સૌથી પહેલા તો આપ સૌને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. જ્યારથી તમને ખબર પડી હશે કે તમારું નામ આ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું છે, તમારી ઉત્સુકતા વધી ગઈ હશે. તમારા માતા પિતા, મિત્રો, શિક્ષકો, તે બધા પણ તમારી જેટલા જ ઉત્સુક થયા હશે. તમારી જેમ હું પણ તમને મળવાની રાહ જોઈ રહ્યો હતો પરંતુ કોરોનાના કારણે અત્યારે આપણી વર્ચ્યુઅલ મુલાકાત જ થઈ રહી છે.
વ્હાલા બાળકો,
તમે જે કામ કર્યું છે, તમને જે પુરસ્કાર મળ્યો છે, તે એટલા માટે પણ ખાસ છે કારણ કે તમે આ બધુ કોરોના કાળમાં કર્યું છે. આટલી ઓછી ઉંમરમાં પણ તમારા આ કામ આશ્ચર્ય ચકિત કરી દેનાર છે. કોઈ રમતગમતના ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે, કોઈ તો અત્યારથી જ સંશોધન અને ઇનોવેશન કરી રહ્યું છે. તમારામાંથી જ આવતીકાલના રમતવીર, દેશના વૈજ્ઞાનિક, દેશના નેતા, દેશના મોટા મોટા સીઇઓ ભારતનું ગૌરવ વધારનારી પરંપરા જોવા મળશે. હમણાં જે વીડિયો ફિલ્મ ચાલી રહી હતી તેમાં તમારા બધાની સિદ્ધિઓ પર વિસ્તારથી વાત કરવામાં આવી છે. તમારામાંથી ઘણા બાળકો વિષે તો મને વચ્ચે વચ્ચે સમાચારો મળતા રહે છે, સાંભળી ચૂક્યો છું. હવે જેમ કે જુઓ મુંબઈની આપણી દીકરી કામ્યા કાર્તિકેયન. તમને યાદ હશે મેં મન કી બાતમાં પણ એક વાર તેના વિષયમાં ઉલ્લેખ કર્યો હતો. કામ્યાને પર્વતારોહણ ક્ષેત્રમાં દેશનું નામ ઊંચું કરવા બદલ આ પુરસ્કાર મળ્યો છે. ચાલો, આપણે કામ્યા સાથે જ વાત કરીએ છીએ. તેમનાથી જ શરૂઆત કરીએ. તેમને કઇંક પૂછવા જરૂર માંગુ છું.
પ્રશ્ન – કામ્યા, હમણાં તાજેતરમાં જ, હું નથી માનતો કે તમે શાંતિથી બેસતા હશો, કઇંક ને કઇંક કરતાં રહેતા હશો. તો તમે કયા નવા પર્વત પર તમે વિજય પ્રાપ્ત કર્યો છે? શું કર્યું છે હમણાં તાજેતરના દિવસોમાં? અથવા તો પછી કોરોનાના કારણે કઈં મુશ્કેલી આવી ગઈ, શું થયું?
ઉત્તર – સર, કોરોનાએ આખા દેશને જ થોડી મુશ્કેલીઓ તો આપી છે. પરંતુ જેમ કે તમે કહ્યું કે આપણે આમ બેસી ના રહી શકીએ. આપણે કોરોના પછી પણ મજબૂતાઈથી બહાર આવવાનું છે. તો મેં મારી તાલીમ અને સંપૂર્ણ દિનચર્યા કોરોના દરમિયાન પણ ચાલુ રાખી છે અને અત્યારે અમે આ સમયે ગુલમર્ગમાં છીએ કે જે જમ્મુ કશ્મીરમાં છે અને મારા આગામી ચઢાણ માટે તાલીમ આપી રહ્યા છે. જે નોર્થ અમેરિકામાં માઉન્ટ દેનાલી છે. અને અમે જૂન આ વર્ષે માઉન્ટ દેનાલી ચઢવા માટે અત્યારે તાલીમ કરી રહ્યા છીએ.
પ્રશ્ન – તો અત્યારે તમે બારામુલામાં છો?
ઉત્તર – જી સર, થેન્ક ફૂલી ઓફિસે અમને બહુ મદદ કરી છે અને તેમણે પણ છેલ્લા ત્રણ દિવસોથી 24x7 કામ કર્યું છે. અને અમે અહિયાં આગળ બારામુલામાં આવીને તમારી સાથે મુલાકાત કરી શક્યા સર.
પ્રશ્ન – તો તમારી સાથે બીજા કોણ કોણ છે? પરિચય કરાવો.
ઉત્તર – સર, આ મારી મમ્મી છે અને આ મારા પપ્પા છે, સર.
પાપા – નમસ્કાર.
મોદીજી – ચલો તમને અભિનંદન આપું છું. તમે દીકરીનો ઉત્સાહ પણ વધાર્યો અને તમે તેની મદદ પણ કરી છે. તો હું આવા માં-બાપને તો ખાસ કરીને અભિનંદન આપું છું.
પ્રશ્ન – સારું સૌથી મોટો પુરસ્કાર તો તમારી માટે તમારી મહેનત અને તમારું મનોબળ જ છે. તમે તો પહાડો પર ચઢો છો, ટ્રેકિંગ કરો છો, અને આખી દુનિયામાં ફરો છો, અને અચાનક જ્યારે કોરોનાના કારણે બધુ બંદ થઈ ગયું, તો આ વર્ષ કેવી રીતે વિતાવ્યું? શું કરતાં હતા?
ઉત્તર – સર, મેં કોરોનાને એક તક સમજી, કે જો કે..
પ્રશ્ન – મતલબ કે તમે પણ આપદાને અવસરમાં પલટી?
ઉત્તર – જી સર.
પ્રશ્ન – બોલો.
ઉત્તર – સર, પર્વત તો નથી ચઢી શકતી સર અત્યારે જઈને, પરંતુ મેં એ સમજ્યું છે કે અત્યારના સમયમાં હું બીજાઓને પોતાના સમય સુધી પહોંચવા માટે પ્રેરણા આપી શકું છું. તો હું ઘણી બધી શાળાઓ અને સંસ્થાનોમાં વેબિનાર આપી રહી છું અને મારા મિશન વિષે પણ જણાવી રહી છું અને તેનો સંદેશ પણ ફેલાવવા માંગુ છું, સર.
પ્રશ્ન – પરંતુ શારીરિક તંદુરસ્તી માટે પણ કઇંક તો કરવું પડતું હશે ને?
ઉત્તર – જી સર, સામાન્ય રીતે અમે રનિંગ અને સાયકલિંગ કરવા જતાં હતા પરંતુ પહેલા લોકડાઉનમાં આની પરવાનગી નહોતી તો અમે જે 21 માળના મકાનમાં રહીએ છીએ મુંબઇમાં, અમે ત્યાં સીડીઓ ઉપર નીચે ચઢતા હતા તંદુરસ્તી માટે. અને થોડું લોકડાઉન હળવું થયા પછી થેન્ક ફૂલી અમે મુંબઈ શિફ્ટ થયા છીએ તો અમે સહ્યાદ્રીમાં જઈને નાના મોટા ટ્રેકસ કરતાં હતા સર, વિકેન્ડસમાં.
પ્રશ્ન – તો મુંબઇમાં તો ક્યારેય ઠંડી શું હોતી હશે તે કઈં ખબર જ નહિ પડતી હોય. અહિયાં તો આજે બારામુલામાં ઘણી ઠંડીમાં રહેતા હશો તમે?
ઉત્તર – જી સર.
પીએમ સાહેબની ટિપ્પણી – જુઓ, કોરોનાએ નિશ્ચિતપણે બધાને અસરગ્રસ્ત કર્યા છે. પરંતુ એક વાત મેં નોંધી છે કે દેશના બાળકો, દેશની ભાવિ પેઢીએ આ મહામારી સામે મુકાબલો કરવામાં બહુ મોટી ભૂમિકા નિભાવી છે. સાબુથી 20 સેકન્ડ હાથ ધોવાના છે – આ વાત બાળકોએ સૌથી પહેલા પકડી હતી. અને હું ત્યારે સોશિયલ મીડિયા પર કેટલાય વીડિયો જોતો હતો જેમાં બાળકો કોરોનાથી બચવા માટેના ઉપાયો બતાવતા હતા. આજે આ એવોર્ડ એવા દરેક બાળકને પણ મળ્યો છે. આવા પરિવાર અને આવો સમાજ કે જ્યાં બાળકો પાસેથી શીખવાની એક સંસ્કૃતિ હોય છે, ત્યાં બાળકોના વ્યક્તિત્વનો તો બહુ સરસ વિકાસ થાય જ છે, સાથે સાથે મોટા લોકોમાં પણ સ્થગિતતા નથી આવી જતી, શીખવા માટેનો ઉત્સાહ બનેલો રહે છે, તેમનો ઉત્સાહ જળવાયેલો રહે છે, અને મોટા લોકો પણ વિચારે છે કે – આર વાહ.. અમારે બાળકોએ કહ્યું છે તો અમે જરૂરથી કરીશું. આપણે એ કોરોનાના સમયમાં પણ જોયું છે અને સ્વચ્છતા ભારત મિશન દરમિયાન પણ મેં બરાબર જોયું છે. બાળકો જ્યારે કોઈ ઉદ્દેશ્ય સાથે જોડાઈ જાય છે તો તેમાં સફળતા મળે જ છે. કામ્યા તમને, તમારા માતા પિતાને, તમારા ટ્રેનર્સને, બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને તમે કાશ્મીરની પણ મજા માણો અને નવા સાહસ સાથે આગળ પણ વધો. તમારું આરોગ્ય, તમારી તંદુરસ્તીનું ધ્યાન રાખો, નવી નવી ઊંચાઈઓ પર પહોંચો. નવા નવા શિખરોને સર કરો. વ્હાલા બાળકો, આપણી સાથે ઝારખંડની એક દીકરી પણ આજે છે, સવિતા કુમારી. તેમને રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ આ પુરસ્કાર મળ્યો છે.
પ્રશ્ન – સવિતાજી, તમે કેવી રીતે નક્કી કર્યું કે તીરંદાજી અથવા નિશાનેબાજીમાં તમારે આગળ વધવાનું છે? આ વિચાર ક્યાંથી આવ્યો અને તેમાં તમારા પરિવારની સહાયતા તો તમને મળી જ હશે. તો હું જરૂરથી તમારી પાસેથી સાંભળવા માંગુ છું કે જેથી દેશના બાળકો જાણી શકે ઝારખંડના દૂર-સુદૂરના જંગલોમાં આપણી દીકરી શું પરાક્રમ કરી રહી છે, તેનાથી દેશના બાળકોને પ્રેરણા મળશે. બોલો.
ઉત્તર – સર, હું કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી, ત્યાં જ અમને પ્રેરણા મળી તીરંદાજી શીખવાની.
પ્રશ્ન – તમે દેશ માટે મેડલ લાવવાનું પણ શરૂ કરી દીધું છે. આખા દેશની શુભકામનાઓ તમારી સાથે છે. આવનારા સમય માટે મનમાં શું લક્ષ્ય રાખ્યું છે, ક્યાં સુધી રમવાનું છે?
ઉત્તર – સર, અમારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જિતવો છે અને રાષ્ટ્રગીત જ્યારે દેશ માટે વાગે છે તો મને બહુ સારું લાગે છે.
પ્રશ્ન – વાહ! તમારી સાથે બીજું કોણ કોણ છે?
ઉત્તર – સર, મમ્મી આવી છે, અને આ બાજુ પપ્પા આવેલા છે.
પ્રશ્ન – સરસ, શું તેઓ પણ ક્યારેય રમતા હતા ખરા? પિતાજીએ ક્યારેય રમતગમતમાં ભાગ લીધો હતો?
ઉત્તર – સર ના.
પ્રશ્ન – અચ્છા, સૌથી પહેલા શરૂઆત તમે કરી?
ઉત્તર – હા સર.
પ્રશ્ન – તો અત્યારે તમારે બહાર જવાનું થાય છે તો મમ્મી પપ્પાને ચિંતા નથી થતી ને?
ઉત્તર – સર, અત્યારે તો સાહેબ છે ને સાથે તો સાહેબની સાથે જઈએ છીએ.
પ્રશ્ન – સરસ.
પીએમ સરની ટિપ્પણી – તમે ઑલૉમ્પિક સુધી જાવ, ગોલ્ડ લઈને આવો, આ તમારા સપનાઓ ખરેખર હિન્દુસ્તાનના દરેક બાળકને નવા સપના જોવા માટેની પ્રેરણા આપે છે. મારી શુભકામનાઓ હંમેશા તમારી સાથે છે. રમતગમતની દુનિયામાં ઝારખંડની જે પ્રતિભા છે, તેની ઉપર સંપૂર્ણ દેશને ગૌરવ છે. મેં તો જોયું છે કે ઝારખંડની દીકરીઓ મોટી કમાલ કરી બતાવે છે જી. કેવી કેવી રીતે ખેલકૂદમાં પોતાનું નામ બનાવી રહી છે. નાના નાના ગામડાઓ, નાના નાના શહેરોમાં તમારી જેવી પ્રતિભાઓ જ્યારે બહાર નીકળે છે, તો દુનિયા આખીમાં જઈને દેશનું નામ રોશન કરે છે. સવિતા, તમને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ આગળ વધો.
ઉત્તર – તમારો આભાર સર.
સારું, આમ તો સાથીઓ, આ વખતે રાષ્ટ્રીય બાળ પુરસ્કારોમાં જે વિવિધતા છે તે ખૂબ સારી વાત છે. તીરંદાજીથી હવે જ્યારે આપણે કળાની દુનિયામાં જઈશું. મણિપુરની દીકરી આપણી કુમારી નવીશ કિશમ, વધુ સુંદર ચિત્રો બનાવવા બદલ તેને આજે પુરસ્કાર મળ્યો છે.
પ્રશ્ન – બતાવો બેટા, નવીશ, અમે તમારી પાસેથી સાંભળવા માંગીએ છીએ. તમે ખૂબ જ સુંદર ચિત્રો બનાવો છો. રંગોમાં તો આમ પણ ઘણી ઉર્જા રહેલી હોય છે. અને આમ તો ઉત્તર પૂર્વ પોતાનામાં જ ઘણું રંગબેરંગી છે. તે રંગોને સજાવી દેવામાં આવે, તો તે જીવન ભરી દેવા બરાબર હોય છે. મને જણાવવામાં આવ્યું છે કે તમે ખાસ કરીને એન્વાયરમેન્ટ પર, પર્યાવરણ પર, હરિયાળી પર ચિત્રો બનાવો છો. અને આ જ વિષય તમને આટલો બધો આકર્ષિત કેમ કરે છે?
ઉત્તર – સૌથી પહેલા તો ગુડ આફ્ટર નૂન સર. મારી માટે એ અત્યંત સૌભાગ્યની વાત છે કે હું તમારી સાથે વ્યક્તિગત રીતે સંવાદ કરી રહી છું અને સૌપ્રથમ મારુ નામ વનીશ કિશમ છે અને મને પર્યાવરણ પર આધારિત ચિત્રો દોરવા ગમે છે કારણ કે વર્તમાન સમયમાં આપણું પર્યાવરણ દિવસે ને દિવસે વધુ ખરાબ થઈ રહ્યું છે. તેથી અહિયાં ઇમ્ફાલમાં પણ ઘણું બધુ પ્રદૂષણ વધી ગયું છે અને તેથી અહિયાં પણ બહુ પ્રદૂષણ છે. તેથી હું વધારે વૃક્ષો વાવીને અને આપણાં પર્યાવરણને અને છોડવાઓને અને પ્રાણીઓને બચાવીને તેને બદલવા માંગુ છું. આપણાં જંગલ વિસ્તારોને હું બચાવવા માંગુ છું. તેથી લોકોને આ સંદેશનો પ્રચાર કરવા માટે એક કલાકાર તરીકે હું આ કાર્ય કરું છું.
પ્રશ્ન – સરસ, તમારા પરિવારમાં બીજું પણ કોઈ છે કે જે પેઇન્ટિંગ કરે છે? પિતાજી, માતાજી, ભાઈ, કાકા, કોઈ?
ઉત્તર – ના સાહેબ, મારા પિતાજી એક વ્યાવસાયિક છે અને મારી મમ્મી ગૃહિણી છે અને હું એકલી જ કલાકાર છું.
પ્રશ્ન – આ તારા પિતાજી, આ તારા માતાજી છે તારી સાથે?
ઉત્તર – હા.
પ્રશ્ન – તો તે લોકો તને ખિજાતા હશે કે તું આ શું આખો દિવસ પેઇન્ટિંગ કર્યા કરે છે? કઈં વાંચતી કરતી નથી. ખાવાનું નથી બનાવતી. કામ નથી કરતી. એ રીતે તને ખિજાતા હશે?
ઉત્તર – ના સર, તે લોકો મને સાથ આપે છે.
પ્રશ્ન – તો ખૂબ નસીબદાર છો તમે. અચ્છા તમારી ઉંમર નાની એવી છે, પરંતુ વિચાર બહુ મોટા છે જી. સારું, પેઇન્ટિંગ સિવાય તમારા બીજા કયા કયા શોખ છે?
ઉત્તર – સર, મને ગાવું ગમે છે, મને ગાવાનો બહુ શોખ છે અને મને છોડ ઉછેરવા પણ બહુ ગમે છે.
માનનીય પીએમની ટિપ્પણી: નવીશ, હું મણિપુર ઘણી વાર આવ્યો છું. અને ત્યાંની પ્રકૃતિ મને ખૂબ જ આકર્ષિત કરે છે. મારો અનુભવ રહ્યો છે ત્યાં. અને પ્રકૃતિને લઈને ત્યાંનાં લોકોમાં જે એક પ્રકારની શ્રદ્ધા છે, પ્રકૃતિની રક્ષા માટે સંપૂર્ણ ઉત્તર પૂર્વમાં દરેક વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. જે મણીપુરમાં પણ જોવા મળે છે અને હું માનું છું કે આ બહુ ઊંચા સંસ્કાર છે.
પ્રશ્ન – અચ્છા, તમે ગીત ગાવ છો, એમ તમે કહ્યું. કઇંક સંભળાવશો મને?
ઉત્તર – હા સર, મારો કહેવાનો અર્થ છે કે હું કોઈ વ્યાવસાયિક ગાયિકા નથી પરંતુ મને ગમે છે, એટલે આ અમારું લોકગીત છે.
ઉત્તર – ખૂબ જ સુંદર. હું તારા માતા પિતાને પણ અભિનંદન આપું છું અને હું માનું છું કે તમારે સંગીતમાં પણ જરૂરથી કઇંક કરવું જોઈએ. અવાજમાં ખૂબ દમ છે. હું કોઈ શાસ્ત્રનો જાણકાર તો નથી પરંતુ સારું લાગ્યું. સાંભળીને બહુ સારું લાગ્યું. તો તારે આ બધી જગ્યા પર મહેનત કરવી જોઈએ. મારા તને ખૂબ ખૂબ આશીર્વાદ છે.
સાથીઓ,
આપણાં દેશના બાળકો આટલી પ્રતિભાની સાથે સાથે જીંદગીને જીવી પણ રહ્યા છે, તેમની જેટલી પ્રશંસા કરવામાં આવે, ઓછી છે. હવે જુઓ, એક રીતે સર્વશ્રેષ્ઠ ચિત્રો બનાવનાર દીકરી નવીશ છે તો કર્ણાટકના રાકેશ કૃષ્ણ પણ છે. રાકેશને ખેતી સાથે જોડાયેલ ઇનોવેશન માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. રાકેશ તમને ખૂબ ખૂબ આભિનંદન આપું છું. અને હું જરૂરથી તમારી સાથે વાત કરવા માંગીશ.
પ્રશ્ન – રાકેશ, તમારી પ્રોફાઇલ જ્યારે હું જોઈ રહ્યો હતો તો મને બહુ સારું લાગ્યું. તમે આટલી નાની ઉંમરમાં જ ઇનોવેશન કરી રહ્યા છો તે પણ તમે આપણાં ખેડૂતો માટે વિચારી રહ્યા છો. તમે વિજ્ઞાનના વિદ્યાર્થી છો, તો સંશોધન ઇનોવેશન તો સ્વાભાવિક છે જ. પરંતુ ખેડૂતો માટે ઇનોવેશન કરવું એ કોઈ સામાન્ય વાત નથી જી. તો હું જરૂરથી સાંભળવા માંગીશ કે આમાં મન કેમનું લાગી ગયું તમારું? આ કામ માટે કેવી રીતે મન થઈ ગયું તમારું?
ઉત્તર – સર, સૌથી પહેલા તો નમસ્કાર અને સર હું બોલવા માંગુ છું કે વિજ્ઞાન અને ઇનોવેશનમાં રસ તો પહેલેથી રહ્યો જ હતો પરંતુ સર, મારા પપ્પા એક તો ખેડૂત છે અને હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું. આ મારા પિતાજી છે અને આ મારી માતાજી છે. તો સર હું જોતો હતો કે જે એક વર્તમાન ખેતીની પ્રક્રિયા છે તેમાં ઘણી બધી સમસ્યાઓ રહેતી હતી તો કઇંક કરવું હતું. અને મને મન થતું હતું કે જે ખેડૂતો આપણાં રાષ્ટ્રીય અન્નદાતા છે, તેમને કઇંક યોગદાન આપીએ. જે મારુ ટેકનોલોજીનું ઇનોવેશન છે, તેના વડે તેમને યોગદાન આપવા માટે મેં એક મિશન બનાવ્યું છે સર. તો પહેલેથી જ જે વર્તમાન પ્રક્રિયા છે તેના કરતાં પણ 50 ટકા વધુ ફાયદાકારક મારા મશીનો છે સાહેબ.
પ્રશ્ન – સરસ, તો ક્યારેય પ્રયોગ કર્યો છે ખરો? ખેતરમાં પ્રયોગ કર્યો છે ક્યારેય પિતાજીની સાથે?
