પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈના સુલતાનના આમંત્રણ પર 28મી ઑક્ટોબર, 2021ના રોજ આયોજિત 18મી આસિયાન-ભારત શિખર બેઠકમાં વર્ચ્યુઅલી હાજરી આપશે. આસિયાન દેશોના રાષ્ટ્રપતિઓ/સરકારના વડાઓ આ શિખર બેઠકમાં ઉપસ્થિત રહેશે.
આ 18મી આસિયાન-ભારત શિખર બેઠકમાં આસિયાન-ભારત વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવામાં આવશે અને કોવિડ-19 અને આરોગ્ય, વેપાર અને વાણિજ્ય, કનેક્ટિવિટી, તેમજ શિક્ષણ અને સંસ્કૃતિ સહિતના મહત્વના ક્ષેત્રોમાં સધાયેલી પ્રગતિની નોંધ લેવાશે. મહામારી બાદ આર્થિક પુન:પ્રાપ્તિ સહિતના મહત્વના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય બનાવો પર પણ ચર્ચા થશે. આસિયાન-ભારત શિખર બેઠકો દર વર્ષે યોજવામાં આવે છે અને ભારત અને આસિયાન માટે સર્વોચ્ચ સ્તરે વચનબદ્ધ થવાની તક પૂરી પાડે છે. ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી 17મી આસિયાન-ભારત શિખર બેઠકમાં પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી હાજરી આપી હતી. 18મી આસિયાન-ભારત શિખર બેઠક તેમના દ્વારા હાજરી અપાયેલ હોય એવી નવમી આસિયાન-ભારત શિખર બેઠક હશે.
આસિયાન-ભારત વ્યૂહાત્મક ભાગીદારી સહિયારા ભૌગોલિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોના મજબૂત પાયા પર ઊભેલી છે. આસિયાન આપણી પૂર્વ તરફ જુઓ (એક્ટ ઈસ્ટ પોલિસી)ની નીતિ અને ભારત-પ્રશાંતના આપણા વ્યાપક વિઝનના કેન્દ્રમાં છે. 2022ના વર્ષમાં આસિયાન-ભારત સંબંધોને 30 વર્ષો પૂરાં થશે. ભારત અને આસિયાન વચ્ચે સંવાદની વિવિધ યંત્રણાઓ છે જે નિયમિત રીતે મળે છે જેમાં, એક શિખર બેઠક, પ્રધાન સ્તરીય મીટિંગ્સ અને વરિષ્ઠ અધિકારીઓની મીટિંગ્સનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આસિયાન-ભારત વિદેશ પ્રધાનોની મીટિંગમાં અને ઈએએસ વિદેશ પ્રધાનોની મીટિંગમાં ઑગસ્ટ 2021માં વર્ચ્યુઅલી હાજરી આપી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલે આસિયાન આર્થિક બાબતોના પ્રધાનો + ભારત પરામર્શમાં સપ્ટેમ્બર 2021માં વર્ચ્યુઅલી હાજરી આપી હતી જેમાં પ્રધાનોએ આર્થિક સહકારને મજબૂત કરવાની એમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી.
પ્રધાનમંત્રી 27 ઑક્ટોબર, 2021ના રોજ યોજાઇ રહેલી 16મી પૂર્વ એશિયા શિખર બેઠકમાં પણ વર્ચ્યુઅલી હાજરી આપશે. પૂર્વ એશિયા સમિટ ભારત-પ્રશાંતમાં અગ્રેસર-પ્રમુખ નેતાઓની દોરવણી હેઠળનું ફોરમ છે. 2005માં એની શરૂઆત થઈ ત્યારથી તેણે પૂર્વ એશિયાના વ્યૂહાત્મક અને ભૂ-રાજકીય ક્રમિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. 10 આસિયાન સભ્ય દેશો ઉપરાંત પૂર્વ એશિયા સમિટમાં ભારત, ચીન, જાપાન, કોરિયા ગણરાજ્ય, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા અને રશિયાનો સમાવેશ થાય છે.
પૂર્વ એશિયા સમિટનું સ્થાપક સભ્ય હોઈ, ભારત પૂર્વ એશિયા શિખર બેઠકને મજબૂત કરવા અને સમકાલીન પડકારોને પહોંચી વળવા માટે એને વધુ અસરકારક બનાવવા પ્રતિબદ્ધ છે. આસિયાન આઉટલુક ઓન ઇન્ડો-પેસિફિક (એઓઆઇપી) અને ઇન્ડો-પેસિફિક ઓસન્સ ઈનિશ્યટિવ (આઇપીઓઆઇ) વચ્ચે એક કેન્દ્રબિંદુ પર નિર્માણ કરીને ભારત-પ્રશાંતમાં વ્યવહારૂ સહકારને આગળ ધપાવવાનું પણ આ એક મહત્વનું પ્લેટફોર્મ છે. 16મી પૂર્વ એશિયા શિખર બેઠક ખાતે, નેતાઓ દરિયાઇ સલામતી, ત્રાસવાદ, કોવિડ-19 સહકાર સહિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય હિતોની બાબતો અને ચિંતાઓ પર ચર્ચા કરશે. નેતાઓ માનસિક આરોગ્ય, ભારત દ્વારા સહ-પ્રાયોજિત એવા પર્યટન અને ગ્રીન રિકવરી મારફત આર્થિક પુન:પ્રાપ્તિ અંગે એકરારને સ્વીકૃતિ આપે એવી પણ અપેક્ષા છે.