પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 નવેમ્બર 2020ના રોજ સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંસદસભ્યો માટે બનેલા બહુમાળી આવાસનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા પણ ઉપસ્થિત રહેશે.
આ આવાસ નવી દિલ્હીના ડૉ. બી. ડી. માર્ગ પર સ્થિત છે. 80 વર્ષથી વધુ જૂનાં આઠ બંગલાનું પુન:નિર્માણ કરી 76 આવાસ બનાવવામાં આવ્યા છે. કોવિડ –19 ની અસર હોવા છતાં મંજુર થયેલ ખર્ચથી લગભગ 14 ટકાની બચત સાથે બહુ ઓછા સમયમાં આ ફ્લેટનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
બાંધકામમાં ગ્રીન બિલ્ડિંગની અનેક પહેલનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ફ્લાય એશ તથા વિધ્વંસ કરેલી ઇમારતોના કાટમાળમાંથી બનાવેલ ઇંટો, થર્મલ ઇન્સ્યુલેશન અને ઉર્જા કાર્યક્ષમતા માટે ડબલ ગ્લાઝ્ડ વિંડોઝ, કાર્યક્ષમ એલઇડી લાઇટ ફિટિંગ્સ, લાઇટ કંટ્રોલ માટે ઓક્યુપેન્સી આધારિત સેન્સર, વીઆરવી વાળા એર કંડિશનરનો સમાવેશ થાય છે. ઓછા વીજ વપરાશ માટે સિસ્ટમ, પાણીના બચાવ માટે નીચા પ્રવાહના ફિક્સર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને છત ઉપર સોલાર પ્લાન્ટ મૂકવામાં આવેલ છે.