પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવન ખાતે 30 જૂને યોજાનારા ‘ઉદ્યમી ભારત’ કાર્યક્રમમાં સવારે લગભગ 10:30 કલાકે ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ‘MSMEના પ્રદર્શનનો ઉદય અને પ્રવેગ’ (RAMP) યોજના, ‘પ્રથમ વખતના નિકાસકારો માટે ક્ષમતા નિર્માણ’ (CBFTE) યોજના અને ‘પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ’ (PMEGP)ની નવી સુવિધાઓનો પ્રારંભ કરશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી ડિજિટલ માધ્યમથી વર્ષ 2022-23 માટે PMEGPના લાભાર્થીઓને સહાયનું હસ્તાંતરણ કરશે; MSME આઇડિયા હેકાથોન, 2022ના પરિણામો જાહેર કરશે અને રાષ્ટ્રીય MSME પુરસ્કાર 2022 એનાયત કરશે તેમજ આત્મનિર્ભર ભારત (SRI) ફંડમાં 75 MSMEને ડિજિટલ ઇક્વિટી પ્રમાણપત્રો ઇશ્યુ કરશે.
‘ઉદ્યમી ભારત’, સરકાર સત્તારૂઢ થઇ તેના પ્રથમ દિવસથી જ MSMEના સશક્તિકરણની દિશામાં તેમના દ્વારા દાખવવામાં આવેલી અવિરત કટિબદ્ધતાનું પ્રતિબિંબ છે. સરકારે MSME ક્ષેત્ર માટે જરૂરી હોય તેવી અને સમયસર સહાય પૂરી પાડવા માટે મુદ્રા યોજના, કટોકટી ક્રેડિટ લાઇન બાંયધરી યોજના, પરંપરાગત ઉદ્યોગોના પુનરુત્કર્ષ માટે ભંડોળની યોજના (SFURTI) વગેરે જેવી સંખ્યાબંધ પહેલો સમયાંતરે શરૂ કરી છે અને તેના કારણે આખા દેશમાં કરોડો લોકોને ફાયદો થયો છે.
પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન અંદાજે રૂપિયા 6000 કરોડના ખર્ચ સાથે ‘MSMEના પ્રદર્શનનો ઉદય અને પ્રવેગ’ (RAMP) યોજના’નો પ્રારંભ કરશે. આ યોજનાનો ઉદ્દેશ રાજ્યોમાં હાલમાં અસ્તિત્વમાં રહેલી MSME યોજનાઓના પ્રભાવમાં વધારો કરીને રાજ્યોમાં આવેલા MSMEની અમલીકરણની ક્ષમતા અને કવરેજમાં વ્યાપકતા લાવવાનો છે. આ યોજના MSMEને સ્પર્ધાત્મક અને આત્મનિર્ભર બનાવવા માટે આવિષ્કારને પ્રોત્સાહન આપીને, નવતર વિચારોને પ્રોત્સાહન આપીને તેમજ ગુણવત્તાના ધોરણો તૈયાર કરીને, પ્રણાલીઓ અને પ્રક્રિયાઓમાં સુધારો લાવીને, બજારની પહોંચનો વધારો કરીને, ટેકનિકલ સાધનો અને ઉદ્યોગ 4.0નો ઉપયોગ કરીને નવા વ્યવસાય અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત અભિયાન માટે પૂરક બનશે.
પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન પ્રથમ વખતના નિકાસકારો માટે ક્ષમતા નિર્માણ’ (CBFTE) યોજનાનો પણ પ્રારંભ કરશે, જેનો ઉદ્દેશ MSMEને વૈશ્વિક બજારો માટે આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજનાથી વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલામાં ભારતીય MSMEની ભાગીદારીમાં વધારો થશે અને તેમની નિકાસની સંભાવનાને સાકાર કરવામાં મદદ મળી રહેશે.
પ્રધાનમંત્રી દ્વારા ‘પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ’ (PMEGP)ની નવી સુવિધાઓનો પણ પ્રારંભ કરવામાં આવશે. આમાં ઉત્પાદન ક્ષેત્ર માટે મહત્તમ પ્રોજેક્ટ ખર્ચ વધારીને રૂ. 50 લાખ (હાલમાં રૂ. 25 લાખથી વધારીને) અને સેવા ક્ષેત્ર માટે રૂ. 20 લાખ (હાલમાં રૂ. 10 લાખથી વધારીને) સુધીનો કરવાનું અને મહત્વાકાંક્ષી જિલ્લાઓના અરજદારોને સમાવવાનું તેમજ ટ્રાન્સજેન્ડરોને ઉચ્ચ સબસિડીનો લાભ પ્રાપ્ત થાય તે માટે તેમને વિશેષ શ્રેણીના અરજદારોમાં સામેલ કરવાનું પણ સમાવિષ્ટ છે. ઉપરાંત, બેન્કિંગ, ટેકનિકલ અને માર્કેટિંગ નિષ્ણાતોની સંલગ્નતા દ્વારા અરજદારો/ઉદ્યોગ સાહસિકોને હેન્ડહોલ્ડિંગ સહકાર પણ આપવામાં આવે છે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી MSME આઇડિયા હેકાથોન, 2022ના પરિણામોની જાહેરાત કરશે. 10 માર્ચ 2022ના રોજ શરૂ થયેલી આ હેકાથોનનો ઉદ્દેશ્ય વ્યક્તિઓની અત્યાર સુધી ઉપયોગમાં નહીં લેવાયેલી સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને સહકાર આપવાનો, MSME દ્વારા આવિષ્કારી ટેકનોલોજી અને નાવિન્યતાને અપનાવવામાં આવે તે માટે તેમને પ્રોત્સાહન આપવાનો છે. પસંદ કરવામાં આવેલા ઇન્ક્યુબેટી વિચારોને પ્રત્યેક આઇડિયા બદલ રૂપિયા 15 લાખ સુધીની આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવશે.
પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય MSME પુરસ્કાર 2022ના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરશે. આ પુરસ્કાર ભારતના ગતિશીલ MSME ક્ષેત્રની વૃદ્ધિ અને વિકાસમાં MSME, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો, મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને બેંકોએ આપેલા યોગદાનને બિરદાવવા માટે તેમને એનાયત કરવામાં આવે છે.