પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી ઑગસ્ટ, 2022ના રોજ હરિયાણા અને પંજાબની મુલાકાત લેશે. આ દિવસે પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રને ઉદ્ઘાટન/સમર્પિત બે મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય પહેલ જોવા મળશે. સવારે લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી હરિયાણાના ફરીદાબાદ ખાતે અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી મોહાલીની યાત્રા કરશે અને બપોરે લગભગ 02:15 વાગ્યે મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢ, સાહિબજાદા અજીત સિંહ નગર ડિસ્ટ્રિક્ટ (મોહાલી) ખાતે ‘હોમી ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર’ રાષ્ટ્રને સમર્પિત કરશે.
પી.એમ હરિયાણામાં
નેશનલ કેપિટલ રિજન (NCR)માં આધુનિક મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતાને પ્રોત્સાહન મળશે કારણ કે પ્રધાનમંત્રી ફરીદાબાદ ખાતે અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. માતા અમૃતાનંદમયી મઠ દ્વારા સંચાલિત, સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલ 2600 પથારીઓથી સજ્જ હશે. અંદાજીત રૂ. 6000 કરોડના ખર્ચે બની રહેલી હોસ્પિટલ, ફરીદાબાદ અને સમગ્ર NCR પ્રદેશના લોકોને અત્યાધુનિક આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડશે.
પી.એમ પંજાબમાં
પંજાબ અને પડોશી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રહેવાસીઓને વિશ્વ કક્ષાની કેન્સરની સંભાળ પૂરી પાડવાના પ્રયાસરૂપે, પ્રધાનમંત્રી મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢ, સાહિબજાદા અજીત સિંહ નગર જિલ્લા (મોહાલી) ખાતે 'હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર' રાષ્ટ્રને સમર્પિત કરશે. આ હોસ્પિટલ ટાટા મેમોરિયલ સેન્ટર દ્વારા, ભારત સરકારના પરમાણુ ઉર્જા વિભાગ હેઠળની સહાયિત સંસ્થા રૂ. 660 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે.
કેન્સર હોસ્પિટલ 300 બેડની ક્ષમતાની તૃતીય સંભાળ હોસ્પિટલ છે અને સર્જરી, રેડિયોથેરાપી અને મેડિકલ ઓન્કોલોજી - કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી દરેક ઉપલબ્ધ સારવાર પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમામ પ્રકારના કેન્સરની સારવાર માટે આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
આ હોસ્પિટલ આ પ્રદેશમાં કેન્સરની સંભાળ અને સારવારના 'હબ' તરીકે કામ કરશે, સંગરુરમાં 100 પથારીવાળી હોસ્પિટલ તેના 'સ્પોક'ની જેમ કાર્ય કરશે.