આદરણીય અધ્યક્ષ શ્રી,

સમગ્ર વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. કોઈએ ભાગ્યે જ વિચાર્યું હશે કે માનવ જાતિએ આવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે. આવા પડકારો વચ્ચે આ દાયકાના આરંભમાં જ આપણા આદરણીય રાષ્ટ્રપતિ શ્રીએ બંને ગૃહોને પોતાના સંબોધનમાં જે જણાવ્યું તે રાષ્ટ્રપતિ શ્રીનું સંબોધન, આ પડકારોથી ભરેલા વિશ્વમાં નવી આશા જગાડનારું, નવો ઉમંગ પેદા કરનારું અને નવો આત્મવિશ્વાસ ઊભો કરનારું છે, રાષ્ટ્રપતિ શ્રીનું સંબોધન આત્મનિર્ભર ભારતનો માર્ગ દર્શાવનારું અને આ દાયકા માટે એક માર્ગ પ્રશસ્ત કરનારું છે.

આદરણીય અધ્યક્ષ શ્રી,

હું રાષ્ટ્રપતિ શ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માટે આજે આપ સહુની વચ્ચે ઊભો છું. રાજ્યસભામાં આશરે 13-14 કલાક સુધી 50થી વધુ માનનીય સભ્યોએ પોતાના વિચારો મૂક્યા, બહુમૂલ્ય વિચારો રજૂ કર્યા, અનેક પાસાં ઉપર વિચારો જણાવ્યા. અને આ માટે, આ ચર્ચાને સમૃદ્ધ બનાવવા માટે, હું તમામ આદરણીય સભ્યોનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરું છું. જો રાષ્ટ્રપતિ શ્રીનું ભાષણ સાંભળવા માટે પણ સહુ ઉપસ્થિત રહ્યા હોત તો સારું હોત, લોકશાહીની ગરિમા વધુ વૃદ્ધિ પામત અને આપણને સહુને કોઈ ફરિયાદ ન રહેત કે અમે રાષ્ટ્રપતિ શ્રીનું ભાષણ સાંભળ્યું ન હતું. પરંતુ રાષ્ટ્રપતિ શ્રીના ભાષણની તાકાત એટલી હતી કે તે સાંભળ્યું ન હોવા છતાં પણ ઘણું બધું કહેવાઈ ગયું. આ ભાષણની પોતાની તાકાત હતી, એ વિચારોની શક્તિ હતી, એ આદર્શોની તાકાત હતી કે જેના કારણે સાંભળ્યું ન હોવા છતાં વાત પહોંચી ગઈ. અને એટલે માટે હું સમજું છું કે આ ભાષણનું મૂલ્ય અનેકગણું થઈ જાય છે.

આદરણીય અધ્યક્ષ શ્રી,

મેં કહ્યું એમ, અનેક પડકારો વચ્ચે રાષ્ટ્રપતિ શ્રીનું આ દાયકાનું પ્રથમ ભાષણ થયું. પરંતુ એ પણ સાચું છે કે જ્યારે આપણે સમગ્ર વિશ્વ તરફ નજર નાખીએ, ત્યારે, ભારતના યુવાનોના મન જોઈએ છીએ, ત્યારે એમ લાગે છે કે આજે ભારત સાચા અર્થમાં અવસરોની ભૂમિ છે. અનેક તકો આપણી રાહ જોઈ રહી છે. અને એટલે જ જે દેશ યુવાન હોય, જે દેશ ઉત્સાહથી ભરપૂર હોય, જે દેશ પોતાનાં સપનાં લઈને સંકલ્પ સાથે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રયાસરત હોય, તે દેશ આ તકોને ક્યારેય જવા દઈ શકે નહીં. આપણા સહુ માટે પણ એક અવસર છે કે આપણે આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ પોતે જ એક પ્રેરક અવસર છે. આપણે જ્યાં પણ હોઈએ, જે સ્વરૂપમાં પણ હોઈએ, ભારતમાતાના સંતાનના સ્વરૂપે, આઝાદીના આ 75મા પર્વને આપણે પ્રેરણાનું પર્વ બનાવવું જોઈએ. દેશને આવનારાં વર્ષો માટે સજ્જ કરવા માટે કંઈને કંઈ કરી છૂટવું જોઈએ અને 2047માં દેશ જ્યારે આઝાદીની શતાબ્દિની ઉજવણી કરતો હશે ત્યારે આપણે દેશને ક્યાં સુધી લઈ જઈશું, તે વિશેના સપનાં આપણે વારંવાર જોતાં રહેવું જોઈએ. આજ સમગ્ર વિશ્વની નજર ભારત ઉપર છે, ભારત પાસેથી અપેક્ષાઓ પણ છે અને લોકોને એક વિશ્વાસ પણ છે કે ભારત જો આ કરી લેશે, તો દુનિયાની ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ ત્યાંથી જ મળશે, ભારત પ્રત્યેનો આ વિશ્વાસ આજે દુનિયામાં વધ્યો છે.

આદરણીય અધ્યક્ષ શ્રી,

જ્યારે હું અવસરોની વાત કરી રહ્યો છું, ત્યારે મહાકવિ મૈથિલીશરણ ગુપ્તજીની કવિતા હું યાદ કરવા માગું છું. ગુપ્તજીએ કહ્યું હતું -

અવસર તેરે લિયે ખડા હૈ, ફિર ભી તૂ ચુપચાપ પડા હૈ. તેરા કર્મ ક્ષેત્ર બડા હૈ પલ-પલ હૈ અનમોલ, અરે ભારત ઉઠ, આખેં ખોલ.

આ કવિતા મૈથિલીશરણ ગુપ્તજીએ લખી છે. પરંતુ હું વિચારી રહ્યો હતો કે આ કાળખંડમાં 21મી સદીના આરંભે જો તેમણે કવિતા લખવી હોત, તો તેઓ શું લખત -- હું કલ્પના કરતો હતો કે તેઓ એમ લખત કે -

અવસર તેરે લિયે ખડા હૈ, તૂ આત્મવિશ્વાસ સે ભરા પડા હૈ.

હર બાધા, હર બંદિશ કો તોડ, અરે ભારત, આત્મનિર્ભરતા કે પથ પર દૌડ.

આદરણીય અધ્યક્ષ શ્રી,

કોરોના દરમિયાન એવી વૈશ્વિક પરિસ્થિતિઓ સર્જાઈ કે કોઈ કોઈની મદદ કરી શકે તે અસંભવ બની ગયું. એક દેશ, બીજા દેશને મદદ ન કરી શકે. એક રાજ્ય બીજા રાજ્યને મદદ ન કરી શકે, એટલે સુધી કે પરિવારનો એક સભ્ય, બીજા પરિવારના સભ્યની મદદ ન કરી શકે, આવો માહોલ કોરોનાને કારણે સર્જાયો. ભારત માટે તો દુનિયાએ અનેક આશંકાઓ વ્યક્ત કરી હતી. દુનિયાને ઘણી ચિંતા હતી કે કોરોનાની આ મહામારીમાં જો ભારત પોતાને સંભાળી નહીં શકે તો ફક્ત ભારત જ નહીં, પરંતુ સમગ્ર માનવજાતિ માટે અત્યંત મોટું સંકટ પેદા થશે, એવી આશંકાઓ સહુએ વ્યક્ત કરી હતી. કરોડો લોકો ફસાઈ જશે, લાખો લોકો મરી જશે. આપણે ત્યાં પણ ડરાવવા માટે ભરપૂર વાતો પણ થઈ. અને આ શા માટે થયું તે આપણો પ્રશ્ન નથી, કેમકે એક અજાણ્યો દુશ્મન શું કરી શકે છે, કોઈને અનુમાન ન હતું. દરેકે પોત-પોતાની રીતે અટકળો લગાવી હતી. પરંતુ ભારતે એક અજાણ્યો દુશ્મન, જેને પાછલો કોઈ ઈતિહાસ ન હતો કે જેના ઉપરથી કામ કેવી રીતે પાર પાડવું, તે જાણી શકાય, અથવા તો આ રીતનો પ્રોટોકોલ હોઈ શકે છે, તેનો અંદાજ બાંધી શકાય, છતાં તેનાથી પોતાના દેશના નાગરિકોની રક્ષા કરી.

એક નવી રીતભાત સાથે, નવા વિચાર સાથે દરેક વ્યક્તિએ ચાલવાનું હતું. શક્ય છે કે કેટલાક વિદ્વાન, સામર્થ્યવાન લોકોના વિચાર જુદા હોય, પરંતુ તે હતો તો અજાણ્યો દુશ્મન જ. અને આપણે રસ્તો પણ શોધવાનો હતો. રસ્તો બનાવવાનો પણ હતો અને લોકોને બચાવવાના પણ હતા. આ સમયે ઈશ્વરે જે કંઈ બુદ્ધિ, શક્તિ, સામર્થ્ય આપ્યું, તે મુજબ કરતાં કરતાં દેશને ઉગારવા માટે ભરપૂર કામ કર્યું. અને હવે દુનિયા એ વાતે ગૌરવ લે છે કે ભારતે સાચે જ દુનિયાની માનવજાતિને ઉગારવામાં અત્યંત મોટી, મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ લડત જીતવાનો યશ કોઈ સરકારને નથી જતો, કોઈ વ્યક્તિને પણ નથી જતો, પરંતુ હિન્દુસ્તાનને તો જાય છે. ગૌરવ લેવામાં શું જાય છે?. વિશ્વ સમક્ષ આત્મવિશ્વાસ સાથે બોલવામાં શું જાય છે? આ દેશે કર્યું છે. ગરીબમાં ગરીબ વ્યક્તિએ એ વાત કરી છે. એ સમયે સોશિયલ મીડિયામાં જોયું હશે કે ફૂટપાથ ઉપર એક નાનકડી ઝૂંપડી બાંધીને રહેતી ઘરડી મા પણ ઘરની બહાર, ઝૂંપડીની બહાર દીવો પ્રગટાવીને ભારતના કલ્યાણ માટે કામના કરતી હતી, આપણે તેની મજાક ઉડાવી રહ્યા છીએ? તેની ભાવનાઓનો મશ્કરી કરી રહ્યા છીએ? સમય છે, જેણે ક્યારેય શાળાનો ઝાંપો જોયો ન હતો, તેના મનમાં પણ દેશ માટે, જે પણ દેશ માટે દીપ પ્રગટાવીને પોતાના દેશની સેવા કરી શકે છે, તેમણે કર્યું, આ ભાવ સાથે કર્યું હતું. અને તેનાથી દેશમાં એક સામુહિક શક્તિ જાગૃત થઈ હતી. પોતાની શક્તિનો, સામર્થ્યનો પરિચય કરાવ્યો હતો. પરંતુ તેની મજાક ઉડાવવામાં મજા આવી રહી છે. વિરોધ કરવા માટે કેટલા બધા મુદ્દા છે, અને વિરોધ કરવો પણ જોઈએ. પરંતુ એવી વાતોમાં ફસાઈ ન જઈએ, જે દેશનું મનોબળ તોડતી હોય, જે દેશના સામર્થ્યને નીચું આંકતી હોય, તેનાથી ક્યારેય લાભ થતો નથી.

