પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિંગાપોરના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી લોરેન્સ વોંગ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી વોંગે સંસદ ભવન ખાતે પ્રધાનમંત્રીનું ઔપચારિક સ્વાગત કર્યું હતું.
તેમની વાતચીતમાં બંને નેતાઓએ ભારત અને સિંગાપોર વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી હતી. દ્વિપક્ષીય સંબંધોની વ્યાપકતા અને ઊંડાણ અને પ્રચૂર સંભવિતતાને ધ્યાનમાં રાખીને, તેઓએ સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવાનો નિર્ણય લીધો. તેનાથી ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીને પણ મોટું પ્રોત્સાહન મળશે. આર્થિક સંબંધોમાં મજબૂત પ્રગતિની સમીક્ષા કરતા, બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણના પ્રવાહને વધુ વિસ્તૃત કરવા હાકલ કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્રમાં આશરે 160 અબજ ડોલરનું રોકાણ ધરાવતું સિંગાપોર ભારત માટે અગ્રણી આર્થિક ભાગીદાર છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે, ભારતમાં ઝડપી અને સાતત્યપૂર્ણ વૃદ્ધિએ સિંગાપોરની કંપનીઓ માટે રોકાણની પુષ્કળ તકો ખોલી છે. તેમણે સંરક્ષણ અને સુરક્ષા, દરિયાઈ ક્ષેત્રમાં જાગૃતિ, શિક્ષણ, એઆઈ, ફિનટેક, નવી ટેકનોલોજીનાં ક્ષેત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા જ્ઞાન ભાગીદારીનાં ક્ષેત્રોમાં વર્તમાન સહકારની સમીક્ષા પણ કરી હતી. બંને નેતાઓએ આર્થિક અને લોકો વચ્ચેનાં સંબંધોને વધારવા દેશો વચ્ચે જોડાણને મજબૂત કરવા અપીલ કરી હતી. તેઓએ ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ્સમાં વેગ આપવા પણ હાકલ કરી હતી.
બંને નેતાઓએ ઓગસ્ટ, 2024માં સિંગાપોરમાં આયોજિત બીજા ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનાં પરિણામોની ચર્ચા કરી હતી. મંત્રીમંડળની ગોળમેજી પરિષદ એક વિશિષ્ટ વ્યવસ્થા છે એ બાબતની નોંધ લઈને બંને નેતાઓએ દ્વિપક્ષીય સહકાર માટે નવા એજન્ડાની ઓળખ કરવા અને વિચાર-વિમર્શમાં બંને પક્ષના વરિષ્ઠ મંત્રીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ મંત્રીસ્તરીય ગોળમેજી પરિષદ – એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, કનેક્ટિવિટી, ડિજિટલાઇઝેશન, હેલ્થકેર અને મેડિસિન, કૌશલ્ય વિકાસ અને સ્થાયીત્વનાં ક્ષેત્રોમાં ઓળખાયેલા સહકારનાં આધારસ્તંભો હેઠળ ઝડપી કામગીરી કરવા અપીલ કરી હતી. બંને નેતાઓએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, આ આધારસ્તંભો હેઠળ, ખાસ કરીને સેમિકન્ડક્ટર્સ અને મહત્ત્વપૂર્ણ તથા ઉભરતી ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં સહકાર, દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરે છે, જે આપણાં સંબંધોને ભવિષ્યલક્ષી બનાવે છે.
તેમની ચર્ચામાં 2025માં દ્વિપક્ષીય સંબંધોની 60મી વર્ષગાંઠની ઉજવણીને પણ આવરી લેવામાં આવી હતી. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક જોડાણ એ આ સંબંધોનો એક મહત્વપૂર્ણ ઘટક છે એ બાબતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, સિંગાપોરમાં ભારતનું પ્રથમ થિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર ખોલવામાં આવશે. બંને નેતાઓએ ભારત – આસિયાન સંબંધો અને ઇન્ડો-પેસિફિક માટે ભારતનાં વિઝન સહિત પારસ્પરિક હિતનાં મહત્ત્વપૂર્ણ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.
બંને નેતાઓએ સેમિકન્ડક્ટર્સ, ડિજિટલ ટેકનોલોજીસ, કૌશલ્ય વિકાસ અને હેલ્થકેરમાં સહકાર સ્થાપિત કરવા એમઓયુનાં આદાન-પ્રદાનનાં સાક્ષી બન્યાં હતાં. અત્યાર સુધી યોજાયેલી ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી પરિષદનાં બે રાઉન્ડટેબલ્સ દરમિયાન થયેલી ચર્ચાવિચારણાનાં આ પરિણામો છે. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી વોંગને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું, જેનો તેમણે સ્વીકાર કર્યો હતો.