મારા વ્હાલા દેશવાસીઓ!
નમસ્કાર!
કોરોના વિરુદ્ધની લડાઈમાં જનતા કર્ફ્યૂથી લઈને આજ સુધી આપણે સૌ ભારતવાસીઓએ ઘણી લાંબી યાત્રા પસાર કરી છે. સમયની સાથે આર્થિક પ્રવૃત્તિઓમાં પણ ધીમે ધીમે ગતિ આવી રહી છે. આપણાંમાંથી મોટાભાગના લોકો પોતાની જવાબદારીઓ નિભાવવા માટે, ફરીથી જીવનને ગતિ આપવા માટે, દરરોજ ઘરમાંથી બહાર નીકળી રહ્યા છીએ. તહેવારોના આ સમયમાં બજારોમાં પણ ધીમે ધીમે રોનક પાછી આવી રહી છે. પરંતુ આપણે એ ભૂલવું ના જોઈએ કે લોકડાઉન ભલે પૂરું થઈ ગયું છે પણ વાયરસ હજી ગયો નથી. પાછલા 7-8 મહિનાઓમાં પ્રત્યેક ભારતીયના પ્રયાસ થકી ભારત આજે જે સચવાયેલી સ્થિતિમાં છે, આપણે તેને બગડવા નથી દેવાની અને હજુ વધારે સુધારો કરવાની જરૂર છે.
આજે દેશમાં સાજા થવાનો દર સારો છે, મૃત્યુ દર ઓછો છે. ભારતમાં એક તરફ જ્યાં પ્રતિ દસ લાખ જનસંખ્યા પર આશરે 5500 લોકોને કોરોના થયો છે, ત્યાં બીજી બાજુ અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં આ આંકડા 25 હજારની આસપાસ છે. ભારતમાં પ્રતિ દસ લાખ લોકોમાં મૃત્યુદર 83 છે, જ્યારે અમેરિકા, બ્રાઝિલ, સ્પેન, બ્રિટેન જેવા અનેક દેશોમાં આ આંકડા 600ની પાર છે. દુનિયાના સાધન સંપન્ન દેશોની સરખામણીએ ભારત પોતાના વધુમાં વધુ નાગરિકોના જીવનને બચાવવામાં સફળ થઈ રહ્યું છે. આજે આપણાં દેશમાં કોરોના દર્દીઓ માટે 90 લાખથી વધુ પથારીઓની સુવિધા ઉપલબ્ધ છે. 12,000 કવોરન્ટાઇન કેન્દ્રો છે. કોરોના ટેસ્ટિંગની આશરે 2000 લેબ્સ કામ કરી રહી છે. દેશમાં પરીક્ષણોની સંખ્યા ટૂંક સમયમાં 10 કરોડના આંકડાને પાર કરી જશે. કોવિડ મહામારી વિરુદ્ધ યુદ્ધમાં ટેસ્ટની વધતી સંખ્યા આપણી એક મોટી તાકાત રહી છે.
સેવા પરમો ધર્મ: ના મંત્ર પર ચાલીને આપણાં ડૉક્ટર્સ, આપણી નર્સો, આપણાં આરોગ્ય કર્મચારીઓ, આપણાં સુરક્ષા કર્મીઓ હજુ વધારે સેવા ભાવ વડે કામ કરનારા લોકો આટલી મોટી વસ્તીની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે. આ બધા જ પ્રયાસોની વચ્ચે આ સમય લાપરવાહ બનવાનો નથી. આ સમય એવું માની લેવાનો નથી કે કોરોના જતો રહ્યો છે અથવા તો હવે કોરોના સામે કોઈ ભય નથી. વર્તમાન સમયમાં આપણે બધાએ ઘણા બધા ચિત્રો, વિડીયો જોયા છે જેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે અનેક લોકોએ હવે સાવધાની રાખવાનું કાં તો બંધ કરી દીધું છે અથવા તો બહુ ઢીલાશ કરવા લાગ્યા છે. આ બિલકુલ પણ બરાબર નથી. જો તમે લાપરવાહી કરી રહ્યા છો, માસ્ક વિના બહાર નીકળી રહ્યા છો, તો તમે તમારી જાતને, તમારા પરિવારને, તમારા પરિવારના બાળકોને, વડીલોને તેટલા જ મોટા સંકટમાં નાંખી રહ્યા છો. તમે ધ્યાન રાખો, આજે અમેરિકા હોય કે પછી યુરોપના અન્ય દેશો, આ દેશોમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા હતા, પરંતુ અચાનક ફરી પાછા વધવા લાગ્યા અને ચિંતાજનક વૃદ્ધિ થઈ રહી છે.
સાથીઓ, સંત કબીરદાસજીએ કહ્યું છે- पकी खेती देखिके, गरब किया किसान। अजहूं झोला बहुत है, घर आवै तब जान। અર્થાત, ઘણી વાર આપણે તૈયાર થઈ ગયેલ પાકને જોઈને જ અતિશય આત્મવિશ્વાસથી ભરાઈ જઈએ છીએ કે હવે તો કામ થઈ ગયું. પરંતુ જ્યાં સુધી તે પાક ઘરે ના આવી જાય ત્યાં સુધી કામ પૂરું ના માનવું જોઈએ. આ જ વસ્તુ કબીરદાસજી કહીને ગયા છે. અર્થાત જ્યાં સુધી પૂરેપૂરી સફળતા ના મળી જાય ત્યાં સુધી લાપરવાહી ના કરવી જોઈએ.
