નમસ્કાર,
હું સૌથી પહેલાં પ્રોફેસર ક્લૉસ શ્વાબ અને વર્લ્ડ ઈકોનોમિક ફોરમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. વિશ્વ અર્થ વ્યવસ્થાના આ મહત્વપૂર્ણ મંચને તમે આ મુશ્કેલ સમયમાં પણ જીવંત બનાવ્યો છે. આવા સમયમાં સૌથી મોટો સવાલ એ છે કે દુનિયાની અર્થ વ્યવસ્થાઓ કેવી રીતે આગળ વધશે, આ સ્થિતિમાં સૌની નજર ફોરમ ઉપર હોય તે સ્વાભાવિક છે.
સાથીઓ,
તમામ આશંકાઓની વચ્ચે આજે હું તમારી સામે 1.3 અબજ કરતાં વધુ ભારતીયો તરફથી દુનિયા માટે વિશ્વાસ, સકારાત્મકતા અને આશાનો સંદેશો લઈને આવ્યો છું. જ્યારે કોરોના આવ્યો ત્યારે ભારત સામે પણ તકલીફો ઓછી ન હતી. મને યાદ છે કે ગયા વર્ષે ફેબ્રુઆરી- માર્ચ- એપ્રિલમાં દુનિયાના ઘણા જાણીતા નિષ્ણાંતો અને મોટી મોટી સંસ્થાઓએ શું શું કહ્યું હતું. એમણે ભવિષ્યવાણી એવી કરી હતી કે સમગ્ર દુનિયામાં સૌથી વધુ અસર પામનારો દેશ ભારત હશે. કહેવામાં આવ્યું હતું કે ભારતમાં કોરોના સંક્રમણની સુનામી આવશે. કોઈએ તો 700 થી 800 મિલિયન ભારતીયોને કોરોના થવાની વાત કરી હતી, તો કોઈએ બે મિલિયન કરતાં વધુ લોકોના મૃત્યુ થવાની દહેશત વ્યક્ત કરી હતી.
દુનિયાના મોટા મોટા અને આરોગ્ય અંગે આધુનિક માળખાગત સુવિધા ધરાવતા દેશોની જે હાલત હતી તે જોઈને ભારત જેવા વિકાસશીલ દેશ માટે દુનિયાને ચિંતા થાય તે સ્વાભાવિક હતું. તમે ધારણા બાંધી શકશો કે તે સમયે અમારી મનોદશા કેવી હશે. પરંતુ ભારતે પોતાની ઉપર નિરાશા વર્તાવા દીધી નહીં અને ભારત સક્રિય તથા જાહેર સામેલગિરીના અભિગમ સાથે આગળ ધપતું રહ્યું.
અમે આરોગ્યની કોવિડ-સ્પેસિફીક માળખાગત સુવિધાઓ વિકસાવવા ઉપર ભાર મૂક્યો. અમે અમારા માનવ સ્રોતોને કોરોના સામે લડવા માટે તાલિમ આપી, ટેસ્ટીંગ અને ટ્રેકીંગ કર્યું. અમે ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કર્યો.
આ લડતમાં ભારતની દરેક વ્યક્તિએ ધીરજની સાથે સાથે કર્તવ્યનું પાલન પણ કર્યું. કોરોના સામેની લડાઈને એક જન આંદોલનમાં ફેરવી નાંખી. આજે ભારતનો સમાવેશ દુનિયાના એવા દેશો સાથે થાય છે કે જેમણે પોતાના સૌથી વધુ નાગરિકોનું જીવન બચાવવામાં સફળતા મેળવી છે. જ્યાં સુધી કોરોના સંક્રમિત લોકોની સંખ્યાને સંબંધ છે, જે રીતે પ્રભુ સાહેબે બતાવ્યું તે રીતે સંખ્યા ઝડપથી ઘટી રહી છે.
સાથીઓ,
ભારતની સફળતાને કોઈ એક દેશની સફળથા સાથે તુલના કરવી તે યોગ્ય નહીં ગણાય. જે દેશમાં વિશ્વની 18 ટકા વસતિ રહેતી હોય તે દેશમાં કોરોના ઉપર અસરકારક નિયંત્રણ કરીને સમગ્ર દુનિયાને અને માનવતાને મોટી કરૂણાંતિકામાંથી બચાવ્યું છે.
કોરોના શરૂ થયો તે સમયે માસ્ક, પીપીઈ કીટ, ટેસ્ટીંગ કીટ વગેરે અમે બહારથી મંગાવતા હતા, જેની આજે અમે સ્થાનિક જરૂરિયાતો તો પૂર્ણ કરીએ જ છીએ, પણ સાથે સાથે બીજા દેશોમાં મોકલીને ત્યાંના નાગરિકોની પણ સેવા કરી રહ્યા છીએ. અને આજે ભારતમાં જ દુનિયાનો સૌથી મોટો કોરોના રસીકરણ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રથમ તબક્કામાં અમે 30 મિલિયન હેલ્થ અને ફ્રન્ટલાઈન કર્મચારીઓનુ રસીકરણ કરી રહ્યા છીએ. ભારતની ઝડપનો અંદાજ તમે એ બાબત ઉપરથી લગાવી શકો છો કે માત્ર 12 દિવસમાં જ ભારતે પોતાના 2.3 મિલિયન કરતાં વધુ આરોગ્ય કર્મચારીઓનુ રસીકરણ કરી દીધુ છે. હવે પછીના થોડાંક મહિનાઓમાં અમે અમારા આશરે 300 મિલિયન વૃધ્ધો અને કો-મોર્બિડીટી ધરાવતા દર્દીઓનું રસીકરણ કરવાનો લક્ષ્યાંક પૂરો કરીશું.
સાથીઓ,
સર્વે સન્તુ નિરામયા. સમગ્ર દુનિયા સ્વસ્થ રહે, ભારતની આ હજારો વર્ષ જૂની પ્રાર્થનાને અનુસરતાં સંકટના આ સમયમાં ભારતે તેની વૈશ્વિક જવાબદારી પણ શરૂઆતથી જ નિભાવી છે. જ્યારે દુનિયાના અનેક દેશોની હવાઈ સેવા બંધ હતી ત્યારે 1 લાખ કરતાં વધુ નાગરિકોને તેમના દેશમાં પહોંચાડવાની સાથે સાથે ભારતે 150થી વધુ દેશોને આવશ્યક દવાઓ પણ મોકલી આપી હતી. અનેક દેશોના આરોગ્ય કર્મચારીઓને ભારતે ઓનલાઈન તાલિમ પણ આપી હતી. ભારતની પરંપરાગત ઔષધિઓ એટલે કે ઈમ્યુનિટી વધારવામાં આયુર્વેદ કેવી રીતે સહાયક બની શકે છે તે બાબતે અમે દુનિયાને માર્ગદર્શન પણ પૂરૂ પાડ્યું હતું.
આજે ભારત કોરોનાની રસી દુનિયાના અનેક દેશોમાં મોકલીને ત્યાં પણ રસીકરણ સાથે જોડાયેલી માળખાગત સુવિધાઓ તૈયાર કરીને અન્ય દેશોના નાગરિકોનું જીવન પણ બચાવી રહ્યુ છે. અને એ જાણીને વર્લ્ડ ઈકોનોમિક ફોરમને હૈયાધારણ રહેશે કે હજુ તો માત્ર બે મેઈડ ઈન્ડિયા કોરોના રસી દુનિયામાં આવી છે. અને આવનારા સમયમાં અન્ય ઘણી રસી ભારતમાં તૈયાર થઈને આવવાની છે. દુનિયાના દેશોને રસી વધુ વ્યાપક સ્તરે અને વધુ ઝડપથી પૂરી પાડવામાં મદદ કરીને સંપૂર્ણ રીતે સહાય કરીશું.
ભારતની સફળતાની આ તસવીર, ભારતના સામર્થ્યની આ તસવીરની સાથે સાથે હું દુનિયાના આર્થિક જગતને એવો વિશ્વાસ આપવા માંગુ છું કે આર્થિક મોરચા ઉપર હાલત હવે ઝડપથી બદલાવાની છે. કોરોનાના સમયમાં ભારતે લાખો કરોડો રૂપિયાની યોજનાઓ શરૂ કરીને રોજગારી માટે વિશેષ યોજનાઓ બનાવીને આર્થિક પ્રવૃત્તિ જાળવી રાખી હતી. એ સમયે અમે દરેકનું જીવન બચાવવા ઉપર ભાર મૂક્યો. હવે ભારતનું એક- એક જીવન દેશની પ્રગતિ માટે સમગ્ર જોશ સાથે આગળ વધી રહ્યું છે.
હવે ભારત આત્મનિર્ભર બનવાના સંકલ્પ સાથે આગળ ધપી રહ્યું છે. ભારતની આત્મનિર્ભરતાની આ આકાંક્ષા વૈશ્વિકરણને નવી જ રીતે મજબૂત કરશે અને મને વિશ્વાસ છે કે આ અભિયાનથી ઈન્ડસ્ટ્રી 4.0 મારફતે પણ ઘણી મોટી મદદ મળશે. એની પાછળ કારણ પણ છે અને વિશ્વાસનો આધાર પણ છે.
સાથીઓ,
નિષ્ણાંતો એવું જણાવે છે કે ઈન્ડસ્ટ્રી 4.0ના મુખ્ય ચાર પરિબળો બની રહેશે. કનેક્ટીવિટી, ઓટોમેશન, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અથવા મશીન લર્નિંગ અને રિયલ ટાઈમ ડેટા. આજે ભારતનો દુનિયાના એ દેશોમાં સમાવેશ થાય છે કે જ્યાં સૌથી સસ્તો ડેટા ઉપલબ્ધ છે. જ્યાં દૂર દૂરના વિસ્તારોમાં મોબાઈલ કનેક્ટિવીટી છે, સ્માર્ટ ફોન છે. ભારતનું ઓટોમેશન અને ડિઝાઈનનો નિષ્ણાંત સમૂહ પણ ખૂબ મોટો છે. સૌથી વધુ વૈશ્વિક કંપનીઓના એન્જીનિયરીંગ સેન્ટર પણ ભારતમાં છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગમાં ભારતના સોફ્ટવેર એન્જીનિયર વર્ષોથી પોતાનો પરિચય દુનિયાને આપી રહ્યા છે.
સાથીઓ,
વિતેલા 6 વર્ષમાં ભારતમાં જે રીતે ડીજીટલ માળખાગત સુવિધાઓ માટે કામ થયું છે તે વર્લ્ડ ઈકોનોમિક ફોરમના નિષ્ણાંતો માટે અભ્યાસનો વિષય બની રહેશે. આ માળખાગત સુવિધાઓથી ભારતના ડીજીટલ સોલ્યુશનને ભારતના લોકોએ રોજબરોજની જીંદગીનો એક હિસ્સો બનાવી દીધો છે. આજે ભારતના 1.3 અબજ કરતાં વધુ લોકો પાસે યુનિવર્સીલ આઈડી- આધાર છે. લોકોના બેંકના ખાતા છે અને યુનિવર્સલ આઈડી તેમના ફોન સાથે જોડાયેલાં છે. હજુ હમણાં જ ડિસેમ્બર માસમાં 4 ટ્રિલિયન રૂપિયાની લેવડ-દેવડ યુપીઆઈ મારફતે થઈ છે. અહીંયા બેંકીગ સેક્ટરના જે લોકો છે, તે જાણે છે કે દુનિયાના મોટા મોટા દેશો ભારતે વિકસાવેલી યુપીઆઈ વ્યવસ્થાનું પોતાને ત્યાં પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સાથીઓ,
આપણે એ પણ જોયું છે કે કોરોના સંકટ દરમ્યાન અનેક દેશ પરેશાન હતા કે પોતાના નાગરિકો સુધી સીધી મદદ કઈ રીતે પહોંચાડવી? તમને એ જાણીને અચરજ થશે કે એ ગાળા દરમ્યાન ભારતે 760 મિલિયન કરતાં વધુ લોકોના બેંકના ખાતામાં 1.8 ટ્રિલિયન રૂપિયાથી વધુની રકમ સીધી તબદીલ કરી છે. ભારતની મજબૂત ડીજીટલ માળખાગત સુવિધાઓની તાકાતનું આ ઉદાહરણ છે. અમારી ડિજિટલ માળખાગત સુવિધાઓએ પબ્લિક સર્વિસ પૂરી પાડવાની પધ્ધતિને પણ કાર્યક્ષમ બનાવી છે અને પારદર્શક પણ બનાવી છે. હવે ભારતના 1.3 મિલિયન નાગરિકોને હેલ્થ કેર સુવિધા સરળતાથી ઉપલબ્ધ કરવા માટે યુનિક હેલ્થ આઈડી આપવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવશે.
અને સાથીઓ,
આજે આ પ્રતિષ્ઠીત મંચ પર હું સૌને એવું આશ્વાસન પણ આપવા માંગુ છું કે ભારતની દરેક સફળતા, સમગ્ર વિશ્વની સફળતાને મદદ કરશે. આજે અમે જે આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવી રહ્યા છીએ તે પણ ગ્લોબલ ગુડ અને ગ્લોબલ સપ્લાય ચેઈન તરફ સંપૂર્ણ રીતે કટિબધ્ધ છે. ભારત પાસે ગ્લોબલ સપ્લાય ચેઈનને મજબૂત કરવાની ક્ષમતા પણ છે અને શક્તિ પણ છે. સૌથી મોટી બાબત ભરોંસાપાત્રતાની છે. ભારત પાસે આજે ખૂબ મોટો ગ્રાહક સમુદાય છે અને તેનું જેટલું વિસ્તરણ થશે તેટલો જ વિશ્વના અર્થતંત્રને લાભ થશે.
સાથીઓ, પ્રોફેસસ ક્લૉસ શ્વાબે એક વખતે કહ્યું હતું કે ભારત સંભાવનાઓથી સભર વૈશ્વિક ખેલાડી છે. હું આજે એમાં જોડવા માંગીશ કે ભારત સંભાવનાઓની સાથે સાથે આત્મવિશ્વાસથી ભરેલું છે, નવી ઉર્જાથી ભરેલું છે. વિતેલા વર્ષોમાં ભારતે સુધારા અને પ્રોત્સાહન આધારિત સહાય ઉપર ભાર મૂક્યો છે.
કોરોનાના આ સમયમાં પણ ભારતે લગભગ દરેક ક્ષેત્રમાં માળખાકીય સુધારાની ગતિ ઝડપી બનાવી છે. આ સુધારાને પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો છે. હવે ભારતમાં કર વ્યવસ્થાથી માંડીને સીધી વિદેશી મૂડી રોકાણના ધોરણો ધારણાં બાંધી શકાય તેવા અને વાતાવરણ મૈત્રીપૂર્ણ છે.
ભારતમાં બિઝનેસ કરવામાં આસાનીની સ્થિતિ સતત બહેતર બનાવવાની દિશામાં પણ કામ ચાલી રહ્યું છે અને એક વિશેષ બાબત એ પણ છે કે ભારત પોતાની વૃધ્ધિના લક્ષ્યાંકોને જલવાયુ પરિવર્તનના લક્ષ્યાંકો સાથે ખૂબ ઝડપ સાથે તાલ મિલાવીને આગળ ધપી રહ્યું છે.
સાથીઓ,
ઈન્ડસ્ટ્રી 4.0 બાબતે થઈ રહેલી ચર્ચા વચ્ચે આપણે સૌએ વધુ એક બાબત એ યાદ રાખવાની છે કે કોરોનાની કટોકટીએ આપણને માનવતાના મૂલ્યોની ફરીથી યાદ અપાવી છે. આપણે એ યાદ રાખવાનું છે કે ઈન્ડસ્ટ્રી 4.0 પણ રોબોટસ માટે નહીં, પણ માણસો માટે છે. આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે ટેકનોલોજી, જીવન જીવવામાં આસાનીનું સાધન બને, નહીં કે કોઈ ફાંસલો. એ માટે સમગ્ર દુનિયાએ સાથે મળીને કદમ ઉઠાવવાના રહેશે. આપણે સૌએ સાથે મળીને કદમ ઉઠાવવા પડશે. મને વિશ્વાસ છે કે આપણે સૌ સફળ થઈશું.
આ વિશ્વાસની સાથે હું સવાલ જવાબની સેશન તરફ આગળ ધપવા માંગીશ અને આપણે એ દિશામાં આગળ વધીશું.
આભાર!