આપણા કોરોના વૉરિયર્સ, આપણા ફ્રન્ટ લાઈન વર્કર્સ, તમે કલ્પના કરી શકો છો કે જ્યારે ચારે તરફ ભય છે કે કોઈનાથી કોરોના લાગી જશે, તો એવા સમયે ડ્યૂટી કરવી, પોતાની જવાબદારીઓ નિભાવવી, એ નાની વાત નથી, તેના ઉપર ગર્વ કરવું જોઈએ, તેમનો આદર કરવો જોઈએ અને આ સહુના પ્રયાસોનું પરિણામ છે કે દેશે આજે કરી બતાવ્યું છે. આપણે સહેજ ભૂતકાળ તરફ નજર નાખીએ, આ ટીકા માટે નથી, આપણે એ પરિસ્થિતિઓમાંથી પસાર થયા છીએ. ક્યારેક ઓરી-અછબડાંની મહામારીની વાત થતી હતી, કેટલો ભય વ્યાપી જતો હતો. પોલિયો કેટલો ડરામણો લાગતો હતો, તેની વેક્સિન મેળવવા માટે કેટલી કેટલી મહેનત કરવી પડતી હતી, કેટલી તકલીફો ઉઠાવવી પડતી હતી. મળશે, ક્યારે મળશે, કેટલી મળશે, કેવી રીતે મળશે, કેવી રીતે લાગવીશું, આ દિવસો આપણે વિતાવ્યા છે. આજની સ્થિતિમાં તે દિવસો જો યાદ કરીશું તો ખબર પડશે કે આજે જેમને થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ તરીકે ગણતરીમાં લેવાય છે, તે દેશ, માનવ જાતિના કલ્યાણ માટે વેક્સિન લઈને આવ્યો છે. એટલા ઓછા સમયમાં, આપણા વૈજ્ઞાનિકો પણ યુદ્ધના ધોરણે જોડાઈ ગયા છે, આ માનવજાતિના ઈતિહાસમાં ભારતના યોગદાનની એક ગૌરવપૂર્ણ ગાથા છે. તેનું આપણે ગૌરવ લઈએ અને તેમાંથી જ નવા આત્મવિશ્વાસની પ્રેરણા પણ જાગૃત થાય છે. આપણે તે નવા આત્મવિશ્વાસની પ્રેરણાને જગાડવાના આવા પ્રયાસો માટે આજે દેશ ગર્વ લઈ શકે છે કે દુનિયાનું સૌથી મોટું ટીકાકરણ અભિયાન મારા આ દેશમાં ચાલી રહ્યું છે. વિશ્વમાં ઠેર ઠેર આજે ખૂબ ઝડપભેર ટીકાકરણ ક્યાંય થઈ રહ્યું છે તો તે આપણા સહુની માતા ભારતને ખોળે થઈ રહ્યું છે. અને ભારતનું આ સામર્થ્ય ક્યાં નથી પહોંચ્યું.

 

આજે કોરોનાએ ભારતને વિશ્વા સાથેનાં સંબંધોમાં એક નવી શક્તિ પ્રદાન કરી છે. જ્યારે શરૂઆતમાં વેક્સિન ન હતી અને કઈ દવા કામ કરશે તે વિશે સવાલ હતો, ત્યારે વિશ્વનું ધ્યાન ભારતની દવાઓ ઉપર ગયું હતું. વિશ્વમાં ફાર્મસીના મુખ્ય કેન્દ્ર તરીકે ભારત સ્થાપિત થયું. 150 દેશોમાં દવા પહોંચડવાનું કામ, આ સંકટ સમયે પણ આ દેશે કર્યું છે. માનવ જાતિની રક્ષા માટે આપણે પાછી પાની કરી નથી. એટલું જ નહીં, પરંતુ આ સમયે વેક્સિન બાબતે પણ વિશ્વ ઘણા ગર્વ સાથે કહે છે કે અમારી પાસે ભારતની વેક્સિન આવી ગઈ છે. આપણને સહુને ખબર છે કે દુનિયાની મોટી-મોટી હોસ્પિટલમાં પણ મોટા મોટા લોકો પણ જ્યારે ઓપરેશન કરાવવા જાય છે, કોઈ મોટું ઓપરેશન, અને ઓપરેશન થિયેટરમાં ગયા પછી પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં તેની આંખો શોધતી હોય છે કે કોઈ હિન્દુસ્તાની ડૉક્ટર છે કે નહીં. અને ડૉક્ટરોની ટીમમાં જેવો એકાદ પણ હિન્દુસ્તાની ડૉક્ટર દેખાય છે, તેને વિશ્વાસ થઈ જાય છે કે હવે ઓપરેશન બરાબર થશે. આ જ દેશે કમાયું છે. એનું આપણને ગૌરવ હોવું જોઈએ. અને એટલે જ આ ગૌરવ સાથે આપણે આગળ વધવાનું છે.

આ કોરોનામાં જે રીતે વૈશ્વિક સંબંધોમાં ભારતે પોતાની એક વિશિષ્ટ ઓળખ સ્થાપિત કરી છે, પોતાનું સ્થાન બનાવ્યું છે, તે જ રીતે ભારતે આપણા ફેડરલ સ્ટ્રક્ચરને કોરોનાના આ કાળખંડ દરમિયાન, આપણી આંતરિક શક્તિ શું છે, સંકટ સમયે આપણે કેવી રીતે હળીમળીને કામ કરી શકીએ છીએ, એક જ દિશામાં તમામ શક્તિઓ લગાડીને આપણે કેવી રીતે પ્રયાસો કરી શકીએ છીએ, એ વાત કેન્દ્ર અને રાજ્યએ સાથે મળીને બતાવ્યું છે. હું રાજ્યોનો પણ, કેમકે ગૃહમાં રાજ્યોની પોતાની ફ્લેવર હોય છે અને એટલા માટે આ ગૃહમાં તો વિશેષ રીતે રાજ્યોનો પણ આભાર માનું છું અને કોઓપરેટિવ ફેડરલિઝમને શક્તિવાન બનાવવાનું કામ, આ કોરોનાના સંકટને અવસરમાં બદલી નાંખવાનું કામ આપણે સહુએ કર્યું છે. એટલા માટે સહુ કોઈ અભિનંદનના હકદાર છે. અહીં લોકશાહી અંગે અનેક ઉપદેશ અપાયા છે. ઘણું બધું કહેવાયું છે. પરંતુ હું નથી માનતો કે, જે વાતો જણાવવામાં આવી છે, દેશનો કોઈ પણ નાગરિક તેની ઉપર ભરોસો કરશે. ભારતની લોકશાહી એવી નથી કે જેની આપણે આ રીતે છડેચોક બેઇજ્જતી કરી શકીએ. આવી ભૂલ આપણે ન કરીએ અને હું શ્રી ડેરેકજીની વાત સાંભળી રહ્યો હતો, ખૂબ મોટા મોટા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ફ્રીડમ ઓફ સ્પીચ, ઈન્ટીમિડેશન, હાઉન્ડિંગ, જ્યારે શબ્દો સાંભળી રહ્યો હતો, ત્યારે એવું લાગી રહ્યું હતું કે તેઓ બંગાળની વાત કરી રહ્યા છે કે દેશની વાત કરે છે? સ્વાભાવિક છે કે ચોવીસ કલાક એજ જોતા હોઈએ, એ જ સાંભળતા હોઈએ, તો એ જ વાતો કદાચ ભૂલથી અહીં જણાવી દીધી હોય. કોંગ્રેસના આપણા બાજવા સાહેબ પણ આ વખતે ઘણું સારું જણાવી રહ્યા હતા અને ઘણું લાંબું ખેંચીને જણાવી રહ્યા હતા કે મને લાગતું હતું કે બસ હવે થોડી વારમાં જ તેઓ ઈમરજન્સી સુધી પહોંચી જશે. મને લાગતું હતું કે થોડી જ વારમાં, બસ એક જ ડગલું બાકી છે, તેઓ 84 સુધી પહોંચી જશે, પરંતુ તેઓ ત્યાં ન ગયા. ખેર, કોંગ્રેસ દેશને ખૂબ નિરાશ કરે છે, તમે પણ નિરાશ કરી દીધો.

 

માનનીય અધ્યક્ષ શ્રી,

હું ગૃહ સમક્ષ એક ક્વોટેશન કહેવા માગું છું, અને ખાસ કરીને જેઓ લોકશાહી ઉપર શંકા ઉઠાવે છે, ભારતની મૂળભૂત શક્તિ ઉપર જેઓ શંકા ઉઠાવે છે તેમને તો હું વિશેષ આગ્રહપૂર્વક કહીશ કે આ વાતને સમજવાનો પ્રયાસ કરો. “આપણી લોકશાહી કોઈ પણ પ્રકારે વેસ્ટર્ન ઈન્સ્ટીટ્યુશન નથી. આ એક હ્યુમન ઈન્સ્ટીટ્યુશન છે. ભારતનો ઈતિહાસ લોકતાંત્રિક સંસ્થાનોના ઉદાહરણોથી ભરેલો પડ્યો છે. પ્રાચીન ભારતમાં 81 ગણતંત્રોનું વર્ણન આપણને મળે છે. આજે દેશવાસીઓને ભારતના રાષ્ટ્રવાદ ઉપર ચારેતરફથી થઈ રહેલા હુમલા સામે સાવધ કરવા જરૂરી છે. ભારતનો રાષ્ટ્રવાદ ન તો સંકીર્ણ છે, ન સ્વાર્થી છે અને ન તો તે આક્રમક છે. તે “સત્યમ, શિવમ સુંદરમ”નાં મૂલ્યોથી પ્રેરિત છે.”

આદરણીય અધ્યક્ષ શ્રી,

આ ક્વોટેશન આઝાદ હિંદ ફૌજની પ્રથમ સરકારના પ્રથમ પ્રધાનમંત્રી નેતાજી સુભાષચંદ્ર બોઝનું છે. અને સંયોગ છે કે આજે આપણે તેમની 125મી જયંતી મનાવી રહ્યા છીએ. પરંતુ દુર્ભાગ્ય એ વાતનું છે કે જાણતા-અજાણતામાં આપણે નેતાજીની આ ભાવનાને, નેતાજીના આ વિચારોને, નેતાજીના આ આદર્શોને ભૂલાવી દીધા છે. અને તેનું પરિણામ છે કે આજે આપણે જ આપણને દોષ દેવા લાગ્યા છીએ. હું તો ક્યારેક ક્યારેક હેરાન થઈ જાઉં છું કે દુનિયા આપણને જે કોઈ શબ્દ પકડાવી દે છે, આપણે તેને પકડીને ચાલવા લાગીએ છીએ. દુનિયાની સૌથી મોટી ડેમોક્રેસી, સાંભળીને આપણને પણ સારું લાગે છે, હાં યાર, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. પરંતુ આપણે આપણી યુવા પેઢીને એ શીખવ્યું નથી કે ભારત, એ મધર ઓફ ડેમોક્રેસી છે. એ લોકશાહીની જનની છે. આપણે ફક્ત મોટો લોકશાહી જ છીએ, એવું નથી. આ દેશ, લોકશાહીની જનેતા છે. આ વાત આપણે આપણી આવનારી પેઢીઓને શીખવાડવી પડશે અને આપણે ગર્વપૂર્વક કહેવું પડશે કે અમારા પૂર્વજોએ વારસો અમને આપ્યો છે. ભારતની શાસન વ્યવસ્થા લોકશાહી છે, ફક્ત એ જ કારણથી આપણે લોકશાહી દેશ નથી. ભારતની સંસ્કૃતિ, ભારતના સંસ્કાર, ભારતની પરંપરા, ભારતનું મન લોકતાંત્રિક છે અને એટલે જ આપણી વ્યવસ્થા લોકતાંત્રિક છે. આ છે, એટલે આ છે, એવું નથી. મૂળભૂત રીતે, આપણે લોકશાહી છીએ, એટલે છીએ. અને દેશની આ બાબતે પરીક્ષા પણ થઈ ચૂકી છે.

કટોકટીના એ દિવસો યાદ કરો, ન્યાયપાલિકાની શી હાલત હતી, મીડિયાની શું સ્થિતિ હતી, શાસનના શા હાલ હતા. બધું જ કારાવાસમાં પરિવર્તિત થઈ ચૂક્યું હતું, પરંતુ આ દેશના સંસ્કારી, દેશનું જનમન, જે લોકશાહીના રંગે રંગાયેલું હતું, તેને કોઈ હચમચાવી શક્યું ન હતું. તક મળતાં જ તેણે લોકશાહીને પ્રભાવિત કરી દીધી. આ લોકોની તાકાત, આપણા સંસ્કારોની તાકાત છે, આ લોકાશાહીનાં મૂલ્યોની તાકાત છે. મુદ્દો એ નથી કે કઈ સરકાર, કોણે સરકાર રચી, એની ચર્ચા હું નથી કરી રહ્યો, અને ન તો આવી બાબતોમાં સમય આપવા તમે મને અહીં બેસાડ્યો છે. આપણે લોકશાહીનાં મૂલ્યોનું રક્ષણ કરતાં કરતાં આગળ વધવાનું છે. આત્મનિર્ભર ભારત બાબતે પણ ચર્ચા થઈ. હું અને અમારા સાથી ધર્મેન્દ્ર પ્રધાનજીના અત્યંત અભ્યાસપૂર્ણ અને આત્મનિર્ભર ભારતની આપણી દિશા કઈ છે, તેનું વિસ્તારપૂર્વક વર્ણન તેમણે કર્યું છે. પરંતુ એક વાત સાચી છે કે આર્થિક ક્ષેત્રે પણ આજે ભારતની આજે જે પહોંચ બની રહી છે. કોરોના કાળમાં દુનિયાના લોકો રોકાણ આકર્ષવા માટે તલપાપડ છે. તમામ વાતો જાહેર થઈ ગઈ છે. પરંતુ ભારતમાં વિક્રમી રોકાણ થઈ રહ્યાં છે. તમામ હકીકતો દર્શાવી રહી છે કે અનેક દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ છે. જ્યારે દુનિયા ભારતમાં દ્વિઅંકી વિકાસ દરનું અનુમાન બાંધી રહી છે. એક તરફ નિરાશાનો માહોલ છે, તો હિન્દુસ્તાનમાં આશાનું કિરણ નજરે પડી રહ્યું છે, આ દુનિયા તરફથી અવાજ ઉઠી રહ્યો છે.

આજે ભારતનો વિદેશી હુંડિયામણનો ભંડાર વિક્રમી સ્તરે છે. આજે ભારતમાં અન્ન ઉત્પાદન વિક્રમી સ્તરે છે. ભારત ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યાની દ્રષ્ટિએ બીજો સૌથી મોટો દેશ છે. ભારતમાં આજે દર મહિને ચાર લાખ કરોડના ડિજિટલ વ્યવહારો થાય છે, યુપીઆઈના માધ્યમથી આ લેવડ-દેવડ થઈ રહી છે. યાદ કરો, આ જ ગૃહમાં ભાષણમાં સાંભળી રહ્યો હતો... બે વર્ષ, ત્રણ વર્ષ પહેલાં... લોકો પાસે મોબાઈલ ક્યાં છે, ફલાણું ક્યાં છે, ઢિંકણું ક્યાં છે, લોકો ડિજિટલ કેવી રીતે કરશે, આ દેશની તાકાત જુઓ... દરેક મહિને ચાર લાખ કરોડ રૂપિયા ભારત, મોબાઈલ ફોનના નિર્માતા તરીકે દુનિયાનો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. ભારતમાં વિક્રમી સંખ્યામાં સ્ટાર્ટઅપ્સ, યુનિકોર્ન અને જેનો વિશ્વભરમાં જય-જયકાર થવા માંડ્યો છે. આ જ ધરતી ઉપર આપણી યુવા પેઢી આ બધું કરી રહી છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં વિશ્વના પ્રથમ પાંચ દેશોમાં આપણે આપણું સ્થાન બનાવ્યું છે અને આવનારા દિવસોમાં આપણે હજુ ઉપર ચઢવાના છીએ. જળ હોય, પૃથ્વી હોય, આકાશ હોય કે અંતરિક્ષ હોય... ભારત દરેક ક્ષેત્રમાં પોતાની રક્ષા માટે, પોતાના સામર્થ્ય સાથે ઊભો છે. સર્જિકલ સ્ટ્રાઇક હોય કે એર સ્ટ્રાઇક, ભારતની ક્ષમતાઓ દુનિયાએ જોઈ છે.

 

આદરણીય અધ્યક્ષ શ્રી,

2014માં હું પહેલીવાર જ્યારે આ ગૃહમાં આવ્યો હતો, આ પરિસરમાં આવ્યો હતો અને જ્યારે મને નેતા તરીકે ચૂંટવામાં આવ્યો હતો, ત્યારે મારા પહેલા ભાષણમાં મેં કહ્યું હતું કે મારી સરકાર ગરીબોને સમર્પિત છે. હું આજે ફરી આવ્યા બાદ પણ આ જ વાત પુનરાવર્તિત કરું છું. અને અમે અમારી ડાયરેક્શન બદલી નથી, ન તો અમે તેને ડાયલ્યુટ કરી છે, ન તો ડાયવર્ટ કરી છે. એવાને એવા જ મિજાજ સાથે અમે કામ કરી રહ્યા છીએ, કેમકે આ દેશમાં આગળ વધવા માટે આપણે ગરીબીથી મુક્ત થવું જ પડશે. આપણે પ્રયાસોને સતત જોડતા જ જવા પડશે. અગાઉ પ્રયાસો થયા હશે તો તેમાં વધુ ઉમેરવા જ પડશે, આપણે અટકી શકીએ નહીં. જેટલું કરી લીધું ઘણું છે.. એવું વિચારીને અટકી શકીએ નહીં, આપણે વધુ પ્રયાસો કરવા જ પડશે. આજે મને ખુશી છે કે જે મૂળભૂત આવશ્યકતા છે, ઈઝ ઓફ લિવિંગ માટે, અને જેમાંથી આત્મવિશ્વાસ પેદા થાય છે અને એકવાર ગરીબના મનમાં આત્મવિશ્વાસ ભરાઈ ગયો તો ગરીબ પોતે જ ગરીબીને પડકારી શકે તેવી તાકાત સાથે ઊભો થઈ જશે, ગરીબ કોઈની મદદનો ઓશિયાળો નહીં બની રહે. આ મારો અનુભવ છે. મને ખુશી છે કે 10 કરોડથી વધુ શૌચાલયો બન્યાં છે, 41 કરોડથી વધુ લોકોનાં ખાતાં ખુલી ગયાં છે. બે કરોડથી વધુ ગરીબોનાં ઘર બન્યાં છે. આઠ કરોડથી વધુ મફત ગેસ કનેક્શન અપાયાં છે. પાંચ લાખ રૂપિયા સુધી વિનામૂલ્યે સારવાર ગરીબના જીવનમાં ઘણી મોટી તાકાત બનીને આવ્યો છે. આવી અનેક યોજનાઓ, જે ગરીબોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. નવો વિશ્વાસ પેદા કરી રહી છે.

આદરણીય અધ્યક્ષ શ્રી,

પડકારો છે, જો પડકારો ન હોત તો આવું કંઈ જોવા પણ મળત નહીં. દુનિયાના સૌથી સમૃદ્ધ દેશ હોય, તો તેમાં પણ પડકારો હોય છે, તેમના પડકારો અલગ પ્રકારના હોય છે, આપણા પડકારો અલગ પ્રકારના છે. પરંતુ નક્કી આપણે કરવાનું છે કે આપણે સમસ્યાનો હિસ્સો બનવા માગીએ છીએ કે આપણે ઉકેલનો હિસ્સો બનવા માગીએ છીએ. બસ આ પાતળી ભેદરેખા છે. જો આપણે સમસ્યાનો હિસ્સો બનીશું તો રાજકારણનું ગાડું તો ગબડશે, પરંતુ જો આપણે ઉકેલનું માધ્યમ બનીશું તો રાષ્ટ્રનીતિને ચાર ચાંદ લાગી જાય છે. આપણી જવાબદારી છે કે આપણે વર્તમાન પેઢી માટે પણ વિચારવાનું છે, આપણે ભાવિ પેઢી માટે પણ વિચારવાનું છે. પડકારો છે, પરંતુ મને વિશ્વાસ છે કે આપણે સાથે મળીને કામ કરીશું, આત્મવિશ્વાસપૂર્વક કામ કરીશું, તો આપણે પરિસ્થિતિઓને પણ બદલી નાંખીશું અને ઈચ્છિત પરિણામ પણ હાંસલ કરી શકીશું... આ મારો દ્રઢ વિશ્વાસ છે.

આદરણીય અધ્યક્ષ શ્રી,

ગૃહમાં ખેડૂત આંદોલનની ભરપૂર ચર્ચા થઈ છે, વધુમાં વધુ સમય જે વાતો જણાવાઈ, તે આંદોલન બાબતે બતાવાઈ. કઈ વાત માટે આંદોલન છે, તે બાબતે સહુ ચૂપ રહ્યા. આંદોલન કેવું છે, આંદોલનમાં શું થઈ રહ્યું છે. એ બધી બાતો ખૂબ વિસ્તારપૂર્વક જણાવાઈ. તેનું પણ મહત્ત્વ છે, પરંતુ જે મૂળભૂત વાત છે... સારું હોત કે તેની વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હોત. જેવી રીતે આપણા માનનીય કૃષિ મંત્રીજીએ ખૂબ સારી રીતે જે સવાલ પૂછ્યા છે, એ સવાલોના જવાબ તો નહીં મળે, એની મને ખબર છે, પરંતુ તેમણે ખૂબ સારી રીતે આ વિષયની ચર્ચા કરી છે. હું આદરણીય દેવગૌડાજીનો ખૂબ આભારી છું, તેમણે આ સમગ્ર ચર્ચાને એક ગાંભીર્ય આપ્યું અને તેમણે સરકારના જે સારા પ્રયાસો છે, તેની પ્રશંસા પણ કરી છે, કેમકે તેઓ ખેડૂતો પ્રત્યે જીવનભર સમર્પિત રહ્યા છે અને તેમણે સરકારના પ્રયાસોને વખાણ્યા પણ છે અને સારાં સૂચનો પણ કર્યાં છે. હું આદરણીય દેવગોડાજીનો હૃદયપૂર્વક આભાર માનું છું.

 

આદરણીય અધ્યક્ષ શ્રી,

ખેતીની મૂળભૂત સમસ્યા શી છે? તેનાં મૂળિયાં ક્યાં છે ? હું આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહજીએ જે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું, તેનો જ ઉલ્લેખ કરવા માગું છું... ઘણા લોકો છે, જેઓ ચૌધરી ચરણ સિંહનો જ વારસો સંભાળવામાં ગૌરવ અનુભવે છે, તેઓ આ વાત સમજવાનો કદાય પ્રયાસ કરશે. 1971માં કૃષિ ક્ષેત્રે જે વસ્તીગણતરી થઈ હતી, તેનો ઉલ્લેખ તેમની ભાષામાં અવશ્ય આવતો હતો. ચૌધરી ચરણસિંહજીએ શું કહ્યું હતું... તેમનું ક્વોટ છે, ખેડૂતોની વસ્તીગણતરી કરવામાં આવે તો 33 ટકા ખેડૂત એવા છે, જેમની પાસે બે વિઘાથી ઓછી છે, બે વિઘા નથી, બે વિઘા સુધીની છે, બે વિઘાથી ઓછી છે. 18 ટકા લોકો જે ખેડૂત કહેવાય છે, તેમની પાસે બે વિઘાથી ચાર વિઘા જમીન છે, એટલે કે અડધાથી એક હેક્ટર જેટલી.. આ કુલ 51 ટકા ખેડૂત ગમે એટલી મહેનત કરી લે.. પોતાની નાની અમથી જમીન ઉપર તેઓ ઈમાનદારીપૂર્વક પોતાનું ભરણપોષણ કરી શકે તેમ નથી. આ ચૌધરી ચરણસિંહજીનું ક્વોટ છે. નાના ખેડૂતોની દયનીય સ્થિતિ ચૌધરી ચરણસિંહજી માટે હંમેશા ખૂબ પીડાદાયક રહેતી હતી. તેઓ હંમેશા તેમની ચિંતા કરતા હતા. હવે આપણે આગળ જોઈશું... એવો ખેડૂત, જેની પાસે એક હેક્ટરથી પણ ઓછી જમીન હોય છે. 1971માં એવા ખેડૂતો 51 ટકા હતા, આજે 68 ટકા છે. એટલે કે દેશમાં એવા ખેડૂતોની સંખ્યા વધી રહી છે, જેમની પાસે ઘણી ઓછી જમીન છે. આજે નાના અને સીમાંત ખેડૂતો સાથે મળીને 86 ટકાથી પણ વધુ ખેડૂતો એવા છે જેમની પાસે બે હેક્ટરથી પણ ઓછી જમીન છે. અને આવા ખેડૂતોની સંખ્યા 12 કરોડ છે. શું 12 કરોડ ખેડૂતો પ્રત્યે આપણી કોઈ જવાબદારી નથી, શું દેશની કોઈ જવાબદારી નથી. શું આપણે ક્યારેય આપણી યોજનાઓના કેન્દ્ર સ્થાને આ 12 કરોડ ખેડૂતોને રાખવા પડશે કે નહીં રાખવા પડે. આ સવાલનો જવાબ ચૌધરી ચરણસિંહજી આપણા માટે છોડીને ગયા છે.. આપણે જવાબ શોધવો પડશે. આપણે ચૌધરી ચરણસિંહજીને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે પણ આ કામ માટે જેને જે સૂઝે તે.. જેને જે તક મળે તે.. સહુએ કરવું પડશે, ત્યારે જ આપણે તેનો ઉકેલ લાવી શકીશું.

અગાઉની સરકારોની નજરમાં નાના ખેડૂત હતા ખરા ? જો આપણે એકવાર વિચારીશું તો જોઈ શકીશું કે હું ટીકા કરવા માટે નથી કહી રહ્યો, પરંતુ આપણે ખરેખર... આપણે સહુએ વિચારવાની જરૂર છે. જ્યારે આપણે ચૂંટણી આવતાં જ એક કાર્યક્રમ યોજીએ છીએ - ઋણમાફીનો.. એ ખેડૂતનો કાર્યક્રમ છે એમ લાગે, પરંતુ એ વોટનો કાર્યક્રમ છે, એ વાત હિન્દુસ્તાનમાં પ્રત્યેક વ્યક્તિ સારી રીતે જાણે છે. પરંતુ જ્યારે ઋણ માફ કરે છે.. જ્યારે નાના ખેડૂત તેનાથી વંચિત રહે છે. તેમના નસીબમાં કશું નથી આવતું. કેમકે, ઋણ માફી.. જે બેન્ક પાસેથી લોન લે છે, તેને મળે છે.. નાનો ખેડૂત તો બિચારો બેન્કમાં ખાતું પણ નથી ધરાવતો... તે લોન લેવા ક્યાં જશે. આપણે નાના ખેડૂત માટે નથી કર્યું.. આપણે ભલે રાજનીતિ કરી લીધો હોય. એક બે એકર જમીનવાળો ખેડૂત, જેની પાસે બેન્કમાં ખાતું પણ નથી, તે ધિરાણ લેતો નથી અને તેને ધિરાણ મુક્તિનો કોઈ ફાયદો મળે છે. તે જ રીતે, અગાઉની ફસલ બીમા યોજના શું હતી... એક રીતે એ વીમો, જે બેન્ક ગેરંટી તરીકે કામ કરતો હતો. અને તે પણ નાના ખેડૂત માટે તો ભાગ્યમાં જ લખાયો નહતો. તે પણ એ જ ખેડૂતો માટે હતો, જેઓ બેન્કમાંથી લોન લેતા હતા, જેમનો ઈન્સ્યોરન્સ હતો, બેન્કવાળાને પણ વિશ્વાસ થતો હતો, કામ ચાલી જતું હતું.

આજે બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા એવા કેટલાક ખેડૂત હશે, જેઓ બેન્ક લોન લેતા હશે.. સિંચાઈની સુવિધા પણ નાના ખેડૂતોના નસીબમાં નથી, મોટા ખેડૂતો તો મોટા મોટા પમ્પ લગાવી લે છે, ટ્યુબવેલ બનાવી લે છે, વીજળી પણ લે છે, અને વીજળી મફતમાં મળી જતી હતી, તેમનું કામ ચાલી જતું હતું. નાના ખેડૂતોને તો સિંચાઈની મુશ્કેલી પણ હતી. તેઓ ટ્યુબવેલ નખાવી શકતા ન હતા, ક્યારેક ક્યારેક તો તેમણે મોટા ખેડૂત પાસેથી પાણી ખરીદવું પડતું હતું અને જે નાણાં માગે તે ચૂકવવા પડતા હતા. યુરિયા.... મોટા ખેડૂતોને યુરિયા મેળવવામાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. નાના ખેડૂતને રાતોની રાતો કતારમાં ઊભા રહેવું પડતું હતું. તેમાં લાઠીઓ ઉછળતી હતી અને ક્યારેક તો બિચારાએ યુરિયા વિના જ ઘરે પાછું ફરવું પડતું હતું. આપણે નાના ખેડૂતોની હાલત જાણીએ છીએ... 2014 પછી અમે કેટલાક પરિવર્તન કર્યાં. અમે ફસલ બીમા યોજનાનો વ્યાપ વધાર્યો, જેથી ખેડૂત.. નાના ખેડૂત પણ તેનો લાભ મેળવી શકે અને અત્યંત સાધારણ રકમથી આ કામ શરૂ કર્યું અને છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં ફસલ બીમા યોજના હેઠળ 90 હજાર કરોડ રૂપિયાના દાવાની રકમ ખેડૂતોને મળી છે. આ આંકડો ઋણ માફી કરતાં પણ મોટો છે.

એ પછી કિસાન ક્રેડિટ કાર્ડ જુઓ. આપણે ત્યાં કિસાન ક્રેડિટ કાર્ડ બન્યાં, પરંતુ તે ફક્ત મોટા ખેડૂતો સુધી પહોંચ્યાં અને તેઓ બેન્કો પાસેથી અત્યંત ઓછા વ્યાજે, કેટલાંક રાજ્યોમાં જો શૂન્ય પરસેન્ટ વ્યાજ ઉપર ધિરાણો મેળવી શક્યાં અને તેમના બીજા કોઈ ધંધા વેપાર હોય તો તેઓ એમાંયે આ નાણાં લગાડી દેતા હતા. નાના ખેડૂતના નસીબમાં આવું નહતું. અમે નક્કી કર્યું કે હિન્દુસ્તાનના પ્રત્યેક ખેડૂતને ક્રેડિટ કાર્ડ આપીશું, એટલું જ નહીં, અમે તેનો વ્યાપ માછીમારો સુધી પણ વધાર્યો, જેથી તેઓ પણ તેનો લાભ મેળવી શકે. અને પોણા બે કરોડથી વધુ ખેડૂતો સુધી આ કિસાન ક્રેડિટ કાર્ડના લાભ પહોંચી ચૂક્યા છે તેમજ હજુ પણ અમે રાજ્યોને આગ્રહ કરી રહ્યા છીએ કે તેને સતત આગળ ધપાવો, જેથી વધુને વધુ ખેડૂતોને તેનો લાભ મેળવી શકે. અને રાજ્યોની મદદ જેટલી મળશે, તેટલું કામ વધુ થશે. એ જ રીતે અમે એક યોજના મૂકી... પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના. તેના માધ્યમથી રકમ બારોબાર ખેડૂતના ખાતામાં જમા થાય છે. અને એવા ખેડૂતો, જેમને કદી આ પ્રકારની મદદ પહોંચી નથી, તેમને મદદ મળે છે. આવા 10 કરોડ પરિવાર છે, જેમને આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે.

જો બંગાળમાં રાજકારણ આડું ન આવ્યું હોત તો બંગાળના ખેડૂત પણ જોડાઈ ગયા હોત અને આ આંકડો આનાથી પણ વધુ મોટો હોત. અત્યાર સુધીમાં 1 લાખ 15 હજાર કરોડ રૂપિયા આ ખેડૂતોનાં ખાતાંમાં જમા થયાં છે. આ ગરીબ નાના ખેડૂતો પાસે આ નાણાં ગયાં છે. અમારી તમામ યોજનાઓના મધ્ય સ્થાને સોઇલ હેલ્થ કાર્ડ છે, અમે 100 ટકા સોઇલ હેલ્થ કાર્ડની વાત કહી છે, જેથી આપણા નાના ખેડૂતો પોતાની જમીન કેવી છે, કઇ ઉપજ માટે છે, તેની જાણકારી મેળવી શકે. અમે 100 ટકા સોઇલ હેલ્થ કાર્ડ માટે કામ કર્યું, એ જ રીતે અમે યુરિયામાં 100 ટકા નીમ કોટેડ યુરિયા માટે પણ કામ કર્યું. 100 ટકા પાછળનો અમારો ઈરાદો હતો કે ગરીબમાં ગરીબ ખેડૂત સુધી પણ યુરિયા પહોંચવામાં અવરોધ ન આવે. તેનાથી યુરિયા ડાયવર્ટ થતો બંધ થઈ ગયો અને અમે નાના અને સીમાંત ખેડૂતો માટે પહેલીવાર પેન્શનની સુવિધા આપતી યોજના લઈને આવ્યા અને હું જોઈ રહ્યો છું કે ધીમે ધીમે આપણા નાના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. તે જ રીતે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના... પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના એ ફક્ત એ રસ્તો નથી, એ ખેડૂતોની ગામડાંની જિંદગી બદલવાની એક ઘણી મોટી યશરેખા છે. અને અમે તેની ઉપર પણ ભાર મૂક્યો. પહેલીવાર અમે કિસાન રેલ યોજના મૂકી. નાનો ખેડૂત પોતાનો માલ વેચી શક્તો ન હતો. આજે કિસાન રેલ મારફતે ગામડાનો ખેડૂત રેલવેના માધ્યમથી મુંબઈની બજારમાં પોતાનો માલ વેચવા લાગ્યો છે. ફળ અને શાકભાજી વેચવા લાગ્યો છે. તેનો લાભ થઈ રહ્યો છે. નાના ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. કિસાન ઉડાન યોજના... કિસાન ઉડાન યોજના હેઠળ હવાઈ જહાજ - એરોપ્લેન મારફતે .. આપણા ઉત્તરપૂર્વનાં રાજ્યોની આટલી ઉત્તમ પેદાશો પરિવહનના માળખાને અભાવે ત્યાંના ખેડૂતને લાભ મળતો ન હતો, તે આજે કિસાન ઉડાન યોજનાનો લાભ મેળવી રહ્યા છે. નાના ખેડૂતોની મુશ્કેલીઓથી સહુ કોઈ પરિચિત છે.. સમયાંતરે તેમના સશક્તિકરણની માગણી પણ થઈ છે.

