Terrorists had shaken Mumbai and the entire country. But it is India's strength that we recovered from that attack and are now crushing terrorism with full courage: PM Modi
26th November is very important. On this day in 1949, the Constituent Assembly adopted the Constitution of India: PM Modi
When there is 'Sabka Saath' in nation building, only then 'Sabka Vikas': PM Modi
In India today, it's evident that the 140 crore people are driving numerous changes: PM Modi
The success of 'Vocal For Local' is opening the doors to a developed India: PM Modi
This is the second consecutive year when the trend of buying goods by paying cash on Diwali is decreasing. People are making more and more digital payments: PM Modi
In contrast to a decade ago, our patents are now receiving approvals at a rate that is tenfold higher: PM Modi
One of the biggest challenges of the 21st century is – ‘Water Security’. Conserving water is no less than saving life: PM Modi

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપનું સ્વાગત છે. પરંતુ આજે ૨૬ નવેમ્બર આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. આજના જ દિવસે દેશ પર સૌથી જઘન્ય આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ મુંબઇને, સમગ્ર દેશને, ધ્રૂજાવી દીધો હતો. પરંતુ એ ભારતનું સામર્થ્ય છે કે, આપણે એ હુમલામાંથી બહાર આવ્યા અને હવે પૂરી હિંમતથી આતંકવાદને કચડી રહ્યા છીએ. મુંબઇ હુમલામાં પોતાનું જીવન ગુમાવનાર બધા લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું. આ હુમલામાં આપણા જે વીરો વીરગતિને પ્રાપ્ત થયા, દેશ આજે તેમને યાદ કરી રહ્યો છે.

મારા પરિવારજનો, ૨૬ નવેમ્બરનો આજનો આ દિવસ એક બીજા કારણથી પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. 1949માં આજના જ દિવસે સંવિધાન સભાએ ભારતના સંવિધાનને અંગીકાર કર્યું હતું. મને યાદ છે, જયારે વર્ષ 2015માં આપણે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ઉજવી રહ્યા હતા, તે સમયે એવો વિચાર આવ્યો હતો કે 26 નવેમ્બરને “સંવિધાન દિવસ” તરીકે મનાવવામાં આવે. અને ત્યારથી દર વર્ષે આજના આ દિવસને આપણે સંવિધાન દિવસના રૂપમાં મનાવતા આવ્યા છીએ. હું બધા દેશવાસીઓને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આપણે બધા મળીને, નાગરિકોના કર્તવ્યને પ્રાથમિકતા આપતા, વિકસિત ભારતના સંકલ્પને જરૂર પૂરૂં કરીશું.

સાથીઓ, આપણે બધા જાણીએ છીએ કે સંવિધાનના નિર્માણમાં બે વર્ષ 11 મહિના 18 દિવસનો સમય લાગ્યો હતો. શ્રી સચ્ચિદાનંદ સિંહાજી સંવિધાન સભાના સૌથી વૃદ્ધ સભ્ય હતા. 60થી વધુ દેશોના સંવિધાનનું અધ્યયન અને લાંબી ચર્ચા પછી આપણા સંવિધાનનો મુસદ્દો તૈયાર થયો હતો. મુસદ્દો તૈયાર થયા પછી તેને અંતિમ સ્વરૂપ આપતાં પહેલાં તેમાં 2 હજારથી વધુ સંશોધનો કરવામાં આવ્યા હતા. 1950માં સંવિધાન અમલમાં આવ્યા પછી પણ અત્યારસુધી કુલ 106 વાર સંવિધાન સંશોધનો કરવામાં આવ્યા છે. સમય, પરિસ્થિતિ, દેશની આવશ્યકતાને જોતાં અલગ-અલગ સરકારોએ અલગ-અલગ સમય પર સંશોધન કર્યા. પરંતુ એ પણ દુર્ભાગ્ય રહ્યું છે કે સંવિધાનમાં પહેલું સંશોધન વાણીની સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં કાપ માટે થયું હતું. બીજી તરફ સંવિધાનના 44મા સંશોધનના માધ્યમથી કટોકટી દરમ્યાન કરવામાં આવેલી ભૂલોને સુધારવામાં આવી હતી.

સાથીઓ, આ પણ બહુ પ્રેરક છે કે, સંવિધાન સભાના કેટલાક સભ્યો નામાંકિત કરાયા હતા, જેમાં ૧૫ મહિલાઓ હતી. આવાં જ એક સભ્ય હંસા મહેતાજીએ મહિલાઓના અધિકાર અને ન્યાય માટે સ્વર બુલંદ કર્યો હતો. એ સમયમાં ભારત એવા કેટલાક દેશો પૈકી એક હતો જયાં મહિલાઓને બંધારણ દ્વારા મતદાનનો અધિકાર આપવામાં આવ્યો. રાષ્ટ્રનિર્માણમાં જ્યારે બધાનો સાથ હોય છે ત્યારે બધાનો વિકાસ પણ થઇ શકે છે. મને સંતોષ છે કે સંવિધાન નિર્માતાઓની તે દૂરદૃષ્ટિનું પાલન કરતાં, હવે ભારતની સંસદે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને પસાર કર્યો છે. ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ આપણા લોકતંત્રની સંકલ્પ શક્તિનું ઉદાહરણ છે. આ વિકસિત ભારતના આપણા સંકલ્પને ગતિ આપવા માટે પણ એટલો જ સહાયક થશે.

મારા પરિવારજનો, રાષ્ટ્રનિર્માણની કમાન જ્યારે જનતાજનાર્દન સંભાળી લે છે, તો દુનિયાની કોઇપણ શક્તિ એ દેશને આગળ વધારવાથી રોકી શક્તિ નથી. જે ભારતમાં પણ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, અનેક પરિવર્તનોનું નેતૃત્વ દેશની 140 કરોડ જનતા કરી રહી છે. તેનું એક પ્રત્યક્ષ ઉદાહરણ આપણે તહેવારોના આ સમયમાં જોયું છે. ગત મહિને ‘મન કી બાત’માં મેં વોકલ ફોર લોકલ એટલે કે, સ્થાનિક ઉત્પાદનોને ખરીદવા પર ભાર આપ્યો હતો. ગત કેટલાક દિવસોની અંદર જ દિવાળી, ભાઇબીજ અને છઠ પર દેશમાં 4 લાખ કરોડથી વધુનો વેપાર થયો છે. અને આ દરમિયાન, ભારતમાં બનેલા ઉત્પાદનોને ખરીદવાનો જબરદસ્ત ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો. હવે તો ઘરનાં બાળકો પણ દુકાન પર કંઇક ખરીદતી વખતે એ જોવા લાગ્યા છે કે તેમાં મેડ ઇન ઇન્ડિયા લખેલું છે કે નથી લખેલું. એટલું જ નહિં, ઓનલાઇન સામાન ખરીદતી વખતે હવે લોકો કન્ટ્રી ઓફ ઓરીજીન તેને જોવાનું નથી ભૂલતા.

સાથીઓ, જે રીતે ‘સ્વચ્છ ભારત અભિયાન’ની સફળતા જ તેની પ્રેરણા બની રહી છે તેવી જ રીતે વોકલ ફોર લોકલની સફળતા, વિકસિત ભારત-સમૃદ્ધ ભારતના દ્વાર ખોલી રહી છે. વોકલ ફોર લોકલનું આ અભિયાન સમગ્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપે છે. વોકલ ફોર લોકલ અભિયાન રોજગારની ગેરંટી છે. તે વિકાસની ગેરંટી છે, તે દેશના સંતુલિત વિકાસીન ગેરંટી છે. તેનાથી શહેરી અને ગ્રામીણ, બંનેને સમાન અવસર મળે છે. તેનાથી સ્થાનિક ઉત્પાદનોમાં વેલ્યુ એડિશનનો પણ માર્ગ બને છે, અને ક્યારેક, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉતાર-ચઢાવ આવે છે, તો વોકલ ફોર લોકલનો મંત્ર, આપણી અર્થવ્યવસ્થાને સંરક્ષિત પણ કરે છે.

સાથીઓ, ભારતીય ઉત્પાદનો પ્રત્યે આ ભાવના કેવળ તહેવારો સુધી સિમીત રહેવી જોઇએ નહીં. અત્યારે લગ્નની ઋતુ પણ શરૂ થઇ ગઇ છે. કેટલાક વેપારી સંગઠનોનું અનુમાન છે કે, આ લગ્નગાળામાં લગભગ પાંચ લાખ કરોડ રૂપિયાનો વેપાર થઇ શકે છે. લગ્ન સાથે જોડાયેલી ખરીદીમાં પણ તમે બધા ભારતમાં બનેલા ઉત્પાદનોને જ મહત્ત્વ આપો. અને હા, જયારે લગ્નની વાત નીકળી છે, તો એક વાત મને લાંબા સમયથી ક્યારેક-ક્યારેક બહુ પીડા આપે છે અને મારા મનની પીડા, મારા પરિવારજનોને નહીં કહું તો કોને કહીશ ? તમે વિચારો, આ દિવસોમાં જે કેટલાક પરિવારોમાં વિદેશમાં જઇને લગ્ન કરવાનું એક નવું જ વાતાવરણ બનતું જાય છે. શું એ જરૂરી છે ? ભારતની માટીમાં, ભારતના લોકો વચ્ચે, જો આપણે લગ્ન કરીએ તો દેશના પૈસા દેશમાં જ રહેશે. દેશના લોકોને તમારા લગ્નમાં કંઇને કંઇ સેવા કરવાનો અવસર મળશે, નાના-નાના ગરીબ લોકો પણ પોતાના બાળકોને તમારા લગ્નની વાતો કહેશે. શું તમે વોકલ ફોર લોકલના આ મિશનને વિસ્તાર આપી શકશો ? આપણે લગ્ન જેવા સમારંભ કેમ આપણા જ દેશમાં ન કરીએ ? બની શકે કે, તમારે જોઇએ તેવી વ્યવસ્થા આજે નહીં હોય પરંતુ જો આપણે આ પ્રકારના આયોજન કરીશું તો વ્યવસ્થાઓ પણ વિકસશે. આ ખૂબ જ મોટા પરિવારો સાથે જોડાયેલો વિષય છે. હું આશા રાખું છું કે મારી આ પીડા તે મોટા-મોટા પરિવારો સુધી જરૂર પહોંચશે.

