પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21-22 માર્ચ 2024 દરમિયાન ભૂટાનની રાજકીય યાત્રા કરશે. આ મુલાકાત ભારત અને ભૂટાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરા અને સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસી પર ભાર આપવાને અનુરુપ છે.
મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ભૂટાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂટાનના ચોથા રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુક સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી ભૂટાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શેરિંગ તોબગે સાથે પણ વાતચીત કરશે.
ભારત અને ભૂટાન એક અનન્ય અને કાયમી ભાગીદારી ધરાવે છે જેનું મૂળ પરસ્પર વિશ્વાસ, સમજણ અને સદ્ભાવના પર આધારિત છે. આપણો સહિયારો આધ્યાત્મિક વારસો અને લોકો વચ્ચેના ઉષ્માભર્યા સંબંધો આપણા અસાધારણ સંબંધોમાં ઊંડાણ અને ગતિશીલતા જોડે છે. આ મુલાકાત બંને પક્ષોના હિતના દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર મંતવ્યોનું આદાન-પ્રદાન કરવાની તક પૂરી પાડશે અને આપણા લોકોના લાભ માટે અમારી અનુકરણીય ભાગીદારીને વિસ્તારવા અને વધુ તીવ્ર બનાવવાના માર્ગો પર વિચાર-વિમર્શ કરવાની તક પ્રદાન કરશે.