પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર 2021ના રોજ દહેરાદૂનની મુલાકાત લેશે અને બપોરે લગભગ 1 વાગ્યે રૂપિયા 18,000 કરોડના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે તેમજ શિલાન્યાસ કરશે. આ મુલાકાત દરમિયાન માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા પર નોંધપાત્ર રીતે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે, જેનાથી આ પ્રદેશમાં મુસાફરી વધુ સરળ અને સલામત બનશે તેમજ તેના કારણે પર્યટનમાં વૃદ્ધિ થશે. અત્યાર સુધી દૂરસ્થ માનવામાં આવતા હતા તેવા વિસ્તારોમાં કનેક્ટિવિટીને વેગ આપવા માટેની પ્રધાનમંત્રીની દૂરંદેશને અનુરૂપ આ પરિયોજનાઓ હાથ ધરવામાં આવી છે.
પ્રધાનમંત્રી અગિયાર વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આમાં દિલ્હી-દહેરાદૂન ઇકોનોમિક કોરિડોર (ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે જંકશનથી દહેરાદૂન સુધી) સામેલ છે. તેનું નિર્માણ અંદાજે રૂપિયા 8300 કરોડના ખર્ચે કરવામાં આવશે. આનાથી દિલ્હી અને દહેરાદૂન વચ્ચે હાલમાં મુસાફરીનો 6 કલાકનો સમય ઘટીને લગભગ 2.5 કલાક થઇ જશે. તેમાં હરિદ્વાર, મુઝફ્ફરનગર, શામલી, યમુનાનગર, બાગપત, મેરઠ અને બેરૌત સાથે કનેક્ટિવિટી માટે સાત મુખ્ય ઇન્ટરચેન્જ સામેલ રહેશે. આ વિસ્તારમાં વન્યજીવોની હિલચાલમાં કોઇ ખલેલ ના પડે તે માટે તેમાં એશિયાનો સૌથી મોટો વાઇલ્ડલાઇફ એલિવેટેડ કોરિડોર (12 કિમીનો) રહેશે. તેમજ દહેરાદૂનમાં દતકાલી મંદિરની નજીક 340 મીટર લાંબી સુરંગ રહેશે જેનાથી વન્યજીવો પર પડતા પ્રભાવમાં ઘટાડો થશે. આ ઉપરાંત, ગણેશપુર- દહેરાદૂન વિભાગમાં પાણીઓને આવનજાવન માટે બહુવિધ એનિમલ પાસ તૈયાર કરવામાં આવશે જેથી પ્રાણીઓ અને વાહનો વચ્ચે ટક્કરની ઘટનાઓ ટાળી શકાય. દિલ્હી- દહેરાદૂન ઇકોનોમિક કોરિડોરમાં દરેક 500 મીટરના અંતરાલે વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા અને 400 કરતાં વધારે વોટર રિચાર્જ પોઇન્ટ્સ પણ તૈયાર કરવામાં આવશે.
દિલ્હી- દહેરાદૂન ઇકોનોમિક કોરિડોરમાં શહારનપુરના હાલગોઆથી હરિદ્વારના બહદ્રાબાદને જોડતી ગ્રીનફિલ્ડ સંરેખણ પરિયોજનાનું બાંધકામ રૂપિયા 2000 કરોડ કરતાં વધારે ખર્ચે થશે. તેનાથી દિલ્હીથી હરિદ્વાર વચ્ચે પણ અવિરત કનેક્ટિવિટી પ્રાપ્ત થશે અને મુસાફરીનો સમય ઘટી જશે. મનોહરપુરથી કાંગરી સુધીની હરિદ્વાર રિંગરોડ પરિયોજનાનું નિર્માણ રૂપિયા 1600 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે, જે હરિદ્વાર શહેરમાં રહેવાસીઓને ટ્રાફિકની ભીડમાંથી રાહત આપશે જેમાં ખાસ કરીને પર્યટકોની સંખ્યા સૌથી વધારે હોય તેવી મોસમમાં રાહત મળશે તેમજ કુમાઉ ઝોન સાથે બહેતર કનેક્ટિવિટી પણ થઇ શકશે.
દહેરાદૂન – પાઓંતા સાહિબ (હિમાચલ પ્રદેશ) માર્ગ પરિયોજનાનું નિર્માણ અંદાજે રૂપિયા 1700 કરોડના ખર્ચે કરવામાં આવશે. આનાથી બંને સ્થળો વચ્ચે અવિરત કનેક્ટિવિટી પ્રાપ્ત થશે અને મુસાફરીના સમયમાં પણ ઘટાડો થઇ જશે. આના કારણે આંતર રાજ્ય પર્યટનમાં પણ વધારો થશે. નાઝિમાબાદ – કોટદ્વાર માર્ગ વિસ્તરણ પરિયોજનાથી પણ મુસાફરીનો સમય ઘટી જશે અને લેન્સડાઉન સાથેની કનેક્ટિવિટીમાં સુધારો આવશે.
લક્ષ્મણ જુલા પછી ગંગા નદી પર પુલનું નિર્માણ પણ કરવામાં આવશે. વિશ્વ પ્રસિદ્ધ લક્ષ્મણ જુલાનું બાંધકામ વર્ષ 1929માં કરવામાં આવ્યું હતું પરંતુ હવે તેનું ભાર વહન કરવાની ક્ષમતા ઘટી ગઇ હોવાથી તેને બંધ કરી દેવામાં આવ્યો છે. નવા નિર્માણ થનારા પુલમાં પગપાળા જતા લોકો માટે ગ્લાસ ડેકની વ્યવસ્થા કરવામાં આવશે અને હળવા વજનના વાહનોને પણ આવનજાવનની મંજૂરી આપવામાં આવશે.
પ્રધાનમંત્રી દહેરાદૂનમાં બાળકોને મુસાફરી કરવા માટે સલામત માર્ગોનું નિર્માણ કરીને બાળકો માટે અનુકૂળ શહેર બનાવવાના ઉદ્દેશથી ચાઇલ્ડ ફ્રેન્ડલી સિટી પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. દહેરાદૂનમાં રૂપિયા 700 કરોડના ખર્ચે જળ પૂરવઠા, માર્ગ અને ડ્રેનેજને લગતી વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.
સ્માર્ટ આધ્યાત્મિક નગરોનો વિકાસ કરવા અને પર્યટન સંબંધિત માળખાકીય સુવિધાઓ અપગ્રેડ કરવા માટે પ્રધાનમંત્રીની દૂરંદેશીને અનુરૂપ, શ્રી બદ્રીનાથધામ અને ગંગોત્રી- યમુનોત્રી ધામ ખાતે માળખાકીય સુવિધાઓના વિકાસ કાર્યો માટે પણ શિલાન્યાસ કરવામાં આવશે. આ ઉપરાંત, રૂપિયા 500 કરોડ કરતાં વધારે ખર્ચે હરિદ્વારમાં નવી મેડિકલ કોલેજનું પણ નિર્માણ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી આ મુલાકાત દરમિયાન સાત પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરશે, જેમાં આ પ્રદેશમાં કાયમી ભૂસ્ખલનની સમસ્યાનો સામનો કરી રહેલા વિસ્તારોમાં મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હોય તેવી પરિયોજનાઓ પણ સામેલ છે. આ પરિયોજનામાં લંબાગઢ (જે બદ્રીનાથધામના માર્ગમાં આવે છે) ખાતે ભૂસ્ખલન ઘટાડવાની પરિયોજના અને NH-58 પર સકનીધર, શ્રીનગર અને દેવપ્રયાગમાં કાયમી ભૂસ્ખલન ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે. કાયમી ભૂસ્ખલન ઝોનમાં લંબાગઢ ભૂસ્ખલન શમન પરિયોજનામાં રેઇનફોર્સ્ડ અર્થવોલ અને રોકફોલ અવરોધોનું નિર્માણ કરવાનું સામેલ છે. આ પરિયોજનાનું સ્થળ તેના વ્યૂહાત્મક મહત્વમાં વધુ ઉમેરો કરે છે.
તેમજ, દેવપ્રયાગથી શ્રીકોટ સુધીના માર્ગ વિસ્તરણની પરિયોજના અને ચારધામ કનેક્ટિવિટી પરિયોજના હેઠળ NH-58 પર બ્રહ્મપુરીથી કોડિયાલા વચ્ચેના માર્ગની પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યાં છે.
યમુના નદી પર રૂપિયા 1700 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલી 120 MWની વ્યાસી જળવિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને દહેરાદૂન ખાતે હિમાલયન સાંસ્કૃતિક કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે. હિમાલયન સાંસ્કૃતિક કેન્દ્ર રાજ્ય સ્તરનું સંગ્રહાલય છે જેમાં 800 બેઠકોનો સભાખંડ, પુસ્તકાલય, કોન્ફરન્સ હોલ વગેરે છે. આનાથી લોકોને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અનુસરવામાં અને રાજ્યના સાંસ્કૃતિક વારસામાં ભાગ લેવામાં મદદ મળી શકશે.
પ્રધાનમંત્રી દહેરાદૂનમાં અદ્યતન પરફ્યુમરી અને અરોમા લેબોરેટરી (સુગંધિદાર છોડ કેન્દ્ર)નું પણ ઉદ્ઘાટન કરશે. અહીં હાથ ધરવામાં આવેલા સંશોધન પરફ્યૂમ, સાબુ, સેનિટાઇઝર, એર ફ્રેશનર, અગરબત્તી વગેરે સહિત વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવામાં ઉપયોગી પુરવાર થશે અને તેનાથી આ પ્રદેશમાં સંલગ્ન ઉદ્યોગો પણ સ્થાપી શકાશે. સુગંધિદાર છોડની ઉચ્ચ ઉપજ આપતી અદ્યતન પ્રજાતિઓ વિકસાવવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.