મારા પરિવારજનો, તહેવારોની આ ઋતુમાં એક બીજો મોટો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ સતત બીજું વર્ષ છે જયારે દિવાળીના અવસરે રોકડ આપીને કેટલોક સામાન ખરીદવાનું પ્રચલન ધીમેધીમે ઘટતું જઇ રહ્યું છે. એટલે કે, હવે લોકો વધુમાં વધુ ડીજીટલ પેમેન્ટ કરી રહ્યા છે. આ પણ ખૂબ જ ઉત્સાહ વધારનારું છે. તમે એક બીજું કામ કરી શકો છો. તમે નક્કી કરો કે, એક મહિના સુધી તમે યુપીઆઇથી કે કોઇ ડીજીટલ માધ્યમથી જ પેમેન્ટ કરશો, રોકડમાં ચૂકવણી નહીં કરો. ભારતમાં ડીજીટલ ક્રાંતિની સફળતાએ તેને બિલકુલ સંભવ બનાવી દીધું છે. અને જયારે એક મહિનો થઇ જાય, તો તમે મને તેનો અનુભવ, તમારો ફોટો જરૂર શેર કરજો. હું અત્યારથી જ તમને એડવાન્સમાં મારી શુભકામના આપું છું.

મારા પરિવારજનો, આપણા યુવા સાથીઓએ દેશને એક બીજા મોટા શુભ સમાચાર આપ્યા છે, જે આપણને બધાને ગૌરવથી ભરી દેશે. ઇન્ટેલીજન્સ, આઇડિયા અને ઇન્નોવેશન- આજે ભારતીય યુવાઓની ઓળખ છે. તેમાં ટેકનોલોજીના સંયોજનથી તેની બૌદ્ધિક સંપદામાં નિરંતર વૃદ્ધિ થાય, તે પોતાની રીતે દેશના સામર્થ્યને વધારનારી મહત્ત્વપૂર્ણ પ્રગતિ છે. તમને એ જાણીને સારું લાગશે કે ૨૦૨૨માં ભારતીયોના પેટન્ટ આવેદનમાં ૩૧ ટકાથી વધુની વૃદ્ધિ થઇ છે. World Intellectual Property Organisation એ એક ખૂબ જ રસપ્રદ રીપોર્ટ જાહેર કર્યો છે. આ રીપોર્ટ કહે છે કે, પેટન્ટ ફાઇલ કરવામાં સૌથી આગળ રહેનારા ટોચના ૧૦ દેશોમાં પણ આવું પહેલાં કયારેય નથી થયું. આ શાનદાર ઉપલબ્ધિ માટે હું મારા યુવા સાથીઓને ખૂબખૂબ અભિનંદન આપું છું. હું મારા યુવા મિત્રોને વિશ્વાસ અપાવવા માંગું છું કે દેશ દરેક પગલે તમારી સાથે છે. સરકારે જે પ્રશાસનિક અને કાનૂની સુધારા કર્યા છે, તે પછી આજે આપણા યુવા એક નવી ઊર્જા સાથે મોટા સ્તર પર ઇન્નોવેશનના કામમાં લાગેલા છે. 10 વર્ષ પહેલાંના આંકડા સાથે સરખામણી કરીએ, તો આજે, આપણી પેટન્ટને 10 ગણી વધારે મંજૂરી મળી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે, પેટન્ટથી ન માત્ર દેશની બૌદ્ધિક સંપદા વધે છે, પરંતુ તેનાથી નવા-નવા અવસરોના પણ દ્વાર ખૂલે છે. એટલું જ નહિં, તે આપણા સ્ટાર્ટઅપની શક્તિ અને ક્ષમતાને પણ વધારે છે. આજે આપણા સ્કૂલના બાળકોમાં પણ ઇન્નોવેશનની ભાવનાને ઉત્તેજન મળી રહ્યું છે. અટલ ટીંકરીંગ લેબ, અટલ ઇન્નોવેશન મિશન, કોલેજોમાં ઇન્ક્યુબેશન સેન્ટર્સ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન, આવા નિરંતર પ્રયાસોના પરિણામો દેશવાસીઓની સામે છે. તે પણ ભારતની યુવા શક્તિ, ભારતની ઇન્નોવેટીવ શક્તિનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. આ જોશની સાથે આગળ ચાલતા, આપણે, વિકસિત ભારતના સંકલ્પને પણ પ્રાપ્ત કરીને દેખાડશું અને આથી હું વારંવાર કહું છું કે ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન’.

મારા પ્રિય દેશવાસીઓ, તમને યાદ હશે કે કેટલાક સમય પહેલાં ‘મન કી બાત’માં મે ભારતમાં મોટી સંખ્યામાં યોજાતા મેળાઓની ચર્ચા કરી હતી. ત્યારે એક એવી પ્રતિયોગિતાનો પણ વિચાર આવ્યો હતો જેમાં લોકો મેળા સાથે જોડાયેલો ફોટો શેર કરે. સંસ્કૃતિ મંત્રાલયે તેને લઇને મેલા મોમેન્ટસ કોન્ટેસ્ટનું આયોજન કર્યું હતું. તમને એ જાણીને સારું લાગશે કે તેમાં હજારો લોકોએ ભાગ લીધો અને ઘણા લોકોએ પુરસ્કાર પણ જીત્યો. કોલકાતાના નિવાસી રાજેશ ધરજીએ ‘ચરક મેળા’માં ફુગ્ગા અને રમકડાં વેચનારાના અદભૂત ફોટા માટે પુરસ્કાર જીત્યો. આ મેળો ગ્રામીણ બંગાળમાં ઘણો લોકપ્રિય છે. વારાણસીની હોળીને શો કેસ કરવા માટે અનુપમસિંહજીને મેળા ચિત્રનો પુરસ્કાર મળ્યો. અરૂણ કુમાર નલીમેલાજીને ‘કુલસાઇ દશહરા’  સાથે જોડાયેલા એક આકર્ષક પાસાને દેખાડવા માટે પુરસ્કૃત કરવામાં આવ્યા. તે જ રીતે, પંઢરપુરની ભક્તિને દેખાડનારી તસવીર, સૌથી વધુ પસંદ કરાયેલી તસવીરમાં સામેલ રહી, જેને મહારાષ્ટ્રના જ એક સજ્જન શ્રીમાન રાહુલજીએ મોકલી હતી. આ પ્રતિયોગિતામાં ઘણી બધી તસવીરો, મેળા દરમ્યાન મળનારા સ્થાનિક વ્યંજનોની પણ હતી. તેમાં પુરલિયાના રહેનારા આલોક અવિનાશજીની તસવીરે પુરસ્કાર જીત્યો. તેમણે એક મેળા દરમ્યાન બંગાળના ગ્રામીણ ક્ષેત્રની ખાણી પીણીને દર્શાવી હતી. પ્રનબ બસાકજીની તે તસવીર પણ પુરસ્કૃત થઇ જેમાં ભગોરીયા મહોત્સવમાં મહિલાઓ કુલ્ફીનો આનંદ લઇ રહી છે. રૂમેલાજીએ છત્તીસગઢના જગદલપુરમાં એક ગામના મેળામાં ભજીયાનો સ્વાદ લેતી મહિલાઓની તસવીર મોકલી હતી- તેને પણ પુરસ્કૃત કરવામાં આવી.

સાથીઓ, ‘મન કી બાત’ના માધ્યમથી આજે દરેક ગામ, દરેક શાળા, દરેક પંચાયતને, એવો આગ્રહ છે કે આ પ્રકારની પ્રતિયોગિતાઓનું નિરંતર આયોજન કરે. આજકાલ તો સોશિયલ મિડિયાની એટલી શક્તિ છે, ટેક્નોલોજી અને મોબાઇલ ઘરેઘરે પહોંચેલા છે. તમારા સ્થાનિક પર્વ હોય કે ઉત્પાદન, તમે આવું કરીને પણ તેને વૈશ્વિક બનાવી શકો છો.

સાથીઓ, ગામગામમાં યોજાનારા મેળાઓની જેમ જ આપણે ત્યાં વિભિન્ન નૃત્યોનો પણ પોતાનો જ વારસો છે. ઝારખંડ, ઓડિશા અને બંગાળના જનજાતિય વિસ્તારોમાં એક ખૂબ જ પ્રસિદ્ધ નૃત્ય છે જેને ‘છઉ’ ના નામથી બોલાવે છે. 15 થી 17 નવેમ્બર સુધી એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે શ્રીનગરમાં ‘છઉ’ પર્વનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બધાએ ‘છઉ’ નૃત્યનો આનંદ ઉઠાવ્યો. શ્રીનગરના નવયુવાનોને ‘છઉ’ નૃત્યની ટ્રેનિંગ આપવા માટે એક વર્કશોપનું પણ આયોજન થયું. આ રીતે, કેટલાક સપ્તાહ પહેલાં જ કઠુઆ જિલ્લામાં ‘બસોહલી ઉત્સવ’ આયોજીત કરવામાં આવ્યો. આ જગ્યા જમ્મુથી 150 કિલોમીટર દૂર છે. આ ઉત્સવમાં સ્થાનિક કળા, લોકનૃત્ય અને પારંપરિક રામલીલાનું આયોજન થયું.

સાથીઓ, ભારતીય સંસ્કૃતિની સુંદરતાને સાઉદી અરબમાં પણ અનુભવવામાં આવી. આ મહિને સાઉદી અરબમાં ‘સંસ્કૃતિ ઉત્સવ’ નામનું એક આયોજન થયું. તે પોતાની રીતે ખૂબ જ અનોખું હતું, કારણ કે આ આખો કાર્યક્રમ જ સંસ્કૃતમાં થયો. સંવાદ, સંગીત, નૃત્ય બધું જ સંસ્કૃતમાં, તેમાં, ત્યાંના સ્થાનિક લોકોની ભાગીદારી પણ હતી.

મારા પરિવારજનો, ‘સ્વચ્છ ભારત’ હવે તો સમગ્ર દેશનો પ્રિય વિષય બની ગયો છે, મારો તો પ્રિય વિષય છે જ અને મને તેની સાથે જોડાયેલા કોઇ સમાચાર જેવા મળે છે, ત્યારે મારું મન તે તરફ ચાલ્યું જ જાય છે, અને સ્વાભાવિક છે, પછી તો તેને ‘મન કી બાત’ માં જગ્યા મળી જ જાય છે. સ્વચ્છ ભારત અભિયાને સાફસફાઇ અને સાર્વજનિક સ્વચ્છતા સંદર્ભે લોકોની વિચારધારાને બદલી નાંખી છે. આ પહેલ આજે રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિક બની ચૂકી છે, જેને કરોડો દેશવાસીઓના જીવનને વધુ સારું બનાવ્યું છે. આ અભિયાને અલગ-અલગ ક્ષેત્રના લોકો, વિશેષરૂપે યુવાઓને સામૂહિક ભાગીદારી માટે પ્રેરિત કર્યું છે. આવો જ એક સહારનીય પ્રયાસ સુરતમાં જોવા મળ્યો છે. યુવાઓની એક ટીમે અહીં ‘પ્રોજેક્ટ સુરત’ ની શરુઆત કરી છે. તેનું લક્ષ્ય સુરતને એક એવુ મોડેલ શહેર બનાવવાનું છે, જે સફાઇ અને ટકાઉ વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ બને. ‘સફાઇ સન્ડે’ ના નામથી શરૂ થયેલા આ પ્રયાસ હેઠળ સુરતના યુવાનો પહેલાં સાર્વજનિક જગ્યાઓ અને ડુમાસ બીચની સફાઇ કરતાં હતા. પછી તે લોકો તાપી નદીના કિનારાની સફાઇમાં પણ પૂરી ધગશથી લાગી ગયા અને તમને જાણીને આનંદ થશે, જોતજોતામાં તેની સાથે જોડાયેલા લોકોની સંખ્યા, 50 હજારથી વધુ થઇ ગઇ છે. લોકોથી મળેલા સમર્થનથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો, જે પછી તેમણે કચરો એકઠો કરવાનું કામ પણ શરૂ કર્યું. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ટીમે લાખો કિલો કચરો હટાવ્યો છે. જમીન સ્તર પર કરવામાં આવેલા આવા પ્રયાસો, ખૂબ જ મોટો બદલાવ લાવનારા હોય છે.

સાથીઓ, ગુજરાતથી જ એક વધુ જાણકારી મળી છે. કેટલાક સપ્તાહ પહેલાં ત્યાં અંબાજીમાં ‘ભાદરવી પૂનમના મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં 50 લાખથી વધુ લોકો આવ્યા હતા. આ મેળો દર વર્ષે યોજાય છે. તેની સૌથી મોટી વાત એ રહી કે, મેળામાં આવેલા લોકોએ ગબ્બર ટેકરીના એક મોટા હિસ્સામાં સફાઇ અભિયાન ચલાવ્યું. મંદિરોની આસપાસના સમગ્ર ક્ષેત્રને સ્વચ્છ રાખવાનું આ અભિયાન ખૂબ જ પ્રેરણાદાયી છે.

સાથીઓ, હું હંમેશાં કહું છું કે સ્વચ્છતા કોઇ એક દિવસ કે એક સપ્તાહ ચાલનારૂં અભિયાન નથી પરંતુ તે તો જીવનમાં ઉતારવાનું કામ છે. આપણે આપણી આસપાસ એવા લોકોને જોઇએ પણ છીએ, જેમણે પોતાનું પૂરૂં જીવન, સ્વચ્છતા સાથે જોડાયેલા વિષયો પર જ લગાવી દીધું. તમિળનાડુના કોયમ્બટૂરમાં રહેનારા લોગાનાથનજી પણ અનુપમ છે. બાળપણમાં ગરીબ બાળકોના ફાટેલા કપડાં જોઇને તેઓ ઘણીવાર દુઃખી થઇ જતા હતા. તે પછી તેમણે આવા બાળકોની મદદનું પ્રણ લીધું અને પોતાની કમાઇનો એક હિસ્સો તેમને દાન આપવાનું શરૂ કર્યું. જ્યારે પૈસાની ખોટ પડી તો લોગાનાથનજીએ શૌચાલય પણ સાફ કર્યા જેથી જરૂરિયાતવાળા બાળકોની મદદ થઇ શકે. તેઓ ગત 25 વર્ષથી પૂરા સમર્પિત ભાવથી પોતાના આ કામમાં લાગેલા છે અને અત્યાર સુધી 150૦થી વધુ બાળકોની મદદ કરી ચૂક્યા છે. હું ફરી એક વાર તેમના આવા પ્રયાસોની પ્રશંસા કરું છું. દેશભરમાં થઇ રહેલા આ પ્રકારના અનેક પ્રયાસો ન માત્ર આપણને પ્રેરણા આપે છે પરંતુ કંઇક નવું કરી છુટવાની ઇચ્છા શક્તિ પણ જગાવે છે.

મારા પરિવારજનો, ૨૧મી સદીના સૌથી મોટા પડકારો પૈકી એક છે- ‘જળ સુરક્ષા’. જળનું સંરક્ષણ કરવું, જીવનને બચાવવાથી ઓછું નથી. જયારે આપણે સામૂહિકતાની આ ભાવના સાથે કોઇ કામ કરીએ છીએ તો સફળતા પણ મળે છે. તેનું એક ઉદાહરણ દેશના દરેક જિલ્લામાં બની રહેલા ‘અમૃત સરોવર’ પણ છે. ‘અમૃત મહોત્સવ’ દરમ્યાન ભારતે જે ૬૫ હજારથી વધુ ‘અમૃત સરોવર’ બનાવ્યા છે, તે આવનારી પેઢીઓને લાભ આપશે. હવે આપણી પણ જવાબદારી છે કે જ્યાં-જ્યાં ‘અમૃત સરોવર’ બન્યાં છે, તેમની નિરંતર દેખભાળ થાય, તે જળસંરક્ષણના પ્રમુખ સ્ત્રોત બની રહે.

સાથીઓ, જળસંરક્ષણની આવી જ ચર્ચાઓ વચ્ચે મને ગુજરાતના અમરેલીમાં થયેલા ‘જળ ઉત્સવ’ની પણ ખબર પડી. ગુજરાતમાં બારેય માસ વહેતી નદીઓનો પણ અભાવ છે, આથી લોકોને મોટાભાગે વરસાદના પાણી પર જ નિર્ભર રહેવું પડે છે. ગત 20-25 વર્ષમાં સરકાર અને સામાજીક સંગઠનોના પ્રયાસ પછી ત્યાંની સ્થિતિમાં પરિવર્તન જરૂર આવ્યું છે. અને આથી ત્યાં ‘જળ ઉત્સવ’ની મોટી ભૂમિકા છે. અમરેલીમાં થયેલા ‘જળ ઉત્સવ’ દરમ્યાન ‘જળસંરક્ષણ’ અને તળાવના સંરક્ષણ સંદર્ભે લોકોમાં જાગૃતિ વધારવામાં આવી. તેમાં વોટર સ્પોર્ટસને પણ ઉત્તેજન આપવામાં આવ્યું, જળસંરક્ષણના વિશેષજ્ઞો સાથે મંથન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સહભાગી લોકોને તિરંગા વાળો વોટર ફાઉન્ટેન ઘણો પસંદ આવ્યો. આ જળઉત્સવનું આયોજન સુરતના હીરાવેપારમાં નામ કમાનારા સવજીભાઇ ધોળકિયાના ફાઉન્ડેશને કર્યું. હું તેમાં સહભાગી દરેક વ્યક્તિને અભિનંદન આપું છું, જળસંરક્ષણ માટે આવી જ રીતે કામ કરવાની શુભકામના આપું છું.

મારા પરિવારજનો, આજે દુનિયાભરમાં કૌશલ્ય વિકાસના મહત્ત્વને સ્વીકાર્યતા મળી રહી છે. જ્યારે આપણે કોઇને કોઇ કૌશલ્ય શીખવીએ છીએ, તો તેને માત્ર કૌશલ્ય જ નથી આપતા પરંતુ તેને આવકનો એક સ્ત્રોત પણ આપીએ છીએ.  અને જ્યારે મને ખબર પડી કે એક સંસ્થા છેલ્લા ચાર વર્ષ દશકથી કૌશલ્ય વિકાસના કામમાં લાગેલી છે, તો મને વધુ સારું લાગ્યું. આ સંસ્થા, આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં છે અને તેનું નામ ‘બેલ્જીપુરમ યુથ ક્લબ’ છે. કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ‘બેલ્જીપુરમ યુથ ક્લબે’ લગભગ સાત હજાર મહિલાઓને સશક્ત બનાવી છે. તેમાંની મોટા ભાગની મહિલાઓ આજે પોતાની શક્તિ પર કંઇ ને કંઇ કામ કરી રહી છે. આ સંસ્થાએ બાળમજૂરી કરનારા બાળકોને પણ કોઇને કોઇ કૌશલ્ય શીખવાડીને તેમને તે દુષચક્રમાંથી બહાર કાઢવામાં મદદ કરી છે. ‘બેલ્જીપુરમ યુથ ક્લબ’ની ટીમે કિસાન ઉત્પાદ સંઘ એટલે કે FPOs સાથે જોડાયેલા ખેડૂતોને પણ નવા કૌશલ્યો શીખવાડ્યા એનાથી મોટી સંખ્યામાં ખેડૂતો સશક્ત થયા છે. સ્વચ્છતા સંદર્ભે પણ આ યુથ કલબ ગામેગામમાં જાગૃતિ ફેલાવી રહી છે. તેણે અનેક શૌચાલયોના નિર્માણમાં પણ મદદ કરી છે. હું કૌશલ્ય વિકાસ માટે આ સંસ્થા સાથે જોડાયેલા બધા લોકોને ખૂબખૂબ અભિનંદન આપું છું, તેમની પ્રશંસા કરું છું. આજે, દેશના ગામે ગામમાં કૌશલ્ય વિકાસ માટે આવા જ સામૂહિક પ્રયાસોની આવશ્યકતા છે.

સાથીઓ, જ્યારે કોઇ એક લક્ષ્ય માટે સામૂહિક પ્રયાસ થાય છે તો સફળતાની ઉંચાઇ પણ ઔર વધી જાય છે. હું તમને લદ્દાખનું એક પ્રેરક ઉદાહરણ જણાવવા માગું છું. તમે પશ્મિના શાલ વિશે તો જરૂર સાંભળ્યું હશે. છેલ્લા કેટલાક સમયથી લદ્દાખી પશ્મિનાની પણ ખૂબ ચર્ચા થઇ રહી છે. લદ્દાખી પશ્મિના લુમ્સ ઓફ લદ્દાખ નામથી દુનિયાભરના બજારોમાં પહોંચી રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેને તૈયાર કરવામાં ૧૫ ગામોની ૪50થી વધુ મહિલાઓ જોડાયેલી છે. પહેલાં તેઓ પોતાના ઉત્પાદનો ત્યાં આવનારા પર્યટકોને જ વેચતી હતી. પરંતુ હવે ડીજીટલ ભારતના આ યુગમાં તેમની બનાવેલી આ ચીજો, દેશ-દુનિયાના અલગ-અલગ બજારોમાં પહોંચવા લાગી છે. એટલે કે, આપણું લોકલ હવે ગ્લોબલ થઇ રહ્યું છે અને તેનાથી આ મહિલાઓની કમાણી પણ વધી છે.

સાથીઓ, નારીશક્તિની આવી સફળતાઓ દેશના ખૂણેખૂણામાં ભરેલી પડી છે. જરૂરિયાત આવી વાતોને વધુમાં વધુ સામે લાવવાની છે. અને એ બતાવવા માટે ‘મન કી બાત’ થી વધુ બીજું શું હોઇ શકે ? તો તમે પણ આવા ઉદાહરણોને મારી સાથે વધુમાં વધુ વહેંચો. હું પણ પૂરો પ્રયાસ કરીશ કે તેમને તમારી વચ્ચે લાવી શકું.

મારા પરિવારજનો, ‘મન કી બાત’માં આપણે આવા સામૂહિક પ્રયાસોની ચર્ચા કરતા રહ્યા છીએ, જેનાથી સમાજમાં મોટા-મોટા પરિવર્તન આવ્યા છે. ‘મન કી બાત’ની એક વધુ ઉપલબ્ધિ એ પણ છે કે તેણે ઘરેઘરમાં રેડિયોને ઔર વધુ લોકપ્રિય બનાવી દીધો છે. MyGov પર મને ઉત્તરપ્રદેશના અમરોહાના રામસિંહ બૌદ્ધજીનો એક પત્ર મળ્યો છે. રામસિંહજી છેલ્લા અનેક દશકોથી રેડિયો સંગ્રહ કરવાના કામમાં લાગેલા છે. તેમનું કહેવું છે કે ‘મન કી બાત’ પછીથી તેમના રેડિયો મ્યુઝિયમ પ્રત્યે લોકોની ઉત્સુકતા ઔર વધી ગઇ છે. આવી જ રીતે ‘મન કી બાત’થી પ્રેરાઇને અમદાવાદ પાસે તીર્થધામ પ્રેરણાતીર્થે એક રસપ્રદ પ્રદર્શન યોજ્યું છે. તેમાં દેશ-વિદેશના 100થી વધુ પ્રાચીન રેડિયો રાખવામાં આવ્યા છે. અહીં ‘મન કી બાત’ના અત્યારસુધીની બધી કડીઓને સાંભળી શકાય છે. બીજા અનેક ઉદાહરણ છે, જેનાથી ખબર પડે છે કે કેવી રીતે લોકોએ ‘મન કી બાત’થી પ્રેરાઇને પોતાનું કામ શરૂ કર્યું. આવું જ એક ઉદાહરણ કર્ણાટકના ચામરાજનગરના વર્ષાજીનું છે, જેમને ‘મન કી બાતે’ પોતાના પગ પર ઉભા થવા માટે પ્રેરિત કર્યા. આ કાર્યક્રમની એક કડીથી પ્રેરિત થઇને તેમણે કેળામાંથી જૈવિક ખાતર બનાવવાનું કામ શરૂ કર્યું. પ્રકૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ રાખનારા વર્ષાજીની આ પહેલ, બીજા લોકો માટે પણ રોજગારના અવસર લઇને આવી છે.

મારા પરિવારજનો, આવતીકાલે 27 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમાનું પર્વ છે. આ દિવસે ‘દેવ દિવાળી’ પણ ઉજવવામાં આવે છે. અને મારું તો મન રહે છે કે હું કાશીની ‘દેવ દિવાળી’ જરૂર જોઉ. આ વખતે હું કાશી પણ નથી જઇ શકવાનો પરંતુ મન કી બાતના માધ્યમથી બનારસના લોકોને મારી શુભકામનાઓ જરૂર મોકલી રહ્યો છું. આ વખતે પણ કાશીના ઘાટો પર લાખો દીવડાઓ પ્રગટાવવામાં આવશે, ભવ્ય આરતી થશે, લેસર શો થશે, લાખોની સંખ્યામાં દેશવિદેશથી આવેલા લોકો ‘દેવ દિવાળી’નો આનંદ ઉઠાવશે.

સાથીઓ, કાલે, પૂર્ણિમાના દિવસે જ ગુરુ નાનક દેવજીનું પણ પ્રકાશ પર્વ છે. ગુરુ નાનક દેવજીનો અણમોલ સંદેશ ભારત જ નહીં, દુનિયાભર માટે આજે પણ પ્રેરક અને પ્રાસંગિક છે. તે આપણને સાદગી, સદભાવ અને બીજા પ્રત્યે સમર્પિત થવા માટે પ્રેરિત કરે છે. ગુરુ નાનક દેવજીએ સેવા ભાવના, સેવાકાર્યોની જે શિખામણ આપી, તેમનું પાલન, આપણા શીખ ભાઇબહેન, પૂરા વિશ્વમાં કરતાં નજરે પડે છે. હું મન કી બાતના બધા શ્રોતાઓને ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વની શુભકામનાઓ આપું છું.

મારા પરિવારજનો, મન કી બાતમાં આ વખતે મારી સાથે આટલું જ. જોતજોતામાં ૨૦૨૩ સમાપ્તિ તરફ વધી રહ્યુ છે. અને દરેક વખતની જેમ હું અને તમે એ પણ વિચારી રહ્યા છીએ કે અરે... આટલી જલદી આ વર્ષ વિતી ગયું. પરંતુ  એ પણ સત્ય છે કે આ વર્ષ ભારત માટે અસીમ ઉપલબ્ધિવાળું વર્ષ રહ્યુ છે, અને ભારતની ઉપલબ્ધિઓ, દરેક ભારતીયની ઉપલબ્ધિ છે. મને ખુશી છે કે મન કી બાત ભારતીયોની આવી ઉપલબ્ધિઓને સામે લાવવાનું એક સશક્ત માધ્યમ બન્યું છે. આવતી વખતે દેશવાસીઓની ઘણી બધી સફળતાઓ પર આપની સાથે ફરીથી વાત થશે. ત્યાં સુધી મને વિદાય આપો.. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.  

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Ayushman driving big gains in cancer treatment: Lancet

Media Coverage

Ayushman driving big gains in cancer treatment: Lancet
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Tamil Nadu meets Prime Minister
December 24, 2024

Governor of Tamil Nadu, Shri R. N. Ravi, met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Governor of Tamil Nadu, Shri R. N. Ravi, met PM @narendramodi.”