પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટ લીડરશીપ એવોર્ડ પ્રાપ્ત કરશે અને 5મી માર્ચે સાંજે 7 વાગ્યા આસપાસ કેમ્બ્રિજ રિસર્ચ એસોસિએટ્સ વીક (સેરાવીક) 2021 દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મુખ્ય સંબોધન કરશે.
સેરાવીક વિશે
સેરાવીકની સ્થાપના ડો. ડેનિયલ યેર્ગિન દ્વારા 1983માં કરવામાં આવી હતી. 1983થી તેનું આયોજન દર વર્ષે માર્ચમાં હ્યુસ્ટનમાં થાય છે અને તેને વિશ્વનો અગ્રણી વાર્ષિક ઊર્જા મંચ માનવામાં આવે છે. સેરાવીક 2021નું આયોજન વર્ચ્યુઅલી 1 માર્ચથી 5મી માર્ચ, 2021 દરમિયાન કરવામાં આવી રહ્યું છે.
એવોર્ડ વિશે
સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટ લીડરશીપ એવોર્ડનો પ્રારંભ 2016થી થયો હતો. જેના દ્વારા વૈશ્વિક ઊર્જા અને પર્યાવરણના ભાવિ અંગે નેતૃત્વની પ્રતિબદ્ધતાની ઓળખ કરવામાં આવે છે અને ઊર્જા પહોંચ, સામર્થ્ય અને પર્યાવરણીય સંચાલન માટેના સમાધાન અને નીતિઓને રજૂ કરવામાં આવે છે.