પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં શાળાઓ માટે કમાન્ડ અને કંટ્રોલ કેન્દ્રમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીને અહીં દેખરેખ પ્રવૃત્તિઓ, વીડિયો વૉલ અને કેન્દ્રના વિવિધ પાસાઓનું લાઇવ પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીને ઑડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન અંગે પણ માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ આ મુલાકાત દરમિયાન હિતધારકો સાથે સંવાદ કર્યો હતો. અંબાજીના શિક્ષિકા સુશ્રી રાજશ્રી પટેલ પ્રધાનમંત્રી સાથે સંવાદ કરનારા પ્રથમ વ્યક્તિ હતા. પ્રધાનમંત્રી શિક્ષકોને નવી ટેકનોલોજીમાં રુચિ વિશે પૂછપરછ કરી હતી. પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓને પણ દીક્ષા પોર્ટલના ઉપયોગ વિશે પૂછ્યું હતું. પ્રધાનમંત્રીએ અનુપાલન લોડના સ્તર વિશે પણ પૂછપરછ કરતાં એવું જણાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી કે, શું તેમાં વધારો થયો છે કે પછી તેનાથી પરિસ્થિતિ સરળ થઇ છે. તેમણે હળવાશના મૂડમાં એવું પણ કહ્યું હતું કે, તેના કારણે છેતરપિંડી કરવાનું અઘરું થઇ ગયું છે. તેમણે ધોરણ 7ના વિદ્યાર્થી સાથે પણ વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થિનીને સારી રીતે રમવા અને ભોજન લેવા કહ્યું હતું. પ્રધાનમંત્રીએ આખા સમૂહ સાથે ખૂબ જ અનૌપચારિક અને સહજ રીતે વાતચીત કરી હતી. તે જ જિલ્લાના CRC સંયોજકે પણ નવી ટેકનોલોજી દ્વારા લાવવામાં આવેલા પરિવર્તન વિશે વિગતે વર્ણન કર્યું હતું. તેમણે સંયોજક દ્વારા દેખરેખ અને ચકાસણીની પ્રક્રિયા અંગે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ પોષણ પર દેખરેખ માટે સિસ્ટમનો ઉપયોગ કરવા અંગે પૂછીને નવી સિસ્ટમની સંભાવનાઓ અંગે ઊંડાણપૂર્વક ગયા હતા કે, શું તે શિક્ષકો માટે યોગ્ય છે કે કેમ અને વિદ્યાર્થીઓ તેમજ અન્ય હિતધારકોને સંતુલિત આહાર વિશે જાગૃત કરવા માટે શું કરી શકાય છે તે અંગે અભિપ્રાયો મેળવ્યા હતા.
શ્રી મોદીએ ઘણા વર્ષ પહેલાં તેઓ કેનેડાની મુલાકાતે ગયા ત્યારનો તેમનો અંગત અનુભવ વર્ણવ્યો હતો જ્યાં તેમણે વિજ્ઞાન સંગ્રહાલયની મુલાકાત લીધી હતી અને કિઓસ્ક પર પોતાના ભોજનનો ચાર્ટ ભર્યો હતો. તેમના શાકાહારી ભોજનના કારણે મશીને પૂછ્યું હતું કે, “તમે પક્ષી છો”!!
પ્રધાનમંત્રીએ પોતાના અનુભવના સંસ્મરણો આગળ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, એકવાત અવશ્ય ધ્યાનમાં રાખવી જોઇએ કે જ્યારે ટેકનોલોજી સુલભ હોય અને અત્યાર સુધી અજ્ઞાત રહેલા દૃશ્યોને તે ઉજાગર કરી શકે છે તો પણ, વર્ચ્યુઅલ દુનિયા માટે વાસ્તવિક દુનિયાને અવગણવી જોઇએ નહીં.
