રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના એક વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ
નમસ્કાર, કાર્યક્રમમાં મારી સાથે જોડાઈ રહેલા કેબિનેટના મારા સાથી સહયોગીગણ, રાજ્યોના માનનીય રાજ્યપાલ, તમામ સન્માનિત મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, રાજય સરકારના મંત્રીગણ, ઉપસ્થિત શિક્ષણવિદો, અધ્યાપકગણ, તમામ અભિભાવક અને મારા પ્રિય યુવાન સાથીઓ.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને એક વર્ષ પૂર્ણ થવા બદલ તમામ દેશવાસીઓ તથા ખાસ કરીને તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. છેલ્લા એક વર્ષમાં દેશના આપ તમામ મહાનુભાવો, શિક્ષકો, મુખ્ય આચાર્યો, નીતિકારોએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરવામાં ઘણી મહેનત કરી છે. કોરોનાના આ કાળમાં લાખો નાગરિકોથી, શિક્ષકો, રાજ્યો, સ્વાયત્ત સંસ્થાઓના સૂચનોથી લઈને ટાસ્ક ફોર્સની રચના કરીને નવી શિક્ષણ નીતિને ચરણબદ્ધ રીતે લાગુ કરવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આધાર બનાવીને ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આજે આ જ કડીમાં મને ઘણી બધી નવી યોજનાઓ, નવી પહેલનો પ્રારંભ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
સાથીઓ,
આ મહત્વપૂર્ણ અવસર એવા સમયે આવ્યો છે જ્યારે દેશ તેની સ્વતંત્રતાના 75 વર્ષના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આજથી થોડા દિવસ બાદ 15મી ઓગસ્ટે આપણે સ્વતંત્રતાના 75મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. એક રીતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અમલીકરણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો મહત્વનો હિસ્સો બની ગયો છે. આવડા મોટા મહાપર્વ વચ્ચે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ આજે શરૂ થયેલી યોજનાઓ નવા ભારતના નિર્માણમાં ઘણી મોટી ભૂમિકા અદા કરશે. ભારતના જે સોનેરી ભવિષ્યના સંકલ્પ સાથે આજે આપણે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ તે ભવિષ્ય તરફ આપણને આજની નવી પેઢી જ લઈ જશે. ભવિષ્યમાં આપણે જેટલા આગળ ધપીશું, જેટલી ઉંચાઈ પ્રાપ્ત કરીશું તે એ બાબત પર નિર્ભર કરશે કે આપણે આપણા યુવાનોને વર્તમાનમાં એટલે કે આજે કેવું શિક્ષણ પ્રદાન કરી રહ્યા છીએ, કેવી દિશાનું સિંચન કરી રહ્યા છીએ. આથી જ હું માનું છું કે ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રાષ્ટ્રના નિર્માણના મહાયજ્ઞમાં મોટા પાસા પૈકીનું એક છે. અને તેથી, દેશે આ શિક્ષણ નીતિને એટલી આધુનિક બનાવી છે એટલું જ ભાવિ તૈયાર રાખ્યું છે. આજે આ કાર્યક્રમમાં સંકળાયેલા મોટા ભાગના મહાનુભાવો, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની બારીકાઈઓથી પરિચિત છે પરંતુ આ કેટલું મોટું મિશન છે તેનો અનુભવ આપણે વારંવાર યાદ કરવાનો છે.
સાથીઓ,
દેશભરમાં આપણા ઘણા યુવાન વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં આપણી સાથે છે. જો આ સાથીઓ પાસેથી આપણે તેમની આકાંક્ષાઓ અંગે, તેમના સપનાઓ વિશે પૂછીએ તો તમે જોશો કે દરેક યુવાનના મનમાં એક નવીનતા છે, એક નવી ઉર્જા છે. આપણો યુવાન પરિવર્તન માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. તે રાહ જોવા માગતો નથી. આપણે તમામ જોયું છે કે કોરોનાકાળમાં આપણી શિક્ષણ વ્યવસ્થા સામે કેવડો મોટો પડકાર આવ્યો હતો. વિદ્યાર્થીઓના અભ્યાસની સ્ટાઇલ અને જીવનશૈલી બદલાઈ ગઈ પરંતુ દેશના વિદ્યાર્થીએ ઝડપથી આ પરિવર્તનને સ્વિકારી લીધું. ઓનલાઇન અભ્યાસ હવે એક સરળ માધ્યમ બની રહ્યું છે. શિક્ષણ મંત્રાલયે પણ તેના માટે ઘણા પ્રયાસ કર્યા છે. મંત્રાલયે દીક્ષા પ્લેટફોર્મ શરૂ કર્યું, સ્વયં પોર્ટલ પર અભ્યાસક્રમ શરૂ કર્યા અને આપણા વિદ્યાર્થીઓ જોશભેર તેનો હિસ્સો બની ગયા. દિક્ષા પોર્ટલ પર મને કહેવામાં આવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં 2300 કરોડથી વઘારે હિટ મળી છે જે પુરવાર કરે છે કે તે કેટલો ઉપયોગી પ્રયાસ છે. આજે પણ તેમાં દરરોજની પાંચ કરોડ હિટ મળે છે. સાથીઓ, 21મી સદીનો આજનો યુવાન પોતાની વ્યવસ્થા, પોતાની દુનિયા પોતાની રીતે જ બનાવવા માગે છે. આથી જ તેને એક્સપોઝર જોઈએ, તેને પુરાણા બંધનો, પાંજરામાંથી મુક્તિ જોઇએ છે. તમે જૂઓ કે આજે નાના નાના ગામડા, કસ્બામાંથી નીકળેલો યુવાન કેવી કેવી કમાલ કરી રહ્યો છે. આ જ અંતરિયાળ વિસ્તારો અને સામાન્ય પરિવારમાંથી આવનારો યુવાન આજે ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનો ધ્વજ લહેરાવી રહ્યો છે, ભારતની નવી ઓળખ આપી રહ્યો છે. આવા જ કરોડો યુવાનો આજે અલગ અલગ ક્ષેત્રમાં અસામાન્ય કાર્ય કરી રહ્યા છે, અસાધારણ લક્ષ્યાંકોનો પાયો રચી રહ્યા છે. કોઈ કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં પુરાતન અને આધુનિક મિશ્રણ દ્વારા નવી વિદ્યાને જન્મ આપી રહ્યા છે, કોઈ રોબોટિક્સના ક્ષેત્રમાં એક સમયે સાઇ-ફાઇ માનવામાં આવતી કલ્પનાઓને હકીકતમાં બદલી રહ્યા છે. કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં માનવીય ક્ષમતાઓને નવી ઉંચાઈ પ્રદાન કરી રહ્યા છે તો કોઈ મશીન લર્નિંગમાં નવા સિમાચિહ્નની તૈયારી કરી રહ્યા છે. ટૂંકમાં તમામ ક્ષેત્રમાં ભારતનો યુવાન ઝંડો લહેરાવવા માટે આગળ ધપી રહ્યો છે. આ જ યુવાન ભારતમાં સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમની ક્રાંતિ લાવી રહ્યો છે, ઇન્ડસ્ટ્રી 4.0માં ભારતના નેતૃત્વને તૈયાર કરી રહ્યો છે અને ડિજિટલ ઇન્ડિયાને નવો વેગ આપી રહ્યો છે. તમે કલ્પના કરો કે આ યુવાન પેઢીને જયારે તેમના સપનાને અનુરૂપ વાતાવરણ મળશે તો તેની તાકાત કેટલી વધી જશે. અને તેથી જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ યુવાનોને ભરોસો અપાવે છે કે દેશ હવે સંપૂર્ણપણે તેમની સાથે છે. તેમના ઉત્સાહની સાથે છે. જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામને તાજેતરમાં લોંચ કરવામાં આવ્યો છે તે આપણા યુવાનોને ભવિષ્યલક્ષી બનાવશે, AI ડ્રિવન ઇકોનોમીનો માર્ગ ખોલશે. શિક્ષણમાં આ ડિજિટલ ક્રાંતિ, સમગ્ર દેશમાં એક સાથે આવે, ગામડા અને શહેરને સમાન ડિજિટલ લર્નિંગથી સાંકળે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર એટલે કે એનડીઈએઆર અને નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ એનઇએફટી આ દિશામાં સમગ્ર દેશમાં ડિજિટલ અને ટેકનોલોજી ફ્રેમવર્ક ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા અદા કરશે. યુવાન મન જે દિશામાં વિચારવા માગે,ખુલ્લા આકાશમાં ઉડવા માગે, દેશની નવી શિક્ષણ વ્યવસ્થા તેને એવી જ તક ઉપલબ્ધ કરાવશે.