 

આપણા આદરણીય શરદ પવારજી અને કોંગ્રેસના પણ દરેક જણે... પ્રત્યેક સરકારે કૃષિ ક્ષેત્રે સુધારાની વકિલાત કરી છે. કોઈ પાછળ નથી રહ્યું કેમ કે દરેકને લાગે છે કે કરી શકાય કે ન કરી શકાય તે અલગ વાત છે. પરંતુ આ થવું તો જોઈએ, આ વાત દરેક જણે કહી છે અને આજે નહીં, જ્યારે પણ જે જ્યાં હતા, સહુએ કહી છે. અને શરદ પવારજીએ તો એ નિવેદન પણ આપ્યું કે હું સુધારાની તરફેણમાં છું. ઠીક છે, પદ્ધતિ બાબતે તેમના મનમાં સવાલ છે પરંતુ સુધારાનો વિરોધ નથી કર્યો. અને એટલા માટે હું માનું છું કે આપણે આ વિષયે આપણા સાથી શ્રી સિંધિયાજીએ ઘણી સારી રીતે ઘણાં પાસાંઓ ઉપર આ કાયદાને માટે અહીં.. આ તમામ વાતો છેલ્લા બે દાયકાથી સતત ચાલી રહી છે. એવું નથી કે અમે આવ્યા પછી શરૂ થઈ છે. દરેકે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે, થઈ જશે. હવે સમય આવી ગયો છે, આ બરાબર છે કે કોઈ અલ્પવિરામ, પૂર્ણવિરામ અલગ થઈ શકે છે, પરંતુ કોઈ એવો દાવો નહીં કરી શકે કે ભઇ અમારો સમય ઘણો સારો હતો, હું પણ દાવો નથી કરી શકતો કે અમારા સમયના વિચારો ઘણા સારા છે. દસ વર્ષ પછી કોઈ વિચાર આવી જ નથી શકતો. એવું નથી હોતું, આ સમાજ જીવન પરિવર્તનશીલ હોય છે.

આજના સમયે અમને જે ઠીક લાગ્યું તે કર્યું, આગળ ચાલતા રહીએ, તેમાં પણ સુધારો કરીશું.. નવી ચીજોને જોડીશું, આ તો પ્રગતિનો રસ્તો હોય છે.. અવરોધો ઊભા કરવામાં પ્રગતિ ક્યાં થાય છે.. અને એટલે જ.. પણ હું હેરાન છું કે અચાનક યુટર્ન કેવી રીતે લીધો. એવું તો શું થયું. ઠીક છે, હવે આંદોલનનો મુદ્દો લઈને આ સરકારને ભીંસમાં લો છો, પરંતુ સાથે સાથે ખેડૂતોને પણ કહો છો કે ભાઈ પરિવર્તન ખૂબ જરૂરી છે. ઘણાં વર્ષો વીતી ગયા. હવે નવી ચીજો કરવી પડશે. તો દેશ આગળ વધે છે, પરંતુ હવે મને લાગે છે કે રાજકારણ એટલું હાવિ થઈ જાય છે કે પોતાના જ વિચાર છૂટી જાય છે. પરંતુ આ બધું જે કરી રહ્યા છો, સારું છે કે આદરણીય ડૉક્ટર મનમોહન સિંહજી અહીં હાજર છે. તેમનું એક ક્વોટ આજે હું વાંચવા માગું છું. શક્ય છે કે જે યુટર્ન મારી રહ્યા છે, તેઓ મારી વાત માને કે ન માને, મનમોહન સિંહજીની વાત તો જરૂર માનશે. There are other rigidities because of the whole marketing regime setup in the 1930’s which prevent our farmers from selling their produce where they get the highest rate of return. It is our intention to remove.... It is our intention to remove all those handicaps which come in the way of India realizing its vast potential as one large common market. આ આદરણીય મનમોહન સિંહજીનું ક્વોટ છે. આદરણીય મનમોહન સિંહજીએ ખેડૂતને ઉપજ વેચવાની સ્વતંત્રતા અપાવવા, ભારતને એક કૃષિ બજાર અપાવવા બાબતે પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. અને એ કામ અમે કરી રહ્યા છીએ. અને તમને લોકોને એ બાબતનું ગૌરવ હોવું જોઈએ.. જુઓ.. આદરણીય મનમોહન સિંહજીએ કહ્યું હતું... તે મોદીએ કરવું પડે છે. અરે ગર્વ કરો.. અને મજા એ છે કે જે લોકો પોલિટિકલ દાવાદલીલો કરતા હોય છે, ઉછળી ઉછળીને દલીલો કરે છે, તેમનાં રાજ્યોમાં પણ જ્યારે તેમને તક મળે છે, આમાંથી જ થોડું અડધું પડધું, કંઈક તો કર્યું જ છે. અહીં વિરોધમાં જે પક્ષ છે, તેમની પણ જ્યાં સરકારો છે, ત્યાં આમાંથી જ કંઈકને કંઈક તો અપનાવાયું જ છે. કેમકે એમને પણ ખબર છે કે રસ્તો તો આ જ છે. અને મેં જોયું છે કે આ ચર્ચામાં કાયદાનો જે હાર્દ છે, તેની ઉપર ચર્ચા નથી થઈ, ફરિયાદ થાય છે, આ જ રીત છે, જે બરાબર નથી. એને ઝડપભેર કર્યું તો તે હવે પરિવારમાં જ્યારે લગ્ન લેવાયાં હોય અને ફોઇ નારાજ થઈને કહે કે મને ક્યાં બોલાવી હતી, એવું તો રહે જ છે. આટલો મોટો પરિવાર છે, તો એટલું તો રહે જ છે.

આપણે કેટલીક બીજી વાતો ઉપર પણ ધ્યાન આપીએ. હવે જોઈએ.. દૂધ ઉત્પાદન.. કોઈ બંધનોમાં બંધાયેલું નથી. પશુપાલકો ઉપર કોઈ બંધનો લાદવામાં આવ્યા નથી, કે દૂધને કોઈ બંધનો બાંધ્યું નથી. પરંતુ મજા જુઓ.. દૂધ ક્ષેત્રમાં પ્રાઈવેટ કે કો-ઓપરેટિવ બંનેએ મળીને એક એવી મજબૂત ચેઇન તૈયાર કરી છે, બંને મળીને આ કામ કરી રહ્યા છે. વધુ એક શ્રેષ્ઠ સપ્લાઇ ચેઇન આપણા દેશમાં બની છે. તેને અને આવું બીજું પણ જે કંઈ સારું છે, તેને.. અને આ મારા કાર્યકાળમાં નથી બન્યું. તમે તેના ઉપર ગર્વ લઈ શકો છો, મારા કામથી પહેલા બન્યું છે. આપણે ગર્વ લેવો જોઈએ. ફળ, શાકભાજી સાથે જોડાયેલા વ્યવસાયમાં મોટાભાગે બજારોનો સીધો સંપર્ક રહે છે. બજારોમાં દરમિયાનગીરી બંધ થઈ, તેનો લાભ મળી રહ્યો છે. શું ડેરીવાળા ફળ અને શાકભાજી ખરીદવાવાળા ઉદ્યોગસાહસિકો, પશુપાલકો કે ખેડૂતોની જમીન ઉપર કબ્જો થઈ લઈ લે છે, તેમનાં પશુઓ ઉપર કબ્જો લઈ લે છે, નથી લેતા. દૂધ વેચાય છે, પશુ નથી વેચાતાં. આપણા દેશમાં ડેરી ઉદ્યોગનું યોગદાન છે, કૃષિ અર્થવ્યવસ્થાના કુલ મૂલ્યમાં 28 ટકાથી વધુ યોગદાન છે. એટલે કે એગ્રિકલ્ચરલની આપણે આટલી મોટી વાતો કરીએ છીએ, તેના આ પાસાંને આપણે ભૂલી જઈએ છીએ. 28 ટકા યોગદાન છે. અને લગભગ આઠ કરોડ રૂપિયાનો કારોબાર છે. અનાજ અને દાળ બંને મિલાવીએ તો તેમનાં મૂલ્ય કરતાં પણ દૂધનું મૂલ્ય વધુ છે. આપણે ક્યારેય આ સબ્જેક્ટ ઉપર ધ્યાન નથી આપતા. પશુપાલકોને પૂરી સ્વતંત્રતા છે, અનાજ અને દાળ ઉત્પન્ન કરનારા નાના અને સીમાંત ખેડૂતોને.. જે રીતે પશુપાલકને આઝાદી મળી છે, તેમને પણ આઝાદી કેમ ન મળવી જોઈએ ? હવે આ સવાલનો જવાબ આપણે શોધીશું તો આપણે સાચા માર્ગે ચાલીશું.

 

