પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી 2020ના રોજ તેમના મતક્ષેત્ર વારાણસીની એક દિવસીય મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી શ્રી જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળની શતાબ્દી ઉજવણીના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, શ્રી મોદી શ્રી સિદ્ધાંત શીખમણી ગ્રંથના 19 ભાષામાં અનુવાદિત સંસ્કરણનું વિમોચન કરશે અને તેની મોબાઇલ એપ્લિકેશનનો પ્રારંભ કરાવશે.
બાદમાં શ્રી નરેન્દ્ર મોદી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મારક કેન્દ્ર રાષ્ટ્રને અર્પણ કરશે. આ કાર્યક્રમમાં તેઓ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પંચધાતુમાંથી નિર્મિત 63 ફુટની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. દેશમાં કોઇ નેતાની આ સૌથી મોટી પ્રતિમા છે. આ પ્રતિમા તૈયાર કરવા માટે 200થી વધુ કલાકારો છેલ્લા એક વર્ષથી દિવસ રાત મહેનત કરી રહ્યા છે.
સ્મારક કેન્દ્રમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન અને તેમના સમયની ઝાંખી કરાવતી કૃતિઓ રાખવામાં આવી છે. ઓડિશાના અંદાજે 30 કલાકારો અને કસબીઓ છેલ્લા એક વર્ષથી આ પરિયોજના પર કામ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી બાદમાં, એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જ્યાં વિકાસ સંબંધિત 30થી વધુ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે. આ પરિયોજનાઓમાં કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય (BHU) ખાતે 430 પથારીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ સરકારી હોસ્પિટલ અને BHU ખાતે 74 પથારીની સાઇકિયાટ્રી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે.
IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલી મહાકાલ એક્સપ્રેસને પ્રધાનમંત્રી વીડિયો લિંકના માધ્યમથી લીલીઝંડી બતાવી રવાના કરશે. આ ટ્રેન ત્રણ જ્યોતિર્લિંગ – વારાણસી, ઉજ્જૈન અને ઓમકારેશ્વરને સાંકળે છે. દેશમાં પ્રથમવખત આ રાત્રિ પ્રવાસ કરાવતી ખાનગી ટ્રેન છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ‘કાશી એક રૂપ અનેક’નું ઉદઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી અમેરિકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના વિવિધ દેશોમાંથી આવતા કલાકારો અને ખરીદદારો સાથે વાર્તાલાપ કરશે. ‘કાશી એક રૂપ અનેક’ એ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હસ્તકલા સંકુલમાં યોજાનારો બે દિવસીય કાર્યક્રમ છે. તેમાં સમગ્ર ઉત્તરપ્રદેશના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે.