પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 માર્ચ, 2021ના રોજ વિશ્વ જળ દિવસ પર વીડિયો કોન્ફરન્સ મારફતે ‘જલ શક્તિ અભિયાનઃ કેચ ધ રેઇન’ શરૂ કરશે. પ્રધાનમંત્રીની હાજરીમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી તથા મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ વચ્ચે કેન બેતવા લિન્ક પ્રોજેક્ટનો અમલ કરવા માટે ઐતિહાસિક સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થશે. આ પ્રોજેક્ટ નદીઓના આંતરજોડાણ માટે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજનાનો પ્રથમ પ્રોજેક્ટ છે, જે આકાર લેશે.
‘જલ શક્તિ અભિયાનઃ કેચ ધ રેઇન’ વિશે
આ અભિયાન સમગ્ર દેશ, ગ્રામીણ અને શહેરી એમ બંને વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે, જેની થીમ છે – ‘કેચ ધ રેઇન, વ્હેર ઇટ ફોલ્સ, વ્હેન ઇટ ફોલ્સ’ એટલે કે ‘વરસાદ જ્યાં, જ્યારે થાય ત્યાં એનો સંચય કરો.’ એનો અમલ 22 માર્ચ, 2021થી 30 નવેમ્બર, 2021 સુધી થશે – જે દેશમાં ચોમાસાપૂર્વેથી લઈને ચોમાસાનો ગાળો છે. એને જનઆંદોલન સ્વરૂપે શરૂ કરવામાં આવશે, જેનો આશય જનભાગીદારી મારફતે પાયાના સ્તરે જળસંચય કરવાનો છે. વળી એનો ઇરાદો આબોહવા સાથે સંબંધિત અને જમીનના પેટાસ્તરમાં વરસાદના પાણીનો સંચય કરવા માટે અનુકૂળ માળખાનું સર્જન કરવાથી લઈને વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે તમામ હિતધારકોને સજ્જ કરવાનો છે.
આ કાર્યક્રમ પછી દરેક જિલ્લાની તમામ ગ્રામપંચાયતો (વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એ સિવાયના તમામ રાજ્યોમાં)માં ગ્રામસભાઓ યોજાશે, જેમાં જળ અને જળ સંરક્ષણ કરવા સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થશે. ગ્રામસભાઓ જળસંરક્ષણ માટે ‘જલ શપથ’ પણ લેશે.
કેન બેતવા લિન્ક પ્રોજેક્ટ માટે સમજૂતીકરાર વિશે
આ સમજૂતી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીના નદીઓને એકબીજા સાથે જોડીને વધારાનો પાણીનો પુરવઠો ધરાવતા વિસ્તારોમાંથી દુષ્કાળગ્રસ્ત અને પાણીની ખેંચ ધરાવતા વિસ્તારોમાં પાણી પહોંચાડવાના વિઝનને સાકાર કરવા આંતરરાજ્ય સાથસહકારની શરૂઆત સમાન છે. આ પ્રોજેક્ટમાં દૌધન ડેમ અને બંને નદીઓને જોડતી નહેર, લૉઅર ઓર પ્રોજેક્ટ, કોઠા બેરેજ અને બીન કોમ્પ્લેક્સ મલ્ટિપર્પર્ઝ પ્રોજેક્ટનું નિર્માણ કરીને કેન નદીમાંથી બેતવા નદીમાં પાણી હસ્તાંતરિત થશે. આ વર્ષ 10.62 લાખ હેક્ટરને સિંચાઈ માટે પાણી પૂરું પાડશે, આશરે 62 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડશે અને સાથે સાથે 103 મેગાવોટ હાઇડ્રોપાવર પેદા કરશે.
આ પ્રોજેક્ટથી બુંદેલખંડના પાણીની ખેંચ ધરાવતા વિસ્તારો, ખાસ કરીને મધ્યપ્રદેશના પન્ના, તિકમગઢ, છતરપુર, સાગર, દામોહ, દાતિયા, વિદિશા, શિવપુરી અને રાયસેન તથા ઉત્તરપ્રદેશના બાંદા, મહોબા, ઝાંસી અને લલિતપુર જિલ્લાઓને અનેક લાભ થશે. આ પ્રોજેક્ટ વધારે નદીઓના આંતરજોડાણના પ્રોજેક્ટ માટેનો માર્ગ મોકળો કરશે, જેથી પાણીની ખેંચ દેશમાં વિકાસ માટે અવરોધરૂપ ન બને.