પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ઓક્ટોબર, 2023ના રોજ મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં 141માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) સત્રનું ઉદઘાટન કરશે.
આઇઓસીનું સત્ર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી)ના સભ્યોની મહત્વની મિટિંગ તરીકેની જવાબદારી સંભાળે છે. આઇઓસીના સત્રોમાં ઓલિમ્પિક રમતોના ભવિષ્યને લગતા મહત્વના નિર્ણયો લેવામાં આવે છે. ભારત બીજી વખત અને લગભગ ૪૦ વર્ષના ગાળા પછી આઇઓસી સત્રનું આયોજન કરી રહ્યું છે. આઇઓસીનું ૮૬મું સત્ર છેલ્લે ૧૯૮૩ માં નવી દિલ્હીમાં યોજાયું હતું.
ભારતમાં આયોજિત 141મું આઇઓસી સત્ર, વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવા, રમતગમતની ઉત્કૃષ્ટતાની ઉજવણી કરવા અને મિત્રતા, આદર અને ઉત્કૃષ્ટતાના ઓલિમ્પિક આદર્શોને આગળ વધારવા માટે રાષ્ટ્રના સમર્પણને મૂર્તિમંત કરે છે. તે વિવિધ રમતો સંબંધિત હિસ્સેદારો વચ્ચે ઈન્ટરએક્શન અને જ્ઞાન વહેંચણી માટેની તક પૂરી પાડે છે.
આ સેશનમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ શ્રી થોમસ બાચ તેમજ આઇઓસીના અન્ય સભ્યોની સાથે ભારતની અગ્રણી સ્પોર્ટસ હસ્તીઓ અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન સહિતના વિવિધ સ્પોર્ટસ ફેડરેશનોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે.