પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીના રોજ સાંજે 6.30 વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ 2021નું ઉદ્ઘાટન કરશે. આ સમિટનો વિષય છે – ‘આપણા સામાન્ય ભવિષ્યને નવેસરથી પરિભાષિત કરવું: તમામ માટે સલામત અને સુરક્ષિત પર્યાવરણ.’ આ પ્રસંગે ગયાનાના પ્રમુખ મહામહિમ ડો. મોહમ્મદ ઇરફાન અલી, પાપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રી માનનીય જેમ્સ મરાપે, પ્રજાસત્તાક માલ્દિવ્સની સંસદ પીપલ્સ મજલિસના અધ્યક્ષ શ્રી મોહમ્મદ નાશીદ, સંયુક્ત રાષ્ટ્રના નાયબ મહાસચિવ શ્રીમતી અમીના જે મોહમ્મદ તથા ભારતના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહેશે.
આ સમિટ વિશે
ધ એનર્જી એન્ડ રિસોર્સીસ ઇન્સ્ટિટ્યૂટ (ટેરી)ના મુખ્ય કાર્યક્રમ વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટની 20મી બેઠક 10થી 12 ફેબ્રુઆરી, 2021 સુધી ઓનલાઇન યોજાશે. આ સમિટમાં મોટી સંખ્યામાં સરકારના પ્રતિનિધિઓ, વ્યવસાયિક દિગ્ગજો, શિક્ષાવિદો, આબોહવા વિજ્ઞાનીઓ, આબોહવામાં લડાઈ સામે સહભાગી થયેલા યુવા પ્રતિનિધિઓ અને નાગરિક સમાજની સંસ્થાના પ્રતિનિધિઓ એકમંચ પર આવશે. ભારતના પર્યાવરણ, વન અને આબોહવા મંત્રાલય, નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આ સમિટમાં મુખ્ય પાર્ટનર્સ છે. આ સમિટ દરમિયાન ઊર્જા અને ઉદ્યોગની આગેકૂચ અને પરિવર્તન, સ્વીકાર્યતા અને સક્ષમતા, પર્યાવરણ આધારિત સમાધાનો, ક્લાઇમેટ ફાઇનાન્સ, સર્ક્યુલર ઇકોનોમી, સ્વચ્છ દરિયાઓ અને હવાનું પ્રદૂષણ જેવા વિષયો પર ચર્ચા થશે.