પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે મણિપુર સંગાઈ મહોત્સવને સંબોધન કર્યું હતું. રાજ્યમાં સૌથી ભવ્ય તહેવાર તરીકે ઓળખાતા મણિપુર સંગાઇ ફેસ્ટિવલ મણિપુરને વિશ્વ કક્ષાનાં પર્યટન સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે. આ તહેવારનું નામ રાજ્યનાં પ્રાણી, સંગાઇના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે માત્ર મણિપુરમાં જ જોવા મળતું ભવાંએ શિંગડાવાળું હરણ છે.
અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ મણિપુરના લોકોને મણિપુર સંગાઈ મહોત્સવનાં સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ધ્યાન દોર્યું હતું કે, કોરોના મહામારીને કારણે બે વર્ષના ગાળા પછી આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમણે મોટા પાયે વ્યવસ્થા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મણિપુર સંગાઈ મહોત્સવ મણિપુરનાં લોકોની ભાવના અને જુસ્સાને પ્રદર્શિત કરે છે." તેમણે આ મહોત્સવનું આયોજન કરવા બદલ મણિપુર સરકાર અને મુખ્યમંત્રી શ્રી એન બિરેન સિંહનાં પ્રયાસો અને વિસ્તૃત વિઝનની પ્રશંસા કરી હતી.
મણિપુરની વિપુલ કુદરતી સુંદરતા, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક વખત રાજ્યની મુલાકાત લેવા ઇચ્છે છે અને વિવિધ મણિઓની બનેલી સુંદર માળા સાથે સરખામણી કરી હતી. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, મણિપુર એક ભવ્ય માળા જેવું જ છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ રાજ્યમાં મિની ભારતનાં દર્શન કરી શકે છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત તેના અમૃત કાળમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના સાથે આગેકૂચ કરી રહ્યું છે. સંગાઈ મહોત્સવના વિષય એટલે કે 'એકતાનો ઉત્સવ' પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ મહોત્સવનું સફળ આયોજન આગામી દિવસોમાં દેશ માટે ઊર્જા અને પ્રેરણાના સ્ત્રોત તરીકે કામ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સંગાઈ માત્ર મણિપુરનું રાજ્ય પ્રાણી જ નથી, પણ ભારતની આસ્થા અને માન્યતાઓમાં પણ વિશેષ સ્થાન ધરાવે છે. સંગાઈ મહોત્સવ ભારતની જૈવવિવિધતાની ઉજવણી પણ કરે છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તે પ્રકૃતિ સાથે ભારતનાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોની ઉજવણી પણ કરે છે. પ્રધાનમંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે, આ તહેવાર સ્થાયી જીવનશૈલી પ્રત્યે અનિવાર્ય સામાજિક સંવેદનશીલતાને પ્રેરિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, "જ્યારે આપણે પ્રકૃતિ, પ્રાણીઓ અને છોડને આપણા તહેવારો અને ઉજવણીનો ભાગ બનાવીએ છીએ, ત્યારે સહ-અસ્તિત્વ આપણાં જીવનનો સહજ ભાગ બની જાય છે."
પ્રધાનમંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી કે, સંગાઈ મહોત્સવનું આયોજન ફક્ત રાજ્યની રાજધાનીમાં જ નહીં, પણ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે, જેથી 'એકતાનાં પર્વ'ની ભાવનાનું વિસ્તરણ થાય છે. શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે, નાગાલેન્ડની સરહદથી મ્યાનમારની સરહદ સુધી આશરે 14 સ્થળો પર આ તહેવારનાં વિવિધ મિજાજ અને રંગો જોવા મળશે. તેમણે પ્રશંસનીય પહેલની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, "જ્યારે આપણે આ પ્રકારના કાર્યક્રમોને વધુને વધુ લોકો સાથે જોડીએ છીએ, ત્યારે જ તેની સંપૂર્ણ ક્ષમતા સામે આવે છે."
સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ આપણા દેશમાં તહેવારો અને મેળાઓની સદીઓ જૂની પરંપરાનો ઉલ્લેખ કર્યો હતો અને ધ્યાન દોર્યું હતું કે, તે ન માત્ર આપણી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવે છે, પણ સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપે છે. તેમણે ઉમેર્યું હતું કે, સંગાઇ ફેસ્ટિવલ જેવા કાર્યક્રમો રોકાણકારો અને ઉદ્યોગો માટે પણ એક મુખ્ય આકર્ષણ છે. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, ભવિષ્યમાં આ તહેવાર રાજ્યમાં હર્ષોલ્લાસ અને વિકાસનું શક્તિશાળી માધ્યમ બનશે."