હું જોર્ડન દેશને તેમની 100મી વર્ષગાંઠના પ્રસંગે અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવુ છુ.
હું મહામહિમ કિંગ અબ્દુલ્લા અને જોર્ડનના લોકોને ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ પાઠવું છુ.
દુનિયામાં ઐતિહાસિક અને ધાર્મિક ધરોહરોમાં જોર્ડન એક આદરપૂર્ણ નામ છે.
મહામહિમ કિંગ અબ્દુલ્લાની દીર્ઘદૃષ્ટિ હેઠળ, જોર્ડને દીર્ઘકાલિન અને સહિયારો વિકાસ કર્યો છે.
આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં તેમણે કરેલી પ્રગતિ નોંધનીય છે.
દુનિયામાં એક મહત્વપૂર્ણ પ્રદેશ તરીકે ગણાતું જોર્ડન એક શક્તિશાળી અવાજ અને આધુનિકીકરણ તેમજ સમાવેશીતાના વૈશ્વિક પ્રતિક તરીકે ઉભરી આવ્યું છે.
તે પોતાના પડોશીઓ સાથે શાંતિપૂર્ણ રહેતા મોડેલ દેશ તરીકે ઉભરી આવ્યો છે અને તે સ્થરિતા અને સંવેદનાના અવાજનું પ્રતિક છે.
મહામહિમ કિંગ પશ્ચિમ એશિયામાં શાંતિને પ્રોત્સાહન આપવા માટે સતત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
અકાબા પ્રક્રિયાએ પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા માટે સંકલનને પ્રોત્સાહન આપવામાં યોગદાન આપ્યું છે.
તેવી જ રીતે, 2004નો અમ્માન સંદેશો સહિષ્ણુતા, એકતા અને માનવ સન્માન પ્રત્યે આદરનું આહ્વાન કરતો એક પ્રબળ સંદેશો હતો.
2018માં મહામહિમ કિંગે નવી દિલ્હીની મુલાકાત લીધી તે વખતે આવા જ સંદેશાનો પુનરુચ્ચાર કર્યો હતો.
તેમણે ધાર્મિક અગ્રણીઓના સંમેલન “ભવિષ્યની દુનિયામાં આસ્થાની ભૂમિકા”માં પોતાના વિચારો રજૂ કરવા માટે મેં આપેલા આમંત્રણને કરુણાપૂર્વક સ્વીકાર્યું છે.
શાંતિ અને સમૃદ્ધિ માટે આધુનિકીકરણ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ આવશ્યક છે તેવી માન્યતા પર ભારત અને જોર્ડન એકજૂથ છે.
સમગ્ર માનવજાતના બહેતર ભવિષ્ય માટેના સંયુક્ત પ્રયાસોમાં આપણે એકબીજા સાથે ખભાથી ખભો મિલાવીને આગળ વધવાનું ચાલું રાખીશું.
ફરી એકવાર, હું મહામહિમ અને જોર્ડનના લોકોને આ ખુશીના પ્રસંગે અંતઃકરણપૂર્વક મારી શુભેચ્છાઓ પાઠવું છુ.
અલ્ફ મબરૂક, અગણિત અભિનંદન અને શુકરાન,
આપનો આભાર.