પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબર, 2023નાં રોજ રાજસ્થાન અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે રાજસ્થાનનાં જોધપુરમાં માર્ગ, રેલવે, ઉડ્ડયન, સ્વાસ્થ્ય અને ઉચ્ચ શિક્ષણ જેવા ક્ષેત્રોમાં આશરે રૂ. 5,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી બપોરે 03:30 વાગ્યે મધ્યપ્રદેશના જબલપુર પહોંચશે, જ્યાં તેઓ ‘વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક અને ઉદ્યાન’નું ભૂમિ પૂજન કરશે તેમજ માર્ગ, રેલવે, ગેસ પાઇપલાઇન, આવાસ અને પીવાના સ્વચ્છ પાણી જેવા ક્ષેત્રોમાં રૂ. 12,600 કરોડથી વધુની કિંમતની યોજનાઓનું પણ ઉદઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે.
પ્રધાનમંત્રી રાજસ્થાનમાં
પ્રધાનમંત્રી રાજસ્થાનમાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાઓને મજબૂત કરવા માટેનાં મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે. આ પ્રોજેક્ટ્સમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ, જોધપુરમાં 350 પથારીઓ ધરાવતાં 'ટ્રોમા સેન્ટર એન્ડ ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક' તથા સમગ્ર રાજસ્થાનમાં વિકસાવવામાં આવનાર પ્રધાનમંત્રી – આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (પીએમ-એએચઆઇએમ) હેઠળ સાત ક્રિટિકલ કેર બ્લોક સામેલ છે. એઈમ્સ જોધપુરમાં 'ટ્રોમા, ઇમરજન્સી એન્ડ ક્રિટિકલ કેર' માટેનું ઇન્ટિગ્રેટેડ સેન્ટર 350 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવશે. તેમાં ટ્રાઇએજ, ડાયગ્નોસ્ટિક્સ, ડે કેર, વોર્ડ, પ્રાઇવેટ રૂમ, મોડ્યુલર ઓપરેટિંગ થિયેટર્સ, આઇસીયુ અને ડાયાલિસિસ એરિયા જેવી વિવિધ સુવિધાઓ સામેલ હશે. તે દર્દીઓને મલ્ટિડિસિપ્લિનરી અને વ્યાપક સંભાળ પ્રદાન કરીને આઘાત અને કટોકટીના કેસોના સંચાલનમાં સાકલ્યવાદી અભિગમ લાવશે. રાજસ્થાનમાં સાત ક્રિટિકલ કેર બ્લોક્સ જિલ્લા કક્ષાના ક્રિટિકલ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરશે, જેનાથી રાજ્યના લોકોને લાભ થશે.
પ્રધાનમંત્રી જોધપુર એરપોર્ટ પર અત્યાધુનિક ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનાં વિકાસ માટે શિલારોપણ પણ કરશે. કુલ 480 કરોડના ખર્ચે તૈયાર થનારા આ નવા ટર્મિનલ બિલ્ડિંગને લગભગ 24,000 ચોરસ મીટર વિસ્તારમાં વિકસિત કરવામાં આવશે અને પીક અવર્સ દરમિયાન 2,500 મુસાફરોને સેવા પૂરી પાડવા માટે સજ્જ કરવામાં આવશે. તે દર વર્ષે 35 લાખ મુસાફરોને સેવા પૂરી પાડશે, કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને આ વિસ્તારમાં પર્યટનને પ્રોત્સાહન આપશે.
પ્રધાનમંત્રી આઈઆઈટી જોધપુર પરિસર પણ દેશને સમર્પિત કરશે. 1135 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક કેમ્પસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અત્યાધુનિક સંશોધન અને નવીનતાની પહેલોને ટેકો આપવા માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ શિક્ષણ પ્રદાન કરવા અને માળખાગત સુવિધાનું નિર્માણ કરવાની દિશામાં એક પગલું છે.
રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરવા માટે પ્રધાનમંત્રી દેશને 'સેન્ટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટેશન લેબોરેટરી', સ્ટાફ ક્વાર્ટર્સ અને 'યોગ એન્ડ સ્પોર્ટ્સ સાયન્સ બિલ્ડિંગ' અર્પણ કરશે. તેઓ રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં સેન્ટ્રલ લાઇબ્રેરી, 600 કેપેસિટી હોસ્ટેલ અને વિદ્યાર્થીઓ માટે જમવાની સુવિધાનો શિલાન્યાસ કરશે.
