પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો લિન્ક મારફતે રાજસ્થાનના જયપુરમાં યોજાયેલી બેઠકમાં જી20 વેપારી અને રોકાણ મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું હતું.
આ બેઠકને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ તમામ લોકોનું ‘ગુલાબી શહેર’ જયપુરમાં સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે, આ વિસ્તાર એનાં પ્રગતિશીલ અને ઉદ્યોગસાહસિક લોકો માટે પ્રસિદ્ધ છે. તેમણે ભાર મૂક્યો હતો કે, જ્યારે વેપાર અને વાણિજ્ય વિચારો, સંસ્કૃતિઓ અને ટેકનોલોજીનું આદાનપ્રદાન તરફ દોરી જાય છે, ત્યારે ઇતિહાસ એકબીજાને જોડતી કડી છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “વેપાર અને વૈશ્વિકરણે દારૂણ ગરીબીમાંથી લાખો લોકોને બહાર નીકળવામાં પણ મદદ કરી છે.”
ભારતીય અર્થતંત્રમાં વિશ્વના લોકોની આશા અને તેમના આત્મવિશ્વાસ વિશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારતને ઉદારતા, તકો અને વિકલ્પોનો સમન્વય ધરાવતા દેશ તરીકે જોવાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં નવ વર્ષ દરમિયાન સરકારના સતત પ્રયાસોને પરિણામે ભારત દુનિયામાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ બની ગયો છે. પ્રધાનમંત્રીએ સ્પર્ધાત્મકતા અને પારદર્શકતામાં વધારો, ડિજિટાઇઝેશનમાં વધારો અને નવીનતાને પ્રોત્સાહનના ઉદાહરણો ટાંકીને અને ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, “આપણે વર્ષ 2014માં "રિફોર્મ (સુધારા), પર્ફોર્મ (કામગીરી), અને ટ્રાન્સફોર્મ (પરિવર્તન)"ની સફર શરૂ કરી હતી." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતે પ્રતિબદ્ધ ફ્રેઇટ કોરિડોર ઊભા કર્યા છે અને વિવિધ રાજ્યોમાં ઔદ્યોગિક ઝોન સ્થાપિત કર્યા છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “આપણે અમલદારશાહીમાંથી આગળ વનધીને રોકાણકારો માટે લાલ જાજમ પાથરી છે અને FDI (પ્રત્યક્ષ વિદેશી રોકાણ)ને વધારે વધુને વધુ ઉદારીકરણ કરી રહ્યાં છીએ.” તેમણે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી પહેલો વિશે પણ વાત કરી હતી, જે ઉત્પાદનને વેગ આપે છે અને દેશમાં નીતિગત સ્થિરતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, સરકાર આગામી પાંચ વર્ષમાં ભારતને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા કટિબદ્ધ છે.
પ્રધાનમંત્રીએ મહામારીથી લઈને ભૂરાજકીય તણાવો તેમજ વર્તમાન વૈશ્વિક પડકારો પર પ્રકાશ ફેંકીને જણાવ્યું હતું કે, આ પડકારોએ વૈશ્વિક અર્થતંત્રની કસોટી કરી છે. તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની જવાબદારી આપણા જી20 સંગઠનના સભ્ય દેશોની છે. પ્રધાનમંત્રીએ મજબૂત અને સર્વસમાવેશક વૈશ્વિક મૂલ્ય સાંકળ ઊભી કરવા પર ભાર મૂકીને જણાવ્યું હતું કે, આ સાંકળ ભવિષ્યનાં આંચકાઓ સામે મજબૂત રહી શકે છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ ભારતની નબળાં પાસાંઓનું મૂલ્યાંકન કરવા, જોખમો ઓછામાં ઓછા કરવા અને મજબૂતી વધારવા વૈશ્વિક મૂલ્ય સાંકળોનું મેપિંગ કરવા જેનેરિક માળખું ઊભું કરવાની દરખાસ્તનાં મહત્વ વિશે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વેપારમાં ટેકનોલોજીની પરિવર્તન લાવવાની ક્ષમતા નકારી ન શકાય.” આ માટે તેમણે ભારતના ઓનલાઇન એકમાત્ર પરોક્ષ કરવેરા – જીએસટીથી આવેલા પરિવર્તનનું ઉદાહરણ આપ્યું હતું, જેનાથી એક આંતરિક બજાર ઊભું કરવામાં મદદ મળી છે અને પરિણામે રાજ્યો વચ્ચે વેપારને વેગ મળ્યો છે. તેમણે ભારતના એકીકૃત લોજિસ્ટિક્સ ઇન્ટર-ફેસ પ્લેટફોર્મની વાત પણ કરી હતી, જે વેપાર સાથે સંબંધિત લોજિસ્ટિક્સને સસ્તું અને વધારે પારદર્શક બનાવે છે. તેમણે ‘ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ’નો ઉલ્લેખ પણ કર્યો હતો અને એને એક ગેમ-ચેન્જર ગણાવ્યું હતું, જે ડિજિટલ માર્કેટપ્લેસ ઇકોસિસ્ટમને સર્વસુલભ કરશે. તેમણે ઉમેર્યુ હતું કે, “અમે પેમેન્ટ સિસ્ટમ્સ માટે અમારી એકીકૃત પેમેન્ટ ઇન્ટરફેસ સાથે આ કરી દેખાડ્યું છે.” પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, પ્રક્રિયાઓનું ડિજિટાઇઝેશ અને ઇ-કોમર્સનો ઉપયોગ બજારની સુલભતા વધારવાની સંભવિતતા ધરાવે છે. તેમણે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગ્રૂપ ‘વેપારી દસ્તાવેજોના ડિજિટલાઇઝેશન માટે ઉચ્ચ-સ્તરીય સિદ્ધાંતો’ પર કામ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સિદ્ધાંતો દેશોને આંતરરાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક વેપારી પગલાંનો અમલ કરવામાં અને નીતિનિયમોનું ભારણ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ઇ-કોમર્સમાં વૃદ્ધિના પડકારો વિશે પ્રધાનમંત્રીએ મોટાં અને નાનાં વિક્રેતાઓ વચ્ચે સમાન સ્પર્ધા સુનિશ્ચિત કરવા ખભેખભો મિલાવીને કામ કરવાનું સૂચન કર્યું હતું. તેમણે વાજબી કિંમત મેળવવા અને ફરિયાદનું નિવારણ કરવાની વ્યવસ્થાઓમાં ઉપભોક્તાઓને પડતી સમસ્યાઓનું સમાધાન કરવાની જરૂરિયાત પણ ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, ભારત એના હાર્દ તરીકે નિયમ-આધારિત, ઉદાર, સર્વસમાવેશક અને ડબલ્યુટીઓ સાથે બહુપક્ષીય વેપારી વ્યવસ્થામાં માને છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભારતે 12મી ડબલ્યુટીઓ મંત્રીસ્તરીય પરિષદમાં ગ્લોબલ સાઉથની ચિંતાઓ રજૂ કરી છે, જેનાં પર સભ્યો લાખો ખેડૂતો અને નાનાં વ્યવસાયોના હિતો જાળવવા સર્વસમંતિ ઊભી કરવા સક્ષમ બન્યાં હતાં. તેમણે વૈશ્વિક અર્થતંત્રમાં MSMEની ચાવીરૂપ ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેનાં પર વધારે ધ્યાન આપવા ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ MSMEની ક્ષમતાને સામાજિક સશક્તિકરણમાં પરિવર્તન કરવા તેમને સતત ટેકો આપવાની બાબત પર ભાર મૂકીને જાણકારી આપી હતી કે, “MSMEs વૈશ્વિક જીડીપીમાં રોજગારીનો 60થી 70 ટકા હિસ્સો ધરાવે છે અને 50 ટકા પ્રદાન કરે છે.” પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “અમારા માટે MSME એટલે – મેક્સિમમ સપોર્ટ ટૂ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (અતિ નાનાં, નાનાં અને મધ્યમ ઉદ્યોગસાહસોને મહત્તમ ટેકો).” તેમણે જણાવ્યું હતું કે, ભારતે ઓનલાઇન પ્લેટફોર્મ – સરકારી ઇ-માર્કેટપ્લેસ દ્વારા સરકારી ખરીદીમાં MSMEsને સામેલ કરી દીધા છે તથા પર્યાવરણ પર ‘ઝીરો ખામી’ અને ‘ઝીરો અસર’ના સિદ્ધાંતને અપનાવીને MSME ક્ષેત્ર સાથે કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક વેપાર અને વૈશ્વિક મૂલ્ય સાંકળમાં તેમની સહભાગીદારીમાં વધારો ભારતીય અધ્યક્ષતાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પ્રધાનમંત્રીએ સૂચિત ‘MSMEsને માહિતીના સાતત્યપૂર્ણ પ્રવાહને વેગ આપવા જયપુર પહેલ’ પર કહ્યું હતું કે, આ MSMEs માટે જરૂરી બજારની અપર્યાપ્ત સુલભતા અને વ્યવસાય સાથે સંબંધિત માહિતીના પડકારોનું સંબોધન કરશે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગ્લોબલ ટ્રેડ હેલ્પ ડેસ્કને અપગ્રેડ કરવાથી વૈશ્વિક વેપારમાં MSMEsની ભાગીદારી વધશે.
પોતાના સંબોધનને અંતે પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, જી20 સભ્ય દેશોને એક પરિવાર તરીકેની સહિયારી જવાબદારી છે કે, આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણની પ્રક્રિયાઓમાં વિશ્વાસને પુનઃસ્થાપિત કરે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કાર્યકારી જૂથ વધારે પ્રતિનિધિત્વ અને સર્વસમાવેશક ભવિષ્યને સુનિશ્ચિત કરવા વૈશ્વિક વેપારી વ્યવસ્થા તબક્કાવાર રીતે આગળ વધશે.