારણે ગરીબોનું પણ સશક્તીકરણ થયું છે અને તેમનામાં એવી ભાવના ઉભી થઈ છે કે તે પણ પોતાની પાસે ડેબિટ કાર્ડ રાખી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે.

 

સાથીઓ,

ટેકનોલોજી કેવી રીતે ગરીબોને સશક્ત બનાવી રહી છે તેનું વધુ એક  ઉદાહરણ પીએમ સ્વનીધિ યોજના છે. આપણાં દેશમાં જે લારી-ફેરી કરનારા લોકો છે, ફરીને વેચાણ કરનારા ભાઈ-બહેનો  છે. તેમની નાણાંકિયા સમાવેશિતા અંગે અગાઉ ક્યારેય વિચાર કરવામાં આવ્યો ન હતો. પોતાનું કામ આગળ ધપાવવા માટે તેમને બેંકમાંથી મદદ મળવાનું અશક્ય હતું. ડિજીટલ વ્યવહારોનો કોઈ રેકર્ડ જ ના હોય, કોઈ દસ્તાવેજ ના હોય તો બેંકમાંથી લોન લેવા માટે લારી-ફેરી કરતા આપણાં સાથીઓ પ્રથમ કદમ ઉઠવી શકતા ન હતા, આગળ વધી શકતા ન હતા. આ બાબતને સમજીને આપણી સરકારે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરી. આજે દેશના નાના-મોટા શહેરોમાં 23 લાખથી વધુ લારી-ફેરી કરનારા ફેરિયાઓને આ યોજના હેઠળ મદદ પૂરી પાડવામાં આવી છે. આ કોરોના કાળમાં પણ આશરે રૂ.2300 કરોડ તેમને આપવામાં આવ્યા છે. આ ગરીબ સાથીદારો હવે ડિજીટલ વ્યવહાર કરી રહ્યા છે અને પોતાની લોન ચૂકવી રહ્યા છે એટલે કે આજે તેમની લેવડ-દેવડનો ડિજીટલ ઈતિહાસ બની રહ્યો છે.

પીએમ સ્વનિધિ યોજનામાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે રૂ.10 હજારની પ્રથમ લોન ચૂકવી દેવાતાં રૂ.20 હજારની બીજી લોન અને બીજી લોન ચૂકવ્યા પછી રૂ.50 હજારની ત્રીજી લોન લારી-ફેરી કરનારા સાથીઓને આપવામાં આવશે. તમને એ જાણીને આનંદ થશે કે આજે સેંકડો લારી-ફેરી કરનારા ફેરિયા ભાઈ-બહેનો ત્રીજી લોન મેળવવાની દિશામાં આગળ ધપી રહ્યા છે.

સાથીઓ,

આજે દેશમાં ડિજીટલ માળખાકીય સુવિધાઓ અને ડિજીટલ વ્યવહારો બાબતે જે કામ વિતેલા 6-7 વર્ષમાં થયું છે અને તેનો પ્રભાવ આજે દુનિયા પણ જોઈ રહી છે. ખાસ કરીને ભારતમાં ફીનટેકનો ખૂબ મોટો આધાર તૈયાર થયો છે. આવો આધાર તો મોટા મોટા દેશોમાં પણ નથી. દેશવાસીઓની હકારાત્મક માનસિકતા, ફીનટેક સોલ્યુશન્સને અપનાવવાની તેમની ક્ષમતા અપાર છે. એટલા માટે જ આજે ભારતના યુવાનો માટે, ભારતની સ્ટાર્ટઅપ વ્યવસ્થા માટે પણ બહેતર તકો છે. ભારતના સ્ટાર્ટઅપ્સ માટે પણ ફીનટેકમાં અનેક સંભાવનાઓ છે.

સાથીઓ,

મને વિશ્વાસ છે કે e-RUPI વાઉચર પણ સફળતાનો નવો અધ્યાય લખશે. તેમાં આપણી બેંકો અને અન્ય પેમેન્ટ ગેટવેની ખૂબ મોટી ભૂમિકા છે.  આપણી સેંકડો ખાનગી હોસ્પિટલો, કોર્પોરેટ સંસ્થાઓ, ઉદ્યોગ જગત, સ્વૈચ્છિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓએ પણ તેના માટે ઘણો રસ દાખવ્યો છે. રાજ્ય સરકારોને મારો આગ્રહ છે કે પોતાની યોજનાઓનો સચોટ અને સંપૂર્ણ લાભ સુનિશ્ચિત કરવામાં e-RUPIનો વધુને વધુ ઉપયોગ કરે. મને વિશ્વાસ છે કે આપણે સૌ આવી જ એક સાર્થક ભાગીદારી, એક ઈમાનદાર અને પારદર્શક વ્યવસ્થાના નિર્માણ માટે વધુ ગતિ પૂરી પાડીશું.

ફરી એક વખત તમામ દેશવાસીઓને આ મોટા સુધારા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ધન્યવાદ !

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 ડિસેમ્બર 2024
December 25, 2024

PM Modi’s Governance Reimagined Towards Viksit Bharat: From Digital to Healthcare