પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 11 કલાકે કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવન્યુ ખાતે સંરક્ષણ કાર્યાલય સંકુલનું ઉદ્ઘાટન કરશે. તેઓ આફ્રિકા એવન્યુ ખાતે સંરક્ષણ કાર્યાલય સંકુલની મુલાકાત લેશે અને સેના, નૌકાદળ, વાયુસેના અને નાગરિક અધિકારીઓ સાથે સંવાદ કરશે. આ પછી સભામાં સંબોધન કરશે.
નવા સંરક્ષણ કાર્યાલય સંકુલ વિશે:
નવા સંરક્ષણ કાર્યાલય સંકુલમાં સંરક્ષણ મંત્રાલય અને સશસ્ત્ર દળોના લગભગ 7,000 અધિકારીઓ સમાવિષ્ટ થશે, જેમાં સેના, નૌકાદ અને વાયુસેનાનો સમાવેશ થાય છે. ભવનો આધુનિક, સુરક્ષિત અને કાર્યાત્મક કાર્યકારી જગ્યાઓ પ્રદાન કરશે. ભવન કામગીરીનું સંચાલન કરવા માટે એક સંકલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જ્યારે બંને ભવનોની સલામતી અને સર્વેલન્સ માટે અંત સુધી ધ્યાન રાખવામાં આવ્યું છે.
નવું સંરક્ષણ કાર્યાલય સંકુલ અત્યાધુનિક અને ઉર્જા કાર્યક્ષમ છે, જેમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થાપન પગલાં લેવામાં આવ્યા છે. આ ભવનોની નિર્ધારિત સુવિધાઓમાંની એક LGSF (લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ) નામની નવી અને ટકાઉ બાંધકામ તકનીકનો ઉપયોગ છે, જે પરંપરાગત RCC બાંધકામના કિસ્સામાં બાંધકામના સમયને 24-30 મહિનાથી ઘટાડી દીધો છે. ભવન સંસાધન કાર્યક્ષમ હરિત તકનીકનો ઉપયોગ કરે છે અને પર્યાવરણને અનુકૂળ પ્રથાઓને પ્રોત્સાહન આપે છે.
ઉદ્ઘાટન સમારોહમાં સંરક્ષણ મંત્રી, આવાસ અને શહેરી બાબતોના મંત્રી, સંરક્ષણ રાજ્યમંત્રી, આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને સશસ્ત્ર દળોના વડાઓ ઉપસ્થિત રહેશે.