રાજસ્થાનમાં રોડ પર માળખાગત સુવિધાઓ સુધારવા માટેના આ પગલામાં પ્રધાનમંત્રી એનએચ-125એ પર જોધપુર રિંગ રોડના કારવારથી ડાંગિયાવાસ સેક્શનને ચાર માર્ગીય બનાવવા સહિત વિવિધ માર્ગ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. બાલોત્રાથી સાંડેરાવ સેક્શન વાયા જાલોર (એનએચ-325)ના સાત બાયપાસ/રિ-એલાઇનમેન્ટનું નિર્માણ; રાષ્ટ્રીય રાજમાર્ગ – 25નાં પચપદ્રા-બગુંડી વિભાગને ચાર માર્ગીય બનાવવા માટેનો પ્રોજેક્ટ.- આ માર્ગ પ્રોજેક્ટ્સ આશરે ૧૪૭૫ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જોધપુર રીંગરોડ શહેરમાં ટ્રાફિકના દબાણને સરળ બનાવવા અને વાહનોના પ્રદૂષણમાં ઘટાડો કરવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટ કનેક્ટિવિટીમાં સુધારો કરવામાં, વેપારને વેગ આપવા, રોજગારીનું સર્જન કરવામાં અને વિસ્તારમાં આર્થિક વૃદ્ધિ કરવામાં મદદરૂપ થશે.
પ્રધાનમંત્રી રાજસ્થાનમાં બે નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપશે. તેમાં જેસલમેરને દિલ્હીથી જોડતી નવી ટ્રેન - રૂનીચા એક્સપ્રેસ અને મારવાડ જેએન. - ખંબલી ઘાટને જોડતી નવી હેરિટેજ ટ્રેનનો સમાવેશ થાય છે. રૂનીચા એક્સપ્રેસ જોધપુર, દેગના, કુચામન સિટી, ફુલેરા, રિંગાસ, શ્રીમાધોપુર, નીમ કા થાણા, નારનૌલ, અટેલી, રેવાડીમાંથી પસાર થશે, જેનાથી રાષ્ટ્રીય રાજધાની સાથે તમામ શહેરોની કનેક્ટિવિટીમાં સુધારો થશે. મારવાડ જેએન-ખંબલી ઘાટને જોડતી નવી હેરિટેજ ટ્રેન પ્રવાસનને વેગ આપશે અને આ વિસ્તારમાં રોજગારીનું સર્જન કરશે. ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારા અન્ય બે રેલ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. તેમાં 145 કિલોમીટર લાંબી 'દેગના-રાય કા બાગ' રેલવે લાઇનને બમણી કરવા અને 58 કિલોમીટર લાંબી 'દેગના-કુચામન સિટી' રેલવે લાઇનને બમણી કરવા માટેના પ્રોજેક્ટ્સ સામેલ છે.
પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં
ભારત સરકાર દ્વારા રાણી દુર્ગાવતીની 500મી જન્મ શતાબ્દીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ જુલાઈ, 2023માં મધ્યપ્રદેશનાં શહડોલની મુલાકાત દરમિયાન આ ઉજવણી સાથે સંબંધિત જાહેરાત કરી હતી. તેમણે લાલ કિલ્લાની પ્રાચીર પરથી આ વર્ષે સ્વતંત્રતા દિવસના ઐતિહાસિક સંબોધન દરમિયાન આ જાહેરાતનો પુનરોચ્ચાર કર્યો હતો. આ ઉજવણીના ભાગરૂપે અનુરૂપ પ્રધાનમંત્રી ‘'વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક ઔર ઉદ્યાન’ ભૂમિ પૂજન કરશે'.
જબલપુરમાં આશરે 100 કરોડના ખર્ચે નિર્માણ પામનાર, 'વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક ઔર ઉદ્યાન' લગભગ ૨૧ એકર વિસ્તારમાં ફેલાયેલું હશે. તેમાં રાણી દુર્ગાવતીની 52 ફૂટ ઉંચી કાંસાની પ્રભાવશાળી પ્રતિમા પ્રદર્શિત કરવામાં આવશે. તેમાં એક ભવ્ય સંગ્રહાલય હશે જે રાણી દુર્ગાવતીની બહાદુરી અને સાહસ સહિત ગોંડવાના ક્ષેત્રના ઇતિહાસને પ્રકાશિત કરશે. તે ગોંડ લોકો અને અન્ય આદિવાસી સમુદાયોની વાનગીઓ, કળા, સંસ્કૃતિ, જીવનશૈલી વગેરેને પણ પ્રકાશિત કરશે. 'વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક ઔર ઉદ્યાન'ના પરિસરમાં ઔષધીય વનસ્પતિઓ માટેનો બગીચો, કેક્ટસ ગાર્ડન, રોક ગાર્ડન સહિત અનેક પાર્ક અને બગીચાઓ પણ હશે.
રાણી દુર્ગાવતી 16મી સદીના મધ્યમાં ગોંડવાનાના શાસક રાણી હતા. તેણીને એક બહાદુર, નીડર અને હિંમતવાન યોદ્ધા તરીકે યાદ કરવામાં આવે છે જેણે મુઘલો સામે સ્વતંત્રતા માટે લડત આપી હતી.
