"વૈશ્વિક ભાઈચારાની ભાવના જી-20 લોગો દ્વારા પ્રતિબિંબિત થઈ રહી છે"
“જી-20ના લોગોમાં કમળ આ મુશ્કેલ સમયમાં આશાનું પ્રતીક છે"
"જી-20નું પ્રમુખપદ એ માત્ર ભારત માટે રાજદ્વારી બેઠક જ નથી, પરંતુ આ એક નવી જવાબદારી છે અને ભારતમાં વિશ્વના વિશ્વાસનો માપદંડ છે"
"જ્યારે આપણે આપણી પ્રગતિ માટે પ્રયત્નશીલ હોઈએ છીએ, ત્યારે આપણે વૈશ્વિક પ્રગતિની કલ્પના પણ કરીએ છીએ"
"પર્યાવરણ આપણા માટે વૈશ્વિક કારણની સાથે વ્યક્તિગત જવાબદારી પણ છે"
"અમારો પ્રયાસ રહેશે કે પ્રથમ કે ત્રીજું વિશ્વ ન હોવું જોઈએ, પરંતુ ફક્ત એક જ વિશ્વ હોવું જોઈએ"
"અમારો જી-20 મંત્ર છે - એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય"
"જી-20 દિલ્હી અથવા કેટલાંક સ્થળો સુધી મર્યાદિત રહેશે નહીં. દરેક નાગરિક, રાજ્ય સરકાર અને રાજકીય પક્ષે તેમાં ભાગ લેવો જોઈએ"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ભારતના જી-20 પ્રેસિડન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું.

આ સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 1 ડિસેમ્બર, 2022થી ભારત જી-20 શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે અને કહ્યું હતું કે, આ દેશ માટે ઐતિહાસિક તક છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જી-20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર માટેનો મુખ્ય મંચ છે, જે વૈશ્વિક જીડીપીના આશરે 85 ટકા, વૈશ્વિક વેપારના 75 ટકાથી વધારે અને વિશ્વની કુલ વસતીના આશરે બે તૃતિયાંશ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રસંગને મહત્ત્વપૂર્ણ ગણાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવનાં વર્ષ દરમિયાન જી-20નું અધ્યક્ષ પદ દરેક ભારતીય માટે ગર્વની વાત છે. પ્રધાનમંત્રીએ જી-20 અને તેની સાથે સંબંધિત કાર્યક્રમો વિશે વધતી જતી રુચિ અને પ્રવૃત્તિઓ પર ખુશી વ્યક્ત કરી હતી.

જી-20 લોગોનાં લૉન્ચિંગમાં નાગરિકોનાં યોગદાન પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારને આ લોગો માટે હજારો રચનાત્મક વિચારો પ્રાપ્ત થયા છે. પ્રધાનમંત્રીએ સાથસહકાર આપવા બદલ દરેકનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, આ સૂચનો વૈશ્વિક કાર્યક્રમનો ચહેરો બની રહ્યાં છે. જી-20નો લોગો એ માત્ર લોગો જ નથી એવો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ એક સંદેશ છે, ભારતની નસેનસમાં વહેતી લાગણી છે. તેમણે કહ્યું હતું કે, "આ એક એવો સંકલ્પ છે, જે 'વસુધૈવ કુટુંબકમ્‌' મારફતે આપણા વિચારોમાં સર્વવ્યાપી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જી-20 લોગો મારફતે સાર્વત્રિક ભાઈચારાનો વિચાર પ્રતિબિંબિત થઈ રહ્યો છે.

લોગોમાં કમળ ભારતની પ્રાચીન વિરાસત, આસ્થા અને વિચારનું પ્રતિક છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અદ્વૈતની ફિલોસોફી તમામ જીવોની એકતા પર ભાર મૂકે છે અને આ ફિલોસોફી આજના સંઘર્ષોનું સમાધાન કરવાનું માધ્યમ બની રહેશે. આ લોગો અને થીમ ભારતના ઘણા મુખ્ય સંદેશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું હતું કે, "યુદ્ધમાંથી મુક્તિ માટે બુદ્ધનો સંદેશ, હિંસાની સામે મહાત્મા ગાંધીનાં ઉપાયો, જી-20 મારફતે ભારત તેમને નવી ઊંચાઈ પ્રદાન કરી રહ્યું છે."

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ભારતનું જી-20નું પ્રમુખપદ કટોકટી અને અરાજકતાના સમયે આવી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિશ્વ એક સદીમાં એક વખત થાય એવી વૈશ્વિક મહામારી, સંઘર્ષો અને પુષ્કળ આર્થિક અનિશ્ચિતતાની આડઅસરો સાથે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું, "જી-20ના લોગોમાં કમળ આવા મુશ્કેલ સમયમાં આશાનું પ્રતીક છે." પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભલે વિશ્વ ભારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હોય, પણ આપણે તેને વધુ સારું સ્થળ બનાવવાં માટે પ્રગતિ કરી શકીએ તેમ છીએ. ભારતની સંસ્કૃતિ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, જ્ઞાન અને સમૃદ્ધિ બંનેની દેવીઓ કમળ પર બિરાજમાન છે. પ્રધાનમંત્રીએ જી-20ના લોગોમાં કમળ પર મૂકેલી પૃથ્વી તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે, સહિયારાં જ્ઞાનથી આપણને મુશ્કેલ સંજોગોમાંથી બહાર નીકળવામાં મદદ મળે છે, ત્યારે સહિયારી સમૃદ્ધિ આપણને અંતિમ તબક્કા સુધી પહોંચવામાં સક્ષમ બનાવે છે. તેમણે કમળની સાત પાંખડીઓનું મહત્વ વધુ સમજાવ્યું જે સાત ખંડો અને સાત સાર્વત્રિક સંગીતના સૂરોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, "જ્યારે સંગીતના સાત સૂરો એકસાથે આવે છે, ત્યારે તેઓ સંપૂર્ણ સંવાદિતા બનાવે છે." શ્રી મોદીએ જણાવ્યું હતું કે, જી-20નો ઉદ્દેશ વિવિધતાનું સન્માન કરવાની સાથે સાથે સંવાદિતા સાથે દુનિયાને એકમંચ પર લાવવાનો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સમિટ માત્ર રાજદ્વારી બેઠક નથી. ભારત તેને એક નવી જવાબદારી તરીકે અને તેના પર વિશ્વના વિશ્વાસ તરીકે લે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે દુનિયામાં ભારતને જાણવા અને સમજવા માટે અભૂતપૂર્વ કુતૂહલ જોવા મળી રહ્યું છે. આજે ભારતનો અભ્યાસ એક નવા પ્રકાશમાં થઈ રહ્યો છે. આપણી વર્તમાન સફળતાઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને આપણાં ભવિષ્ય વિશે અભૂતપૂર્વ આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આવાં વાતાવરણમાં નાગરિકોની જવાબદારી છે કે તેઓ આ અપેક્ષાઓથી આગળ વધે અને વિશ્વને ભારતની ક્ષમતાઓ, ફિલસૂફી, સામાજિક અને બૌદ્ધિક શક્તિથી પરિચિત કરે." તેમણે ઉમેર્યું હતું કે, "આપણે દરેકને સંગઠિત કરવા પડશે અને વિશ્વ પ્રત્યેની તેમની જવાબદારી માટે તેમને ઊર્જાવાન બનાવવા પડશે."

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે આ તબક્કે પહોંચવા માટે ભારત માટે હજારો વર્ષની યાત્રા રહી છે. "આપણે સમૃદ્ધિની ઊંચી સપાટી જોઈ છે અને વૈશ્વિક ઇતિહાસનો સૌથી કાળો તબક્કો પણ જોયો છે. અનેક આક્રમણખોરોના ઇતિહાસ અને તેમના જુલમ સાથે ભારત અહીં પહોંચ્યું છે. તે અનુભવો આજે ભારતની વિકાસ યાત્રામાં સૌથી મોટી તાકાત છે. આઝાદી પછી આપણે શૂન્યથી શરૂ કરીને શિખરને લક્ષ્યમાં રાખીને એક મોટી યાત્રા શરૂ કરી. જેમાં છેલ્લાં 75 વર્ષમાં તમામ સરકારોના પ્રયાસોનો પણ સમાવેશ થાય છે. તમામ સરકારો અને નાગરિકોએ સાથે મળીને પોતપોતાની રીતે ભારતને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. આપણે આજે આ ભાવના સાથે એક નવી ઊર્જા સાથે સમગ્ર વિશ્વને સાથે લઈને આગળ વધવાનું છે," એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ ભારતની સંસ્કૃતિના મુખ્ય પાઠ પર ભાર મૂક્યો હતો, "જ્યારે આપણે આપણી પ્રગતિ માટે આતુર હોઈએ છીએ, ત્યારે આપણે વૈશ્વિક પ્રગતિની કલ્પના પણ કરીએ છીએ." તેમણે ભારતીય સંસ્કૃતિના લોકશાહી વારસા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે ધ્યાન દોર્યું હતું કે ,'ભારત વિશ્વનું આટલું સમૃદ્ધ અને જીવંત લોકશાહી છે. આપણી પાસે લોકશાહીની જનનીનાં રૂપમાં મૂલ્યો અને ગૌરવપૂર્ણ પરંપરા છે. ભારત જેટલી વિશિષ્ટતા ધરાવે છે તેટલી જ વિવિધતા પણ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, "લોકશાહી, વિવિધતા, સ્વદેશી અભિગમ, સર્વસમાવેશક વિચારસરણી, સ્થાનિક જીવનશૈલી અને વૈશ્વિક વિચારો, અત્યારે દુનિયા આ વિચારોમાં તેના તમામ પડકારોનું સમાધાન જોઈ રહી છે."

પ્રધાનમંત્રીએ લોકશાહી ઉપરાંત સ્થાયી વિકાસનાં ક્ષેત્રમાં પણ ભારતના પ્રયાસોને આગળ વધાર્યાં હતાં. "આપણે ટકાઉ વિકાસને માત્ર સરકારોની સિસ્ટમને બદલે વ્યક્તિગત લાઇફનો એક ભાગ બનાવવો પડશે. પર્યાવરણ એ આપણા માટે વૈશ્વિક કારણની સાથે વ્યક્તિગત જવાબદારી પણ છે." તેમણે આયુર્વેદનાં યોગદાન પર પણ પ્રકાશ પાડ્યો હતો અને યોગ અને બરછટ અનાજ માટે વૈશ્વિક ઉત્સાહની નોંધ લીધી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની ઘણી સિદ્ધિઓનો ઉપયોગ વિશ્વના અન્ય દેશો પણ કરી શકે છે. વિકાસમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ, સર્વસમાવેશકતા, ભ્રષ્ટાચાર દૂર કરવો, વેપાર-ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ- વાણિજ્ય કરવાની સરળતામાં સુધારો કરવો અને ઈઝ ઑફ લિવિંગ- જીવન જીવવાની સરળતામાં સુધારો કરવો એ અનેક દેશો માટે નમૂનારૂપ બની શકે છે. પ્રધાનમંત્રીએ જન ધન એકાઉન્ટ મારફતે ભારતનાં મહિલા સશક્તીકરણ અને મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસ તથા નાણાકીય સર્વસમાવેશકતા વિશે પણ વાત કરી હતી, જે જી-20ના અધ્યક્ષ પદની તક મારફતે દુનિયા સુધી પહોંચશે.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, દુનિયા સામૂહિક નેતૃત્વ તરફ આશાની નજરે જોઈ રહી છે, પછી ભલેને તે જી-7, જી-77 કે યુએનજીએ હોય. આવી સ્થિતિમાં ભારતનું જી-૨૦નું પ્રમુખપદ એક નવું મહત્વ ધારણ કરે છે. તેમણે વિસ્તારથી જણાવ્યું હતું કે, ભારત એક તરફ વિકસિત દેશો સાથે ગાઢ સંબંધો જાળવે છે અને સાથે સાથે વિકાસશીલ દેશોના વિચારોને પણ સારી રીતે સમજે છે અને વ્યક્ત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, "આ આધાર પર જ આપણે 'ગ્લોબલ સાઉથ'નાં તમામ મિત્રો સાથે મળીને આપણા જી-20નાં પ્રમુખ પદની બ્લુપ્રિન્ટનું નિર્માણ કરીશું, જેઓ દાયકાઓથી વિકાસના માર્ગે ભારતના સહ-પ્રવાસીઓ રહ્યા છે." પ્રધાનમંત્રીએ ભારતના એ પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો કે, દુનિયામાં પ્રથમ કે ત્રીજું વિશ્વ ન હોવું જોઈએ, પણ ફક્ત એક જ દુનિયા હોવી જોઈએ. ભારતનાં દ્રષ્ટિકોણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સમગ્ર વિશ્વને એકમંચ પર લાવવાના સામાન્ય ઉદ્દેશને આગળ વધારતા પ્રધાનમંત્રીએ એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રિડ, જે અક્ષય ઊર્જાની દુનિયામાં ક્રાંતિ માટે ભારતનું આહ્વાન રહ્યું છે અને એક પૃથ્વી, એક સ્વાસ્થ્યનાં વૈશ્વિક સ્વાસ્થ્ય અભિયાનનાં ઉદાહરણો ટાંક્યાં હતાં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જી-20 મંત્ર - વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ભારતના આ વિચારો અને મૂલ્યોએ જ વિશ્વનાં કલ્યાણનો માર્ગ મોકળો કર્યો છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "મને ખાતરી છે કે, આ ઈવેન્ટ ભારત માટે યાદગાર તો બની રહેશે જ, પણ ભવિષ્ય પણ વિશ્વના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ પ્રસંગ તરીકે તેનું મૂલ્યાંકન કરશે."

