“જન ઔષધિ દિવસ”ના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7મી માર્ચે બપોરે 12:30 વાગ્યે જન ઔષધિ કેન્દ્રના માલિકો અને યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાર્તાલાપ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રીના સંબોધન પછી વાર્તાલાપ થશે. ઇવેન્ટની થીમ "જન ઔષધિ-જન ઉપયોગી" છે.
જેનેરિક દવાઓના ઉપયોગ અને જન ઔષધિ પરિયોજનાનાં ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા માટે 1લી માર્ચથી દેશભરમાં જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહમાં, જન ઔષધિ સંકલ્પ યાત્રા, માતૃ શક્તિ સન્માન, જન ઔષધિ બાલ મિત્ર, જન ઔષધિ જન જાગરણ અભિયાન, આઓ જન ઔષધિ મિત્ર બને અને જન ઔષધિ જન આરોગ્ય મેળા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
દવાઓને નાગરિકો માટે સસ્તી અને સુલભ બનાવવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ, હવે દેશભરમાં 8600થી વધુ જન ઔષધિ સ્ટોર્સ છે, જે લગભગ દરેક જિલ્લાને આવરી લે છે.