સાથીઓ, જ્યાં સુધી આ મહામારીની રસી નથી આવી જતી ત્યાં સુધી આપણે કોરોના સામેના આપણાં યુદ્ધને થોડું પણ નબળું નથી પડવા દેવાનું. વર્ષો પછી આપણે એવું થતું જોઈ રહ્યા છીએ કે માનવતાને બચાવવા માટે યુદ્ધ સ્તર પર આખી દુનિયામાં કામ થઈ રહ્યું છે. અનેક દેશ તેની માટે કામ કરી રહ્યા છે. આપણાં દેશના વૈજ્ઞાનિકો પણ રસી માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ભારતમાં અત્યારે કોરોનાની અનેક રસીઓ ઉપર કામ ચાલી રહ્યું છે. તેમાંથી કેટલીક એડવાન્સ સ્ટેજ પર છે. આશાસ્પદ સ્થિતિ જણાઈ રહી છે.
સાથીઓ, કોરોનાની રસી જ્યારે પણ આવે, તે જલ્દીથી જલ્દી પ્રત્યેક ભારતીય સુધી કઈ રીતે પહોંચી શકે તેની માટે પણ સરકારની તૈયારીઓ ચાલી રહી છે. એક એક નાગરિક સુધી રસી પહોંચે, તેની માટે ઝડપથી કામ થઈ રહ્યું છે. સાથીઓ, રામચરિત માનસમાં ઘણી શિક્ષાપ્રદ વાતો છે, શીખવા જેવી વાતો છે. પરંતુ સાથે સાથે અનેક પ્રકારના પડકારો પણ છે જેમ કે રામચરિત માનસમાં ઘણી મોટી વાત કહેવામાં આવી છે. रिपु रुज पावक पाप, प्रभु अहि गनिअ न छोट करि। અર્થાત આગ, શત્રુ, પાપ એટલે કે ભૂલ અને બીમારી, તેમને ક્યારેય નાના ના સમજવા જોઈએ. જ્યાં સુધી તેનો સંપૂર્ણ ઈલાજ ના થઈ જાય તેમને હળવાશથી ના લેવા જોઈએ. એટલા માટે યાદ રાખો, જ્યાં સુધી દવા નથી ત્યાં સુધી ઢીલાશ પણ નહિ. તહેવારોનો સમય આપણાં જીવનમાં ખુશીઓનો સમય છે, ઉલ્લાસનો સમય છે.
એક મુશ્કેલ સમયમાંથી નીકળીને આપણે આગળ વધી રહ્યા છીએ, થોડી પણ લાપરવાહી આપણી ગતિને રોકી શકે છે, આપણી ખુશીઓને ધૂળમાં મિલાવી શકે તેમ છે. જીવનની જવાબદારીઓને નિભાવવી અને સતર્કતા આ બંને સાથે સાથે ચાલશે ત્યારે જ જીવનમાં ખુશીઓ જળવાયેલ રહેશે. બે ગજનું અંતર, સમય સમય પર સાબુ વડે હાથ ધોવા અને માસ્ક લગાવીને રાખવું તેનું ધ્યાન રાખો. અને હું આપ સૌને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમને હું સુરક્ષિત જોવા માંગુ છું, તમારા પરિવારને સુખી જોવા માંગુ છું. આ તહેવાર તમારા જીવનમાં ઉત્સાહ અને ઉમંગ વધારે એવું વાતાવરણ હું ઈચ્છું છું અને એટલા માટે હું વારંવાર પ્રત્યેક દેશવાસીને આગ્રહ કરું છું.
હું આજે મારા મીડિયાના સાથીઓને પણ, સોશ્યલ મીડિયામાં જે સક્રિય છે તે લોકોને પણ ઘણા આગ્રહ સાથે કહેવા માંગુ છું કે તમે જાગૃતિ લાવવા માટે આ નિયમોનું પાલન કરવા માટે જેટલા જન જાગરણ અભિયાન કરશો તે તમારા તરફથી દેશની ઘણી મોટી સેવા થશે. તમે જરૂરથી અમને સાથ આપો, દેશના કોટિ કોટિ લોકોને સાથ આપો. મારા વ્હાલા દેશવાસીઓ સ્વસ્થ રહો, ઝડપી ગતિએ આગળ વધો અને આપણે સૌ સાથે મળીને દેશને આગળ વધારીએ. આ જ શુભકામનાઓ સાથે નવરાત્રી, દશેરા, ઈદ, દિવાળી, છઠ પૂજા, ગુરુ નાનક જયંતી સહિત તમામ તહેવારોની તમામ દેશવાસીઓને એક વાર ફરીથી ઘણી ઘણી શુભેચ્છાઓ આપું છું.
આભાર!