સાથીઓ,
છેલ્લા એક વર્ષમાં તમે બધાએ અનુભવ્યું હશે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને કેવી રીતે દબાણમુક્ત રાખવામાં આવી છે. પોલિસી લેવલ પર જે પારદર્શકતા છે તેવી જ પારદર્શકતા વિદ્યાર્થીઓને મળી રહેલા વિકલ્પોમાં પણ છે. હવે વિદ્યાર્થીઓ કેટલો અભ્યાસ કરે, કેટલા સમય માટે ભણે તે કોઈ બોર્ડ કે યુનિવર્સિટી નક્કી નહીં કરે. આ નિર્ણયમાં વિદ્યાર્થીની પણ ભાગીદારી રહેશે. મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટની જે વ્યવસ્થા આજે શરૂ થઈ છે તેણે વિદ્યાર્થીને એક જ ક્લાક કે એક જ કોર્સમાં જકડાઈ રહેવાથી મજબૂરીમાંથી મુક્ત કરી દીધો છે. આધુનિક ટેકનોલોજી પર આધારિત એકેડમિક બેંક અને ક્રેડિટ આ સિસ્ટમને નવી દિશામાં વિદ્યાર્થીઓ માટે ક્રાંતિકારી પરિવર્તન લાવનાર છે. હવે દરેક યુવાન પોતાની રૂચિથી, પોતાની સુવિધાઓથી ગમે ત્યારે એક સ્ટ્રીમને પસંદ કરી શકે છે કે છોડી શકે છે. હવે કોઈ કોર્સની પસંદગી કરતી વખતે એ ડર નહીં રહે કે જો આપણો નિર્ણય ખોટો પડ્યો તો શું થશે? આવી જ રીતે સ્ટ્રક્ચર એસેસમેન્ટ ફોર એનલાઇઝિંગ લર્નિંગ લેવલ એટલે કે 'સફલ' મારફતે વિદ્યાર્થીની સમીક્ષાની પણ વૈજ્ઞાનિક વ્યવસ્થા શરૂ થઈ છે. જે વ્યવસ્થા આવનારા દિવસોમાં વિદ્યાર્થીને પરીક્ષાના ડરમાંથી પણ મુક્તિ અપાવશે. જ્યારે આ ડર યુવા માનસમાંથી નીકળી જશે તો નવા નવા કૌશલ્ય લેવાની હિંમત અને નવી નવી શોધ કરવાના નવા યુગનો પ્રારંભ થશે. સંભાવનાનો વ્યાપક વિસ્તાર થશે. આથી જ હું ફરીથી કહીશ કે આજે નવી શિક્ષણ નીતિ અંતર્ગત આ નવો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે તેમાં ભારતનું ભાગ્ય પલટવાની ક્ષમતા છે.
સાથીઓ,
આપણે અને તમે દાયકાઓથી એવો માહોલ જોયો છે જ્યારે એમ માનવામાં આવતું હતું કે સારું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વિદેશ જવું પડશે. પરંતુ સારું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓ ભારત આવે, શ્રેષ્ઠ સંસ્થાઓ ભારત આવે તે હવે આપણે જોઈ રહ્યા છીએ. આ માહિતી ઘણી ઉત્સાહપ્રેરક છે કે દેશની 150થી વધુ યુનિવર્સિટીઓમાં આંતરરાષ્ટ્રીય બાબતો માટેની ઓફિસ શરૂ કરવામાં આવી છે. ભારતના ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો, આંતરરાષ્ટ્રીય સ્તર પર રિસર્ચ અને એકેડમિકમાં વધુ આગળ વધે તેના માટે આજે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
સાથીઓ,
આજે બની રહેલી સંભાવનાઓને સાકાર કરવા માટે આપણા યુવાનોએ દુનિયાથી એક ડગલું આગળ રહેવું પડશે, એક ડગલું આગળનું વિચારવું પડશે. આરોગ્ય હોય, સંરક્ષણ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ટેકનોલોજી હોય દેશે તમામ દિશામાં સક્ષમ અને આત્મનિર્ભર બનવું પડશે. આત્મનિર્ભર ભારતનો આ માર્ગ સ્કીલ ડેવલપમેન્ટ અને ટેકનોલોજીથી આવે છે જેની ઉપર એનઈપીમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મને આનંદ છે કે ગયા વર્ષે 1200થી વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં સ્કીલ ડેવપલમેન્ટથી સંકળાયેલા સેંકડો નવા કોર્સને મંજૂરી આપવામાં આવી છે.
સાથીઓ,
શિક્ષણના વિષયમાં પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી કહેતા રહેતા હતા કે રાષ્ટ્રીય શિક્ષણ ખરા અર્થમાં રાષ્ટ્રીય હોવા માટે રાષ્ટ્રીય પરિસ્થિતિઓને રિફ્લેક્ટ કરવી જોઇએ. બાપુના આ દૂરંદેશી વિચારોને પૂર્ણ કરવા માટે સ્થાનિક ભાષાઓમાં, માતૃ ભાષામાં શિક્ષણના વિચાર એનઇપીમાં રાખવામાં આવ્યા છે. હવે ઉચ્ચ શિક્ષણમાં સૂચનોના માધ્યમ માટે સ્થાનિક ભાષા પણ એક વિકલ્પ રહેશે. મને આનંદ છે કે આઠ રાજ્યમાં 14 એન્જિનિયરિંગ કોલેજ, પાંચ ભારતીય ભાષાઓ હિન્દી, તેલુગુ, તમિળ, મરાઠી અને બાંગ્લામાં એન્જિનિયરિંગનું શિક્ષણ શરૂ થઈ રહ્યું છે. એન્જિનિયરિંગના કોર્સને 11 ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવા માટે એક ટુલ ડેવલપ કરવામાં આવ્યું છે. પ્રાંતીય ભાષાઓમાં પોતાનું શિક્ષણ શરૂ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને હું ખાસ અભિનંદન આપવા જઈ રહ્યો છું. તેનો સૌથી મોટો લાભ દેશના ગરીબ વર્ગ, ગામડામાં રહેતા મઘ્યમવર્ગના વિદ્યાર્થીઓને, દલીત તથા પછાત વર્ગના અને આદિવાસી ભાઈ બહેનોને મળશે. આ જ પરિવારમાંથી આવનારા બાળકોને સૌથી વધુ ભાષા વિભાજનનો ભોગ બનવું પડતું હતું. સૌથી વધુ નુકસાન આવા જ પરિવારના બાળકોને ભોગવવું પડતું હતું. માતૃભાષામાં અભ્યાસથી ગરીબ બાળકોનો આત્મવિશ્વાસ વધશે અને તેમના સામર્થ્ય અને પ્રતિભા સાથે ન્યાય થશે.
સાથીઓ,
પ્રારંભિક શિક્ષણમાં પણ માતૃભાષાને પ્રોત્સાહિત કરવાનું કાર્ય શરૂ થઈ ગયું છે. જે વિદ્યાપ્રવેશ પ્રોગ્રામ આજે લોંચ કરાયો છે તેની તેમાં સૌથી મોટી ભૂમિકા છે. પ્લે સ્કૂલનો અભિગમ મોટા શહેરો સુધી જ મર્યાદિત હતો તે વિદ્યા પ્રવેશ મારફતે હવે દૂર દૂરની સ્કુલો સુધી પહોંચશે અને રાજ્ય પોતાની જરૂરિયાતને આધારે તેને લાગું કરશે. એટલે કે દેશના તમામ હિસ્સામાં, બાળક અમીર હોય કે ગરીબ હોય પણ તેનું શિક્ષણ રમતા રમતાં હસતા હસતા જ થાય એ દિશામાં પ્રયાસ હાથ ધરાશે. અને જ્યારે પ્રારંભ હાસ્ય સાથે થશે તો આગળ જતાં સફળતાનો માર્ગ પણ આસાનીથી પૂર્ણ થશે.
સાથીઓ,
આજે અન્ય એક કાર્ય પણ થયું છે જે મારા હૃદયથી ઘણું નજીક છે. ઘણું સંવેદનશીલ છે. આજે દેશમાં ત્રણ લાખથી વધુ બાળકો એવા છે જેમને શિક્ષણ માટે સાંકેતિક ભાષાની જરૂર પડે છે. તેને સમજીને ભારતીય સાઇન લેંગ્વેજને પહેલી વાર એક ભાષાના વિષય એટલે કે એક સબ્જેક્ટનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થી તેને એક ભાષાની રીતે પણ ભણી શકશે. તેનાથી ભારતીય સાઇન લેંગ્વેજને વેગ મળશે, આપણા દિવ્યાંગ સાથીઓને તેનાથી ઘણી મદદ મળશે.
સાથીઓ,
તમે જાણો છો કે કોઈ પણ વિદ્યાર્થીને સમગ્ર શિક્ષણમાં તેના જીવનની સૌથી મોટી પ્રેરણા તેના અધ્યાપક હોય છે. આપણે ત્યાં તો કહેવાય છે કે....
ગુરૌ ન પ્રાપ્યતે યત્ તત્
ન અન્ય અત્રાપિ લભ્યતે
અર્થાત જે ગુરુથી પ્રાપ્ત થઈ શકતું નથી તે અન્ય ક્યાંયથી પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે કે એવું કાંઈ નથી જે સારો ગુરુ, સારો શિક્ષક મળ્યા બાદ દુર્લભ હોય. આથી જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રચનાથી લઈને તેના અમલીકરણ સુધીના દરેક તબક્કે આપણા શિક્ષકો આ અભિયાનમાં સક્રિયરૂપે હિસ્સો બનેલા છે. આજે લોંચ કરાયેલો નિષ્ઠા 2.0 પ્રોગ્રામ આ દિશામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ પ્રોગ્રામ દ્વારા દેશના શિક્ષકોની આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તાલીમ પણ મળશે અને તેઓ પોતાના સૂચનો પણ વિભાગને આપી શકશે. તમામ શિક્ષકોને, એકેડેમિશિયનોને મારો અનુરોધ છે કે આ પ્રયાસોમાં ઉત્સાભેર ભાગ લો અને વધુને વધુ યોગદાન આપો. તમે બધા શિક્ષણ ક્ષેત્રમાં એટલો અનુભવ ધરાવો છો, વ્યાપક અનુભવ ધરાવો છો તેથી જ તમે જો પ્રયાસ કરશો તો તે પ્રયાસ દેશને ઘણો આગળ લઈ જશે. હું માનું છું કે આ કાળખંડમાં આપણે જે પણ ભૂમિકામાં છીએ, આપણે નસીબદાર છીએ કે આપણે આટલા બધા પરિવર્તનના સાક્ષી બન્યા છીએ,આ પરિવર્તનમાં સક્રિય ભૂમિકા અદા કરી રહ્યા છીએ. તમારા જીવનમાં આ સ્વર્ણિમ અવસર આવ્યો છે કે તમે દેશના ભવિષ્યનું નિર્માણ કરશો, ભવિષ્યની રૂપરેખા તમારા હાથથી તૈયાર કરશો. મને ભરોસો છે કે આવનારા સમયમાં જેમ જેમ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અલગ અલગ ફિચર્સ, વાસ્તવિકતામાં પરિવર્તિત થશે ત્યારે આપણો દેશ એક નવા યુગનો સાક્ષાત્કાર કરશે. જેમ જેમ આપણે નવી યુવાન પેઢીને એક આધુનિક અને રાષ્ટ્રીય શિક્ષણ વ્યવસ્થાથી સાંકળતા જઇશું, દેશ સ્વતંત્રતાના અમૃત સંકલ્પો પ્રાપ્ત કરતો જશે. આ જ શુભેચ્છાઓ સાથે હું મારી વાત સમાપ્ત કરું છું. તમે બધા તંદુરસ્ત રહો અને નવી ઉર્જા સાથે આગળ ધપો.
ખૂબ ખૂબ ધન્યવાદ.