પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અમારી પ્રાર્થના વાયનાડમાં ભૂસ્ખલનથી અસરગ્રસ્ત લોકો સાથે છે અને કેન્દ્ર રાહત પ્રયત્નોમાં સહાય માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપે છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તમામ સહાય અને રાહત કાર્યો માટે રાજ્ય સરકારની સાથે ઊભી છે. પ્રધાનમંત્રીએ આજે કેરળના વાયનાડમાં હવાઈ નિરીક્ષણ કર્યા બાદ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કુદરતી આપત્તિ દરમિયાન ઘાયલ થયેલા દર્દીઓ સાથે મુલાકાત કરી હતી અને રાહત શિબિરોમાં રહેતા લોકો સાથે વાતચીત કરી હતી. . એક સમીક્ષા બેઠકમાં શ્રી મોદીએ આશ્વાસન આપ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને દેશ દુઃખની આ ઘડીમાં આપત્તિગ્રસ્ત પીડિતોની સાથે છે. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા વિસ્તૃત મેમોરેન્ડમ મોકલવામાં આવશે.
Our prayers are with those affected by the landslide in Wayanad. The Centre assures every possible support to aid in relief efforts.https://t.co/3fS83dFmrp
— Narendra Modi (@narendramodi) August 10, 2024
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ વાયનાડમાં બચાવ કામગીરી પર બારીકાઈથી નજર રાખી રહ્યાં છે અને અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. તેમણે કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભંડોળ પહેલેથી જ બહાર પાડવામાં આવ્યું છે અને બાકીનો ભાગ પણ તાત્કાલિક ધોરણે બહાર પાડવામાં આવશે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, હાલની સ્થિતિનો સામનો કરી શકે તેવી તમામ કેન્દ્રીય સંસ્થાઓને કાર્યરત કરવામાં આવી છે અને તેઓ અસરગ્રસ્તોને મદદ કરી રહી છે. પ્રધાનમંત્રીએ એનડીઆરએફ, એસડીઆરએફ, સેના, રાજ્ય પોલીસ, સ્થાનિક તબીબી દળ, એનજીઓ અને અન્ય સેવાલક્ષી સંસ્થાઓનાં જવાનોની પ્રશંસા કરી હતી, જેઓ આપત્તિગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક પહોંચી ગયા હતા તથા શોધખોળ અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
શ્રી મોદીએ અસરગ્રસ્ત લોકોને, ખાસ કરીને જેમણે પોતાના પરિવારોને ગુમાવ્યા છે, તેમને સહાય કરવા માટે નવી લાંબા ગાળાની યોજનાઓની રચના કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્ર તરફથી જરૂરી તમામ સમર્થન સાથે રાજ્ય સરકાર આમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
પ્રધાનમંત્રીએ વાયનાડના લોકોને ખાતરી આપી હતી કે, ઘર હોય, શાળાઓ હોય, રોડ પરનું માળખું હોય, સાથે-સાથે બાળકોનું ભવિષ્ય હોય, આ વિસ્તારમાં આજીવિકા પુનઃસ્થાપિત કરવામાં દેશ અને કેન્દ્ર સરકાર કોઈ કસર છોડશે નહીં.