પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન - વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબલ્યુટીએસએ) 2024નું ઉદઘાટન કરશે.
પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024ની 8મી એડિશનનું ઉદઘાટન પણ કરશે.
ડબલ્યુટીએસએ ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન, યુનાઇટેડ નેશન્સ એજન્સી ફોર ડિજિટલ ટેકનોલોજીસના સ્ટાન્ડર્ડાઇઝેશન કાર્ય માટેની ગવર્નિંગ કોન્ફરન્સ છે, જે દર ચાર વર્ષે આયોજિત કરવામાં આવે છે. આ પહેલીવાર છે જ્યારે આઇટીયુ-ડબલ્યુટીએસએનું આયોજન ભારત અને એશિયા-પેસિફિકમાં કરવામાં આવશે. આ મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઇવેન્ટ છે, જે ટેલિકોમ, ડિજિટલ અને આઇસીટી ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા 190થી વધારે દેશોના 3,000થી વધારે ઉદ્યોગજગતના અગ્રણીઓ, નીતિઘડવૈયાઓ અને ટેક નિષ્ણાતોને એકમંચ પર લાવશે.
ડબલ્યુટીએસએ 2024 દેશોને 6જી, એઆઇ, આઇઓટી, બિગ ડેટા, સાયબર સિક્યોરિટી વગેરે જેવી આગામી પેઢીની મહત્વપૂર્ણ ટેકનોલોજીના ધોરણોના ભવિષ્ય પર ચર્ચા કરવા અને નક્કી કરવા માટે એક મંચ પ્રદાન કરશે. ભારતમાં આ ઇવેન્ટનું આયોજન કરવાથી દેશને વૈશ્વિક ટેલિકોમ એજન્ડાને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક મળશે અને ભવિષ્યની ટેકનોલોજીનો માર્ગ નક્કી થશે. ભારતીય સ્ટાર્ટઅપ્સ અને સંશોધન સંસ્થાઓ બૌદ્ધિક સંપત્તિ અધિકારો અને માનક આવશ્યક પેટન્ટ્સના વિકાસની નિર્ણાયક આંતરદૃષ્ટિ મેળવવા માટે તૈયાર છે.
ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024 ભારતની ઇનોવેશન ઇકોસિસ્ટમને પ્રદર્શિત કરશે, જ્યાં અગ્રણી ટેલિકોમ કંપનીઓ અને નવીનતાઓ ક્વોન્ટમ ટેકનોલોજી અને સર્ક્યુલર ઇકોનોમીમાં થયેલી પ્રગતિને પ્રકાશિત કરશે, સાથે સાથે 6જી, 5જી યુઝ-કેસ શોકેસ, ક્લાઉડ એન્ડ એજ કમ્પ્યુટિંગ, આઇઓટી, સેમિકન્ડક્ટર્સ, સાયબર સિક્યોરિટી, ગ્રીન ટેક, સેટકોમ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
એશિયાનું સૌથી મોટું ડિજિટલ ટેકનોલોજી ફોરમ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ, ટેકનોલોજી અને ટેલિકોમ ઇકોસિસ્ટમમાં ઉદ્યોગ, સરકાર, શિક્ષણવિદો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય મુખ્ય હિસ્સેદારો માટે નવીન ઉકેલો, સેવાઓ અને અત્યાધુનિક ઉપયોગના કેસો પ્રદર્શિત કરવા માટે વિશ્વભરમાં જાણીતું પ્લેટફોર્મ બની ગયું છે. ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024માં 400થી વધારે પ્રદર્શકો, આશરે 900 સ્ટાર્ટઅપ્સ અને 120થી વધારે દેશોની ભાગીદારી પ્રદર્શિત થશે. આ ઇવેન્ટનો ઉદ્દેશ 900થી વધારે ટેકનોલોજી યુઝ કેસનાં દૃશ્યો પ્રદર્શિત કરવાનો, 100થી વધારે સત્રોનું આયોજન કરવાનો અને 600થી વધારે વૈશ્વિક અને ભારતીય વક્તાઓ સાથે ચર્ચા કરવાનો છે.