જી-20 એ માત્ર કેન્દ્ર સરકારનો જ કાર્યક્રમ નથી એમ જણાવીને પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારો તેમજ તમામ રાજકીય પક્ષોને આ પ્રયાસમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ ભારતીયો દ્વારા આયોજિત કરવામાં આવે છે અને જી-20 આપણા માટે 'ગેસ્ટ ઇઝ ગોડ'ની આપણી પરંપરાની ઝલક પ્રદર્શિત કરવાની એક શ્રેષ્ઠ તક છે. તેમણે માહિતી આપી હતી કે, જી-20 સાથે સંબંધિત કાર્યક્રમો માત્ર દિલ્હી કે કેટલાંક સ્થળો સુધી જ સીમિત નહીં રહે પરંતુ દેશના ખૂણે ખૂણે કાર્યક્રમો યોજાશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "આપણાં દરેક રાજ્યની પોતાની લાક્ષણિકતાઓ, વારસો, સંસ્કૃતિ, સૌંદર્ય, આભા અને આતિથ્ય-સત્કાર છે." પ્રધાનમંત્રીએ રાજસ્થાન, ગુજરાત, કેરળ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનાં આતિથ્ય-સત્કારનાં ઉદાહરણો આપ્યાં હતાં અને કહ્યું હતું કે, આ આતિથ્ય-સત્કાર અને વિવિધતા જ દુનિયાને આશ્ચર્યચકિત કરે છે.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, તેઓ ભારતનાં જી-20ના પ્રમુખપદની ઔપચારિક જાહેરાત માટે આગામી સપ્તાહે ઇન્ડોનેશિયા જવા રવાના થશે. તેમણે ભારતનાં તમામ રાજ્યો અને રાજ્ય સરકારોને આ સંબંધમાં શક્ય હોય તેટલી વધારે ભૂમિકા અદા કરવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, "દેશના તમામ નાગરિકો અને બૌદ્ધિકોએ પણ આ કાર્યક્રમનો ભાગ બનવા આગળ આવવું જોઈએ." તેમણે દરેકને તેમનાં સૂચનો મોકલવાં અને નવી શરૂ થયેલી જી -20 વેબસાઇટ પર તેમનાં મંતવ્યો વ્યક્ત કરવાં પણ વિનંતી કરી કે કેવી રીતે ભારત વિશ્વનાં કલ્યાણમાં તેની ભૂમિકાને મહત્તમ બનાવી શકે છે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, "તે જી-20 જેવાં આયોજનની સફળતાને નવી ઊંચાઈઓ આપશે." તેમણે અંતમાં જણાવ્યું હતું કે, "મને ખાતરી છે કે, આ આયોજન ભારત માટે માત્ર યાદગાર જ નહીં રહે, પરંતુ ભવિષ્ય પણ તેને વિશ્વના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પ્રસંગ તરીકે મૂલ્યાંકન કરશે."

પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રીનાં વિઝનથી પ્રેરિત થઈને ભારતની વિદેશ નીતિ વૈશ્વિક મંચ પર નેતૃત્વની ભૂમિકા નિભાવવા માટે વિકસી રહી છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં ભારત 1 ડિસેમ્બર, 2022ના રોજ જી-20નું પ્રમુખપદ સંભાળશે. જી-20 પ્રેસિડન્સી ભારત માટે આંતરરાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વૈશ્વિક કાર્યસૂચિમાં પ્રદાન કરવાની અનન્ય તક પ્રદાન કરે છે. આપણા જી-20ના પ્રમુખપદનો લોગો, થીમ અને વેબસાઇટ ભારતના સંદેશને પ્રતિબિંબિત કરશે અને દુનિયા પ્રત્યેની પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરશે.

જી-20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર માટેનો ટોચનો મંચ છે, જે વૈશ્વિક જીડીપીના આશરે 85 ટકા, વિશ્વવ્યાપી વેપારના 75 ટકાથી વધુ અને વિશ્વની વસ્તીના લગભગ બે તૃતીયાંશ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. જી-20 પ્રેસિડન્સી દરમિયાન ભારત સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ 32 વિવિધ ક્ષેત્રોમાં આશરે 200 બેઠકો યોજશે. આવતાં વર્ષે આયોજિત થનારી જી-20 સમિટ ભારત દ્વારા આયોજિત થનારાં સૌથી મોટાં આંતરરાષ્ટ્રીય સંમેલનોમાંની એક હશે.

જી-20 ઇન્ડિયા વેબસાઇટ https://www.g20.in/en/ પર એક્સેસ કરી શકાશે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi