પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ફેબ્રુઆરી, 2020નાં રોજ ચિત્રકૂટમાં બુંદેલખંડ એક્સપ્રેસવેનું ખાતમુહૂર્ત કરશે.
આ એક્સપ્રેસવે ફેબ્રુઆરી, 2018માં ભારત સરકારે જાહેર કરેલા ઉત્તરપ્રદેશ સંરક્ષણ ઉદ્યોગ કોરિડોરનાં કેન્દ્રોને જોડવા માટે પૂરક બનશે.
ઉત્તરપ્રદેશની રાજ્ય સરકાર બુંદેલખંડ એક્સપ્રેસવેનું નિર્માણ કરી રહી છે, જે ચિત્રકૂટ, બાંદા, હમીરપુર અને જાલૌન જિલ્લામાંથી પસાર થશે. આ એક્સપ્રેસવે આગ્રા-લખનઉ એક્સપ્રેસવે અને યમુના એક્સપ્રેસવે દ્વારા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સાથે જોડશે તેમજ બુંદેલખંડ વિસ્તારનાં વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
296 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ એક્સપ્રેસવેથી ચિત્રકૂટ, બંદા, મહોબા, હમિરપુર, જલૌન, ઓરૈયા અને ઇટવા જિલ્લાઓને લાભ થવાની અપેક્ષા છે.
ભારતને પાયદળ માટેની પ્રણાલી, જહાજો અને સબમરિનથી લઈને લડાયક વિમાન, હેલિકોપ્ટર, શસ્ત્રો અને સેન્સર સુધીની સંરક્ષણ ક્ષેત્રની મોટા પાટે જરૂરિયાતો છે. આ જરૂરિયાતોનું મૂલ્ય વર્ષ 2025 સુધીમાં 250 અબજ ડોલર થશે.
આ જરૂરિયાતો પૂર્ણ કરવા સરકારે 21 ફેબ્રુઆરી, 2018નાં રોજ લખનઉમાં ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન ઉત્તરપ્રદેશમાં સંરક્ષણ ઉદ્યોગ કોરિડોરની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી.
કેન્દ્ર સરકારે શરૂઆતમાં છ કેન્દ્રોની ઓળખ સાથે કોરિડોર સ્થાપિત કર્યો છે. આ કેન્દ્રો છે – લખનઉ, ઝાંસી, ચિત્રકૂટ, અલીગઢ, કાનપુર, આગ્રા, જેમાંથી બે કેન્દ્ર બુંદેલખંડ વિસ્તારમાં ઝાંસી અને ચિત્રકૂટ છે. ખરેખર સૌથી મોટું ક્લસ્ટર ઝાંસીમાં ઊભું થશે.
ઝાંસી અને ચિત્રકૂટ એમ બંનેમાં જે જમીન પર ખેતીવાડી થતી નથી એની ખરીદી કરવામાં આવી હતી. આ વિસ્તારનાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ખેડૂતોને આનો લાભ મળ્યો છે.
ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓ)ની શરૂઆત
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ જ દિવસે ચિત્રકૂટમાં આખા દેશમાં 10,000 ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફપીઓ)ની શરુઆત પણ કરશે.
દેશમાં આશરે 85 ટકા નાનાં અને સીમાંત ખેડૂતો સરેરાશ 1.1 હેક્ટરથી ઓછી જમીન ધરાવે છે. આ નાનાં, સીમાંત અને જમીનવિહોણા ખેડૂતોને કૃષિ ઉત્પાદનનાં તબક્કા દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડે છે, જેમ કે ટેકનોલોજીની સુલભતા, ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતરો અને જંતુનાશકો, જેમાં પર્યાપ્ત ધિરાણનો પડકાર પણ સામેલ છે. તેઓ આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમના ઉત્પાદનને બજાર સુધી પહોંચાડવામાં પડકારનો સામનો પણ કરે છે.
એફપીઓ આ પ્રકારનાં નાનાં, સીમાંત અને જમીનવિહોણા ખેડૂતોને એકમંચ પર આવવામાં મદદ કરશે, જેથી તેમને આ પ્રકારની સમસ્યાનું સમાધાન કરવામાં બળ મળશે. એફપીઓનાં સભ્યો આવા ઓર્ગેનાઇઝેશનમાં તેમની આવક ઝડપથી વધારવા માટે ટેકનોલોજી, આંતરિક ચીજવસ્તુઓ, ધિરાણ મેળવવા અને તેમની બજાર સુધી ઝડપથી પહોંચાડવા વ્યવસ્થાપન કરશે.
‘ખેડૂતોની આવક બમણી કરવી’ (ડીએફઆઇ) નામના રિપોર્ટમાં વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે સહિયારા પ્રયાસ હાથ ધરવા 7,000 એફપીઓની રચનાની ભલામણ કરવામાં આવી છે. જોકે કેન્દ્ર સરકારે આગામી પાંચ વર્ષમાં ખેડૂતો માટે મોટા પાયે ઉત્પાદન સુનિશ્ચિત કરવા 10,000 નવા એફપીઓ રચવાની જાહેરાત કરી હતી.
કેન્દ્ર સરકારના વર્ષ 2020-21ના બજેટમાં સરકારે મૂલ્ય સંવર્ધન, માર્કેટિંગ અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે “એક જિલ્લો એક ઉત્પાદન”ની વ્યૂહરચના દ્વારા બાગાયતી ઉત્પાદન માટે ક્લસ્ટર અભિગમ અપનાવવાની દરખાસ્ત પણ રજૂ કરી હતી.
એટલે નરેન્દ્ર મોદી સરકાર 10,000 નવા ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન (એફપીઓ)ની શરુઆત કરવા અને તેને પ્રોત્સાહન આપવા સ્પષ્ટ વ્યૂહરચના અને પ્રતિબદ્ધ સંસાધનો સાથે “ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન (એફપીઓ)ની રચના અને પ્રોત્સાહન” નામની કેન્દ્ર સરકારની એક પ્રતિબદ્ધ યોજના શરૂ કરશે.