આદરણીય અધ્યક્ષ શ્રી,

એ વાત સાચી છે કે જેવો આપણા લોકોને સ્વભાવ ઘરમાં પણ રહ્યો છે, એ રીતે થોડું પણ પરિવર્તન કરવાનું હોય ઘરમાં તો પણ એક તણાવ પેદા થાય છે. ખુરશી અહીં કેમ મૂકી, ટેબલ અહીં કેમ મૂક્યું... ઘરમાં પણ થાય છે. આટલો મોટો દેશ છે અને જે પ્રકારની પરંપરાઓથી આપણું પાલન-પોષણ થયું છે તો આવું થાય તે સ્વાભાવિક છે, એમ હું માનું છું કે જ્યારે પણ કોઈ નવી વસ્તુ આવે છે, તો થોડુંઘણું એવું રહે જ છે. આપણે ત્યાં કેટલીક અસમંજસની સ્થિતિ પણ રહે છે. પરંતુ એ દિવસો યાદ કરો, જ્યારે હરિયાળી ક્રાંતિની વાતો થતી હતી. હરિયાળી ક્રાંતિના સમયે જે કૃષિ સુધારા થયા, એ સમયે પણ જે આશંકાઓ પેદા થઈ હતી, જે આંદોલનો થયાં હતાં, એ દસ્વાતેજોમાં સારી રીતે અંકાયેલા છે, અને એ જોવા જેવા છે. કૃષિ સુધારા માટે કડક નિર્ણયો લેવાના સમયે શાસ્ત્રીજીની હાલત એવી હતી કે પોતાના સાથીઓમાંથી કોઈ કૃષિ મંત્રી બનવા તૈયાર નહોતું. કેમકે એવું લાગતું હતું કે એમાં પડવાથી આપણે દાઝી જઈશું અને ખેડૂત નારાજ થઈ જશે તો રાજકારણમાંથી ફેંકાઈ જઈશું. આ શાસ્ત્રીજીના સમયની ઘટનાઓ છે, અને અંતે, શાસ્ત્રીજીએ શ્રી સુબ્રહ્મણ્યમજીને કૃષિ મંત્રી બનાવવા પડ્યા હતા અને તેમણે રિફોર્મ્સની વાતો કરી, યોજના આયોગે પણ તેનો વિરોધ કર્યો હતો, મજા જુઓ કે.. યોજના આયોગે પણ વિરોધ કર્યો હતો, નાણાં મંત્રાલય સહિત સમગ્ર કેબિનેટની અંદર પણ વિરોધનો સૂર ફૂટ્યો હતો. પરંતુ દેશની ભલાઈ માટે શાસ્ત્રીજી આગળ વધ્યા અને લેફ્ટપાર્ટી આજે જે ભાષા બોલે છે. તે એ સમયે પણ બોલતી હતી. તેઓ એમ જ કહેતા હતા કે અમેરિકાના ઈશારા ઉપર શાસ્ત્રીજી આમ કરી રહ્યા છે. અમેરિકાના ઈશારા ઉપર કોંગ્રેસ આમ કરી રહી છે. સારા દિવસો... આજે મારા ખાતામાં જમા છે, તે પહેલા તમારા બેન્ક એકાઉન્ટમાં હતા. આપણા કોંગ્રેસના નેતાઓ તમામ અમેરિકાના એજન્ટ હોવાનું કહેવાતું હતું. આવી જે ડાબેરીઓ જે ભાષા આજે બોલી રહ્યા છે, તે એ સમયે પણ તેમણે બોલી હતી. કૃષિ સુધારા નાના ખેડૂતોને બરબાદ કરી દેશે તેમ કહેવાયું હતું. દેશભરમાં હજારો પ્રદર્શન યોજાયાં હતાં. મોટી મુવમેન્ટ ચલાવાઈ હતી. આ જ માહોલમાં પણ લાલબહાદુર શાસ્ત્રીજી અને તેમના પછીની સરકાર પણ જે કરી રહી, તેનું પરિણામ છે કે આપણે PL-480 મંગાવીને ખાતા હતા, તે દેશ આજે પોતાના ખેડૂતોએ પકવેલું અન્ન ખાઈ રહ્યો છે. વિક્રમી ઉત્પાદન છતાં આપણા કૃષિ ક્ષેત્રે સમસ્યાઓ છે. કોઈ ના તો નહીં પાડી શકે કે કૃષિ ક્ષેત્રે સમસ્યાઓ નથી, પરંતુ સમસ્યાઓનો ઉકેલ આપણે સહુએ સાથે મળીને લાવવો પડશે. અને હું માનું છું કે હવે સમય વધુ પ્રતીક્ષા નહીં કરે.

આપણા રામગોપાલજીએ ઘણી સારી વાત કહી... તેમણે કહ્યું કે કોરોના લોકડાઉનમાં પણ આપણા ખેડૂતોએ વિક્રમી ઉત્પાદન કર્યું છે. સરકારે પણ બિયારણ, ખાતર, તમામ ચીજો કોરોનાકાળમાં પણ પહોંચાડવામાં કોઈ ઉણપ આવવા દીધી નથી, કોઈ સંકટ પડવા દીધું નથી અને તેનું સહિયારું પરિણામ મળ્યું કે દેશ પાસે અનાજનો ભંડાર ભરેલો રહ્યો. ઉપજની વિક્રમી ખરીદી પણ આ કોરોનાકાળ દરમિયાન કરવામાં આવી છે. તો હું માનું છું કે આપણે નવા નવા ઉપાય શોધીને આગળ વધવું પડશે અને મેં કહ્યું એમ, કોઈ પણ, ઘણા કાયદા છે, દરેક કાયદામાં બે વર્ષ પછી, પાંચ વર્ષ પછી, બે મહિના, ત્રણ મહિના પછી સુધારા થાય જ છે. આપણે કોઈ સ્ટેટિક અવસ્થામાં જીવનારા થોડા છીએ... જ્યારે સારા સૂચનો આવે છે, તો સારા સુધારા પણ આવે છે. અને સરકાર પણ સારા સૂચનોને અને ફક્ત અમારી નહીં, દરેક સરકારે સારાં સૂચનો સ્વીકાર્યાં છે, આ જ તો લોકશાહીની પરંપરા છે. અને એટલા માટે જ સારું કરવા માટે સારાં સૂચનો સાથે, સારાં સૂચનોની તૈયારી સાથે આપણે સહુએ આગળ વધવું જોઈએ. હું તમને સહુને નિમંત્રણ આપું છું. આવો, આપણે દેશને આગળ લઈ જવા માટે કૃષિ ક્ષેત્રની સમસ્યાઓનો ઉકેલ લાવવા લાવવા માટે, આંદોલનકારોને સમજાવીને આપણે દેશને આગળ લઈ જવો પડશે. શક્ય છે કે કદાચ આજે નહીં તો કાલે, અહીં જે કોઈ પણ હશે, કોઈએને કોઈએ તો આ કામ કરવું જ પડશે. આજે મેં કર્યું છે, ગાળો મારા ખાતામાં જમા થવા દો.. પરંતુ આ સારું કામ કરવામાં આજે સહુ જોડાઈ જાવ. ખરાબ થાય તો મારા ખાતામાં, સારું થાય તો તમારા ખાતામાં.. આવો, સાથે મળીને ચાલીએ. અને આપણા કૃષિ મંત્રીજી સતત ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે. સતત મીટિંગ થઈ રહી છે. અને અત્યાર સુધી કોઈ તણાવ પેદા થયો નથી. એકબીજાની વાતને સમજવા અને સમજાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. અને અમે આંદોલન સાથે જોડાયેલા લોકોને સતત પ્રાર્થના કરીએ છીએ કે આંદોલન કરવાનો તમને હક્ક છે. પરંતુ આ રીતે, વૃદ્ધ લોકો અહીં બેસે તે ઠીક નથી. તમે એ બધાને લઈ જાવ. તમે આંદોલન પૂરું કરો, આગળ વધવા માટે સાથે બેસીને ચર્ચા કરીશું, રસ્તા ખુલ્લા છે. આ બધું અમે કહ્યું છે. હું આજે પણ આ ગૃહના માધ્યમથી પણ નિમંત્રણ આપું છું.

 

આદરણીય અધ્યક્ષ શ્રી,

એ વાત નિશ્ચિત છે કે આપણી ખેતીને સંપન્ન બનાવવા માટે નિર્ણય લેવાનો આ સમય છે, આ સમય આપણે ગુમાવી દેવો ન જોઈએ. આપણે આગળ વધવું જોઈએ.. દેશને પાછળ ન પાડવો જોઈએ. પક્ષ હોય કે વિપક્ષ હોય, આંદોલનમાં રોકાયેલા સાથી હોય, આ સુધારાને આપણે તક આપવી જોઈએ. અને એકવાર જોવું જોઈએ કે આ પરિવર્તનથી આપણને લાભ થાય છે કે નથી થતો. કોઈ ઉણપ હોય તો તેને બરાબર કરીશું, અને ક્યાંય ઢીલ જણાય તો તેને મજબૂત કરીશું. એવું તો છે નહીં કે તમામ દરવાજા બંધ કરી દીધા.. એટલે જ હું કહું છું.. હું વિશ્વાસ અપાવું છું કે મંડીઓ વધુ આધુનિક બને, વધુ સ્પર્ધા થશે, આ વખતે બજેટમાં પણ અમે એ માટે જોગવાઈ કરી છે. એટલું જ નહીં, એમએસપી છે, એમએસપી હતી, એમએસએપી રહેશે. આ ગૃહની પવિત્રતા આપણે સમજીએ.. જે 80 કરોડથી વધુ લોકોને સસ્તામાં રાશન અપાય છે. તે પણ ચાલુ રહેશે. એટલે મહેરબાની કરીને ભ્રમ ફેલાવવાના કામમાં આપણે ન જોડાઈએ, કેમકે દેશે આપણને એક વિશિષ્ટ જવાબદારી સોંપી છે. ખેડૂતોની આવક વધારવાના જે અન્ય ઉપાય છે, તેના ઉપર ભાર આપવાની પણ આપણે જરૂર છે. વસ્તી વધી રહી છે, પરિવારમાં સભ્યોની સંખ્યા વધી રહી છે. જમીનના ટુકડા થઈ રહ્યા છે. આ સ્થિતિમાં આપણે એવું કંઈને કંઈ કરવું જ પડશે, જેથી ખેડૂતોનો બોજો હળવો થાય અને આપણા ખેડૂતના પરિવારના લોકો પણ આજીવિકા રળવા માટે, એમના માટે આપણે વધુ અવસર ઉપલબ્ધ કરાવી શકીએ. તેમની મુશ્કેલીઓ દૂર કરવા માટે આપણે કામ કરવું પડશે અને હું માનું છું કે જો આપણે મોડું કરીશું. આપણે જો પોતાનાં જ રાજકીય સમીકરણોમાં ફસાયેલા રહીશું, તો ખેડૂતોને અંધકાર તરફ ધકેલી દઈશું. કૃપા કરીને આપણે ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટે એનાથી બચવું જોઈએ. હું સહુને પ્રાર્થના કરું છું. આપણે આ વાતની ચિંતા કરવી પડશે.

આદરણીય અધ્યક્ષ શ્રી,

ડેરી અને પશુપાલનને આપણા કૃષિ ક્ષેત્ર સાથે પ્રોત્સાહન આપવાની જરૂર છે, જેથી આપણો ખેડૂત પરિપક્વ બને. આ જ રીતે અમે ફૂટ એન્ડ માઉથ ડીસીઝ માટે એક મોટું અભિયાન આદર્યું, જે પશુપાલક, ખેડૂત, જે ખેતી સાથે જોડાયેલો રહે છે, તેને પણ તેનો લાભ મળશે. અમે માછીમારી ઉપર પણ ભાર મૂક્યો, અલગ મંત્રાલય બનાવ્યું અને 20 હજાર કરોડ રૂપિયાના ખર્ચે મત્સ્ય સંપદા યોજના શરૂ કરી, જેથી આ સમગ્ર ક્ષેત્રને એક નવું જોમ મળે. સ્વીટ રેવોલ્યુશનમાં ઘણી સંભાવના છે, અને એ માટે મોટી જમીનની જરૂરત પણ નથી. પોતાના જ ખેતરના ખૂણામાં તે કરી શકે છે અને વર્ષે 40-50 હજાર રૂપિયા, લાખ રૂપિયા, બે લાખ રૂપિયા કમાઈ શકે છે. અને એટલે અમે સ્વીટ - મધ માટે એ જ રીતે બી વેક્સને પ્રોત્સાહન આપ્યું. વિશ્વમાં બી વેક્સની ખૂબ માગ છે. ભારત બી વેક્સ નિકાસ કરી શકે છે. અમે તેના માટે માહોલ બનાવ્યો અને ખેડૂતના ખેતરમાં જ નાનો ખેડૂત હોય તો એ એક નવી કમાણી ઊભી કરી શકે છે, આપણે તેમને જોડવા પડશે. અને મધમાખી ઉછેર માટે સેંકડો એકર જમીનની જરૂર નથી. એ આરામથી પોતાને ત્યાં કરી શકે છે. સોલર પંપ....અમારું કહેવું છે કે અન્નદાતા ઊર્જાદાતા બને. પોતાના ખેતરમાં જ સોલર સિસ્ટમથી ઊર્જા પેદા કરે, સોલર પંપ ચલાવીને પોતાની પાણીની જરૂરિયાત પૂરી કરે. ઊર્જા પાછળના પોતાના ખર્ચને ઘટાડે, બોજો હળવો કરે. અને પાક એક લેતો હોય, તો બે લે, બે લેતો હોય તો ત્રણ લે. પેટર્નમાં થોડોક ફેરફાર કરવો હોય તો કરી શકે છે. આ દિશામાં આપણે જઈ શકીએ છીએ. અને એક વાત છે, આવી સમસ્યાઓના ઉકેલ લાવવાની અને નવા રસ્તા શોધવાની ભારતની તાકાત રહી છે. રસ્તા આગળ પણ ખુલશે. પરંતુ કેટલાક લોકો છે, જે ભારત અસ્થિર રહે, અશાંત રહે, તેની સતત કોશિષો કરી રહ્યા છે. આપણે તે લોકોને ઓળખવા પડશે.

આપણે એ ન ભૂલવું જોઈએ કે પંજાબ સાથે શું થયું. જ્યારે ભાગલા પડ્યા, સૌથી વધુ પંજાબે ભોગવવું પડ્યું છે. જ્યારે 84ના રમખાણો થયા... સૌથી વધુ આંસું પંજાબનાં વહ્યાં છે.. સૌથી વધુ દર્દનાક ઘટનાઓનો શિકાર પંજાબે થવું પડ્યું છે. જે જમ્મુ-કાશ્મીરમાં થયું, નિર્દોષોને મોતને ઘાટ ઉતારી દીધા. જે નોર્થ-ઈસ્ટમાં થતું રહ્યું, અવારનવાર બોમ્બ-બંદૂક અને ગોળીઓનો કારોબાર ચાલતો રહ્યો. આ બધી ચીજોએ દેશને કોઈને કોઈ રીતે ઘણું નુકસાન પહોંચાડ્યું છે. એની પાછળ કઈ તાકતો છે, દરેક સમયે, દરેક સરકારોએ એ તાકતોને જોઈ છે, સમજી છે, જાણી છે. અને એટલે તેમણે એ જુસ્સા સાથે આ તમામ સમસ્યાઓના સમાધાન માટે અમે ઝડપભેર આગળ વધ્યા છીએ અને આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણા કેટલાક લોકો, ખાસ કરીને પંજાબના, વિશેષ કરીને સિખ ભાઈઓના મનમાં ખોટી વાતો ભરવા લાગ્યા છે. આ દેશ પ્રત્યેક સિખ માટે ગર્વ કરે છે. દેશ માટે શું નથી કર્યું, તેમણે. તેમનો આપણે જેટલો આદર કરીએ, ઓછો છે. ગુરુઓની મહાન પરંપરાઓમાં.. મારું નસીબ છે કે પંજાબની રોટી ખાવાનો અવસર મને મળ્યો છે. જીવનનાં મહત્ત્વપૂર્ણ વર્ષ મેં પંજાબમાં વીતાવ્યાં છે, એટલા માટે મને ખબર છે. અને એટલા માટે જે ભાષા કેટલાક લોકો તેમના માટે બોલે છે, તેમને ગેરમાર્ગે દોરવાનો જે લોકો પ્રયાસ કરી રહ્યા છે, તેનાથી દેશનું ક્યારેય ભલું નહીં થાય. અને એટલે જ આપણે એ બાબતે ચિંતા કરવાની આવશ્યકતા છે.

આદરણીય અધ્યક્ષ શ્રી,

આપણે લોકો કેટલાક શબ્દોથી ઘણા પરિચિત છીએ - શ્રમજીવી, બુદ્ધિજીવી, આ બધા શબ્દો જાણીએ છીએ. પરંતુ હું જોઈ રહ્યો છું કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં એક નવી જમાત પેદા થઈ છે, એક નવી બિરાદરી સામે આવી છે અને તે છે આંદોલનજીવી. આ જમાત તમે જોશો - વકીલોનું આંદોલન હોય, ત્યાં નજરે પડશે, વિદ્યાર્થીઓનું આંદોલન હોય, ત્યાં નજરે પડશે, મજૂરોનું આંદોલન હોય, ત્યાં પણ તેઓ દેખાશે, ક્યારેક પડદા પાછળ, ક્યારેક પડદાની આગળ. એક આખી ટોળી છે, આ જે આંદોલનજીવી છે. એ આંદોલન વિના જીવી શકતા નથી અને આંદોલનમાંથી જીવવાના રસ્તા શોધતા રહે છે. આપણે આવા લોકોને ઓળખવા પડશે, જે બધી જગ્યાએ પહોંચીને અને મોટા મોટા વૈચારિક અભિગમ રજૂ કરે છે, ગેરમાર્ગે દોરે છે, નવી નવી પદ્ધતિઓ બતાવે છે. દેશ આંદોલનજીવી લોકોથી બચે એ માટે આપણે સહુએ... અને એ એમની તાકાત છે.. એમનું શું છે, પોતે કોઈ વસ્તુઓ સાકાર કરી શકતા નથી, કોઈની ચાલી રહી હોય, તો જઈને બેસી જાય છે. એ પોતાનું.. જેટલા દિવસ ચાલે, ચલવાતા રહે છે. એવા લોકોને ઓળખવા ખૂબ આવશક્યક છે. આ તમામ આંદોલનજીવી પરજીવી હોય છે. અને અહીં બધાને મારી વાતોથી આનંદ એટલા માટે થશે કે તમે જ્યાં જ્યાં સરકારો ચલાવતા હશો, તમને પણ આવા આંદોલનજીવી પરજીવીઓનો અનુભવ થતો હશે. અને એટલે, હું એક નવી ચીજ જોઈ રહ્યો છું. દેશ પ્રગતિ કરી રહ્યો છે, આપણે એફીઆઈની વાત કરી રહ્યા છીએ, ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ. પરંતુ હું જોઈ રહ્યો છું કે હમણાં એક નવો એફડીઆઈ મેદાનમાં આવ્યો છે. આ નવા એફડીઆઈથી દેશને બચાવવાનો છે. એફડીઆઈ જોઈએ - ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ. પણ આ જે નવો એફડીઆઈ જોવા મળી રહ્યો છે, એ નવા એફડીઆઈથી બચવું જરૂરી છે અને એ નવો એફડીઆઈ છે - ફોરેન ડિસ્ટ્રક્ટિવ આઈડિયોલોજી. અને એટલે, આ એફડીઆઈથી દેશને બચાવવા માટે આપણે વધુ સાવધ રહેવાની જરૂર છે.

 

આદરણીય અધ્યક્ષ શ્રી,

આપણા દેશના વિકાસ માટે ગ્રામીણ અર્થવ્યવસ્થા - તેનું પોતાનું એક મૂલ્ય છે. ગ્રામીણ અર્થવ્યવસ્થા, આત્મનિર્ભર ભારતનો એક મહત્ત્વપૂર્ણ સ્તંભ છે. આત્મનિર્ભર ભારત, એ કોઈ સરકારનો કાર્યક્રમ ન હોઈ શકે, અને હોવો પણ ન જોઈએ. આ 130 કરોડ દેશવાસીઓનો સંકલ્પ હોવો જોઈએ. આપણને ગર્વ હોવું જોઈએ અને તેમાં કોઈ દ્વિધા ન હોવી જોઈએ. અને મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોએ આપણને આ જ માર્ગ ચીંધ્યો હતો. જો આપણે ત્યાંથી થોડા આડાઅવળા થઈ ગયા છીએ તો ફરી એ પાટે ચડવાની જરૂર છે અને આત્મનિર્ભર ભારતના રસ્તે આપણે આગળ વધવું જ પડશે. ગામ અને શહેરનો તફાવતને જો મિટાવવો હોય તો એના માટે પણ આપણે આત્મનિર્ભર ભારત તરફ વધવું પડશે. અને મને વિશ્વાસ છે કે આપણે એ વાતોને લઈને જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણા દેશના સામાન્ય માનવીનો વિશ્વાસ વધે છે. જે રીતે હમણાં જ પ્રશ્નોત્તર કાળ દરમિયાન જલ-જીવન મિશનની ચર્ચા થઈ રહી હતી - આટલા ઓછા સમયગાળામાં ત્રણ કરોડ પરિવારો સુધી ઘરમાં પીવાનું પાણી પહોંચાડવા માટે નળનાં કનેક્શન આપવાનાં કામ સંપન્ન થયાં છે. આત્મનિર્ભરતા ત્યારે જ સંભવ બનશે, જ્યારે અર્થવ્યવસ્થામાં સહુની ભાગીદારી હશે. આપણાં સોનલ બહેને પોતાના ભાષણમાં બહેન-દીકરીઓની ભાગીદારી ઉપર વધુ ધ્યાન આપવા માટે વિસ્તારપૂર્વક ચર્ચા કરી.

કોરોનાકાળમાં ચાહે રાશન હોય કે આર્થિક મદદ હોય, કે વિના મૂલ્યે ગેસ સિલિન્ડર - સરકારે દરેક રીતે એક પ્રકારે આપણી માતાઓ-બહેનોને અસુવિધા ન થાય, તેમની પૂરેપૂરી ચિંતા કરવાનો પ્રયાસ કર્યો છે અને તેમણે પણ એક શક્તિ બનીને આ ચીજોને સંભાળવામાં મદદ પણ કરી છે. જે રીતે આ મુશ્કેલ પરિસ્થિતિમાં આપણા દેશની નારી શક્તિએ અત્યંત ધીરજ સાથે પરિવાર સંભાળ્યો, પરિસ્થિતિ સંભાળી છે, કોરોનાની આ લડતમાં પ્રત્યેક પરિવારની માતૃ શક્તિની ઘણી મોટી ભૂમિકા રહી છે. અને તેમનો જેટલો આભાર માનું, ઓછો છે. બહેનો અને દીકરીઓનો આ જુસ્સો, અને હું સમજું છું કે આત્મનિર્ભર ભારતમાં આપણી માતાઓ-બહેનો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે. આજે યુદ્ધ ક્ષેત્રે પણ આપણી દીકરીઓ ભાગીદારી વધારી રહી છે. નવી નવી જે લેબર કોર્ટ બનાવાઈ છે, તેમાં પણ દીકરીઓ માટે દરેક ક્ષેત્રમાં કામ કરવા માટે સમાન વેતનનો હક્ક આપવામાં આવ્યો છે. મુદ્રા યોજના દ્વારા 70 ટકા લોન અપાય છે, તે આપણી બહેનો દ્વારા લેવામાં આવી છે, એટલે એક પ્રકારે આ ઉમેરો છે. આશરે 7 કરોડ મહિલાઓની સહભાગિતાથી આજે 60 લાખથી વધુ સ્વ સહાય જૂથો ચાલી રહ્યાં છે, જે આત્મનિર્ભર ભારતના પ્રયાસોને એક નવી તાકાત આપી રહ્યા છે.

