પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિંગાપોરના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી થર્મન શનમુગરત્નમ સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ ભારત અને સિંગાપોર ભાગીદારી માટે રાષ્ટ્રપતિ થર્મનના જુસ્સાદાર સાથસહકારની પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ પારસ્પરિક હિતના દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી મૈત્રી અને સહકારની નોંધ લીધી હતી, જે વિશ્વાસ, પારસ્પરિક સન્માન અને પૂરકતા પર આધારિત છે. આ સંબંધમાં તેમણે નોંધ્યું હતું કે, વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારી સાથેનાં સંબંધોને વેગ મળશે, જે સંયુક્ત જોડાણ માટે મજબૂત માર્ગ મોકળો કરશે. તેમણે ભારત અને સિંગાપોર કેવી રીતે નવા ક્ષેત્રોમાં, જેમ કે અદ્યતન ઉત્પાદન અને ઉભરતી ટેકનોલોજીમાં તેમના સહકારને વિસ્તૃત કરી શકે છે, તેના પર વિચારો વહેંચ્યા હતા. પ્રધાનમંત્રીએ તેમને જણાવ્યું હતું કે, તેઓ આવતા વર્ષે ભારતમાં રાષ્ટ્રપતિ થર્મનનું સ્વાગત કરવા આતુર છે.