પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીનાં રોજ બપોરે 12 વાગ્યે સર્વોચ્ચ અદાલતનાં ઓડિટોરિયમમાં ભારતની સર્વોચ્ચ અદાલતની ડાયમંડ જ્યુબિલીની ઉજવણીનું ઉદઘાટન કરશે.
સર્વોચ્ચ અદાલતના પંચોતેરમા વર્ષનું અનાવરણ કરીને પ્રધાનમંત્રી નાગરિક કેન્દ્રિત માહિતી અને ટેકનોલોજીની પહેલોનો શુભારંભ કરશે, જેમાં ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ (ડિજિ એસસીઆર), ડિજિટલ કોર્ટ 2.0 અને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટ સામેલ છે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.
ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ (એસસીઆર) સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ દેશના નાગરિકોને વિના મૂલ્યે અને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવશે. ડિજિટલ એસસીઆરની મુખ્ય વિશેષતાઓ એ છે કે 1950થી અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટના અહેવાલોના તમામ 519 વોલ્યુમ, જેમાં 36,308 કેસોને આવરી લેવામાં આવ્યા છે, તે ડિજિટલ ફોર્મેટમાં, બુકમાર્ક, યુઝર ફ્રેન્ડલી અને ઓપન એક્સેસ સાથે ઉપલબ્ધ થશે.
ડિજિટલ કોર્ટ 2.0 એપ્લિકેશન એ ઇ-કોર્ટ પ્રોજેક્ટ હેઠળ તાજેતરની પહેલ છે, જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જિલ્લા અદાલતોના ન્યાયાધીશોને કોર્ટના રેકોર્ડ્સ ઉપલબ્ધ કરાવવા માટે છે. આને કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ)ના ઉપયોગ સાથે જોડીને વાસ્તવિક સમયના આધારે ટેક્સ્ટમાં વાણીનું લખાણ કરવા માટે કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી સુપ્રીમ કોર્ટની નવી વેબસાઈટ પણ લોન્ચ કરશે. નવી વેબસાઇટ અંગ્રેજી અને હિન્દીમાં દ્વિભાષી ફોર્મેટમાં હશે અને તેને યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ સાથે ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે.