સામાન્ય રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દિનચર્યા અતિ વ્યસ્ત રહે છે, પણ બહુ ઓછા લોકોને એની જાણકારી હશે કે જ્યારે તેમને તક મળે છે, ત્યારે તેઓ પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય ફાળવીને લોકોના પત્રો અને તેમના સંદેશાઓનો જવાબ આપે છે. આવો જ એક પત્ર મળ્યો છે – ઉત્તરાખંડના નૈનિતાલના ખીમાનંદને, જેમણે નરેન્દ્ર મોદી એપ (નમો એપ) દ્વારા પ્રધાનમંત્રીને સંદેશ મોકલીને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાએ સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ કરવા બદલ અને સરકારના અન્ય પ્રયાસો માટે શુભેચ્છા આપી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રીએ ખીમાનંદને પત્ર લખીને તેમને તેમના કિંમતી વિચારો વહેંચવા બદલ તેમનો આભાર માન્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ પત્રમાં લખ્યું છે કે, “ખેતી સહિત વિવિધ ક્ષેત્રોમાં સુધારા અને દેશના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે, જેના પર તમારા કિંમતી વિચારો વહેંચવા બદલ તમારો આભાર. આ પ્રકારના આત્મીય સંદેશ મને દેશની સેવા સંપૂર્ણ તન-મન સાથે કરવા માટે નવી ઊર્જા પ્રદાન કરે છે.”
પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની સફળતાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, “પ્રધાનમંત્રી પાક વીમા યોજના સિઝનની અનિશ્ચિતતા સાથે જોડાયેલા જોખમને ઓછું કરીને મહેનતુ ખેડૂત ભાઈઓ-બહેનોના આર્થિક હિતોનું રક્ષણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહી છે. ખેડૂતો માટે હિતકારક વીમા યોજનાનો લાભ અત્યારે કરોડો ખેડૂતો લઈ રહ્યાં છે.”
કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રત્યે સંકલ્પબદ્ધ સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી મોદીએ પત્રમાં આગળ લખ્યું છે કે, “છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન વ્યાપક કવરેજ અને પારદર્શક રીતે દાવા પતાવટની પ્રક્રિયાના માધ્યમથી આ યોજના ખેડૂત કલ્યાણને સમર્પિત અમારા પ્રતિબદ્ધ પ્રયાસો અને દ્રઢ ઇરાદાઓનું એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની ગઈ છે. અત્યારે બિયારણથી લઈને બજાર સુધી ખેડૂત ભાઈઓ-બહેનોની દરેક નાની-મોટી મુશ્કેલીઓને દૂર કરવા અને અન્નદાતાની સમૃદ્ધિ તથા કૃષિ ક્ષેત્રની પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યાં છે.”
સાથે સાથે પ્રધાનમંત્રીએ દેશની પ્રગતિમાં દેશવાસીઓના યોગદાન અને તેમની ભૂમિકાની પ્રશંસા કરતાં લખ્યું છે કે, “સર્વાંગી અને સર્વસ્પર્શી વિકાસના દ્રષ્ટિકોણ સાથે અત્યારે દેશ એક સશક્ત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ ઝડપથી અગ્રેસર છે. તમામ દેશવાસીઓના વિશ્વાસ સાથે ઊર્જાસંપન્ન દેશ રાષ્ટ્રીય લક્ષ્યાંકોની પ્રાપ્તિ માટે એકનિષ્ઠ છે અને મને પૂરો વિશ્વાસ છે કે, દેશને આંતરરાષ્ટ્રીય સ્તર પર નવી ઊઁચાઈઓ પર લઈ જવાના અમારા પ્રયાસો આગળ જતા વેગ પકડશે.”
આ અગાઉ ખીમાનંદે પ્રધાનમંત્રી મોદીને તેમના સંદેશમાં પાક વીમા યોજનાના અમલના 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ અભિનંદન આપ્યા હતા. સાથે સાથે ખીમાનંદે કહ્યું હતું કે, સરકાર પ્રધાનમંત્રીનાં નેતૃત્વમાં સરકારની વિવિધ કલ્યાણકારક યોજનાઓ દ્વારા નાગરિકોની પ્રગતિ અને રાષ્ટ્રના વિકાસ માટે સતત પ્રયાસરત છે.