પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5મી જૂન 2022ના રોજ સાંજે 6 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વૈશ્વિક પહેલ ‘લાઇફસ્ટાઇલ ફોર ધ એન્વાયર્નમેન્ટ (લાઇફ) મૂવમેન્ટ’ની શરૂઆત કરશે. આ લોન્ચિંગ 'લાઇફ ગ્લોબલ કૉલ ફોર પેપર્સ' શરૂ કરશે, જેમાં વિશ્વભરની વ્યક્તિઓ, સમુદાયો અને સંસ્થાઓને પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલી અપનાવવા માટે પ્રભાવિત કરવા અને સમજાવવા માટે શિક્ષણવિદો, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ વગેરેના વિચારો અને સૂચનો આમંત્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મુખ્ય ભાષણ પણ આપશે.
આ કાર્યક્રમમાં શ્રી બિલ ગેટ્સ, કો-ચેરમેન બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન; લોર્ડ નિકોલસ સ્ટર્ન, આબોહવા અર્થશાસ્ત્રી; પ્રો. કાસ સનસ્ટીન, નજ થિયરીના લેખક; શ્રી અનિરુદ્ધ દાસગુપ્તા, સીઈઓ અને પ્રમુખ વિશ્વ સંસાધન સંસ્થાન; સુશ્રી ઇન્ગર એન્ડરસન, UNEP ગ્લોબલ હેડ; શ્રી અચિમ સ્ટીનર, UNDP ગ્લોબલ હેડ અને શ્રી ડેવિડ માલપાસ, વિશ્વ બેંકના પ્રમુખ તથા અન્યોની સહભાગિતા પણ જોવા મળશે
ગયા વર્ષે ગ્લાસગોમાં 26મી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP26) દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા LiFEનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આ વિચાર પર્યાવરણ સભાન જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે જે 'વિવેકહીન અને વિનાશક વપરાશ'ને બદલે 'વિવેકશીલ અને ઇરાદાપૂર્વક ઉપયોગ' પર ધ્યાન કેન્દ્રિત કરે છે.