ભારત સરકારે જાહેરાત કરી છે કે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવામં આવશે. આ અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાંચી ખાતે 15મી નવેમ્બરે સવારે 9:45 કલાકે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું ઉદઘાટન કરશે.
પ્રધાનમંત્રીએ હંમેશા આદિવાસી સમુદાયોનાં યોગદાન, ખાસ જરીને ભારતીય સ્વતંત્રતા સંગ્રામ કાજે એમનાં બલિદાન પર ભાર મૂક્યો છે. 2016માં પોતાના સ્વતંત્રતા દિવસના ઉદબોધનમાં તેમણે ભારતની આઝાદીના સંઘર્ષમાં આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓએ ભજવેલી ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને વીર આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓની સ્મૃતિમાં સમર્પિત સંગ્રહાલયોનાં નિર્માણની કલ્પના કરી હતી જેથી આવનારી પેઢીઓ દેશ માટે એમનાં બલિદાન વિશે જાણી શકે. આદિવાસી બાબતોનાં મંત્રાલયે અત્યાર સુધીમાં દસ આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયોનાં નિર્માણને મંજૂરી આપી છે. આ સંગ્રહાલયો વિવિધ રાજ્યો અને પ્રદેશોથી આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓની સ્મૃતિને હ્રદયમાં સાચવશે.
ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય રાંચીમાં ભગવાન બિરસા મુંડાએ જ્યાં પોતાનાં જીવનનું બલિદાન આપ્યું એ જૂની મધ્યસ્થ જેલ ખાતે ઝારખંડની રાજ્ય સરકાર સાથે સહયોગમાં નિર્માણ પામ્યું છે. તે દેશ માટે અને આદિવાસી સમુદાયો માટે એમનાં બલિદાનને શ્રદ્ધાંજલિ તરીકે સેવા આપશે. આ સંગ્રહાલય આદિવાસી સંસ્કૃતિ અને ઇતિહાસને સાચવવા અને એને ઉત્તેજન આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આદિવાસીઓએ જે રીતે એમનાં વન, જમીન અધિકારો, એમની સંસ્કૃતિના રક્ષણ માટે સંઘર્ષ કર્યો એ પથનું પણ નિદર્શન કરશે અને દેશ માટે મહત્વના એવાં એમની વીરતા અને બલિદાનોને પ્રદર્શિત કરશે.
ભગવાન બિરસા મુંડાની સાથે આ સંગ્રહાલય શહીદ બુધુ ભગત, સિંધુ-કાંહુ, નિલાંબર-પીતાંબર, દિવા-કિસુન, તેલંગા ખાડિયા, ગયા મુંડા, જાત્રા ભગત, પોટો એચ, ભગીરથ માંઝી, ગંગા નારાયણ સિંહ જેવી અન્ય આદિવાસી ચળવળો સાથે સંકળાયેલા અન્ય આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓને પણ ઉજાગર કરશે. આ સંગ્રહાલયમાં ભગવાન બિરસા મુંડાની 25 ફિટની પ્રતિમા અને પ્રદેશના અન્ય સ્વતંત્રતા સેનાનીઓની 9 ફિટની પ્રતિમા પણ હશે.
સ્મૃતિ ઉદ્યાન નજીકના 25 એકરમાં વિકસાવાયું છે અને એમાં સંગીતમય ફૂવારો, ફૂડ કૉર્ટ, ચિલ્ડ્રન પાર્ક, ઇનફિનિટી પૂલ, ગાર્ડન અને મનોરંજનની અન્ય સુવિધાઓ હશે.
કેન્દ્રીય આદિવાસી બાબતોના મંત્રી પણ આ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત રહેશે.