ઉત્તર – હા સર, પ્રયોગ કર્યો છે. તો એક વાત કહેવા માંગુ છું કે સર, મારા મશીન 10-15 ટકા કરતાં વધુ સમય લેનારા છે, તે કામમાં લાગતો સમય ઘટાડે છે. અને મેં જે વ્યાવહારિક રીતે પરીક્ષણો કર્યા છે, તેની ઉપરથી ખબર પડી છે કે મારા મશીન સૌથી વધારે નફાકારક અને સૌથી વધુ જર્મીનેશન રેટ આપે છે. સર શું છે કે આજે જે કૌશલ્ય વાળા શ્રમિકો જોઈએ છે ખેતી માટે એટલે કે ખેડૂતોને જે શ્રમિકોનું જરૂર પડે છે તો તેમની કિંમત તો અત્યારે આસમાન પર ચડેલી છે, બહુ જ વધારે થઈ ગઈ છે અને અમને કૌશલ્ય ધરાવતા શ્રમિકો નથી મળતા. તો એટલા માટે મેં એક મલ્ટી પર્પઝ મશીન તૈયાર કર્યું છે કે જેથી ખેડૂત હવે બધા કામ એક સાથે જ કરી શકે છે અને બહુ વધારે પૈસા અને સમય બચાવી શકે છે.
પ્રશ્ન – સરસ, તો જ્યારે તમે આ બનાવ્યું, છાપાઓમાં છપાયું, લોકોને ખબર પડી તો આ ઉત્પાદકો જે હોય છે, બિઝનેસ કંપનીઓ જે હોય છે, સ્ટાર્ટ અપ વાળા હોય છે, તેમાંથી કોઈ તમારી પાસે આવ્યા ખરા કે નહીં? કે ચલો આપણે બધા મોટા પાયે આ બનાવીએ? બહુ મોટું બનાવીએ છીએ, એવું કઈં થયું ખરું કે નહીં?
ઉત્તર – હા સર, બે ત્રણ કંપનીઓએ મને પૂછ્યું હતું અને હું ફેસ્ટિવલ ઓફ ઇનોવેશન રાષ્ટ્રપતિ ભવનમાં પણ એક પાર્ટિસિપેન્ટ હતો અને ત્યાં આગળ તેમણે આવીને મને પૂછ્યું હતું સર. પરંતુ મારી પ્રોટોટાઈપ જે છે તે સંપૂર્ણ રીતે વિકસિત નથી થઈ સર. હજી પણ હું કામ કરવા માંગુ છું અને હજી વધારે સારી રીતે હું બનાવવા માંગુ છું આને.
પ્રશ્ન – સરસ તો તારા જે શિક્ષકો છે તે લોકો આમાં રસ લઈને તને વધારે મદદ કરી રહ્યા છે ખરા? અને કોઈ વૈજ્ઞાનિક, દુનિયાના બીજા કોઈ લોકો પણ મદદ કરી રહ્યા છે કે શું? કોઈ ઓનલાઈન તને સંપર્ક કરે છે ખરા?
ઉત્તર – હા સર, મારા જે શિક્ષકો છે અમારા હાઇ સ્કૂલના અને અત્યારે જે પ્રિ-યુનિવર્સિટી કોલેજના જે અધ્યાપકો છે, બધા લોકો મને માર્ગદર્શન આપે છે સર, અને પ્રોત્સાહિત કરે છે સર. મારી યાત્રાના દરેક પડાવ પર મારા માતા પિતા અને શિક્ષકોએ મને પ્રોત્સાહિત કર્યો છે સર, તો આજે હું જે કઈં પણ છું તે તેમના કારણે જ છું અને જે તે લોકોએ મને પ્રેરણા આપી છે તે અનુસાર જ હું આ સ્તર સુધી પહોંચી શક્યો છું સર.
ઉત્તર – ચાલો, હું તારા માતા-પિતાને પણ અભિનંદન આપું છું કે તેમણે ખેતી પણ દિલથી કરી છે અને ખેતીની સાથે દીકરાને પણ જોડ્યો છે. દીકરાની જે પ્રતિભા છે તેને ખેતી સાથે જોડી છે. તો તમે તો બમણા બમણા અભિનંદનના અધિકારી છો.
માનનીય પીએમની ટિપ્પણી:
રાકેશ, આધુનિક ઋષિ, આ આજે આપણાં દેશની જરૂરિયાત છે. અને મને તે જોઈને ખૂબ જ સારું લાગ્યું કે આટલી નાની ઉંમરમાં તમે માત્ર તેને સમજી જ નથી રહ્યા પરંતુ કૃષિને આધુનિક બનાવવા માટે, ટેકનોલોજી સાથે જોડવા માટે પણ પ્રયાસ કરી રહ્યા છો. તમે આમ જ સફળ થતાં રહો, તમને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને તમારા માતાપિતાનો હું આભાર પ્રગટ કરવા માંગુ છું કે તેમણે દીકરાને તે કામ માટે પ્રેરિત કર્યો છે કે જે દેશના ખેડૂતોના કામમાં આવવાનું છે. ચાલો, હવે યુપી જઈએ છીએ. યુપીના અલીગઢમાં રહેનારા મોહમ્મદ શાદાબ, તેની સાથે વાત કરીએ છીએ. જેમ કે અહિયાં બતાવવામાં આવ્યું છે કે મોહમ્મદ શાદાબે અમેરિકા સુદ્ધામાં ભારતનો ઝંડો લહેરાવ્યો છે, દેશનું નામ રોશન કર્યું છે.
પ્રશ્ન – શાદાબ, તમે અમેરિકામાં યુવા રાજદૂત તરીકે કામ કરી રહ્યા છો. શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરીને અલીગઢથી અમેરિકા સુધીની યાત્રા તમે કરી. કેટલાય પુરસ્કારો પણ તમે જીત્યા અને સ્ત્રી સશક્તિકરણ માટે કામ પણ કરી રહ્યા છો. આટલું બધુ કરવાની પ્રેરણા ક્યાંથી તમને મળી, કેવી રીતે મળી છે તમને?
ઉત્તર – આદરણીય પ્રધાનમંત્રીજી, નમસ્કાર. સૌથી પહેલા તો હું એ કહેવા માંગુ છું કે હું અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયનો 11 મા ધોરણનો વિદ્યાર્થી છું અને આટલું બધુ કરવાની પ્રેરણા મને મારા માતા પિતા અને અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયના શિક્ષકો પાસેથી મળી છે. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એક એવી જગ્યા છે કે જેણે આ દુનિયાને બહુ સારા સારા લોકો આપ્યા છે. એમ જ હું પણ ઈચ્છું છું કે હું પણ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું નામ રોશન કરું અને દેશ માટે કઇંક કરું.
પ્રશ્ન – તો તમારા માતા પિતા પણ કઇંક ને કઇંક કરતાં હતા કે તારી પાસેથી જ બધુ કરાવે છે?
ઉત્તર – ના, મારા માતા પિતાની શરૂઆતથી જ સહાયતા રહી છે. જેમ કે મારા માતા પિતાનું કહેવાનું છે કે જે રીતે ડૉ એ પી જે અબ્દુલ કલામ આઝાદ સર હતા, તેમણે દેશને આટલી મોટી મિસાઇલ આપી કે જે આજે દેશ આપણો કોઇની ઉપર નિર્ભર નથી. તો એ જ રીતે મારા માતા પિતાનું માનવું છે કે તમે પણ દેશની માટે એવું કઇંક કરો કે દેશ તમને વર્ષો વર્ષ સુધી યાદ રાખે.
પ્રશ્ન 2 – જુઓ, તમે ખરેખર દેશનું નામ રોશન કરી રહ્યા છો. સરસ, આગળ માટે શું વિચાર્યું છે, કઇંક તો મનમાં જરૂરથી મોટી મોટી વાતો આવતી હશે?
ઉત્તર – જી સર, તો આગળ મારુ સપનું છે કે હું મોટો થઈને આઇએએસ ઓફિસર બનું અને આપણાં સમાજની સેવા કરું. અને હું અહિયાં જ અટકવા નથી માંગતો. હું આગળ જઈને યુનાઈટેડ નેશનમાં માનવ અધિકાર પર કામ કરવા માંગુ છું. અને મારુ એ સપનું છે કે હું યુનાઈટેડ નેશનમાં જઈને આપણાં દેશનો ઝંડો લહેરાવું અને આપણાં દેશનું નામ રોશન કરું.
માનનીય પીએમની ટિપ્પણી:
વાહ! દુનિયામાં ભારતનું નામ વધારે ઊંચું થાય, નવા ભારતની ઓળખ વધારે મજબૂત થાય, તે બહુ મોટી જવાબદારી આપણાં દેશના નવયુવાનો ઉપર છે. અને શાદાબ, મારી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. તમારા મગજમાં ખૂબ સ્પષ્ટતા છે અને અબ્દુલ કલામજીને હીરોના રૂપમાં તમારા પરિવારમાં તમારા માતા પિતાએ તમારા મગજમાં બાળપણથી જ ભરેલું આ સપનું, હું તમારા માતા પિતાને પણ ખૂબ અભિનંદન આપું છું કે તેમણે તમને સાચો માર્ગ બતાવ્યો. હીરો કેવા હોય, આદર્શો કેવા હોવા જોઈએ, એ બાળપણથી જ તમને શીખવાડી દીધું અને જેણે તમારી જિંદગી બનાવી દીધી. અને તમે તમારા માતા પિતાએ જે મંત્ર આપ્યો તેને જીવી બતાવ્યો. એટલા માટે હું તમને ખૂબ અભિનંદન આપું છું અને તમને ખૂબ શુભકામનાઓ આપું છું.
આવો, હવે આપણે ગુજરાત જઈએ છીએ. ગુજરાતનાં મંત્ર જિતેન્દ્ર હરખાણી, તેની સાથે વાત કરીએ છીએ. મંત્ર જિતેન્દ્રને રમતગમતની દુનિયામાં, સ્વિમિંગમાં સારા પ્રદર્શન માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.
પ્રશ્ન 1 – મંત્ર, કેમ છે? મજામાં છે ને? તારી સાથે કોણ કોણ છે?
ઉત્તર – મારી સાથે મમ્મી પપ્પા છે.
પ્રશ્ન – સારું મંત્ર એ કહો, દેશભરમાંથી લોકો આજે તને જોઈ રહ્યા છે. તેં આટલું મોટું સાહસ કરીને દેશનું નામ રોશન કર્યું છે. જુઓ, હું પણ જ્યારે બાળપણમાં હતો મારા ગામ વડનગરમાં, તો અમારે ત્યાં પણ મોટું તળાવ હતું. તો અમે બધા બાળકો એમાં તરતા હતા. પરંતુ તે તરવાનું અને તારું તરવાનું તેમાં બહુ મોટું અંતર છે. ઘણી તાલીમ થતી હશે, ઘણી મહેનત કરવી પડતી હશે. અને તું તો સ્વિમિંગમાં રેકોર્ડ બનાવી રહ્યો છે અને પ્રેરણા બની ગયો છે. તમે તો રમતવીર છો. અને રમતવીર તો લક્ષ્ય માટે ખૂબ એકાગ્ર હોય છે. બોલો, હું તમારી પાસેથી જાણવા માંગુ છું, તમારું શું લક્ષ્ય છે? શું કરવા માંગો છો? કઈ રીતે આગળ વધવા માંગો છો? હા, બોલો, મારી સાથે વાત કરો.
ઉત્તર – ગુડ મોર્નિંગ સર.
પ્રશ્ન – હા, ગુડ મોર્નિંગ, બોલો.
ઉત્તર – સર, હું વિશ્વનો સૌથી શ્રેષ્ઠ તરવૈયો બનવા માંગુ છું અને તમારા જેવો બનવા માંગુ છું, દેશની સેવા કરવા માંગુ છું.
પ્રશ્ન – જુઓ, તમારા મનમાં આ આટલા બધા સપનાઓ છે, મને પાક્કો વિશ્વાસ છે કે તમારા માતા પિતા જે સમર્પણ ભાવ સાથે તમારી માટે પોતાનો સમય આપી રહ્યા છે, તમે જ તેમની જિંદગીનું સપનું બની ગયા છો, તમે જ તેમની જિંદગીના મંત્ર બની ગયા છો. અને એટલા માટે તમે જે પુરુષાર્થ કરી રહ્યા છો, જે હિંમત અને મહેનત સાથે કરી રહ્યા છો, તમારા માતા પિતાને જ નહિ, તમારા જેવા બાળકોના જેટલા પણ માતા પિતા છે તે બધાની માટે પણ તમારા માતા પિતા પ્રેરણા છે અને તમે પણ પ્રેરણા છો. અને એટલા માટે હું તમને અભિનંદન આપું છું. ખૂબ સરસ ઉમંગ સાથે તમે વાત કરી રહ્યા છો. તે પોતાનામાં જ બહુ મોટી વાત છે. હું તમને ખૂબ અભિનંદન આપું છું અને મને ક્યારેક કોઈએ કહ્યું હતું કે કદાચ જે કોચ હતા તેમણે તમને વચન આપ્યું છે મારી સાથે મળાવવાનું. આપ્યું છે કે નથી આપ્યું? તો તમે એમની સાથે ઝઘડો કેમ ના કર્યો કોચ સાથે, હજી સુધી મળાવ્યો નથી તો?
ઉત્તર – તમે જ આવી જાવ, હું અહિયાં ચા પીવડાવીશ.
પ્રશ્ન – તો જ્યારે હું ગુજરાત આવીશ, તો મળવા આવીશ?
ઉત્તર – જરૂર.
પ્રશ્ન – તો રાજકોટના ગાંઠિયા લઈને આવવું પડશે? શું કહી રહ્યો છે એ?
ઉત્તર – સર એ કહી રહ્યો છે કે જ્યારે તમે આવશો તો જલેબી, ગાંઠિયા બધુ લઈને આવીશું. તમે કહેશો તો ચા પણ પીવડાવીશું.
માનનીય પીએમની ટિપ્પણી:
ચાલો, ખૂબ ખૂબ અભિનંદન તમને. ખૂબ સરસ વાતો કહી તમે લોકોએ! વ્હાલા બાળકો, આ વાતચીત વડે તમને બધાને મળેલ પુરસ્કારો પરથી એક બાબત સમજમાં આવે છે કે કઈ રીતે જ્યારે એક નાનકડો વિચાર, એક યોગ્ય પગલાં સાથે જોડાઈ જાય છે તો કેટલા મોટા અને પ્રભાવશાળી પરિણામો આવે છે! તમે બધા પોતે આના બહુ મોટા ઉદાહરણો છો. આજે તમારી આ જે સિદ્ધિઓ છે, તેની શરૂઆત પણ તો કોઈ વિચાર સાથે, એક આઇડિયા સાથે જ થઈ હશે. હવે જેમ કે પશ્ચિમ બંગાળના સૌહાર્દય ડે છે. તેઓ પૌરાણિક કથાઓ અને દેશના ગૌરવશાળી ઇતિહાસ સાથે જોડાયેલ લેખન કરે છે. જ્યારે તેમના મનમાં સૌથી પહેલી વાર આ વિચાર આવ્યો હશે કે આ દિશામાં આગળ વધવું છે, લખવું છે, તો તેઓ માત્ર આવું વિચારીને જ ના બેસી ગયા. તેમણે પગલાં લીધા, લખવાનું શરૂ કર્યું, અને આજે તેનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. આમ જ આસામના તનુજ સમદ્દાર છે, બિહારની જ્યોતિ કુમારી છે, બે બાળકોનું જીવન બચાવનારા મહારાષ્ટ્રના કામેશ્વર જગન્નાથ વાઘમારે છે, સિક્કિમના આયુષ રંજન છે, પંજાબની દીકરી નામ્યા જોશી છે, દરેક બાળકની પ્રતિભા, તેમનું ટેલેન્ટ, દેશનું ગૌરવ વધારનારું છે. મને તો મન થાય છે કે તમારી બધાની સાથે વાત કરું. તમે એક ભારત શ્રેષ્ઠ ભારતની ખૂબ જ સુંદર અભિવ્યક્તિ છે. પરંતુ સમયના અભાવના કારણે આ શક્ય નથી.
સાથીઓ,
સંસ્કૃતમાં એક સુંદર શ્લોક છે- અને જ્યારે અમે નાના હતા તો અમારા ટીચર અમને સંભાળ્વ્યા કરતાં હતા, વારે વારે અમને મોંઢે કરાવી દીધી હતી. અને તેઓ કહેતા હતા-
“ઉદ્યમેન હિ સિદ્ધયન્તિ કાર્યાણી ન મનોરથૈ:” અર્થાત, કાર્ય ઉદ્યમથી, મહેનતથી સિદ્ધ થાય છે માત્ર કલ્પના કરતાં રહેવાથી નથી થતું. એક આઇડિયા જ્યારે એક્શન સાથે જોડાય છે તો તેનાથી કેટલા બીજા પગલાંઓ પણ શરૂ થઈ જાય છે. જેમ કે તમારી સફળતાએ કેટલાય બીજા લોકોને પણ પ્રેરિત કર્યા છે. તમારા મિત્રો, તમારા સાથી, અને દેશના અન્ય બાળકો, કેટલાય બાળકો કે જેઓ તમને ટીવી પર જોઈ રહ્યા હશે, છાપામાં તમારા વિષે વાંચતાં હશે, તેઓ પણ તમારી પાસેથી પ્રેરણા લઈને આગળ વધશે, નવા સંકલ્પો લેશે, અને તેમને પૂરા કરવા માટે ભરપૂર પ્રયાસો કરશે. આ જ રીતે તેમનાથી બીજા અન્ય યુવાનોને પણ પ્રેરણા મળશે. આ સાયકલ આમ જ આગળ વધતી જશે. પરંતુ વ્હાલા બાળકો, એક વાત બીજી પણ હું તમને કહેવા માંગુ છું. મારી આ વાત હંમેશા યાદ રાખજો કે આ પુરસ્કાર તમારા જીવનનો એક નાનકડો પડાવ છે, તમારે આ સફળતાની ખુશીમાં ખોવાઈ નથી જવાનું. જ્યારે તમે અહિયાથી જશો, તો લોકો તમારી ખૂબ વાહવાહ કરશે. છાપામાં તમારું નામ પણ નીકળી રહ્યું હશે, તમારા ઇન્ટરવ્યૂ પણ થશે. પરંતુ તમારે ધ્યાન રાખવાનું છે કે આ વાહવાહી તમારા કાર્યોના કારણે છે, તમારા કર્મના કારણે છે, તમારી પ્રતિબદ્ધતાના કારણે છે. વાહવાહીમાં ભટકીને, જો કાર્યો અટકી ગયા, અથવા તો તમે જો તેનાથી જ છૂટા પડી ગયા તો આ જ વાહવાહ તમારી માટે અડચણ બની શકે તેમ છે. હજી તો આગળ જીવનમાં તમારે બીજી પણ મોટી સફળતાઓ પ્રાપ્ત કરવાની છે. અને એક બીજું પણ હું સૂચન આપવા માંગુ છું. તમે જરૂરથી કઇંક ને કઇંક વાંચતાં હશો. પરંતુ આગ્રહપૂર્વક તમને જેમની પણ પસંદ આવે. દર વર્ષે, કોઈ ને કોઈ એક જીવનચરિત્ર જરૂરથી વાંચો. તે આત્મકથા પણ હોઇ શકે છે જીવન ચરિત્ર પણ હોઇ શકે છે. તે કોઈ વૈજ્ઞાનિકનું પણ હોઇ શકે છે, રમતવીરનું હોઇ શકે છે, કોઈ મોટા ખેડૂતની પણ હોઇ શકે છે. કોઈ મોટા વિચારકની, લેખકની, જે પણ તમને મન થાય, નક્કી કરો વર્ષમાં એક વખત એક જીવન ચરિત્ર હ્રદયપૂર્વક જરૂરથી વાંચીશ. ઓછામાં ઓછું એક જીવન ચરિત્ર. તમે જુઓ, જીવનમાં સતત નવી પ્રેરણા મળતી રહેશે.
મારા નવ યુવાન સાથીઓ,
હું ઇચ્છીશ કે તમે આ બધી વાતોને જરૂરથી મહત્વ આપશો પરંતુ હું અમુક ત્રણ વાતો બીજી પણ જોડવા માંગુ છું.
પહેલી – સાતત્યનો સંકલ્પ.
એટલે કે તમારા કામની ગતિ ક્યારેય રોકાવી ના જોઈએ, ક્યારેય શિથિલ ના પડવી જોઈએ. જ્યારે પણ એક કામ પૂરું થાય તો તેની આગળ બીજું નવું વિચારતા જ રહેવું જોઈએ.
બીજી વાત હું કહીશ, દેશના માટે સંકલ્પ.
જે પણ કામ કરો માત્ર પોતાનું કામ માનીને ના કરશો. મારુ કામ, મારી માટે કામ, આવો વિચાર આપણી સીમાને બહુ મર્યાદિત કરી નાખે છે. જ્યારે તમે દેશની માટે કામ કરશો, તો તેની જાતે જ તમારું કામ અનેકગણું વધારે વધી જશે, ઘણું મોટું થઈ જશે. ઘણા લોકો એવું લાગશે કે જાણે તમારા કામ માટે કઇંક ને કઇંક કરી રહ્યા છે. તમારી વિચારવાની દિશા જ બદલાઈ જશે. આ વર્ષે આપણો દેશ આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. આપ સૌ જરા વિચારજો, એવું તો શું કરીએ કે દેશ હજી વધારે આગળ વધે.
અને ત્રીજી વાત હું જરૂરથી કહેવા માંગીશ તે છે વિનમ્રતાનો સંકલ્પ.
દરેક સફળતાની સાથે તમારે હજી વધારે વિનમ્ર બનવાનો સંકલ્પ લેવો જોઈએ. કારણ કે તમારી અંદર વિનમ્રતા હશે તો તમારી સફળતાને સેંકડો હજારો બીજા લોકો પણ તમારી સાથે મળીને ઉજવણી કરશે. તમારી સફળતા પોતે પોતાનામાં જ બહુ મોટી બની જશે. તો હું માનું છું કે તમે આ ત્રણેય સંકલ્પો યાદ રાખશો? એકદમ પાકું યાદ રાખશો અને મને વિશ્વાસ છે કે તમે લોકો ખૂબ એકાગ્ર હોવ છો, ભુલશો નહિ. અને મને ખબર છે, તમે ના તો પોતે ભુલશો અને ના તો બીજા કોઈને ભૂલવા દેશો. આગળ જઈને હજી બીજા મોટા મોટા કામ કરશો. તમારા જીવનમાં આગળના જે સપનાઓ છે, તમારા તે સપનાઓ પૂરા થાય, અને સતત આવી જ સફળતાઓ સાથે તમે સૌ નવયુવાનો, બધા જ બાળકો દેહસને આગળ વધારતા રહો, એ જ શુભકામનાઓ સાથે તમારા પરિવારજનોને, તમારા શિક્ષક જગતના બધા સાથીઓને, બધાને આ વાત માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને તમને બધા બાળકોને અનેક અનેક આશીર્વાદ આપું છું.
ખૂબ ખૂબ આભાર!