કચ્છથી આવેલા પ્રાથામિક શાળાના SMC સમિતિના રાઠોડ કલ્પનાને પ્રધાનમંત્રીએ પ્રાથમિક શિક્ષકોના લાભો વિશે પૂછ્યું હતું. તેમને કહેવામાં આવ્યું હતું કે, નવી પ્રણાલીમાં અનુપાલનમાં સુધારો આવી રહ્યો છે. આઠમા ધોરણની વિદ્યાર્થિની પૂજા સાથે વાત કરતા પ્રધાનમંત્રીએ જૂનો મુદ્દો યાદ કર્યો હતો કે, મહેસાણાના શિક્ષકો સ્થાનિક કચ્છી બોલીમાં ભણાવી શકતા નહોતા. પ્રધાનમંત્રીને જણાવવામાં આવ્યું હતું કે તેવી સ્થિતિમાં સુધારો લાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ હળવામૂડમાં નબળા વિદ્યાર્થીઓને આપવામાં આવતા સહકાર વિશે પૂછ્યું હતું. શાળાના મુખ્ય શિક્ષકે કેવી રીતે શિક્ષકોએ કોરોનાના સમયગાળા દરમિયાન જી-શાલા, દીક્ષા એપ વગેરેનો ઉપયોગ કર્યો અને કેવી રીતે વિચરતા સમુદાયોને પણ શિક્ષણ આપવામાં આવ્યું તેના વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રીને એવી જાણકારી પણ આપવામં આવી હતી કે, ઘણા વિદ્યાર્થીઓ પાસે નવી સિસ્ટમ માટે જરૂરી ઉપકરણો છે. પ્રધાનમંત્રીએ શારીરિક પ્રવૃત્તિઓ પર ઓછો ભાર મૂકવામાં આવતો હોવા ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે, રમતગમત હવે ઇતરપ્રવૃત્તિઓ નથી રહ્યા પરંતુ અભ્યાસક્રમનો એક હિસ્સો બની ગયા છે.
તાપી જિલ્લાના દર્શનાબેને તેમનો અનુભવ વર્ણવ્યો હતો અને કહ્યું હતું કે, કેવી રીતે નવી પ્રણાલીના કારણે વિવિધ માપદંડોમાં સુધારો આવ્યો છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, કામના ભારણમાં ઘટાડો થયો છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, મોટાભાગના વિદ્યાર્થીઓ દીક્ષા પોર્ટલ પર નોંધાયેલા છે. 10મા ધોરણની વિદ્યાર્થિની તન્વીએ કહ્યું હતું કે, તે ડૉક્ટર બનવા માંગે છે. પ્રધાનમંત્રીએ તેને કહ્યું કે, પહેલાંના સમયમાં વિજ્ઞાનના વિષયો દૂરના વિસ્તારોમાં ઉપલબ્ધ નહોતા પરંતુ સઘન અભિયાન પછી હવે પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે અને હવે તેના ફાયદા પણ જોવા મળી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત હંમેશા નવી પદ્ધતિઓ માટે આગળ વધે છે અને પછી આખો દેશ તેને અપનાવે છે. તેમને અન્ય રાજ્યો દ્વારા દર્શાવવામાં આવેલા રસ વિશે માહિતી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, વધારે પડતું ડિસ્કનેક્ટ ના થવું જોઇએ. તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે પ્રોજેક્ટના સંયોજકો માનવીય તત્વને જીવંત રાખે. તેમને ‘સાથે વાંચો’ વિશેષતા અને વોટ્સએપ આધારિત ઉપાય વિશે પણ જણાવવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ નવી પ્રણાલીના આધારે તંદુરસ્ત સ્પર્ધાનો માહોલ જાળવવા માટે પણ કહ્યું હતું.
કેન્દ્ર દર વર્ષે 500 કરોડ કરતાં વધારે ડેટા સેટનું એકત્રીકરણ કરે છે અને વિદ્યાર્થીઓ માટે એકંદરે અભ્યાસનું પરિણામ વધારે સારું બને તે માટે બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને તેનું અર્થપૂર્ણ રીતે વિશ્લેષણ કરે છે. આ કેન્દ્ર શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક ઑનલાઇન હાજરી ટ્રેક કરવામાં મદદ કરે છે અને વિદ્યાર્થીઓના અભ્યાસના પરિણામોના કેન્દ્રીયકૃત સારાંશ તેમજ સમયાંતરના મૂલ્યાંકન તૈયાર કરે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રને વિશ્વ બેંક દ્વારા વૈશ્વિક શ્રેષ્ઠ આચરણ તરીકે સ્વીકૃતિ આપવામાં આવી છે અને તેમણે અન્ય દેશોને પણ આની મુલાકાત લેવા તેમજ તેમાંથી શીખવા માટે આમંત્રણ આપ્યું છે.