પ્રધાનમંત્રી (PM)એ 11 ઑક્ટોબર 2024ના રોજ લાઓ પીડીઆરના વિએન્ટિઆનમાં 19મી પૂર્વ એશિયા સમિટ (EAS)માં હાજરી આપી હતી.
પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ ઈન્ડો-પેસિફિક પ્રાદેશિક સ્થાપત્યમાં, ભારતના ઈન્ડો-પેસિફિક વિઝનમાં અને ક્વાડ સહકારમાં આસિયાનની કેન્દ્રીય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે રેખાંકિત કર્યું કે પૂર્વ એશિયા સમિટમાં ભારતની ભાગીદારી તેની એક્ટ ઈસ્ટ પોલિસીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. આ પ્રદેશમાં શાંતિ અને વિકાસ માટે એક મુક્ત, સર્વસમાવેશક, સમૃદ્ધ અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક મહત્ત્વપૂર્ણ હોવાનું નોંધતાં, તેમણે ઈન્ડો-પેસિફિક મહાસાગરની પહેલ અને ઈન્ડો-પેસિફિક પર આસિયાન આઉટલુક વચ્ચે સમાનતા અને સામાન્ય અભિગમની વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રદેશે વિસ્તરણવાદ પર આધારિત અભિગમને બદલે વિકાસ આધારિત અભિગમ અપનાવવો જોઈએ.
EAS મિકેનિઝમના મહત્વનો પુનરોચ્ચાર કરતા અને તેને વધુ મજબૂત કરવા માટે ભારતના સમર્થનની પુનઃ પુષ્ટિ કરતા, પ્રધાનમંત્રીએ નાલંદા યુનિવર્સિટીના પુનરુત્થાન પર EAS સહભાગી દેશો તરફથી મળેલા સમર્થનને યાદ કર્યું. પ્રધાનમંત્રીએ નાલંદા યુનિવર્સિટીમાં યોજાનાર ઉચ્ચ શિક્ષણના વડાઓના કોન્ક્લેવ માટે EAS દેશોને આમંત્રિત કરવાની આ તક ઝડપી લીધી.
નેતાઓએ ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને અસર કરતા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. ગ્લોબલ સાઉથ પર સંઘર્ષની ગંભીર અસરને રેખાંકિત કરતાં, પ્રધાનમંત્રીએ તે વાત પર પ્રકાશ ફેંક્યો કે વિશ્વમાં સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટે માનવતાવાદી અભિગમ પર આધારિત સંવાદ અને રાજદ્વારીનો માર્ગ અપનાવવો આવશ્યક છે. તેમણે વધુમાં પુનરોચ્ચાર કર્યો કે યુદ્ધના મેદાનમાં તેમના માટે કોઈ ઉકેલ નથી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સાયબર અને દરિયાઈ પડકારો સાથે આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો છે, જેના માટે દેશોએ તેમની સામે લડવા માટે એકસાથે આવવું જોઈએ.
પ્રધાનમંત્રીએ પૂર્વ એશિયા સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ લાઓસના પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે આસિયાનના નવા અધ્યક્ષ તરીકે મલેશિયાને તેમની શુભકામનાઓ પાઠવી હતી અને તેને ભારતનું સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું.