હીઝ એક્સેલન્સી મી. ડેન બ્રોયુઈલેટ્ટ, યુએસ સેક્રેટરી ઓફ એનર્જી,
હીઝ રોયલ હાઈનેસ પ્રિન્સ અબ્દુલ- અજીજ, સાઉદી અરેબીયાના ઉર્જા મંત્રી,
ડો. ડેનિયસ યારગીન, વાઈસ ચેરમેન, આઈએચએસ માર્કેટ,
મારા સાથીદાર શ્રી ધર્મેન્દ્ર પ્રધાન.,
વિશ્વના ઓઈલ અને ગેસ ઉદ્યોગના પ્રતિનિધિઓ
નમસ્તે !
ઈન્ડીયા એનર્જી ફોરમ CERA વીકની ચોથી એડીશનમાં આપ સૌને હાજર રહેલા જોઈને મને અત્યંત આનંદ થાય છે. આ પ્રસંગે ડો. ડેનિયસ યારગીનને ઉર્જા ક્ષેત્રમાં તેમના પ્રદાન બદલ હું તેમને અભિનંદન પાઠવુ છું. હું તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા તેમના પુસ્તક “ન્યુ મેપ” બદલ પણ તેમને અભિનંદન પાઠવુ છું.
મિત્રો, આ વર્ષનો ચર્ચાનો વિષય સુસંગત છે. આ વિષય છે “બદલાતા વિશ્વમાં ભારતનુ ઉર્જા પ્રદાન”. હું તમને ખાત્રી સાથે કહી શકુ છું કે, ભારત ઉર્જાથી સભર છે ! ભારતમાં ઉર્જાનુ ભાવિ ઉજળુ અને સલામત છે. હવે હું તમને કહીશ કે આવુ મને કેમ લાગે છે
મિત્રો, આ વર્ષ ઉર્જા ક્ષેત્ર માટે પડકારજનક રહ્યું છે. ઉર્જાની માંગમાં આશરે એક તૃતીયાંશ જેટલો ઘટાડો થયો હતો. ભાવમાં પણ અસ્થિરતા જણાઈ હતી. મૂડીરોકાણોને પણ અસર થઈ હતી. આ કારણે વૈશ્વિક સંસ્થાઓ એવુ માનતી થઈ હતી કે આગામી બે વર્ષમાં પણ ઉર્જાની માંગમાં સંકોચન ઉભુ થશે. પરંતુ આ એજન્સીઓનો અંદાજ એવો પણ હતો કે ભારત અગ્રણી ઉર્જા વપરાશકાર તરીકે ઉભરી આવશે. ભારત લાંબા ગાળે તેના ઉર્જાના વપરાશમાં આશરે બે ગણો વધારો કરશે.
મિત્રો, એવાં ઘણાં ક્ષેત્રો છે કે જે અમને ધબકતાં જણાય છે. ઉદાહરણ લઈએ તો ઉડ્ડયન ક્ષેત્ર. સ્થાનિક ઉડ્ડયન પ્રવૃત્તિની વાત કરીએ તો ભારત એ સૌથી વધુ ઝડપે વિકસતુ ત્રીજા નંબરનુ બજાર છે. ભારતનાં વિમાનો તેમના કાફલાનુ કદ વર્ષ 2024 સુધીમાં 600થી વધારીને 1200નુ કરશે. આ નાની હરણફાળ નથી!
મિત્રો, ભારત માને છે કે ઉર્જાની ઉપલબ્ધી પોસાય તેવી અને ભરોસાપાત્ર હોવી જોઈએ. આવુ હોય તો જ સામાજિક-આર્થિક પરિવર્તન શકય બની શકે છે. અમે ઉર્જા ક્ષેત્રને લોકોના શક્તિકરણમાં વધારો કરનાર તથા “જીવન જીવવાની આસાનીમાં વધારો કરનાર” પરિબળ તરીકે જોઈએ છીએ. ભારતે 100 ટકા વીજળીકરણ હાંસલ કર્યું છે. એલપીજીના વપરાશના વ્યાપમાં પણ વધારો થયો છે. આ પરિવર્તનથી ખાસ કરીને અમારા ગ્રામ્ય વિસ્તારને, અમારા મધ્યમ વર્ગને તથા અમારા ભારતની મહિલાઓને લાભ થયો છે.
મિત્રો, ભારતના એનર્જી પ્લાનનો ઉદ્દેશ ઉર્જા ન્યાયની ખાત્રી અપાવવાનો છે, અને તે પણ સાતત્યપૂર્ણ વિકાસની અમારી વૈશ્વિક જવાબદારીઓનુ સંતોષવાનુ ચાલુ રાખીને. આનો અર્થ એ થયો કે વધુ ઉર્જાથી ભારતીયોના જીવનને લાભ થશે, અને એ પણ કાર્બનના ઓછા વ્યાપ સાથે.
મિત્રો, અમારૂ ઉર્જા ક્ષેત્ર વિકાસલક્ષી છે. ઉદ્યોગો માટે મૈત્રીપૂર્ણ છે અને પર્યાવરણ અંગે સભાન છે. અને આથી જ ભારત રિન્યુએબલ એનર્જીની પ્રવૃત્તિ આગળ ધપાવવામાં અત્યંત સક્રિય દેશોમાં સ્થાન પામે છે.
મિત્રો, છેલ્લા 6 વર્ષમાં 36 કરોડથી વધારે એટલે કે 360 મિલિયન એલઈડી બલ્બનુ વિતરણ કરવામાં આવ્યુ છે. એલઈડી બલ્બના ખર્ચમાં પણ 10 ગણો ઘટાડો કરવામાં આવ્યો છે. 1.1 કરોડથી વધુ એટલે કે 11 મિલિયન સ્માર્ટ એલઈડી સ્ટ્રીટ લાઈટ લગાડવામાં આવી છે. તેનાથી અંદાજે વાર્ષિક 60 અબજ યુનિટ ઉર્જાની બચત થઈ છે. આ કાર્યક્રમને કારણે અંદાજીત ગ્રીન-હાઉસ ગેસ એમિશનમાં 4.5 કરોડથી વધુ એટલે કે વાર્ષિક 45 મિલિયન ટન અંગારવાયુનો ઘટાડો થયો છે. આ પ્રકારની દરમ્યાનગીરીને કારણે એવા અહેવાલો પ્રસિદ્ધ થયા છે કે ભારત ક્લીન એનર્જીમાં મૂડીરોકાણ માટે ખૂબ જ ઉભરતુ બજાર છે.
મિત્રો, અગાઉ મેં જણાવ્યુ તે મુજબ ભારત હંમેશાં વિશ્વ માટે સારી ભાવના સાથે કામ કરતુ રહેશે. અમે વૈશ્વિક સમાજ સમક્ષ જે કટીબધ્ધતા વ્યક્ત કરી છે તે સારી રીતે સંતોષવાના માર્ગે છીએ. અમે રિન્યુએબલ એનર્જીની ક્ષમતા વર્ષ 2022 સુધીમાં વધારીને 175 GW કરવાની કટિબધ્ધતા વ્યક્ત કરી છે. અમે આ લક્ષ્યમાં વધારો કરીને તેને વર્ષ 2030 સુધીમાં 450 GW સુધી લઈ જવાનો નિર્ણય કર્યો છે. ઔદ્યોગીકરણ થયેલી વિશ્વની બાકીની દુનિયાની તુલનામાં ભારત ઓછો કાર્બન છોડતા દેશોમાં સમાવેશ પામે છે. સાથે સાથે અમે જલ વાયુ પરિવર્તન સામેની લડત પણ ચાલુ રાખીશું.
મિત્રો, છેલ્લા 6 વર્ષમાં ભારતમાં સુધારાની મજલ ખૂબ જ ઝડપભેર આગળ ધપી રહી છે. ઉર્જા ક્ષેત્રમાં પણ ઘણા નવતર સુધારા હાથ ધરાયા છે. ફેબ્રુઆરી 2019માં એક્સપ્લોરેશન અને લાયસન્સીંગ પોલિસી અમલમાં મુકવામાં આવી છે. આવક વધારવાને બદલે ઉત્પાદન વધારવા તરફનો ઝોક દાખવવામાં આવ્યો છે. અમે પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવી છે. અમે અમારી રિફાઈનીંગની ક્ષમતાને વર્ષ 2025 સુધીમાં વાર્ષિક 250 મિલિયન મે. ટનથી વધારીને 400 મિલિયન મે. ટન સુધી લઈ જવા માગીએ છીએ, સ્થાનિક સ્તરે ગેસના ઉત્પાદનમાં વધારો કરવાને અમે મહત્વની સરકારી અગ્રતા ગણાવી છે. અમે “વન નેશન વન ગેસ ગ્રીડ”ની સિધ્ધિ હાંસલ કરવાનુ આયોજન કરી રહ્યા છીએ અને ગેસ આધારિત અર્થતંત્ર બનવા તરફ આગળ ધપી રહ્યા છીએ.
મિત્રો, ઘણા લાંબા સમયથી વિશ્વમાં ક્રૂડના ભાવમાં મોટો વધારો ઘટાડો થતો રહ્યો હતો. આપણે જવાબદાર ભાવ તંત્ર તરફ જવાનુ છે. આપણે ઓઈલ અને ગેસ બંનેનાં પારદર્શક અને સુગમ બજાર તરફ આગળ ધપવાનુ છે.
મિત્રો, નેચરલ ગેસનુ સ્થાનિક ઉત્પાદન વધારવા માટે અને બજારની માર્કેટ પ્રાઈસ ડીસ્કવરીમાં એકરૂપતા લાવવા માટે અમે આ મહીનાની શરૂઆતમાં નેચરલ ગેસ માર્કેટીંગ સુધારાની શરૂઆત કરી છે. તેનાથી ઈ-બીડીંગ મારફતે નેચરલ ગેસના વેચાણમાં ઘણી સ્વતંત્રતા રહેશે. ભારતના પ્રથમ ઓટોમેટેડ રાષ્ટ્રીય સ્તરના ગેસ ટ્રેડીંગ પ્લેટફોર્મનો આ વર્ષે જૂનમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. એમાં ગેસનો બજાર ભાવ નક્કી કરવા માટે સ્ટાન્ડર્ડ પ્રક્રિયાઓ નક્કી કરવામાં આવી છે.
મિત્રો, અમે આત્મનિર્ભર ભારતના વિઝન સાથે આગળ ધપી રહ્યા છીએ. સ્વનિર્ભર ભારત વિશ્વના અર્થતંત્ર માટે એક બહુગુણીત (મલ્ટીપ્લાયર) બળ બની રહેશે. અમારા પ્રયાસોમાં ઉર્જા સુરક્ષા અગ્ર સ્થાને છે. તમને એ જાણીને આનંદ થશે કે અમારી કામગીરી હકારાત્મક પરિણામો આપી રહી છે. હાલના પડકારજનક સમયમાં પણ અમને ઓઈલ અને ગેસ વેલ્યુ ચેઈનમાં મૂડીરોકાણો થતાં જોવા મળી રહ્યાં છે. અમને અન્ય ક્ષેત્રોમાં પણ એવી જ નિશાનીઓ જોવા મળી છે.
મિત્રો, અમે વિશ્વની ટોચની ઉર્જા કંપનીઓ સાથે વ્યુહાત્મક અને ઘનિષ્ઠ સંબંધો તરફ આગળ વધી રહ્યા છીએ. ભારતની “નેબરહૂડ ફર્સ્ટ” પોલિસીના ભાગ તરીકે અમે પરસ્પરના લાભ માટે અમારા પડોશી દેશો સાથે એનર્જી કોરીડોર વિકસાવી રહ્યા છીએ.
મિત્રો, સૂર્યનાં કીરણો માનવની પ્રગતીના માર્ગમાં ઉજાસ ફેલાવે છે. સૂર્ય ભગવાનનો રથ ખેંચતા 7 અશ્વની જેમે ભારતનો ઉર્જા નકશો 7 મહત્વનાં પ્રેરક બળ ધરાવે છે. પરિવર્તનનાં આ પરિબળો નીચે મુજબ છે :
- ગેસ આધારિત અર્થતંત્ર બનવા તરફના અમારા પ્રયાસોમાં ગતિ લાવવી
- જમીનમાંથી નીકળતા વધુ શુધ્ધ બળતણનો અને ખાસ કરીને પેટ્રોલિયમ અને કોલસાનો ઉપયોગ કરવો
- બાયોફ્યુઅલ્સને વેગ આપવા સ્થાનિક સ્ત્રોતોનો વધુ ઉપયોગ કરવૉ
- વર્ષ 2030 સુધીમાં 450 GW સુધીનો રિન્યુએબલ લક્ષ્યાંક હાંસલ કરવો
- હેરફેરના સાધનોમાંકાર્બનનો ઉપયોગ ઘટાડવા વીજળીનુ યોગદાન વધારવુ
- હાઈડ્રોજન સહિતના ઉભરતાં બળતણોનો ઉપયોગ કરવો
- તમામ એનર્જી પદ્ધતીઓમાં ડીજીટલ ઈનોવેશન અપનાવવાં
અમે આગામી 6 વર્ષ સુધી આ મજબૂત ઉર્જા નીતિ સાથે આગળ ધપવાનુ ચાલુ રાખીશું.
મિત્રો, ઈન્ડીયા એનર્જી ફોરમ સેરા વીક – CERA Week ઉદ્યોગ, સરકાર અને સમાજ વચ્ચે મહત્વનુ મંચ બનવા તરીકેનુ કામ કરી રહ્યુંછે. મને વિશ્વાસ છે કે આ કોન્ફરન્સમાં થનાર ચર્ચાઓ ઉર્જાના બહેતર ભાવી માટે ખૂબ જ ફળદાયી બની રહેશે. હું વધુ એક વાર કહેવા માગુ છું કે ભારતની ઉર્જા વિશ્વને ઉર્જામય બનાવશે.
આપનો આભાર,
ફરી એક વાર આપનો આભાર !