પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સુરીશ્વર જી મહારાજની 151મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે 16 નવેમ્બર, 2020ના રોજ બપોરે 12:30 કલાકે વિડિયો કોન્ફરન્સ દ્વારા ‘સ્ટેચ્યુ ઓફ પીસ’ નું અનાવરણ કરશે.
શ્રી વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ (1870-1954) ભગવાન મહાવીરના સંદેશાનો પ્રચાર કરવા નિ:સ્વાર્થ અને સમર્પિતપણે કામ કરતા જૈન સંત તરીકેનું જીવન જીવ્યા હતા. તેમણે જનતાના કલ્યાણ, શિક્ષણનો ફેલાવો, સામાજિક અનિષ્ટ નાબૂદી માટે સતત કાર્ય કર્યું, પ્રેરણાદાયી સાહિત્ય (કાવ્ય, નિબંધો, ભક્તિ સ્તોત્ર અને સ્તવન) લખ્યું અને સ્વતંત્રતા ચળવળ અને સ્વદેશીની ચળવળમાં સક્રિય સમર્થન આપ્યું. તેમની પ્રેરણાથી કોલેજો, શાળાઓ અને અધ્યયન કેન્દ્રો સહિત વિખ્યાત 50થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ રાજ્યોમાં કાર્યરત છે. તેમના સન્માનમાં મૂકેલી મૂર્તિનું નામ ‘સ્ટેચ્યુ ઓફ પીસ’ રાખવામાં આવ્યું છે. 151 ઇંચની ઊંચી પ્રતિમા અષ્ટધાતુ એટલે કે 8 ધાતુથી બનાવવામાં આવી છે, જેમાં તાંબુ મુખ્ય ઘટક છે અને રાજસ્થાનના પાલીમાં જેતપુરના વિજય વલ્લભ સાધના કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવી છે.