મધ્યપ્રદેશના ઇન્દોરમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ઉદઘાટન થવાની સાથે જ 'તમામ માટે આવાસ' પ્રદાન કરવાના પ્રધાનમંત્રીના વિઝનને મજબૂત કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી અંતર્ગત લગભગ 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આ પરિયોજનાથી 1000થી વધુ લાભાર્થી પરિવારોને લાભ થશે. તે તમામ મૂળભૂત સુવિધાઓ સાથે ગુણવત્તાસભર ઘરોનું નિર્માણ કરવા માટે નવીન ટેકનોલોજી 'પ્રી-એંજિનિયર્ડ સેન્ડવિચ પેનલ સિસ્ટમ વિથ પ્રી-એન્જિનિયર્ડ સ્ટીલ સ્ટ્રક્ચરલ સિસ્ટમ' નો ઉપયોગ કરાયો છે, પરંતુ બાંધકામના સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
વ્યક્તિગત ઘરગથ્થુ નળ જોડાણો મારફતે પીવાનું સુરક્ષિત અને પર્યાપ્ત પાણી પ્રદાન કરવાના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું ભરીને મંડલા, જબલપુર અને ડિંડોરી જિલ્લાઓમાં રૂ. 2350 કરોડથી વધુના મૂલ્યના અનેક જલ જીવન મિશન પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવશે. પ્રધાનમંત્રી 100 કરોડ રૂપિયાથી વધારેની કિંમતનો જલ જીવન મિશન પ્રોજેક્ટ સિઓની જિલ્લામાં દેશને સમર્પિત કરશે. રાજ્યના ચાર જિલ્લાઓમાં આ યોજનાઓથી મધ્ય પ્રદેશના લગભગ 1575 ગામોને લાભ થશે.
પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં રોડની માળખાગત સુવિધા સુધારવા માટે રૂ. 4800 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ 346નાં ઝારખેડા-બેરસિયા-ધોળખેડીને જોડનારા માર્ગને અપગ્રેડ કરવા સહિત વિવિધ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે. રાષ્ટ્રીય રાજમાર્ગ 543નાં બાલાઘાટ- ગોંદિયા સેક્શનને ફોર લેનિંગ; રૂધિ અને દેશગાંવને જોડતા ખંડવા બાયપાસને ફોર લેનિંગ; એનએચ 47ના ટેમાગાંવથી ચિચોલી સેક્શનને ફોર લેનિંગ; ગોરેગાંવથી શાહપુરને જોડતો રસ્તો ચાર માર્ગીય; અને શાહપુરથી મુક્તનગરને જોડતો રસ્તો ચાર માર્ગીય બનાવવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ 347સીનાં ખલઘાટથી સરવરદાવાલાને જોડતાં માર્ગનું અપગ્રેડેશન દેશને અર્પણ કરશે.
પ્રધાનમંત્રી રૂ. 1850 કરોડથી વધારે મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટ દેશને અર્પણ કરશે. તેમાં કટની- વિજયસોટા (102 કેએમ) અને મારવાસગ્રામ-સિંગરૌલી (78.50 કિલોમીટર)ને જોડતી રેલવે લાઇનને બમણી કરવાનો સમાવેશ થાય છે. આ બંને પ્રોજેક્ટ કટની - સિંગરૌલી સેક્શનને જોડતી રેલવે લાઇનને બમણી કરવાનાં પ્રોજેક્ટનો ભાગ છે. આ વિવિધ પ્રોજેક્ટથી મધ્યપ્રદેશમાં રેલવેની માળખાગત સુવિધામાં સુધારો થશે, જેનાથી રાજ્યમાં વેપાર અને પર્યટનને લાભ થશે.
પ્રધાનમંત્રી વિજયપુર-ઔરૈયાં-ફૂલપુર પાઇપલાઇન પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. 352 કિલોમીટર લાંબી આ પાઈપલાઈન 1750 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મુંબઈ નાગપુર ઝારસુગુડા પાઇપલાઇન પ્રોજેક્ટનાં નાગપુર જબલપુર સેક્શન (317 કિલોમીટર)નું શિલારોપણ પણ કરશે. આ પ્રોજેક્ટ 1100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવશે. ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ્સ ઉદ્યોગો અને ઘરોને સ્વચ્છ અને વાજબી કુદરતી ગેસ પ્રદાન કરશે તથા પર્યાવરણમાં ઉત્સર્જન ઘટાડવાની દિશામાં એક પગલું હશે. પ્રધાનમંત્રી જબલપુરમાં એક નવા બોટલિંગ પ્લાન્ટનું લોકાર્પણ પણ કરશે, જેનું નિર્માણ આશરે રૂ. 147 કરોડનાં ખર્ચે થયું છે.