પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1 ડિસેમ્બર, 2023ના રોજ દુબઈમાં સીઓપી 28 શિખર સંમેલનની સાથે-સાથે સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ (યુએનએસજી) મહામહિમ શ્રી એન્ટોનિયો ગુટેરેજ઼ સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ ભારતના જી20ના પ્રમુખ પદ દરમિયાન સમર્થન આપવા બદલ યુએનએસજીનો આભાર માન્યો હતો. તેમણે આબોહવાનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં ભારતની પહેલો અને પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો.
બંને નેતાઓએ આબોહવાની કામગીરી, આબોહવા ધિરાણ, ટેકનોલોજી અને સંયુક્ત રાષ્ટ્ર સહિત બહુપક્ષીય શાસન અને નાણાકીય સંસ્થાઓમાં સુધારા સાથે સંબંધિત ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ અને ચિંતાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવે સ્થાયી વિકાસ, આબોહવાની કામગીરી, એમડીબીમાં સુધારા અને જી20નાં પ્રમુખ પદ હેઠળ આપત્તિ વ્યવસ્થાપનનાં ક્ષેત્રોમાં ભારતનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે પ્રધાનમંત્રીની ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવને આવકારી હતી. તેમણે ભારતનાં પ્રમુખ પદની ઉપલબ્ધિઓનું નિર્માણ કરવા માટે ભારત સાથે કામ કરવાની અને ભવિષ્ય 2024નાં સંયુક્ત રાષ્ટ્ર શિખર સંમેલનમાં તેમને આગળ વધારવાની પુષ્ટિ કરી હતી.