શહીદ દિવસના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી માર્ચે વિક્ટોરિયા મેમોરિયલ હોલ, કોલકાતા ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંજે 6 વાગ્યે બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.
આ ગેલેરી સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓના યોગદાન અને બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામેના તેમના સશસ્ત્ર પ્રતિકારને દર્શાવે છે. સ્વાતંત્ર્ય ચળવળના મુખ્ય પ્રવાહના વર્ણનમાં આ પાસાને ઘણીવાર તેનું યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. આ નવી ગેલેરીનો હેતુ 1947 સુધીની ઘટનાઓનું સર્વગ્રાહી દૃષ્ટિકોણ પ્રદાન કરવાનો અને ક્રાંતિકારીઓ દ્વારા ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરવાનો છે.
બિપ્લોબી ભારત ગેલેરી રાજકીય અને બૌદ્ધિક પૃષ્ઠભૂમિને દર્શાવે છે જેણે ક્રાંતિકારી ચળવળને વેગ આપ્યો. તે ક્રાંતિકારી ચળવળનો જન્મ, ક્રાંતિકારી નેતાઓ દ્વારા નોંધપાત્ર સંગઠનોની રચના, ચળવળનો ફેલાવો, ભારતીય રાષ્ટ્રીય સેનાની રચના, નૌકા વિદ્રોહનું યોગદાન વગેરે દર્શાવે છે.