પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામ રોજગાર મેળામાં વીડિયો સંદેશના માધ્યમથી સંબોધન આપ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ આસામ સરકારમાં સરકારી નોકરીઓ માટે નવા ભરતી કરવામાં આવેલા યુવાનો અને તેમના પરિવારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ગયા મહિને બિહુના અવસર નિમિત્તે રાજ્યની મુલાકાત લીધી તેની યાદો તાજી કરી હતી અને જણાવ્યું હતું કે, આસામી સંસ્કૃતિના મહિમાનું પ્રતિક એવા ભવ્ય કાર્યક્રમની યાદ હજી પણ તેમના મગજમાં તાજી છે. તેમણે નોંધ્યું હતું કે, આજે યોજવામાં આવેલો રોજગારમેળો આસામના યુવાનોના ભવિષ્ય પ્રત્યેની ગંભીરતાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. આ અગાઉ પણ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આસામમાં રોજગારમેળા દ્વારા 40 હજાર કરતાં વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે. તેમણે માહિતી આપી હતી કે, આજે લગભગ 45 હજાર યુવાનોને નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા છે અને તેમણે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પણ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આસામ શાંતિ અને વિકાસના નવા યુગનું સાક્ષી બની રહ્યું છે અને વિકાસની આ ગતિએ આસામમાં સકારાત્મકતા તેમજ પ્રેરણાની લહેર ફેલાવી છે”. સરકારી ભરતીની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે આસામ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રક્રિયાઓ પર ચિંતન કરતા પ્રધાનમંત્રીએ વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે રચવામાં આવેલ 'આસામ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કમિશન' (આસામ સીધી ભરતી પંચ) વિશે વાત કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અગાઉ અમલમાં હતી તે પ્રક્રિયાને કારણે ઘણી ભરતીઓ સમયસર પૂર્ણ થઇ શકતી નહોતી, જેમાં દરેક વિભાગના અલગ અલગ નિયમો હતા અને ઉમેદવારોએ વિવિધ વિભાગો માટે અલગ અલગ પરીક્ષાઓ આપવી પડતી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ બધી પ્રક્રિયાઓ હવે ખૂબ જ સરળ કરી દેવામાં આવી છે અને આ સિદ્ધિ બદલ તેમણે આસામ સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ અમૃતકાળના આગામી 25 વર્ષ સેવાકાળ જેટલા જ મહત્વપૂર્ણ છે તે બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, “આપણે બધાએ આઝાદીના અમૃતકાળમાં આપણા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે”. નવા નિયુક્ત થયેલા ઉમેદવારોના વર્તન, વિચારસરણી, કાર્ય પ્રત્યેના અભિગમ અને જનતા પરની અસરના મહત્વને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવા નિયુક્ત થયેલા ઉમેદવારો દરેક સામાન્ય નાગરિક માટે આસામ સરકારનો ચહેરો હશે. તેમણે ઉલ્લેખ કર્યો કે સમાજ મહત્વાકાંક્ષી બની રહ્યો છે અને કોઇ પણ નાગરિક વિકાસ માટે હવે પ્રતીક્ષા કરવા જોવા માંગતો નથી. શ્રી મોદીએ કહ્યું હતું કે, “ટ્વેન્ટી-20 ક્રિકેટના આ યુગમાં, દેશના લોકોને ઝડપથી પરિણામો મળે તેવી ઇચ્છા હોય છે” અને તેમણે સરકારી વ્યવસ્થાતંત્રમાં તે મુજબ પરિવર્તન લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે દેશના નાગરિકોની આકાંક્ષાઓને પૂરી કરવામાં સરકારી કર્મચારીઓની જવાબદારીઓને રેખાંકિત કરી હતી. પ્રધાનમંત્રીએ નવા નિયુક્ત થયેલા ઉમેદવારોને જે સમર્પણ સાથે તેઓ અહીં સુધી આવી શક્યતા છે તેવા જ સમર્પણ સાથે કામ કરવાનો અનુરોધ કર્યો હતો અને ભાર મૂક્યો હતો કે તેઓ નવી વસ્તુઓ શીખવા માટે હંમેશા તૈયાર રહીને સમાજ અને વ્યવસ્થામાં સુધારો લાવવામાં યોગદાન આપી શકે છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતમાં માળખાકીય સુવિધાઓને ખૂબ જ ઝડપી ગતિએ આધુનિક બનાવવા માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને નવા ધોરીમાર્ગો તેમજ એક્સપ્રેસ વે, રેલ્વે લાઇનો, બંદરો, હવાઇમથકો અને જળમાર્ગો વગેરે પ્રોજેક્ટ્સના ઉદાહરણોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, દરેક નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સાથે દરેક ક્ષેત્રમાં રોજગાર અને સ્વ-રોજગારની તકોને પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમણે હવાઇમથકના વિકાસ માટે એન્જિનિયરો, ટેકનિશિયન, એકાઉન્ટન્ટ, શ્રમિકો અને વિવિધ પ્રકારના સાધનો, સ્ટીલ તેમજ સિમેન્ટની જરૂરિયાતનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, રેલ્વે લાઇનોનું વિસ્તરણ કરવામાં અને તેમના વિદ્યુતીકરણ દ્વારા પણ રોજગારીની તકોનું સર્જન થઇ રહ્યું છે. તેમણે ઇઝ ઓફ લિવિંગ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે 2014થી અત્યાર સુધીમાં સરકારે શૌચાલય, ગેસ કનેક્શન, નળના પાણીનો પુરવઠો અને વીજળી જેવી અનેક સુવિધાઓની સાથે સાથે લગભગ 4 કરોડ પાકાં મકાનો બાંધ્યા છે અને ગરીબોને સોંપવામાં આવ્યા છે. આ મકાનો બાંધવા અને આ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં જેમણે મહેનત કરી હતી તેવા વિનિર્માણ ક્ષેત્રના કામદારો, લોજિસ્ટિક્સ, કૌશલ્યવાન કામદારો અને શ્રમિકોના યોગદાનની તેમણે પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ રોજગાર નિર્માણમાં આયુષ્માન ભારત યોજના દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે દેશમાં સંખ્યાબંધ નવી હોસ્પિટલો અને ક્લિનિકની સ્થાપના કરવામાં આવી છે. શ્રી મોદીએ થોડા અઠવાડિયા પહેલાં એઇમ્સ- ગુવાહાટી અને 3 મેડિકલ કોલેજોનું લોકાર્પણ કરવાનું સદભાગ્ય મળ્યું તે પ્રસંગ પણ યાદ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં આસામમાં ડેન્ટલ કોલેજોનું પણ વિસ્તરણ થયું છે. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, આના કારણે તબીબી વ્યવસાય સાથે જોડાયેલા યુવાનો માટે રોજગારીની તકો ઉભી થઇ છે.
પ્રધાનમંત્રીએ દેશમાં લાખોની સંખ્યામાં પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કરવામાં મદદ કરી રહી છે તેવી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો પણ ઉલ્લેખ કર્યો હતો કે અને કહ્યું હતું કે “આજે, યુવાનો એવા ઘણાં ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે જેની કોઇએ દસ વર્ષ પહેલાં કલ્પના પણ ન હતી કરી”. તેમણે કૃષિ, સામાજિક કાર્યક્રમો, સર્વેક્ષણ અને સંરક્ષણ ક્ષેત્રોમાં ડ્રોનની વધતી માંગનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું હતું કે તેનાથી યુવાનો માટે નવી તકો ઊભી થઇ છે. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત અભિયાનનો મુદ્દો પણ સ્પર્શ્યો હતો જેના થકી ભારતમાં કરોડો મોબાઇલ ફોનનું ઉત્પાદન થાય છે અને તે ભારતના વિકાસમાં યોગદાન આપી રહ્યું છે. પ્રધાનમંત્રીએ દરેક ગામડા સુધી પહોંચી રહેલી બ્રોડબેન્ડ કનેક્ટિવિટીના વિસ્તરણનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ કનેક્ટિવિટીના કારણે મોટા પાયે રોજગાર અને સ્વ-રોજગારને પ્રોત્સાહન મળ્યું છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, માત્ર એક યોજના અથવા એક નિર્ણય પણ લોકોના જીવન પર અસર કરી શકે છે.
પ્રધાનમંત્રીએ વર્તમાન સરકાર દ્વારા અપનાવવામાં આવેલી નીતિઓને શ્રેય આપતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, પૂર્વોત્તરના યુવાનો મોટી સંખ્યામાં વિકાસની મુખ્ય ધારામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ પોતાની વાતનું સમાપન કરતા જણાવ્યું હતું કે, “સરકાર રોજગાર અને સ્વરોજગારની નવી તકો આપીને યુવાનોના સપનાંઓને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે નવા ભારતના નિર્માણની દિશામાં પણ ઝડપી ગતિએ પગલાં લઇ રહ્યા છીએ”.