ભારતની યુવા શક્તિ ઉપર આપણે જેટલો વધુ ભાર મૂકીશું, આપણે તેમને જેટલા અવસર આપીશું, હું માનું છું કે તેઓ આપણા દેશ માટે ભવિષ્ય માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે એક મજબૂત પાયો બનશે. રાષ્ટ્રીય એજ્યુકેશન પોલિસી અમલમાં આવી છે, તેમાં પણ આપણી યુવા પેઢી માટે નવા અવસર ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરાયો છે. અને મને ખુશી છે કે એજ્યુકેશન પોલિસીની ચર્ચા માટે લાંબો સમય ફાળવવામાં આવ્યો, પરંતુ દેશભરમાં તેને જે રીતે સ્વીકૃતિ મળે, એક નવો વિશ્વાસ પેદા થયો છે. અને મને વિશ્વાસ છે કે નવી એજ્યુકેશન પોલિસી, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, આપણા દેશમાં એક નવીન પદ્ધતિએ શિક્ષણનું, એક નવીન પદ્ધતિના વિચારનું આગમન છે.

આપણા એમએસએમઈ ક્ષેત્રે - રોજગારના સૌથી વધુ અવસર એમએસએમઈને મળી રહ્યા છે. અને જ્યારે કોરોના કાળમાં જે પ્રોત્સાહનો અપાયાં, તેમાં પણ એમએસએમઈ ઉપર બરાબર ધ્યાન અપાયું અને તેના જ પરિણામે, આર્થિક રિકવરીમાં આજે આપણાં એમએસએમઈ (સૂક્ષ્મ, નાનાં અને મધ્યમ એકમો) ઘણી મહત્ત્પૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે અને આપણે તેમને આગળ વધારી રહ્યા છીએ.

અમે શરૂઆતથી જ સબકા સાથ- સબકા વિકાસ - સબકા વિશ્વાસ મંત્ર લઈને ચાલી રહ્યા છીએ. અને એનું જ પરિણામ છે કે નોર્થ - ઈસ્ટ હોય કે નક્સલ પ્રભાવિત ક્ષેત્ર, ધીમે ધીમે ત્યાં આપણી સમસ્યાઓ ઓછી થતી જઈ રહી છે અને સમસ્યાઓ ઓછી હોવાને કારણે સુખ અને શાંતિના અવસર પેદા થાય છે અને પરિણામે વિકાસના મુખ્ય પ્રવાહો સાથે આ સહુ સાથીઓને જોડાવાની તક મળી રહી છે અને ભારતના ઉજ્જ્વળ ભવિષ્યમાં પૂર્વીય ભારત ઘણી મોટી ભૂમિકા નિભાવશે, તે હું સ્પષ્ટ જોઈ શકું છું. અને અમે તેને પૂરેપૂરી મજબૂતીથી લાવીશું.

હું આદરણીય ગુલામ નબીજીને સાંભળી રહ્યો હતો. એમ પણ અત્યંત મૃદુતા, સૌમ્યતા અને ક્યારેય કડવા શબ્દોનો ઉપયોગ ન કરવો, એ ગુલામનબીજીની વિશેષતા રહી છે. અને હું માનું છું કે આપણે સહુ સાંસદોએ તેમનામાંથી આ શીખવા જેવી બાબત છે અને એ માટે હું તેમનો આદર પણ કરું છું. તેમણે જમ્મુ-કાશ્મીરમાં જે ચૂંટણીઓ યોજાઈ, તેની પ્રશંસા પણ કરી. તેમણે કહ્યું કે તેમના હૃદયમાં જમ્મુ-કાશ્મીર વિશેષ છે અને એવું હોવું સ્વાભાવિક પણ છે. તેમના દિલમાં આવું હોય, સમગ્ર હિન્દુસ્તાનના દિલમાં પણ જમ્મુ-કાશ્મીર એવા જ ભાવ સાથે સ્થાન પામેલું છે.

જમ્મુ-કાશ્મીર આત્મનિર્ભર બનશે, એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. હમણાં ત્યાં પંચાયતની ચૂંટણીઓ યોજાઈ, બીડીસીની ચૂંટણીઓ યોજાઈ, ડીડીસીની ચૂંટણી યોજાઈ, અને એ બધાની પ્રશંસા ગુલામ નબીજીએ કરી છે. આ પ્રશંસા માટે હું આપનો ખૂબ આભારી છું. પરંતુ આપની પ્રશંસાથી મને ડર લાગે છે. મને વિશ્વાસ છે કે તમારી પાર્ટીના લોકો એને યોગ્ય અર્થમાં લેશે, ભૂલમાં તેને જી-23નો અભિપ્રાય સમજીને ઉંધું ન વાળે.

આદરણીય અધ્યક્ષ શ્રી,

કોરોનાના પડકારભર્યા સમયમાં સરહદ ઉપર પણ પડકારો આપવાની કોશિશો થઈ. આપણા વીર જવાનોના જુસ્સા અને કુશળતાએ જડબાતોડ જવાબ આપ્યો છે. દરેક હિન્દુસ્તાનીને એ વાતે ગર્વ છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આપણા સૈનિકો અડગ ઊભા રહ્યા છે. તમામ સાથીઓએ પણ આપણા જવાનોના શૌર્યની પ્રશંસા કરી છે, હું તેમનો આભારી છું. એલએસી ઉપર જે સ્થિતિ સર્જાઈ છે, તે અંગે ભારતનું વલણ અત્યંત સ્પષ્ટ છે અને દેશ તેને સારી રીતે જોઈ પણ રહ્યો છે અને ગર્વ પણ અનુભવી રહ્યો છે. બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બોર્ડર સિક્યોરિટી બાબતે અમારી પ્રતિબદ્ધતામાં કોઈ પ્રકારની ઢીલાશ આવે તેનો સવાલ જ ઊભો થતો નથી, તે સંભવ જ નથી. જે લોકો અમારા લાલન-પાલન અને અમારા વિચારો, અમારા ઉદેશોને જુએ છે, તેઓ ક્યારેય આ વિષયમાં અમને સવાલ નહીં કરે, તેમને ખબર છે કે એ માટે અડગ ઊભા રહેનારા લોકો છીએ. અને એટલે જ અમે આ બાબતોમાં ક્યાંયે પાછળ નથી રહ્યા.

 

આદરણીય અધ્યક્ષ શ્રી,

આ ગૃહમાં ઉત્તમ ચર્ચા માટે હું સહુનો આભાર માનું છું. છેલ્લે એક મંત્રનો ઉલ્લેખ કરીને મારી વાણીને વિરામ આપીશ. આપણે ત્યાં વેદોમાં એક મહાન વિચાર મળે છે. એ આપણા સહુ માટે, 36 કરોડ દેશવાસીઓ માટે આ મંત્ર પોતે જ એક મોટી પ્રેરણા છે. વેદોમાં આ મંત્ર કહે છે - "अयुतो अहं अयुतो मे आत्मा अयुतं मे, अयुतं चक्षु, अयुतं श्रोत्रम|"

એટલે કે, હું એક નથી, હું એકલો નથી, હું પોતાની સાથે કરોડો માનવોને જોઉં છું, અનુભવ કરું છું. એટલા માટે મારી આત્મિક શક્તિ કરોડોની છે. મારી પાસે કરોડોની દ્રષ્ટિ છે, મારી પાસે કરોડોની શ્રવણ શક્તિ, કર્મ શક્તિ પણ છે.

આદરણીય અધ્યક્ષ શ્રી,

વેદોની આ જ ભાવનાથી આ જ ચેતનાથી 130 કરોડથી વધુ દેશવાસીઓવાળો ભારત સહુને સાથે લઈને આગળ વધી રહ્યો છે. આજે 139 કરોડ દેશવાસીઓનાં સપનાં હિન્દુસ્તાનનાં સપનાં છે. આજે 130 કરોડ દેશવાસીઓની આકાંક્ષાઓ આ દેશની આકાંક્ષાઓ છે. આજે 130 કરોડ દેશવાસીઓનું ભવિષ્ય ભારતના ઉજ્જ્વળ ભવિષ્યની ગેરંટી છે. અને એટલા માટે જ આજે જ્યારે દેશ નીતિઓ ઘડી રહ્યો છે, પ્રયાસ કરી રહ્યો છે, તો તે કેવળ તાત્કાલિક થતા લાભ કે નુકસાન માટે નહીં, પરંતુ એક લાંબા ગાળાના, જ્યારે દેશ 2047માં આઝાદીની શતાબ્દિ ઉજવતો હશે ત્યારે દેશને નવી ઊંચાઈઓએ પહોંચાડવાનાં સપનાં લઈને આ પાયો નખાઈ રહ્યો છે. અને મને વિશ્વાસ છે કે આ કામ પૂરું કરવામાં અમે અવશ્ય સફળ થઈશું.

હું ફરીએકવાર આદરણીય રાષ્ટ્રપતિજીના સંબોધન માટે હું તેમનો આદરપૂર્વક આભાર માનીને, તેમને અભિનંદન કરતાં ગૃહમાં પણ જે રીતે ચર્ચા થઈ, અને હું સાચું કહું છું, ચર્ચાનું સ્તર પણ સારું હતું, વાતાવરણ પણ સારું હતું, એ ઠીક છે કે કોને કેટલો લાભ થાય છે, મારા ઉપર પણ કેટલા હુમલા થયા, દરેક રીતે, જે પણ કહી શકાય છે, કહેવાયું, પરંતુ મને ખૂબ આનંદ થયો કે હું ઓછામાં ઓછું તમારા કામમાં તો આવ્યો. જુઓ, તમારા મનમાં એક તો કોરોનાને કારણે ખાસ જવા-આવવાનું થતું નથી, ફસાયેલા રહેતા હશો, અને ઘરમાં પણ કચકચ ચાલતી હશે. હવે આટલો ગુસ્સો અહીં કાઢી નાંખ્યો, તો તમારું મન કેટલું હળવું થઈ ગયું. તમે ઘરની અંદર કેટલી ખુશી, ચેનપૂર્વક સમય વીતાવી શકશો. તો આ આનંદ, જે તમને મળે છે, તે માટે તો હું કામમાં આવ્યો, એ પણ હું મારું સૌભાગ્ય સમજું છું, અને હું ઈચ્છું છું કે આ આનંદ તમે સતત લેતા રહો. ચર્ચા કરતા રહો, સતત ચર્ચા કરતા રહો. ગૃહને જીવંત બનાવીને રાખો. મોદી હૈ, મોકા લીજીએ.

ખૂબ ખૂબ આભાર.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry

Media Coverage

Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to distribute over 50 lakh property cards to property owners under SVAMITVA Scheme
December 26, 2024
Drone survey already completed in 92% of targeted villages
Around 2.2 crore property cards prepared

Prime Minister Shri Narendra Modi will distribute over 50 lakh property cards under SVAMITVA Scheme to property owners in over 46,000 villages in 200 districts across 10 States and 2 Union territories on 27th December at around 12:30 PM through video conferencing.

SVAMITVA scheme was launched by Prime Minister with a vision to enhance the economic progress of rural India by providing ‘Record of Rights’ to households possessing houses in inhabited areas in villages through the latest surveying drone technology.

The scheme also helps facilitate monetization of properties and enabling institutional credit through bank loans; reducing property-related disputes; facilitating better assessment of properties and property tax in rural areas and enabling comprehensive village-level planning.

Drone survey has been completed in over 3.1 lakh villages, which covers 92% of the targeted villages. So far, around 2.2 crore property cards have been prepared for nearly 1.5 lakh villages.

The scheme has reached full saturation in Tripura, Goa, Uttarakhand and Haryana. Drone survey has been completed in the states of Madhya Pradesh, Uttar Pradesh, and Chhattisgarh and also in several Union Territories.