પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 ફેબ્રુઆરી 2021ના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’નો પ્રારંભ કરશે અને ધુબરી ફુલબરી પુલનો શિલાન્યાસ કરશે તેમજ મજુલી પુલના બાંધકામ માટે ભૂમિપૂજન કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી; બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને આસામના મુખ્યમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
મહાબાહુ- બ્રહ્મપુત્ર
નીઆમાતી- મજુલી ટાપુઓ, ઉત્તર ગુવાહાટી- દક્ષિણ ગુવાહાટી અને ધુબરી- હાટસિંગીમારી વચ્ચે રો-પેક્સ જહાજની પરિચાલન કામગીરીના ઉદ્ઘાટન; બ્રહ્મપુત્ર નદી પર જોગીઘોપા અને વિવિધ પર્યટન જેટ્ટીઓ ખાતે આંતરિક જળમાર્ગ પરિવહન (IWT) ટર્મિનલનો શિલાન્યાસ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે ડિજિટલ ઉકેલોના પ્રારંભ સાથે મહાબાહુ- બ્રહ્મપુત્રનો પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતના પૂર્વીય ભાગોમાં વિના અવરોધે કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે અને તેમાં બ્રહ્મપુત્ર નદી તેમજ બરાક નદીની આસપાસમાં વસતા લોકો માટે વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ તેમાં સમાવવામાં આવી છે.
રો-પેક્સ સેવાઓની મદદથી બંને કાંઠાઓ વચ્ચેની કનેક્ટિવિટી ઉપલબ્ધ થવાથી મુસાફરીનો સમય ઘટી જશે અને આ પ્રકારે જમીન માર્ગે થતી મુસાફરીનું અંતર ઓછું થઇ જશે. નીઆમાતી અને મજુલી વચ્ચે રો-પેક્સ સેવાનો પ્રારંભ થવાથી હાલમાં વાહનો દ્વારા 420 કિમીનું અંતર કાપવામાં આવે છે તે ઘટીને માત્ર 12 કિમી થઇ જશે જેના પરિણામે આ પ્રદેશમાં નાના પાયાના ઉદ્યોગોને માલની હેરફેર પર ખૂબ જ મોટી અસર પડશે. એમ.વી. રાની ગાઇદિન્લ્યુ અને એમ.વી. સચીન દેવ બર્મન નામના સ્વદેશમાં તૈયાર કરવામાં આવેલા બે રો-પેક્સ જહાજનું અહીં પરિચાલન શરૂ કરવામાં આવશે. ઉત્તર અને દક્ષિણ ગુવાહાટી વચ્ચે રો-પેક્સ જહાજ એમ.વી. જે.એફ.આર. જેકોબના પ્રારંભથી ઉત્તર અને દક્ષિણ ગુવાહાટી વચ્ચે મુસાફરીનું અંતર હાલમાં 40 કિમી છે તે ઘટીને માત્ર 3 કિમી થઇ જશે. ધુબરી અને હાટસિંગીમારી વચ્ચે એમ.વી. બોબ ખાથિંગના પ્રારંભથી હાલમાં બંને વચ્ચેના પ્રવાસનું અંતર 220 કિમી છે તે ઘટીને 28 કિમી થઇ જશે જેથી મુસાફરીના અંતર અને સમયમાં નોંધપાત્ર ઘટાડો થઇ જશે.
આ કાર્યક્રમમાં નીઆમાતી, વિશ્વનાથ ઘાટ, પાંડુ અને જોગીઘોપા એમ ચાર સ્થળોએ પર્યટન જેટ્ટીના બાંધકામ કાર્ય માટે શિલાન્યાસ વિધિ પણ સામેલ કરવામાં આવી છે. પર્યટન મંત્રાલય દ્વારા રૂ. 9.41 કરોડના ખર્ચે આ જેટ્ટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ જેટ્ટીઓના કારણે નદીઓમાં ક્રૂઝ પર્યટનને પ્રોત્સાહન મળશે અને તેના પરિણામે સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થશે તેમજ સ્થાનિક વ્યવસાયોમાં વિકાસ થશે.
આ કાર્યક્રમ અંતર્ગત જોગીઘોપા ખાતે કાયમી ધોરણે આંતરિક જળમાર્ગ પરિવહન ટર્મિનલનું બાંધકામ કરવામાં આવશે જે બહુ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક સાથે જોડાશે અને જોગીઘોપા ખાતે પણ આવશે. આ ટર્મિનલથી કોલકાતા અને હલ્દીઆ તરફના સિલિગુડી કોરિડોર પરનો ટ્રાફિક ઘટશે. તેનાથી પૂરની મોસમ દરમિયાન પણ મેઘાલય અને ત્રિપુરા જેવા પૂર્વોત્તરના વિવિધ રાજ્યો તેમજ ભૂતાન અને બાંગ્લાદેશ સુધી માલસામાનની હેરફેર કોઇપણ અવરોધ વગર થઇ શકે તેવી સુવિધા ઉભી થશે.
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ આગળ વધારવા માટે પ્રધાનમંત્રી બે ઇ-પોર્ટલનો પણ પ્રારંભ કરશે. કાર-ડી (કાર્ગો ડેટા) પોર્ટલમાં કાર્ગો અને ક્રૂઝનો ડેટા વાસ્તવિક સમયના ધોરણે એકત્રિત કરવામાં આવશે. PANI (અસ્કયામત અને દિશામાન માહિતી માટેનું પોર્ટલ) નદીમાં દિશામાન અને માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટેના વન-સ્ટોપ ઉકેલ તરીકે કામ કરશે.
ધુબરી ફુલબરી પુલ
પ્રધાનમંત્રી આ પ્રસંગે બ્રહ્મપુત્ર નદી પર ધુબરી (ઉત્તર કાંઠા તરફ) અને ફુલબરી (દક્ષિણ કાંઠા તરફ) વચ્ચે ચાર માર્ગી પુલનું નિર્માણ કાર્યનો શિલાન્યાસ કરશે. પ્રસ્તાવિત પુલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ- 127B પર હશે જેનો પ્રારંભ NH-27 (પૂર્વ-પશ્ચિમ કોરિડોર) પર શ્રીરામપુર ખાતેથી થાય છે અને મેઘાલય રાજ્યમાં NH-106 પર નોંગસ્ટોઇન ખાતે પૂરો થાય છે. તેનાથી આસામના ધુબરીને ફુલબરી, તુરા, રોંગ્રામ અને મેઘાલયના રોંગજેંગ સાથે જોડી શકાશે.
આ પુલનું નિર્માણ અંદાજે રૂપિયા 4997 કરોડા ખર્ચે કરવામાં આવશે. પુલ તૈયાર થઇ જવાથી નદીના બંને કાંઠાઓ વચ્ચે મુસાફરી કરવા માટે ફેરી સેવાઓ પર નિર્ભર રહેતા આસામ અને મેઘાલયના લોકોની ઘણાં લાંબા સમયથી પડતર રહેલી માંગ પૂરી થશે. તેના કારણે હાલમાં જમીન માર્ગે 205 કિમીનું અંતર કાપવું પડે છે તે ઘટીને 19 કિમી થઇ જશે જે આ પુલની કુલ લંબાઇ છે.
મજુલી પુલ
પ્રધાનમંત્રી બ્રહ્મપુત્ર પર મજુલી (ઉત્તર કાંઠા તરફ) અને જોર્હાટ (દક્ષિણ કાંઠા તરફ) દ્વી-માર્ગી પુલના બાંધકામનું ભૂમિપૂજન કરશે.
આ પુલ NH-715K પર તૈયાર થશે અને તે નીમાતીઘાટ (જોર્હાટ બાજુએ) અને કમલાબરી (મજુલી બાજુએ)ને જોડશે. મજુલીના જે લોકોને પેઢીઓથી આસામની મુખ્ય ભૂમિ સાથે જોડાવા માટે ફેરી સેવાઓ પર નિર્ભર રહેવું પડતું હતું તેઓ ખૂબ જ લાંબા સમયથી આ પુલના નિર્માણની માંગ કરી રહ્યાં હતા.