Ro-Pax service will decrease transportation costs and aid ease of doing business: PM Modi
Connectivity boost given by the ferry service will impact everyone starting from traders to students: PM Modi
Name of Ministry of Shipping will be changed to Ministry of Ports, Shipping and Waterways: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા ખાતે નવનિર્મિત રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલી ઝંડી બતાવી તેનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે સ્થાનિક વપરાશકર્તાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. તેમણે જહાજ મંત્રાલયનું નામ બદલીને બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય કર્યું હતું.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે, ગુજરાતના લોકોને દિવાળીની ભેટ મળી છે. આ બહેતર કનેક્ટિવિટીથી દરેક વ્યક્તિને લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી વ્યવસાયને વેગ મળશે અને કનેક્ટિવિટી વધુ ઝડપી થશે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ સેવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોનું સપનું સાકાર થયું છે કારણ કે આ સેવાથી બંને વચ્ચેનું મુસાફરીનું અંતર હાલમાં 10-12 કલાકનું છે તેમાંથી ઘટીને 3-4 કલાક થઇ જશે. તેમણે કહ્યું હતું કે, આનાથી સમયની બચત થશે અને નાણાં ખર્ચમાં પણ ઘટાડો આવશે. તેમણે કહ્યું હતું કે, આખા વર્ષ દરમિયાન અંદાજે 80000 મુસાફર વાહનો અને 30000 ટ્રકો આ નવી સેવાથી લાભ મેળવી શકશે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચે બહેતર કનેક્ટિવિટીથી આ પ્રદેશોના લોકોના જીવનમાં પણ પરિવર્તન આવવા જઇ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે ફળો, શાકભાજી અને દૂધની હેરફેર સરળતાથી થઇ શકશે અને આ સેવાના કારણે પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. તેમણે સંખ્યાબંધ પડકારો વચ્ચે પણ આ સુવિધા વિકસાવવા માટે હિંમતપૂર્વક કામગીરી કરનારા તમામ એન્જિનિયરો, કામદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાવનગર અને સુરત વચ્ચે સ્થાપવામાં આવેલી આ નવી સમુદ્રી કનેક્ટિવિટી બદલ તેમણે લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ છેલ્લા બે દાયકામાં ગુજરાતે જે પ્રકારે પોતાની સમુદ્રી સંભાવનાઓને સાર્થક કરી છે અને બંદરો આધારિત વિકાસને પ્રાથમિકતા આપી છે તેની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, પ્રત્યેક ગુજરાતીઓ માટે આ ગૌરવની વાત છે. તેમણે રાજ્યમાં સમુદ્રી સંભાવનાઓનો વિકાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલ જેમ કે, જહાજ નિર્માણ નીતિનો મુસદ્દો ઘડવો, જહાજ નિર્માણ પાર્ક અને વિશેષીકૃત ટર્મિનલોનું બાંધકામ, વહાણો ટ્રાફિક વ્યવસ્થાપન પ્રણાલીને પ્રોત્સાહન અને ગ્રાઉન્ડ બ્રેકિંગ કનેક્ટિવિટી પરિયોજના વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ બધી પહેલો સાથે બંદર ક્ષેત્રને નવી દિશા પ્રાપ્ત થઇ છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ભૌતિક માળખાકીય વિકાસ ઉપરાંત, સમગ્ર દરિયાકાંઠાની ઇકોસિસ્ટમને આધુનિક કરવાના ઉદ્દેશ સાથે આ પ્રયાસો કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારોમાં તમામ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના કાર્યો સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોના પરિણામે આજે ગુજરાત સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બની ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા બે દાયકામાં, ગુજરાતમાં પરંપરાગત બંદર પરિચાલનમાંથી એકીકૃત બંદરો માટે એક અનન્ય મોડલ વિકસ્યું છે અને આજે તેમણે એક સીમાચિહ્નરૂપ વિકાસ કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રયાસોના પરિણામે ગુજરાતના બંદરો સમગ્ર દેશમાં મુખ્ય સમુદ્રી કેન્દ્રો તરીકે ઉભરી આવ્યા છે. ગત વર્ષે, દેશના કુલ સમુદ્રી વેપારમાંથી 40 ટકા હિસ્સો ગુજરાતના બંદરોનો રહ્યો હતો.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આજે ગુજરાતમાં સમુદ્રી વ્યવસાય સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા નિર્માણ પૂર્ણ જોશ સાથે આગળ વધી રહ્યાં છે. ગુજરાતમાં સંખ્યાબંધ સુવિધાઓ જેમકે ગુજરાત મેરિટાઇમ ક્લસ્ટર, ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી અને ભાવનગર ખાતે દેશનું સૌથી પહેલું CNG ટર્મિનલ વગેરે તૈયાર થઇ રહ્યાં છે. ગિફ્ટ સિટીમાં તૈયાર થનારા ગુજરાત મેરિટાઇમ ક્લસ્ટર પોર્ટ્સ સમુદ્ર આધારિત હેરફેરના કાર્યો માટે એક સમર્પિત પ્રણાલી રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, આ ક્લસ્ટરોથી સરકાર, ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સંકલન વધુ મજબૂત કરવામાં મદદ મળશે અને તેનાથી આ ક્ષેત્રમાં મૂલ્યવર્ધનમાં પણ મદદ મળી રહેશે.

પ્રધાનમંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, તાજેતરના ભૂતકાળામાં ભારતનું પ્રથમ કેમિકલ ટર્મિનલ દહેજમાં સ્થાપવામાં આવ્યું હતું. ભારતનું પ્રથમ LNG ટર્મિનલ સ્થાપવામાં આવ્યું હતું અને હવે ભારતનું પ્રથમ CNG ટર્મનિલ ગુજરાતના ભાવનગર બંદર ખાતે સ્થાપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, ભાવનગર બંદર ખાતે રો-પેક્સ ટર્મિનલ, પ્રવાહી માલસામાન ટર્મિનલ અને નવા કન્ટેઇનર ટર્મિનલ જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, આ નવા ટર્મિનલો ઉમેરાવાથી ભાવનગર બંદરની ક્ષમતામાં અનેકગણો વધારો થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર ટૂંક સમયમાં જ ઘોઘા અને દહેજ વચ્ચે ફેરી સેવા ફરીથી શરૂ કરવા માટે પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે, આ પરિયોજનામાં સંખ્યાબંધ કુદરતી પડકારો આવ્યા છે અને અદ્યતન ટેકનોલોજીથી આ પડકારોને દૂર કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી સમુદ્રી વેપાર માટે તૈયાર એવા તાલીમબદ્ધ માણસો અને નિષ્ણાતો મેળવવા માટેનું એક મોટું કેન્દ્ર છે. આજે, આ યુનિવર્સિટી સમુદ્રી કાયદા અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કાયદા શીખવા માટે તેમજ સમુદ્રી વ્યવસ્થાપન, શિપિંગ અને લોજિસ્ટિક્સમાં MBAનો અભ્યાસ કરવા માટે તક પૂરી પાડે છે. તેમણે કહ્યું હતું કે, આ યુનિવર્સિટી ઉપરાંત, લોથલ ખાતે દેશના પ્રથમ મેરિટાઇમ હેરિટેજના સંરક્ષણ માટે રાષ્ટ્રીય સંગ્રહાલયના નિર્માણની કામગીરી પણ ચાલી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજની રો-પેક્સ ફેરી સેવા અને થોડા દિવસ પહેલાં શરૂ કરવામાં આવેલી સી-પ્લેન સેવાના કારણે જળ સંસાધન આધારિત અર્થતંત્રને ખૂબ જ વેગ મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશમાં બ્લ્યૂ ઇકોનોમીને મજબૂત કરવા માટે પણ ગંભીર રીતે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં માછીમારોને મદદરૂપ થવા માટેની ઇકોસિસ્ટમ્સ અને સંખ્યાબંધ યોજનાઓ ગણાવી હતી જેમાં હવામાન અને સમુદ્રી માર્ગો અંગે સચોટ માહિતી માટે આધુનિક ટ્રોલર્સ અથવા નેવિગેશન સિસ્ટમ વસાવવા માટે માછીમારોને આર્થિક સહાય જેવી યોજનાઓનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે, માછીમારોની સલામતી અને સમૃદ્ધિનો મુદ્દો સરકારની પ્રાથમિકતાએ છે. તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરમાં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાથી પણ માછલીઓ સંબંધિત વેપારને પ્રોત્સાહન મળી રહ્યું છે. આ યોજના અંતર્ગત, આગામી વર્ષોમાં મસ્ત્યપાલન સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે 20 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે, સમગ્ર રાષ્ટ્રમાં બંદરોની ક્ષમતામાં વૃદ્ધિ થઇ છે અને નવા બંદરોનું બાંધકામ પણ ખૂબ જ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશના વિકાસને આગળ ધપાવવા માટે દેશમાં અંદાજે 21000 કિમીના જળમાર્ગનો મહત્તમ ઉપયોગ કરવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે, સાગરમાલા પરિયોજના અંતર્ગત સમગ્ર દેશમાં 