



પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14-15 નવેમ્બર, 2023ના રોજ ઝારખંડની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 15 નવેમ્બરના રોજ સવારે 9:30 વાગે રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક કમ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમની મુલાકાત લેશે. ત્યાર બાદ તેઓ ભગવાન બિરસા મુંડાનાં જન્મસ્થળ ઉલીહાટુ ગામ પહોંચશે, જ્યાં તેઓ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. પીએમ નરેન્દ્ર મોદી ભગવાન બિરસા મુંડાનાં જન્મસ્થળ ઉલીહાટુ વિલેજની મુલાકાત લેનારા પ્રથમ પીએમ હશે. પ્રધાનમંત્રી ખૂંટીમાં સવારે 11:30 વાગ્યે ત્રીજા જનજાતીય ગૌરવ દિવસ, 2023ની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' અને પ્રધાનમંત્રી ખાસ કરીને વંચિત આદિજાતિ જૂથ વિકાસ મિશનનો શુભારંભ કરશે. તેઓ પીએમ-કિસાનનો 15મો હપ્તો જારી કરશે તથા ઝારખંડમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે, દેશને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા
પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે કે, મુખ્ય યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે એ સુનિશ્ચિત કરીને સરકારની આ યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત થાય. યોજનાઓની સંતૃપ્તિના આ ઉદ્દેશને પ્રાપ્ત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં પ્રધાનમંત્રી જનજાતીય ગૌરવ દિવસના પ્રસંગે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો શુભારંભ કરશે.
આ યાત્રાનું ધ્યાન લોકો સુધી પહોંચવા અને જાગૃતિ લાવવા અને સ્વચ્છતા સુવિધાઓ, આવશ્યક નાણાકીય સેવાઓ, વીજળીનાં જોડાણો, એલપીજી સિલિન્ડરની સુલભતા, ગરીબો માટે આવાસ, ખાદ્ય સુરક્ષા, યોગ્ય પોષણ, વિશ્વસનીય સ્વાસ્થ્ય સંભાળ, પીવાનું સ્વચ્છ પાણી વગેરે જેવી કલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રદાન કરવા પર કેન્દ્રિત રહેશે. સંભવિત લાભાર્થીઓની નોંધણી યાત્રા દરમિયાન નિર્ધારિત વિગતો દ્વારા કરવામાં આવશે.
પ્રધાનમંત્રી ઝારખંડનાં ખૂંટીમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'ના શુભારંભનાં પ્રતીક સ્વરૂપે આઇઇસી (ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન) વાનને લીલી ઝંડી આપશે. આ યાત્રા શરૂઆતમાં નોંધપાત્ર આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓથી શરૂ થશે અને 25 જાન્યુઆરી, 2024 સુધીમાં, દેશભરના તમામ જિલ્લાઓને આવરી લેવામાં આવશે.
પીએમ પીવીટીજી મિશન
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આ પ્રકારની પ્રથમ પહેલ –'પ્રધાનમંત્રી ખાસ કરીને નબળાં આદિવાસી જૂથો (પીએમ પીવીટીજી) વિકાસ મિશન'નો પણ શુભારંભ કરશે. 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 75 પીવીટીજી 22,544 ગામડાઓ (220 જિલ્લાઓ)માં રહે છે, જેમની વસતી આશરે 28 લાખ છે.
આ જનજાતિઓ છૂટાછવાયાં, અંતરિયાળ અને દુર્ગમ રહેઠાણોમાં રહે છે, ઘણીવાર વન વિસ્તારોમાં રહે છે અને તેથી આશરે રૂ. 24,000 કરોડનાં બજેટ સાથેનું એક મિશન, પીવીટીજી પરિવારો અને વસાહતોને માર્ગ અને ટેલિકોમ કનેક્ટિવિટી, વીજળી, સલામત આવાસો, પીવાનું ચોખ્ખું પાણી અને સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ અને ટકાઉ આજીવિકાની તકો જેવી મૂળભૂત સુવિધાઓ સાથે સંતૃપ્ત કરવા આયોજિત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત પીએમજેએવાય, સિકલ સેલ રોગ નાબૂદી, ટીબી નાબૂદી, 100 ટકા રસીકરણ, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પ્રધાનમંત્રી પોષણ, પ્રધાનમંત્રી જન ધન યોજના વગેરે માટે અલગથી સંતૃપ્તિ સુનિશ્ચિત કરવામાં આવશે.
પીએમ-કિસાનનો 15મો હપતો અને અન્ય વિકાસલક્ષી પહેલ
એક એવું પગલું જે ખેડૂતોનાં કલ્યાણ પ્રત્યે પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ રજૂ કરશે, તેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ આશરે રૂ. 18,000 કરોડના 15મા હપ્તાની રકમ 8 કરોડથી વધારે લાભાર્થીઓને પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ મારફતે આપવામાં આવશે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 14 હપ્તામાં રૂ. 2 લાખ 62 હજાર કરોડ રૂપિયા ખેડૂતોનાં ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી રેલવે, માર્ગ, શિક્ષણ, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવાં વિવિધ ક્ષેત્રોમાં આશરે રૂ. 7200 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલારોપણ કરશે.
પ્રધાનમંત્રી જે પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે તેમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 133ના મહાગામા-હાંસડીહા સેક્શનના 52 કિલોમીટરના પટ્ટાને ચાર માર્ગીય બનાવવાનો; એનએચ 114 એના બાસુકીનાથ- દેવઘર સેક્શનના 45 કિ.મી.ના પટ્ટાને ફોર લેનિંગ; કેડીએચ-પૂર્ણાદિહ કોલસા હેન્ડલિંગ પ્લાન્ટ; આઈ.આઈ.આઈ.ટી. રાંચીનું નવું શૈક્ષણિક અને વહીવટી ભવનનો સમાવેશ થાય છે.
જે પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે તેમાં આઈ.આઈ.એમ. રાંચીનું નવું પરિસર; આઈ.આઈ.ટી. આઈ.એસ.એમ. ધનબાદનું નવું છાત્રાલય; બોકારોમાં પેટ્રોલિયમ ઓઇલ એન્ડ લ્યુબ્રિકન્ટ્સ (પી.ઓ.એલ.) ડેપો; હટિયા-પાકરા વિભાગ, તાલગરિયા-બોકારો વિભાગ અને જરાંગડીહ-પત્રાતુ વિભાગને બમણો કરવા જેવી કેટલીક રેલવે પરિયોજનાઓનો સમાવેશ થાય છે. વધુમાં, ઝારખંડ રાજ્યમાં રેલવે વિદ્યુતીકરણની 100% સિદ્ધિ પણ પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.