પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રીમાન જગદીપ ધનખડજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી પિયુષ ગોયલજી, મંત્રી પરિષદના મારા સાથી શ્રી બાબુલ સુપ્રિયોજી, અહિયાં ઉપસ્થિત અન્ય મહાનુભાવ, દેવીઓ અને સજ્જનો, આપ સૌને પશ્ચિમ બંગાળમાં રેલવે અને મેટ્રો કનેક્ટિવિટીના વિસ્તરણ માટે ખૂબ ખૂબ અભિનંદન! આજે જે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તેનાથી હુગ્લી સહિત અનેક જિલ્લાઓમાં લાખો લોકોના જીવન સરળ બનવા જઈ રહ્યા છે.
સાથીઓ,
આપણાં દેશમાં ટ્રાન્સપોર્ટના માધ્યમ જેટલા વધારે સારા હશે, આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનો આપણો સંકલ્પ તેટલો જ સશક્ત બનશે. મને ખુશી છે કે કોલકાતા સિવાય હુગલી, હાવડા અને ઉત્તરી 24 પરગણા જિલ્લાના સાથીઓને પણ હવે મેટ્રો સેવાની સુવિધાનો લાભ મળી રહ્યો છે. આજે નાઓપાડાથી દક્ષિણેશ્વર સુધી જે ભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તેનાથી દોઢ કલાકનું અંતર માત્ર 25-35 મિનિટની વચ્ચે જ સમેટાઇ જશે. દક્ષિણેશ્વરથી કોલકાતાના “કવિ સુભાષ” અથવા “ન્યુ ગડિયા” સુધી મેટ્રોથી હવે માત્ર એક જ કલાકમાં પહોંચવું શક્ય બની શકશે, જ્યારે રસ્તાથી આ અંતર અઢી કલાક જેટલું છે. આ સુવિધા વડે શાળા કોલેજોમાં જનારા યુવાનોને, ઓફિસો ફેક્ટરીઓમાં કામ કરનારા કર્મચારીઓને, શ્રમિકોને ખૂબ લાભ થશે. ખાસ કરીને ઇંડિયન સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટિટ્યૂટ, બારાનગર કેમ્પસ, રવીન્દ્ર ભારતી વિશ્વ વિદ્યાલય અને કોલકાતા વિશ્વ વિદ્યાલયના અર્થશાસ્ત્ર વિભાગ સુધી પહોંચવામાં હવે સરળતા રહેશે. એટલું જ નહિ, કાલીઘાટ અને દક્ષિણેશ્વરમાં મા કાલીના મંદિરો સુધી પહોંચવું પણ હવે શ્રદ્ધાળુઓ માટે ખૂબ સરળ થઈ ગયું છે.
સાથીઓ,
કોલકાતા મેટ્રોને તો દાયકાઓ પહેલા જ દેશની સૌપ્રથમ મેટ્રો બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. પરંતુ આ મેટ્રોનો આધુનિક અવતાર અને વિસ્તાર વિતેલા વર્ષોમાં જ થવાનો શરૂ થયો છે. અને મને ખુશી છે કે મેટ્રો હોય કે રેલવે વ્યવસ્થા, આજે ભારતમાં જે નિર્માણ થઈ રહ્યું છે, તેમાં મેઇડ ઇન ઈન્ડિયાની છબી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પાટા પાથરવાથી લઈને રેલગાડીઓના આધુનિક એન્જિન અને આધુનિક ડબ્બાઓ સુધી મોટી માત્રામાં ઉપયોગમાં લેવાનાર સામાન અને ટેકનોલોજી હવે ભારતની પોતાની જ છે. તેનાથી આપણાં કામની ગતિ પણ વધી છે, ગુણવત્તા પણ સુધરી છે, ખર્ચમાં પણ ઘટાડો આવ્યો છે અને ટ્રેનોની ઝડપ પણ વધતી જઈ રહી છે.
સાથીઓ,
પશ્ચિમ બંગાળ, દેશની આત્મનિર્ભરતાનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે અને અહિયાથી ઉત્તર પૂર્વથી લઈને, આપણાં પાડોશી દેશો સાથે વેપાર કારોબારની અસીમ સંભાવનાઓ છે. તેને ધ્યાનમાં રાખીને વિતેલા વર્ષોમાં અહિયાના રેલવે નેટવર્કને સશક્ત કરવા માટે ગંભીરતાથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે જેમ કે સિવોક રેંગપો નવી લાઇન, સિક્કિમ રાજ્યને રેલવે નેટવર્કની સહાયતા વડે સૌપ્રથમ વખત પશ્ચિમ બંગાળની સાથે જોડવા જઈ રહી છે. કોલકાતાથી બાંગ્લાદેશ માટે ગાડીઓ ચાલે છે. હમણાં તાજેતરમાં જ હલ્દીબાડીથી ભારત બાંગ્લાદેશ સીમા સુધીની લાઇન ચાલુ કરવામાં આવી છે. વિતેલા 6 વર્ષો દરમિયાન પશ્ચિમ બંગાળમાં અનેક ઓવર બ્રિજ અને અંડર બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
સાથીઓ,
આજે જે 4 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ થયું છે, તેનાથી અહીંયાનું રેલવે નેટવર્ક વધારે સશક્ત બનશે. આ ત્રીજી લાઇન શરૂ થવાથી ખડગપુર આદિત્યપૂર વિભાગમાં રેલવેનું આવાગમન ખૂબ જ સુધરશે અને હાવડા મુંબઈ રુટ પર ટ્રેનો જે મોડી પડતી હતી તેમાં પણ ઘટાડો થશે. આજીમગંજથી ખાગડાઘાટ રોડની વચ્ચે બમણી લાઇનની સુવિધા મળવાથી મુર્શીદાબાદ જિલ્લાના વ્યસ્ત રેલવે નેટવર્કને રાહત મળશે. આ રુટ વડે કોલકાતા ન્યુ જલપાઈગુડી ગુવાહાટી માટે વૈકલ્પિક માર્ગો પણ મળશે અને ઉત્તર પૂર્વ સુધીનો સંપર્ક પણ વધુ સારો થશે. દાનકુની બારૂડાપાડાની વચ્ચે ચોથી લાઇનનો પ્રોજેક્ટ તો આમ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. તે તૈયાર થઈ જવાથી હુગલીના વ્યસ્ત નેટવર્ક પર બોજ હળવો થશે. એ જ રીતે રસુલપૂર અને મગરા સેકશન, કોલકાતાના એક રીતે ગેટવે છે, પરંતુ ખૂબ જ વધારે ભીડભાડવાળા છે. નવી લાઇન શરૂ થઈ જવાથી આ સમસ્યામાં પણ ઘણી હદ સુધી રાહત મળશે.
સાથીઓ,
આ તમામ પ્રોજેક્ટ્સ પશ્ચિમ બંગાળને તે વિસ્તારો સાથે જોડી રહ્યા છે, જ્યાં કોલસા ઉદ્યોગ છે, સ્ટીલ ઉદ્યોગ છે, જ્યાં ફર્ટિલાઇઝર તૈયાર થાય છે, અનાજ ઉત્પન્ન થાય છે. એટલે કે આ નવી રેલવે લાઈનોથી જીવન તો સરળ થશે જ, ઉદ્યોગો માટે પણ નવા વિકલ્પ મળશે અને આ જ તો વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રકચરનું લક્ષ્ય હોય છે. આ જ તો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ છે. આ જ તો આત્મનિર્ભર ભારતનું પણ અંતિમ લક્ષ્ય છે. આ જ લક્ષ્ય માટે આપણે સૌ કામ કરતાં રહીએ, એ જ કામના સાથે હું પિયુષજીને, તેમની સમગ્ર ટીમને સાધુવાદ આપું છું, અભિનંદન આપું છું અને પશ્ચિમ બંગાળના રેલવે ક્ષેત્રમાં, રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં છેલ્લા કેટલાય વર્ષોથી જે ઉણપો રહી ગઈ છે, તે ઉણપોને દૂર કરવાં માટે અમે બીડું ઉઠાવ્યું છે, તેને અમે જરૂરથી પૂરું કરીશું અને બંગાળના સપનાઓને પણ પૂરા કરીશું.
આ જ અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર!!