500થી વધારે પરિયોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જળમાર્ગો દ્વારા પરિવહન માર્ગો અને રેલવે દ્વારા થતા પરિવહનની સરખામણીએ અનેક ગણું સસ્તું થાય છે અને પર્યાવરણને થતા નુકસાનમાં પણ ઘટાડો થાય છે. છતાં, આ દિશામાં સર્વાંગી અભિગમ સાથે માત્ર 2014 પછી જ કાર્ય કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આજે સમગ્ર દેશમાં જમીન પ્રદેશની વચ્ચે નદીઓમાં આવેલા જળમાર્ગો પર કામ ચાલી રહ્યું છે જેથી ચારે બાજુ જમીનથી ઘેરાયેલા રાજ્યોને સમુદ્ર સાથે જોડી શકાય. તેમણે કહ્યું હતું કે, આજે બંગાળની ખાડીમાં અમે હિન્દ મહાસાગરમાં આપણી ક્ષમતાઓને અભૂતપૂર્વ રીતે વધારી રહ્યાં છીએ. દેશનો સમુદ્રી હિસ્સો આત્મનિર્ભર ભારતના મહત્વપૂર્ણ હિસ્સા તરીકે ઉભરી આવ્યો છે.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જહાજ મંત્રાલયનું નામ બદલીને બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય રાખ્યું છે. તેમણે કહ્યું હતું કે, મોટાભાગના વિકસિત દેશોમાં જહાજ મંત્રાલય દ્વારા બંદરો અને જળમાર્ગોનું સંચાલન કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે આ નામમાં જ સ્પષ્ટતા સાથે, કામમાં પણ વધુ સ્પષ્ટતા આવી શકશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતમાં બ્લ્યૂ ઇકોનોમિના હિસ્સાને પ્રબળ બનાવવા માટે સમુદ્રી હેરફેરની કામગીરી વધુ મજબૂત બનાવવાની પણ ઘણી મોટી જરૂરિયાત છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે, આજે દેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાનની હેરફેર પાછળ લાગતો ખર્ચ અન્ય દેશોની સરખામણીએ વધારે છે. તેમણે સૂચન કર્યું હતું કે, જળ પરિવહનનો ઉપયોગ કરીને માલની હેરફેરમાં થતા ખર્ચમાં ઘટાડો લાવી શકાય છે. આથી, તેમણે કહ્યું કે, આપણે એવી ઇકોસિસ્ટમના સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ જેમાં કોઇપણ અવરોધ વગર માલસામાનની હેરફેર થઇ શકે. તેમણે ઉમેર્યું હતું કે, દેશ હવે માલસામાનની હેરફેરનો ખર્ચ ઘટાડવા માટે મલ્ટમોડલ કનેક્ટિવિટીની દિશામાં ઝડપી ડગલે આગળ વધી રહ્યો છે અને માર્ગો, રેલવે, વાયુ તેમજ શિપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે કનેક્ટિવિટીમાં સુધારો લાવવા માટે તેમજ અંતરાયોમાંથી બહાર આવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક્સનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આપણા પડોશી રાષ્ટ્રો સાથે પણ મલ્ટીમોડલ કનેક્ટિવિટીનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ પ્રયાસોથી દેશમાં માલની હેરફેરમાં લાગતા ખર્ચમાં ઘટાડો કરી શકાશે અને તેનાથી દેશના અર્થતંત્રને પણ ઘણો વેગ મળશે.

પ્રધાનમંત્રીએ લોકોને તહેવારોની આ મોસમ દરમિયાન વોકલ ફોર લોકલ થવા માટે પણ અનુરોધ કર્યો હતો. તેમણે આગ્રહપૂર્વક કહ્યું હતું કે, લોકો નાના વેપારીઓ, નાના કારીગરો અને ગ્રામીણ સમુદાયો પાસેથી પોતાની જરૂરિયાતની ચીજોની ખરીદી કરે. તેમણે કહ્યું હતું કે, આ પ્રયાસોથી દિવાળી દરમિયાન ગ્રામીણ કારીગરોના ઘરમાં પણ દીવડાનો ઉજાસ ફેલાશે.

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi