પ્રધાનમંત્રી 15 જુલાઇ 2021ના રોજ વારાણસીની મુલાકાત લેશે. તેઓ આ મુલાકાત દરમિયાન બહુવિધ વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
અંદાજે સવારે 11 વાગે પ્રધાનમંત્રી BHUમાં 100 બેડની MCH વિંગ, ગોદૌલિયા ખાતે મલ્ટી-લેવલ પાર્કિંગ, પર્યટન વિકાસ માટે ગંગા નદીમાં રો-રો જહાજો અને વારાણસી ગાઝીપુર ધોરીમાર્ગ પર ત્રિ-માર્ગીય ફ્લાયઓવર પુલ સહિત વિવિધ જાહેર પરિયોજનાઓ અને કાર્યોનું ઉદ્ઘાટન કરશે. રૂપિયા 744 કરોડની કિંમતની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત, તેઓ અંદાજે રૂ. 839 કરોડની વિવિધ પરિયોજનાઓ અને જાહેર કાર્યોનો શિલાન્યાસ પણ કરશે. આમાં સેન્ટર ફોર સ્કિલ એન્ડ ટેકનિકલ સપોર્ટ ઓફ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (CIPET), જળ જીવન મિશન અંતર્ગત 143 ગ્રામીણ પરિયોજનાઓ અને કર્ખિયાંઓમાં કેરી અને શાકભાજી એકીકૃત પેક હાઉસ સામેલ છે.
બપોરે અંદાજે 12.15 વાગે પ્રધાનમંત્રી આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર – ઋષિકેશનું ઉદ્ઘાટન કરશે જેનું નિર્માણ જાપાનની સહાયથી કરવામાં આવ્યું છે. ત્યારબાદ, બપોરે અંદાજે 2.00 વાગે પ્રધાનમંત્રી BHUમાં માતૃત્વ અને બાળ આરોગ્ય શાખાનું નિરીક્ષણ કરશે. તેઓ કોવિડ સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરવા માટે અધિકારીઓ અને મેડિકલ પ્રોફેશનલો સાથે પણ મુલાકાત કરશે.