પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11મી જૂન, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને સંમેલન કેન્દ્ર પ્રગતિ મેદાન ખાતે પ્રથમવાર રાષ્ટ્રીય પ્રશિક્ષણ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધન કરશે.
પ્રધાનમંત્રી નાગરિક સેવાની ક્ષમતા નિર્માણ દ્વારા દેશમાં શાસન પ્રક્રિયા અને નીતિ અમલીકરણમાં સુધારો કરવાના હિમાયતી રહ્યા છે. આ વિઝન દ્વારા માર્ગદર્શન આપીને, યોગ્ય અભિગમ, કૌશલ્ય અને જ્ઞાન સાથે ભાવી માટે સજ્જ નાગરિક સેવા તૈયાર કરવા નાગરિક સેવાઓ ક્ષમતા નિર્માણ (NPCSCB)નો રાષ્ટ્રીય કાર્યક્રમ - 'મિશન કર્મયોગી' શરૂ કરવામાં આવ્યો હતો. આ કોન્ક્લેવ આ દિશામાં વધુ એક પગલું છે.
નાગરિક સેવા તાલીમ સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવા અને દેશભરના નાગરિક કર્મચારીઓ માટે તાલીમ માળખાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ક્ષમતા નિર્માણ આયોગ દ્વારા રાષ્ટ્રીય તાલીમ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય તાલીમ સંસ્થાઓ, રાજ્ય વહીવટી તાલીમ સંસ્થાઓ, પ્રાદેશિક અને ઝોનલ તાલીમ સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓ સહિતની તાલીમ સંસ્થાઓના 1500થી વધુ પ્રતિનિધિઓ કોન્ક્લેવમાં ભાગ લેશે. કેન્દ્ર સરકારના વિભાગો, રાજ્ય સરકારો, સ્થાનિક સરકારો, તેમજ ખાનગી ક્ષેત્રના નિષ્ણાતો ચર્ચામાં ભાગ લેશે.
આ વૈવિધ્યસભર મેળાવડો વિચારોના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપશે, સામનો કરવામાં આવી રહેલા પડકારો અને ઉપલબ્ધ તકોને ઓળખશે અને ક્ષમતા નિર્માણ માટે કાર્યક્ષમ ઉકેલો અને વ્યાપક વ્યૂહરચના પેદા કરશે. કોન્ક્લેવમાં આઠ પેનલ ચર્ચાઓ થશે, જેમાં પ્રત્યેક સિવિલ સર્વિસીસ તાલીમ સંસ્થાઓને સંબંધિત મુખ્ય ચિંતાઓ જેમ કે ફેકલ્ટી ડેવલપમેન્ટ, ટ્રેનિંગ ઈમ્પેક્ટ એસેસમેન્ટ અને કન્ટેન્ટ ડિજિટાઈઝેશન વગેરે પર ધ્યાન કેન્દ્રીત કરાશે.